કલાકારની સર્જનસૃષ્ટિ માનવસંસ્કૃતિની અમૂલ્ય ધરોહર છે. એ સર્જનસૃષ્ટિ વિકસાવવા માટે આપણી અંદરના બાળકને જીવંત રાખવો પડે
સોશ્યોલૉજી
પ્રતીકાત્મક તસવીર
જગવિખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસો કહે છે કે દરેક બાળક કલાકાર છે, ફક્ત મોટા થઈએ ત્યાં સુધી ટકી રહેવાનું છે. નાના હોઈએ ત્યારે આપણાં ચિત્રોમાં ડુંગરો પાછળથી ઊગતા સૂરજનાં કિરણો પ્રકાશ પાથરે છે. એ જ ડુંગરોમાંથી નીકળીને નદી આપણા ઘરની બાજુમાં ખળખળ વહે છે જેમાં આપણે કાગળની હોડી તરતી મૂકીએ છીએ. સાથે-સાથે ક્યારેક કવિતા પણ ગાઈએ કે ‘ભોળા વાદળિયા, ધોળા આ જળમાં, નાવ મારી વહેતી, સર સર સર...’ આમ આપણે સૌ કલાકાર છીએ જ... કલ્પનાની દુનિયાના જાદુગર.
કલાકારની સર્જનસૃષ્ટિ માનવસંસ્કૃતિની અમૂલ્ય ધરોહર છે. એ સર્જનસૃષ્ટિ વિકસાવવા માટે આપણી અંદરના બાળકને જીવંત રાખવો પડે જેને કુતૂહલ હોય, જે વિસ્મય પામે, જેને સતત નવું કરવાની ઇચ્છા થાય. એક જ સ્થિતિ કે પરિસ્થિતિ જોનારા દરેકને કવિતા નથી સૂઝતી. પ્રતિભા, નિપુણતા અને અભ્યાસથી કવિ વિલક્ષણ અને રમણીય સૃષ્ટિનું સર્જન કરે છે, જીવનના સૌંદર્યને ઉજાગર કરે છે.
ADVERTISEMENT
સૂર્ય-ચંદ્રનું સંતાકૂકડી રમવું અને ઋતુઓનું પ્રસન્ન રહેવું, બાળપણનું ખળખળ વહેવું અને ઇચ્છાએ ડુંગરોમાં ભમવું, ગુલમહોરનું રંગભર્યું હસવું અને વાદળોનું ધોધમાર રડવું, વૃદ્ધોનું સરનામા વિસરવું અને ખિસકોલીનું મસ્તીથી ફૂદકવું... આ બધું અને બીજું ઘણુંય આપણી સૃષ્ટિને જીવંત રાખે છે. ‘जायते गच्छति इति जगत्।’ જે જગત આ ક્ષણે છે એ બીજી ક્ષણે જતું રહે છે.
‘नवीनं कर्तुमिच्छति मन:’ અર્થાત્ મન હંમેશાં કંઈ નવું કરવાની ઇચ્છા ધરાવે છે. કલ્પનાશીલ મનુષ્ય નિશ્ચિત માપદંડો પર ખરા ઊતરવાની મથામણને જીવનનું લક્ષ્ય માનવા કરતાં વૈશ્વિક સંદર્ભે નવસૃજન દ્વારા અદ્ભુતનો ઉમેરો કરે છે. સર્જનરત મનુષ્ય જ સમાજને કંઈક આપી શકે છે. વિશ્વના મહાન આવિષ્કારો ઘરેડની બહાર કંઈક નવું વિચારવામાંથી જ થયા છે. સૃજન માટે આવશ્યક રચનાત્મક ક્ષમતા, વિશ્વાસ, સ્વતંત્રતા, સંભાવનાઓનો ઉદ્ભવ સમાજને મૌલિક અને અપૂર્વ પરિણામો આપે છે. સર્જનહીનતા સમાજને જડતા તરફ લઈ જાય છે; સર્જનાત્મકતા પરંપરાને ગ્રહણ કરીને આગળનો રસ્તો બનાવે છે, આપણા સંબંધોને પોષક અને રચનાત્મક બનાવે છે, સમસ્યાના સમાધાનની દિશા દર્શાવે છે.
સર્જનાત્મકતા એટલે પોતાને મળવાની તક. એવી મુસાફરી જે આપણને પોતાની રુચિ, લાગણીઓ, કુશળતા, ક્ષમતા, મર્યાદા જાણવા, સમજવા, પરખવાની સંધિ આપે છે, આપણો આત્મવિશ્વાસ વધારે છે. સર્જનાત્મકતા એક એવી અસાધારણ શક્તિ છે જે આનંદપ્રાપ્તિ સાથે-સાથે માનવના ભીતરી અને બાહ્ય જગતને સુંદર અને સમૃદ્ધ બનાવે છે.
- જસ્મિન શાહ