બે વર્ષના બ્રેક બાદ દાંડિયાકિંગના તાલે થનગનવાની તાલાવેલી જેટલી ખેલૈયાઓમાં છે એટલી જ ઉત્સુકતા નૈતિક નાગડા પણ અનુભવે છે.
ટુ ધ પૉઇન્ટ
દાંડિયાકિંગ નૈતિક નાગડા
થાણેમાં નવરાત્રિનો માહોલ બની ગયો છે ત્યારે નૈતિક નાગડાએ ‘મિડ-ડે’નાં સેજલ પટેલ સાથે વાતો કરી નોરતાં પહેલાંની તૈયારીઓની અને તેના ઢોલપ્રેમની
બે વર્ષના બ્રેક બાદ ફરીથી એ જ હજારો લોકોની મેદની સામે પર્ફોર્મ કરવાનું થશે. કેવું લાગે છે?
અરે, જાણે મારી પહેલી નવરાત્રિ હોય એવું એક્સાઇટમેન્ટ છે. લૉકડાઉન પૂરું થયા પછી વેડિંગ અને કૉર્પોરેટ ઇવેન્ટ્સ તો ઘણી કરી, પણ પંદર-વીસ હજારની મેદનીને હું બહુ મિસ કરી રહ્યો હતો.
ADVERTISEMENT
તો એ માટેની તૈયારીઓ કેવી ચાલે છે?
યસ, જબરદસ્ત વૉર્મ-અપ ચાલી રહ્યું છે. તૈયારીની વાત કરું તો આ વર્ષે અમે ખૂબ તૈયારીઓ કરી છે, ખૂબ રિહર્સલ્સ કરી રહ્યા છીએ. દરેક કલાકારના બે ફેઝ હોય. પહેલાં પ્રૂવ કરવાનું હોય અને પછી જાતને સતત ઇમ્પ્રૂવ કરવાની હોય. તમારું નામ થઈ જાય એ પછી દર વર્ષે તમારે તમારી સાથે જ કૉમ્પિટિશન કરવાની હોય. ક્રાઉડની અપેક્ષા હોય હંમેશાં કંઈક નવું મળતું રહે એની. દાંડિયા-ગરબામાં પરંપરાગત ગીતો લેવાના હોવાથી થોડુંક રિસ્ટ્રિક્શન આવી જાય. અમારું ફોકસ હોય છે કે આ ઉત્સવ માતાજીનો છે એટલે એમાં ગરબા-રાસનો જ સમાવેશ થાય. ખાલી ટ્રૅક ચેન્જ કરવા માટે બે-ચાર હિન્દી બૉલીવુડ સૉન્ગ્સ લઈએ. સૌથી વધુ ક્રીએટિવિટી રિધમ અરેન્જમેન્ટમાં જોઈએ. કોઈક ગરબાની રિધમમાં અચાનક નાનકડો કોઈ ચેન્જ કરીને એને ડિફરન્ટ બનાવવાની કોશિશ રહે.
કેવા ચેન્જની તમે વાત કરો છો?
જેમ કે હમણાં મેં ઇન્સ્ટાગ્રામ પર એક જૂનાં નોરતાંની વિડિયો-ક્લિપ મૂકેલી - ‘રમવા આવો માડી, રમવા આવો...’ ગરબામાં વચ્ચે પંદર-વીસ સેકન્ડ માટે બધાં જ ઇન્સ્ટ્રુમેન્ટ બંધ થઈને માત્ર મંજિરા વાગે છે. આ રીલ સોશ્યલ મીડિયા પર એટલી હિટ થઈ કે ન પૂછો વાત. આવા નાના-નાના ચેન્જિસ માટે હું મથતો હોઉં છું. રિહર્સલમાં મારા માટે ચૅલેન્જ એ હોય છે કે મારા મનમાં જે રિધમ અરેન્જ થઈ છે એ બૅન્ડના ૩૫ લોકોના મનમાં ઊતરે. એકની પણ મિસ્ટેક થાય એ ન ચાલે. મિસ્ટેકને અહીં ચાન્સ જ નથી અને એટલે અમે ખૂબ રિહર્સલ પર ફોકસ કરીએ છીએ.
તમારી નવરાત્રિમાં બૅન્ડ, સિંગર્સ કે વેન્યુમાં કોઈ ચેન્જ?
એક પણ ચેન્જ નહીં. થાણેના મૉડેલા મિલ કમ્પાઉન્ડમાં ક્રેડાઇ-એમસીએચઆઇની, આપણા જીતુભાઈ મહેતાવાળી, નવરાત્રિમાં એ જ બૅન્ડ અને એ જ સિંગર્સ ઉમેશ બારોટ, અંબર દેસાઈ, કોશા પંડ્યા અને દિવ્યા જોશી.
