Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પ્રેમ, ફરજ અને સાહસનો અકલ્પનીય સમન્વય

પ્રેમ, ફરજ અને સાહસનો અકલ્પનીય સમન્વય

Published : 25 January, 2023 04:56 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

બ્રિટિશ સિક્યૉરિટી સર્વિસ માટે ડ્યુટી કરીને પછી લેખક બનેલા ‘ધ નાઇટ મૅનેજર’ લખનારા ડેવિડ કૉર્નવેલની ઇચ્છા તો આ નૉવેલ પરથી ફિલ્મ બને એવી હતી અને એની પૂર્વતૈયારીરૂપે તેમણે નૉવેલ લખ્યા પછી આઠ વનલાઇન પણ રેડી કરી લીધી હતી, પણ...

‘ધ નાઇટ મૅનેજર’ અને ડેવિડ કૉર્નવેલ

બુક ટૉક

‘ધ નાઇટ મૅનેજર’ અને ડેવિડ કૉર્નવેલ


એવું ચોક્કસ બને કે ડિફેન્સ સાથે જોડાયેલી વ્યક્તિ પોતાના અનુભવોના આધારે બે-ચાર પુસ્તકો લખે કે પછી પોતાના કાર્યકાળ દરમ્યાન જો વૉર થયું હોય તો એનાં સંસ્મરણો લખે, પણ બ્રિટિશ રાઇટર ડેવિડ કૉર્નવેલને આ વાત લાગુ નથી પડતી. તેમણે પોતાના અનુભવોના આધારે એવી અદ્ભુત ફિક્શન લખી જેની કોઈએ કલ્પના સુધ્ધાં ન કરી હોય. ડેવિડ કૉર્નવેલની કોઈ બુક વિશે વાત કરતાં પહેલાં એક અગત્યની સ્પષ્ટતા કરવાની.


આ બ્રિટિશ રાઇટરે પચાસ અને સાઠના દશકમાં બ્રિટનની સૌથી અગત્યની કહેવાય એવી સિક્યૉરિટી સર્વિસ MI5 અને MI6 એમ બન્ને ગ્રુપમાં કામ કર્યું અને પોતાના આ કાર્યકાળ માટે તેમણે બ્રિટિશ ગવર્નમેન્ટના અઢળક અવૉર્ડ્સ પણ મેળવ્યા. હજી હમણાં જ, કોરોનાકાળ શરૂ થયો એ દરમ્યાન જ તેમનો દેહાંત થયો. પોતાની સિક્યૉરિટી સર્વિસની ડ્યુટી દરમ્યાન તેમણે કરેલાં કાર્યોનો ઉપયોગ ક્યાંય તે ફિક્શનમાં ન કરી શકે એ માટે બ્રિટિશ ગવર્નમેન્ટે ડેવિડ કૉર્નવેલને વિનંતી (હા, રિક્વેસ્ટ) કરી હતી કે તે પોતાના ઓરિજિનલ નામથી કોઈ ફિક્શન ન લખે અને ડેવિડે એ વિનંતીને માન્ય રાખીને પોતે લખેલી ત્રીસથી વધારે સ્પાય-નૉવેલ એટલે કે જાસૂસી કથાઓ જૉન લે કૅરના નામે લખી. બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યુમાં ડેવિડે કહ્યું હતું કે ‘મારા માટે મારું પૅશન્સ મહત્ત્વનું છે. કયા નામે અને કયા ટાઇટલ સાથે મારાં સર્જનો ઓળખાશે એ તો એની પૉપ્યુલરિટીના આધારે નક્કી થશે. બાકી જો હું સારું નહીં લખું તો ઓરિજિનલ નામે લખીશ તો પણ લોકો મને ક્રિટિસાઇઝ જ કરશે અને ખોટા નામે લખીશ તો મારી સાચી ઓળખ જાણીને પણ ગાળો આપવા તેઓ મારા ઘરે જ આવશે.’
ડેવિડે પોતાની આ જ ફિલોસૉફી નૉવેલ ‘ધ નાઇટ મૅનેજર’માં પણ લખી છે. ડેવિડે આ નૉવેલમાં લખ્યું છે, ‘ડ્યુટી સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પછી એ તમે સાચા નામે કરો કે ખોટાં નામે, ડ્યુટીમાં કોઈ ચેન્જ ન આવવો જોઈએ.’



