અમારા નવા નાટકમાં આ ત્રણ ધુરંધર કલાકાર આવ્યાં, પણ એ નવા નાટકની સૌથી વસમી યાદ એ કે એ નાટક પદ્માબહેનની લાઇફનું અંતિમ નાટક બની રહ્યું. આ જ નાટક દરમ્યાન તેમને કૅન્સર ડિટેક્ટ થયું
જે જીવ્યું એ લખ્યું
અમારા નવા નાટકના ત્રણ ધુરંધર કલાકારો, જેમાંથી બેની ગેરહયાતી અત્યારે અમને જ નહીં, પણ ગુજરાતી રંગભૂમિને પણ સાલે છે.
‘સંજયભાઈ, મારી પાસે એક વાર્તા છે, પદ્મારાણીને અનુરૂપ... જો તમે સાંભળવા માગતા હો તો...’
અમારું નાટક ‘ગરવી ગુજરાતણે રંગ રાખ્યો’ માર માર ચાલતું હતું એ દરમ્યાન મને લેખક વિનોદ સરવૈયાનો ઉપર મુજબનો ફોન આવ્યો અને મેં તરત વિનોદને મળવાનું નક્કી કર્યું. વાત આગળ વધારતાં પહેલાં મારે તમને એક વાત કહેવી છે. પ્રોડ્યુસર-ડિરેક્ટર અને ઍક્ટરે ક્યારેય વાર્તા કે સ્ક્રિપ્ટ સાંભળવાની બાબતમાં બંધનો ન રાખવાં જોઈએ. કયા લેખક પાસે ‘શોલે’ કે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ હશે એ કોઈ કહી ન શકે એટલે આ બાબતમાં હંમેશાં પ્રોડ્યુસર-ડિરેક્ટર અને ઍક્ટરે ઓપન રહેવું એવું મારું અંગત માનવું છે.
ADVERTISEMENT
વિનોદ પાસે મેં જે વાર્તા સાંભળી એ વાર્તાની તમને વનલાઇન કહું.
૭૦ વર્ષનો એક બુઢ્ઢો પોતાની વાઇફ સાથે એક ઘરમાં રહે છે. એ જે ડોસો છે એ સ્વભાવનો બહુ કચકચિયો છે, તો એ સિવાય પણ તેની અઢળક તકલીફો છે. એ ડોસાને કારણે આડોશીપાડોશીઓને પણ તકલીફ પડી રહી છે, પણ પેલાની ઉંમરને જોઈને તેઓ બિચારા ચૂપચાપ બધું ચલાવ્યા કરે છે. આ બુઢ્ઢાના ઘરની નીચે જ એક માણસ રહેવા આવે છે, નામ તેનું દામોદર. આ દામોદરની ઉંમર પણ એ બુઢ્ઢા જેટલી જ છે એવું કહી શકાય, પણ દામોદર આજના સમયનો છે અને જીવનને માણવામાં માને છે. એ ફૅશનબેલ છે, બહુ સરસ કપડાં પહેરે અને હેરકલર કરીને ફરતો હોય છે. બને છે એવું કે આ જે દામોદર છે એ પેલા કચકચિયા સ્વભાવવાળા બુઢ્ઢાની વાઇફનો જૂનો મિત્ર નીકળે છે. દામોદર આવ્યા પછી હવે તો પેલા બુઢ્ઢાની વાઇફ પણ ખીલવા માંડે છે. વાઇફ પણ એવું જ માનતી હોય છે કે જીવન જીવવા માટે હોય, એને આનંદથી પસાર કરવાનું હોય, પણ પતિના સ્વભાવને કારણે તેણે પોતાની ઘણીબધી ઇચ્છાઓ મનમાં જ દબાવી દીધી હતી, પણ દામોદર એટલે કે પોતાનો જૂનો મિત્ર આવવાને લીધે હવે તેની ઇચ્છાઓ પણ બહાર આવે છે. તે પણ સરસ રીતે જીવવા માંડે છે, મસ્ત તૈયાર થાય છે અને હરવા-ફરવા પણ બહાર નીકળવાનું શરૂ કરે છે.
ટ્વિસ્ટ હવે આવે છે.
દામોદર અને વાઇફ બન્નેને બહુ સરસ રીતે સાથે રહેતાં જોઈને પેલા બુઢ્ઢા પતિની ઇનસિક્યૉરિટી વધે છે, જેને કારણે હવે તે પણ જાતજાતનાં ગતકડાં શરૂ કરે છે, પણ એ ગતકડાં વચ્ચે તેને પણ સમજાવાનું શરૂ થાય છે કે જીવન જીવવા માટે હોય, એને મોજથી જીવવાનું હોય. બુઢ્ઢો હવે પોતાનું કચકચિયાપણું છોડીને લાઇફ એન્જૉય કરવાનું શરૂ કરે છે અને આમ હસબન્ડ-વાઇફને એક કરી, બન્નેની લાઇફમાં નવો રંગ ભરી દામોદર ઘર ખાલી કરીને જતો રહે છે.
વાર્તા મને ગમી એટલે અમે વાત કરી પદ્માબહેનને. પદ્માબહેનને પણ વાર્તા ગમી. તેમણે કહ્યું કે હમણાં મારી તબિયત બરાબર નથી રહેતી એટલે મારી ઇચ્છા હમણાં થોડો આરામ કરવાની હતી, પણ આ વાર્તા સરસ છે, આ ઉંમરના ઑડિયન્સ માટે આ નાટક ઉપયોગી થાય એમ છે એટલે હું આ નાટક કરીશ. મિત્રો, અહીં મારે એક વાત કહેવી છે. પદ્માબહેનની લાઇફનું આ છેલ્લું નાટક. હા, આ નાટક દરમ્યાન જ પદ્માબહેનને કૅન્સરનું નિદાન થયું અને એ પછી પણ તેઓ કામ કરતાં રહ્યાં, જે વાત આપણે સમયાનુસાર કરીશું. અત્યારે વાત કન્ટિન્યુ કરીએ નાટકના મેકિંગની.