સતત દસ દિવસ ત્રણ કલાક સ્ટેજ પર એનર્જેટિક પર્ફોર્મન્સ આપી શકાય એવો સ્ટૅમિના કેળવવા શું કરો?
બૉડીનો સ્ટૅમિના ડેવલપ કરવા ફિઝિકલ ટ્રેઇનિંગ પણ ઘણી કરું છું. જોકે ખરી એનર્જી તો મને ક્રાઉડને જોઉં એટલે આવી જાય છે. દર વખતે સતત પર્ફોર્મન્સિસને કારણે સ્ટૅમિના સહજ હતો, પણ આ વખતે બ્રેકને કારણે હું એના પર પણ કામ કરું છું.
ઢોલ વગાડવાનું કઈ ઉંમરથી શરૂ કરેલું?
એ તો યાદ નથી, પણ બહુ નાનો હતો ત્યારે જે મળે ત્યાં થાપ આપીને રિધમેટિક સાઉન્ડ ઊભો કરતો હતો. સૌથી પહેલાં તો હું પોતાના જ માથા પર ટપલીઓ મારીને તાલ આપતો. તમે ટ્રાય કર્યું છે? આપણા માથા પર ચોક્કસ ટપલીઓથી ચોક્કસ પ્રકારનો સાઉન્ડ આવે. મને એ બહુ ગમતું. ટેબલ પર કે નાસ્તાના ડબ્બા કે બાટલીઓ લઈને હું તાલ આપ્યા કરતો. એ જોઈને પેરન્ટ્સને લાગેલું કે મને સંગીતમાં રસ પડે છે. આઠ વર્ષનો હતો ત્યારે મારી મમ્મી મને કલ્યાણજી-આણંદજી પાસે લઈ ગયેલી. તેમણે જોયું કે કોઈ જ ટ્રેઇનિંગ વિના મને સારું આવડે છે. એટલે તેમણે તેમનો લિટલ વન્ડર્સ શો ચાલતો હતો એમાં વગાડવા બોલાવ્યો. એમ વગાડતાં-વગાડતાં જ હું શીખ્યો. કદી કોઈ ટ્રેઇનિંગ લીધી નથી. આજે પણ કોઈ મને શીખવવાનું કહે તો મને ન આવડે, કેમ કે ક્યાંથી શીખવાનું શરૂ કરવાનું હોય એ જ મને નથી ખબર.
તો શું નાનપણથી જ તમારે ઢોલી બનવું હતું?
ના, એવું જરાય નથી. મારા માટે ઢોલ એ મારા વતન કચ્છનું પરંપરાગત વાદ્ય હતું અને મને એ વગાડવાનું પૅશન હતું. લિટલ વન્ડર્સ હોય કે દેરાસરના કાર્યક્રમો હોય, હું ત્યાં વગાડવા જતો બસ એટલું. મને પર શો એ વખતે ૨૫૦ રૂપિયા મળતા. એ માટે ટ્રેનમાં ઢોલ ઊંચકીને ટ્રાવેલ પણ કરતો. ઢોલી તરીકે આજના મુકામ પર પહોંચી શકીશ એવો સ્વપ્નેય ખ્યાલ નહોતો.
હંમ્... હવે ફરીથી ઢોલ અને ડ્રમનો યુગ આવી રહ્યો છે, પણ તમે જે સમયે ઢોલી બનવાનું નક્કી કરેલું ત્યારે આવું નહોતું. એ સમયે તમારી જાતને ઢોલી તરીકે એસ્ટૅબ્લિશ કરવામાં કેટલી મુશ્કેલીઓ નડી?
હાસ્તો. એ વખતે ઘણી વાર મારી પાછળ લોકો ગુસરપુસર કરતા. પપ્પા તો હું ત્રીજામાં ભણતો હતો ત્યારે જ દેવ થઈ ગયેલા. એટલે મમ્મી (ચેતનાબહેન)ને લોકો કહેતા કે મોટો દીકરો છે તેણે ઘર સંભાળવાનું છે ત્યાં ક્યાં ઢોલ પાછળ ગાંડો થાય છે? પણ ટચવુડ, મારાં મમ્મીનું સ્ટ્રૉન્ગ બૅક-અપ હતું. તેઓ કહેતાં કે તને ગમે છે તો કર, હું લોકોને જવાબ આપી દઈશ.
અને તમે રૉક-ઑન ટાઇટલ જીત્યા એ પછી ખરેખર લોકોને જવાબ મળી પણ ગયો, બરાબર?
હા. ઇન ફૅક્ટ, એમટીવીના એ રૉક-ઑન બૅન્ડ-શોમાં ભાગ લેવાનો વિચાર મારો નહોતો. એ વખતે મારી ગર્લફ્રેન્ડ ઇશિતા, જે હાલમાં મારી પત્ની છે તેણે મને એમાં પાર્ટિસિપેટ કરવા ફોર્સ કરેલો. મને હતું કે ઢોલ તો ટ્રેડિશનલ વાદ્ય છે અને ત્યાં તો જાતજાતનાં ડ્રમ્સ અને ગિટાર વગાડનારા લોકો હશે. મારો ક્યાં ચાન્સ લાગશે? ત્યારે મારી ગર્લફ્રેન્ડે કહેલું કે વધુમાં વધુ રિજેક્ટ થઈશ એટલું જને? એ હિંમત કરી તો આજે મારી જિંદગીએ આ સરસ વળાંક લઈ લીધો.
નૈતિક સ્ટેજ પર હોય તો રૉકસ્ટાર પર્સનાલિટી છે, પણ પર્સનલ લાઇફમાં પણ રૉકસ્ટાર જ છો કે કૉમન બૉય જેવા?
એ વાત સાચી કે સ્ટેજ પર મને કોઈ જુએ તો પહેલી ઇમ્પ્રેશન એવી જ બાંધે કે આ કોઈ ઍટિટ્યુડવાળો અને ઍરોગન્ટ હશે, પણ હું સ્ટેજ પરથી ઊતરું એટલે સાવ જ જુદો હોઉં છું. રૉકસ્ટાર જેવો ઍટિટ્યુડ જરાય નથી. હા, લુકવાઇઝ હું એ ઑરા બરકરાર રાખવાનો પ્રયત્ન જરૂર કરું. હું શું પહેરું છું, કેવું પહેરું છું, કઈ રીતે પહેરું છું એને પબ્લિક નોટિસ કરે છે એટલે એ બાબતે થોડોક કૉન્શ્યસ થઈ જાઉં. બાકી મારી નજીકના લોકો સાથે હું એ જ મસ્તીખોર અને દેશી છું.
નવરાત્રિની યાદો
પહેલી નવરાત્રિ ક્યાં કરેલી?
લંડનમાં. ૨૦૦૬થી ૨૦૦૮ એમ ત્રણ વર્ષ મેં લંડનમાં નવરાત્રિ કરેલી.
અત્યાર સુધીની મોસ્ટ મેમરેબલ નવરાત્રિ કઈ?
મેમરેબલ તો ઘણી છે... પણ હૉરિબલ નવરાત્રિ મને યાદ છે. એક નવા ઑર્ગેનાઇઝર સાથે અંધેરીના ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં કરેલી. ટચ વુડ કે સ્પૉન્સર્સે હાથ ઉપર કરી નાખેલા... આપણા ફેન ફૉલોઅર્સને કારણે એ નવરાત્રિ થઈ. આ એવી નવરાત્રિ છે જે હું કદી નહીં ભૂલું.
ઢોલ અને ડ્રમના અવાજથી પાડોશીઓનું શું રીઍક્શન હોય છે? તેઓ ખુશ હોય છે કે પછી ત્રાસી જાય છે?
રોજ ધમાધમ તો કોને ગમે? મારે પાડોશીની ચિંતા તો કરવી જ પડેને? મોટા ભાગે ઘરે પ્રૅક્ટિસ કરીએ ત્યારે ઢોલ પર કપડું બાંધી દેવાનું એટલે અવાજ એકદમ દબાઈ જાય.
રૅપિડ ફાયર રાઉન્ડ
કઈ વાતે બહુ ગુસ્સો આવે?
કોઈ ખોટું બોલે કે ફેક બિહેવ કરે તો દિમાગ છટકે.
બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો શું ગમે? ટ્રેડિશનલ ઢોલી કે રૉકસ્ટાર ઢોલી?
ઢોલ ટ્રેડિશનલ વાદ્ય છે અને મારા રૂટ્સ ટ્રેડિશનલ જ છે. હા, એમાં અપગ્રેડેશન બહુ જરૂરી છે અને એટલે ઢોલને રૉકસ્ટાર અવતારમાં લોકો સમક્ષ લાવવાનું પણ મને બહુ ગમે.
ધારો કે તમારાથી ભૂલ થઈ ગઈ... માની લો ગુનો થઈ ગયો તો સૌથી પહેલાં તમે કોને મદદ માટે યાદ કરો?
સૌથી પહેલાં તો ભગવાનને યાદ કરું ને પછી ઘરે વાઇફ અને મમ્મીને કહું.
એક યાદગાર ક્ષણ જેને યાદ કરીને આજે પણ હર્ષનાં આંસુ આવી જાય?
રૉક-ઑન ફિનાલેમાં મારું નામ વિનર તરીકે અનાઉન્સ થયું એ ક્ષણ યાદ કરું છું તો આજે પણ રૂંવાડાં ખડાં થઈ જાય છે. એ ક્ષણ પહેલાં હું કંઈક હતો અને એ પછી મારા માટે જાણે નવી દુનિયા જ ખૂલી ગઈ. એ ક્ષણે મારા જીવનની આખી દિશા બદલાઈ ગયેલી.