‘ધ નાઇટ મૅનેજર’માં પણ આ જ વાત કેન્દ્રસ્થાને છે.


આ પણ વાંચો :  વિચારો એ જ થવાનું હોય તો નાનું વિચારવું જ શું કામ?

જાતઅનુભવ અને પોતાના વિચારો | ‘ધ નાઇટ મૅનેજર’માં જે ફિલોસૉફી વ્યક્ત થઈ છે એ ફિલોસૉફી ડેવિડની પોતાની જ છે એવું ડેવિડ સ્વીકારી ચૂક્યા છે. પોતાના એક ટીવી-ઇન્ટરવ્યુમાં ડેવિડે કહ્યું હતું કે ‘ડ્યુટી પર અમને બે જ વાત શીખવવામાં આવતી. એક, કોઈ પણ ભોગે દેશનું અહિત થવું ન જોઈએ અને બીજું, કામ થવું જોઈએ; ભલે પછી ચાહે એ માટે તમારે જીવ ન આપવો પડે, કારણ કે વ્યક્તિ એ જ યાદ રહે છે જે પોતાની ફરજ પૂરી કરે છે.’


‘ધ નાઇટ મૅનેજર’ લખતી વખતે ડેવિડ કૉર્નવેલે ધ્યાનમાં એક જ વાત રાખી હતી કે સ્ટોરી ભૂલથી પણ જેમ્સ બૉન્ડ સિરીઝની બનીને ન રહે અને એ કામમાં તેમણે રાખેલી ચીવટ ખરેખર કાબિલે તારીફ હતી. ‘ધ નાઇટ મૅનેજર’ વાંચતી વખતે દૂર-દૂર સુધી ક્યાંય તમને જેમ્સ બૉન્ડ દેખાતો નથી અને એ જ એની ખૂબી છે. દરેક પેજ પર વાંચનારી વ્યક્તિના શ્વાસ અધ્ધર થાય છે અને દરેક નવા ચૅપ્ટર પર તે હુક-પૉઇન્ટ સાથે પહોંચે છે. ડેવિડ કૉર્નવેલે કહ્યું હતું કે ‘બહુ નાના સમય માટે મેં પણ આ ડ્યુટી નિભાવી છે એટલે મને ખબર હતી કે આ કામ કરતી વખતે કયા પ્રકારના પ્રૉબ્લેમ આવીને ઊભા રહે છે. એ પ્રૉબ્લેમ અને મનમાં આવેલા નવા પ્રૉબ્લેમ એ બધાના મિક્સ્ચરથી જ ‘ધ નાઇટ મૅનેજર’ ઊભી થઈ છે.’

બીબીસી થયું આફરીન | ‘ધ નાઇટ મૅનેજર’નો ઘાટ એટલો સુંદર ઘડાયો હતો કે એ વાંચીને બીબીસીની ક્રીએટિવ ટીમે ઇમ્પ્રેસ થઈને નૉવેલ પરથી આઠ-આઠ એપિસોડની બે સિરીઝ બનાવી જેના પરથી આવતા સમયમાં હિન્દીમાં બનેલી વેબ-સિરીઝ રિલીઝ થશે. હિન્દીમાં બનેલી વેબ-સિરીઝમાં અનિલ કપૂર અને આદિત્ય રૉય કપૂર જેવા કલાકારો છે. ડેવિડ કૉર્નવેલની ઇચ્છા તો ‘ધ નાઇટ મૅનેજર’ પરથી ફિલ્મ બને એવી હતી, પણ એ શક્ય બન્યું નહીં. ફિલ્મના હેતુથી જ ‘ધ નાઇટ મૅનેજર’ એક જ વિષયને આગળ વધારીને ડેવિડે આઠથી વધારે વનલાઇન પણ રેડી રાખી. ડેવિડની ઇચ્છા એ વનલાઇનને પણ નૉવેલ તરીકે ડેવલપ કરવાની હતી, પણ બીજાં કામો વચ્ચે ‘ધ નાઇટ મૅનેજર’ આગળ વધી નહીં અને એ એક જ નૉવેલ પબ્લિશ થઈ.