પદ્માબહેને હા પાડી એટલે અમને બહુ મોટી નિરાંત થઈ. હવે અમારા માટે બે કૅરૅક્ટર બહુ મહત્ત્વનાં હતાં. એક, પદ્માબહેનના પેલા કચકચિયા વરનું પાત્ર અને દામોદર નામનો જે માણસ આવીને એ બુઢ્ઢાને જીવનનો સાર સમજાવી જાય છે એ. પદ્માબહેનના વેવલા વરના પાત્રમાં અમે સનત વ્યાસને કાસ્ટ કર્યા તો દામોદરનું જે સ્ટાઇલિશ કૅરૅક્ટર હતું એને માટે અમે અરવિંદ રાઠોડને કાસ્ટ કર્યા. આ જે કાસ્ટિંગ હતું એકદમ પ્રૉપર હતું. અંગત જીવનમાં અરવિંદભાઈ પણ જબરદસ્ત સ્ટાઇલિશ વ્યક્તિ હતા.
હતા...
બહુ વેદના થાય છે જ્યારે મારે પદ્માબહેન અને અરવિંદભાઈ માટે આ પ્રકારે ‘હતા’ શબ્દ વાપરવો પડે છે. બન્નેની જે અદ્ભુત પૅર હતી એની કોઈ કલ્પના જ ન કરી શકે, એને તમે શબ્દોમાં પણ ન વર્ણવી શકો. ગુજરાતી રંગભૂમિ જ્યારે પણ પદ્માબહેનને યાદ કરશે ત્યારે અરવિંદભાઈ પણ સાથે યાદ આવશે જ આવશે. ઍનીવેઝ, શો મસ્ટ ગો ઑન. આપણે આપણી વાત આગળ વધારીએ.
અરવિંદભાઈ પોતે જબરદસ્ત શોખીન વ્યક્તિ. ખૂબ સારાં કપડાં પહેરવાનાં, ઑર્નામેન્ટ્સ અને બ્રૅન્ડેડ શૂઝ-બેલ્ટ-વૉલેટ વાપરવાનાં. મોંઘીદાટ હૅટ ખરીદે, સામાન્ય કલાકારોને પરવડે નહીં એવી મોંઘી વિગ બનાવડાવે. આપણી લાઇનમાં મોટા ભાગના લોકો જાણતા હશે કે અરવિંદભાઈને પરફ્યુમનો પણ જબરદસ્ત શોખ હતો. મને યાદ છે કે ફૉરેનની ટૂર પર ગયા હોય તો તેઓ ઓછામાં ઓછી પાંચ-દસ બૉટલ તો પરફ્યુમ ખરીદે જ ખરીદે. અરવિંદભાઈએ હા પાડી એટલે અમારો પ્રોજેક્ટ કાગળ પર જ હિટ થઈ ગયો.
પદ્મારાણી, સનત વ્યાસ અને અરવિંદ રાઠોડ પછી અમે કિંજલ ભટ્ટને કાસ્ટ કરી, જેણે નાટકમાં આ લોકોની પાડોશણનું પાત્ર કર્યું. આ કિંજલની તમને વાત કહું. કિંજલ અમારા નાટકની રેગ્યુલર ઍક્ટ્રેસ, અમારી સાથે તેણે ખૂબ કામ કર્યું છે. આ નાટક સમયે તેણે વિનોદ સરવૈયા સાથે મૅરેજ નહોતાં કર્યાં પણ પછી વિનોદ સાથે તેણે મૅરેજ કર્યાં. કિંજલની બીજી એક ખાસ વાત કહું, તે બહુ સારી કુક છે. લૉકડાઉન દરમ્યાન તો તેણે હાઉસ-કિચન પણ શરૂ કર્યું હતું અને ‘મિડ-ડે’માં જ તેના પર સરસ આર્ટિકલ પણ આવ્યો હતો.
નાટકમાં એક હવાલદારનો પણ રોલ હતો, જેને માટે અમે હર્ષ મહેતાને લીધો તો એ સિવાય પણ એકાદ-બે નાના રોલ માટે બીજા ઍક્ટરને અમે કાસ્ટ કર્યા. ટેક્નિકલ ડિપાર્ટમેન્ટની વાત કરું તો, સેટ-ડિઝાઇન છેલ-પરેશનાં હતાં તો પ્રકાશ આયોજન રોહિત ચિપલૂણકર, સંગીત લાલુ સાંગો અને પ્રચાર વન ઍન્ડ ઓન્લી દીપક સોમૈયા.
નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં અને આવી નાટક ઓપન કરવાની તારીખ.
નાટક ઓપન થયા પછી શું થયું, બૉક્સ-ઑફિસ પર એને કેવો રિસ્પૉન્સ મળ્યો, ચૅરિટી શો કરતી સંસ્થાઓને આ નાટક ગમ્યું કે નહીં એની અને એવી જ બીજી વાતો સાથે મળીએ હવે આપણે આવતા સોમવારે.
જોક સમ્રાટ
કાલે અચાનક વાઇ-ફાઇ બંધ થઈ ગયું. આખો દિવસ બહુ હેરાન થયો, તકલીફ પડી, પણ તપાસ કરતાં ખબર પડી કે પાડોશીએ બિલ નહોતું ભર્યું. સાહેબ તમે જ કહો, કેટલા બેજવાબદાર લોકો કહેવાય?!
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)