ડેવિડ કૉર્નવલે લખેલી મોટા ભાગની નૉવેલનાં વખાણ થયાં છે, પણ જે રીતે ‘ધ નાઇટ મૅનેજર’ના સબ-પ્લૉટ ડેવલપ થયા છે એ જોતાં ક્રિટિક્સથી લઈને કૉમન મૅન સુધ્ધાંમાં એ નૉવેલ જબરદસ્ત પૉપ્યુલર થઈ. 

૧૪ ભાષામાં પબ્લિશ થયેલી આ નૉવેલની સૌથી મોટી ખાસિયત એ છે કે એ સંપૂર્ણ પ્રોફેશનલ દૃષ્ટિકોણથી લખવામાં આવી અને એ પછી પણ વાસ્તવિક મિશન દરમ્યાન રાખવામાં આવતા ધ્યાનને સહેજ પણ સાઇડલાઇન કરવામાં આવ્યું નહીં.

સ્ટોરી શૉર્ટકટ

૧૯૯૩માં પબ્લિશ થયેલી ‘ધ નાઇટ મૅનેજર’ની વાત જોનથન પાઇન નામની એક એવી વ્યક્તિની છે જે આર્મીમાંથી રિટાયર થઈને હવે હોટેલમાં નાઇટ શિફ્ટ બજાવતા મૅનેજરની જવાબદારી સંભાળે છે. જોનથનની હોટેલમાં રિચર્ડ રોપર નામનો દુનિયાનો સૌથી મોટો આર્મ-ડીલર પોતાની ફૅમિલી સાથે આવવાનો છે. આ રિચર્ડ પર બ્રિટિશ ગવર્નમેન્ટની પણ નજર છે, પરંતુ તેને પકડવાનું કામ આસાન નથી. રિચર્ડે એવી ગોઠવણ કરી છે કે જો તેને પકડવામાં આવે તો અડધા જ કલાકમાં દુનિયાભરમાં બ્લાસ્ટ શરૂ થઈ જાય. આ જ કારણે બ્રિટિશ ગવર્નમેન્ટ ટૅક્ટફુલી રિચર્ડને પકડવા માગે છે અને એ માટે એ જોનથનની હેલ્પ લે છે.

જોનથન એવી રીતે રિચર્ડની ફૅમિલીમાં દાખલ થઈ જાય છે જાણે કે તે રિચર્ડનો બહુ મોટો ફૅન હોય. રિચર્ડ, તેની વાઇફ અને તેના દીકરાને એક હુમલામાં બચાવીને જોનથન સૌકોઈનું દિલ જીતી લે છે. દુનિયાનો સૌથી મોટો આર્મ-ડીલર હવે જોનથનને પોતાની સાથે સામેલ કરે છે અને અનાયાસ જ જોનથન રિચર્ડની બહેનના પ્રેમમાં પડે છે, પણ તેની સામે ડ્યુટી પણ ઊભી છે. 
ડગલે ને પગલે જોખમ સાથે આગળ વધતા જોનથનને ખબર નથી કે તેના પર રિચર્ડના વિશ્વાસુઓ નજર રાખે છે અને બ્રિટિશ ગવર્નમેન્ટને હેલ્પ કરે એ પહેલાં તે બહુ મોટી મુશ્કેલીમાં મુકાવાનો છે.

Whatsapp-channel Whatsapp-channel

25 January, 2023 04:56 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK