કૉર્પોરેટ કલ્ચરનો હિસ્સો હોવું અને આલ્કોહૉલથી દૂર રહેવું એ ખૂબ અઘરું છે. તમે ડ્રિન્ક ન કરતા હો તો લોકો તમને ફોર્સ કરે, તમારા કલીગ્સ મજાક ઉડાવે, ક્લાયન્ટ્સ ડીલ ન કરે, બૉસના રોષનો સામનો કરવો પડે એવું બધું જ બને.
સ્પેશ્યલ સ્ટોરી
ઉત્કર્ષ શાહ, હિરેન હરિયા , રિતેશ નિર્મલ
થર્ટી-ફર્સ્ટની પાર્ટીમાં તો થોડી સી જો પી લી હૈ... તો કોઈ વાંધો નહીં એવું માની લેવામાં આવે છે, પણ નશો એવી ચીજ છે કે એનાથી દૂર રહેવા મક્કમ મન હોવું બહુ જરૂરી છે. માત્ર ન્યુ યર પાર્ટી જ નહીં, આલ્કોહૉલ તો જાણે વર્કપ્લેસ-કલ્ચરનો એક ભાગ છે. ઘણાં પ્રોફેશન અને કંપનીઓમાં કર્મચારીઓ માટે શિફ્ટ પૂરી થયા પછી વારતહેવારે પાર્ટી કરવાનું કૉમન છે. ઘણી કંપનીઓમાં તો બિઝી ડિનર કે લંચ પર જ ક્લાયન્ટ્સ સાથે રિલેશન ડેવલપ થતા હોય છે. એટલે જ્યારે તમે આવા કૉર્પોરેટ વર્ક-કલ્ચરનો ભાગ હો ત્યારે પોતાની જાતને આલ્કોહૉલથી દૂર રાખવાનું કામ અઘરું છે. ઘણી વાર એવું થાય કે જો તમને આલ્કોહૉલની હૅબિટ ન હોય તો વર્કપ્લેસ પર સર્વાઇવ કરવાનું ડિફિકલ્ટ થઈ જાય છે. તમારા કલીગ્સ તમારી સાથે એક ડિસ્ટન્સ રાખે, ક્લાયન્ટ્સ સાથે રિલેશન ડેવલપ કરવામાં ઇશ્યુ થાય. એટલે ઘણા લોકો ધીમે-ધીમે ડ્રિન્કિંગ-કલ્ચરનો ભાગ બની જાય છે. એમ છતાં આજે એવા અમુક લોકોને મળીએ જેઓ આવા જ એક વર્ક-કલ્ચરનો ભાગ હોવા છતાં આલ્કોહૉલના સેવનથી અલિપ્ત રહે છે. આ પાછળનું તેમનું શું થિન્કિંગ છે જે તેમને આલ્કોહૉલથી દૂર રાખે છે એ જોઈએ.
બધાને ખબર છે કે મને ક્યારેય ડ્રિન્ક માટે પૂછવાનું પણ નહીં : ઉત્કર્ષ શાહ
ADVERTISEMENT
હું બીકેસીસ્થિત એક પ્રાઇવેટ ડાયમન્ડ કંપનીમાં પર્ચેઝ ઑફિસર તરીકે કામ કરું છું. એટલે કે ઓવરસીઝ કંપનીઓ માટે ડાયમન્ડ પર્ચેઝ કરવાનું કામ કરું છું એમ જણાવતાં વિલે પાર્લેમાં રહેતા ૫૪ વર્ષના ઉત્કર્ષ શાહ કહે છે, ‘કોઈ બાયર ઓવરસીઝથી આવ્યો હોય તો તેને ડિનર કે ડ્રિન્ક માટે લઈ જવાનો હોય છે. જોકે મારા ઑફિસ કલીગ્સ અને ક્લાયન્ટ્સને ખબર છે કે હું કોઈ દિવસ ડ્રિન્કને હાથ લગાવતો નથી. મારે મારું કામ કરવા માટે આ બધી વસ્તુનો સહારો લેવાની જરૂર નથી. મારા ઘણા કલીગ્સ કે બિઝનેસ-ગ્રુપમાં લોકો ક્લબમાં પાર્ટી કરવા જાય છે. મારું તેમની સાથે ઊઠવા-બેસવાનું ખરું. હું પણ તેમની સાથે બધે જાઉં, પણ ડ્રિન્ક ન લઉં. એવું ક્યારેક લાગે તો સૉફ્ટ ડ્રિન્ક લઉં. બધાને ખબર છે કે ઉત્કર્ષને ક્યારેય ડ્રિન્ક માટે પૂછવાનું પણ નહીં. મારું માનવું છે કે વ્યસન તમને પતનના માર્ગે લઈ જાય છે. તમે લાઇફમાં ગમે એટલો પ્રોગ્રેસ કરવાનો પ્રયત્ન કરો, પણ આ વસ્તુ તમને હંમેશાં નીચે જ પાડે છે. એના ઍડિક્શનમાં તમે પોતાનો પ્રોગ્રેસ તેના હાથમાં સોંપી દો છો. તમે ડ્રિન્ક કરો એટલે તમારું માઇન્ડ તમારા કન્ટ્રોલમાં રહે નહીં અને જો માઇન્ડ પર જ તમારો કન્ટ્રોલ ન હોય તો તમે આગળ શું ડીલ કરી શકો? બિઝનેસ હંમેશાં પ્રૉપર માઇન્ડ-સેટથી જ થાય છે. આપણું માઇન્ડ એટલું બધું વીક ન હોવું જોઈએ કે દારૂનો એક ગ્લાસ એને કન્ટ્રોલ કરે. હું ખૂબ લાઇવલી પર્સન છું. મને મ્યુઝિક, સિન્ગિંગ, ડાન્સિંગનો ખૂબ શોખ છે. મારી કમ્યુનિકેશન સ્કિલ કે કન્વીન્સિંગ પાવર ખૂબ સારો છે. બિઝનેસ-ડીલ માટે સામેવાળાને ખુશ કરવા મને ડ્રિન્ક કરવાની જરૂર નથી લાગતી.’
એક વીક માટે સસ્પેન્ડ થઈ ગયો, પણ ડ્રિન્ક કરવા માટે તૈયાર ન જ થયો : હિરેન હરિયા
અગાઉની ફાઇનૅન્સ કંપનીમાં અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી વખતે થયેલા કડવા અનુભવો વિશે ઘાટકોપરના ૩૮ વર્ષના હિરેન હરિયા કહે છે, ‘હું એ કંપનીમાં જોડાયો એ પછી જયારે ફર્સ્ટ પાર્ટી થઈ ત્યારે એમાં આલ્કોહૉલ અને એ બધું હતું. એ સમયે મારા બૉસે મને ડ્રિન્ક ઑફર કર્યું હતું, પણ મેં ના પાડતાં તેમણે મને કહ્યું કે જો તું આવી રીતે અવૉઇડ કરીશ તો ડેફિનેટલી તારા પર્ફોર્મન્સ પર અસર પડશે. હું નવો હતો એટલે મને કંઈ ખાસ સમજાયું નહીં એટલે મેં તેમને પૂછ્યું કે સર, કેવી રીતે? તો તેમણે મને સમજાવ્યું કે આ બધું કરવું જરૂરી છે, કારણ કે તો જ તમે અમારા જેવા લોકોના સર્કલમાં આવી શકો. તમારું પર્ફોર્મન્સ અમે એ જ બેઝિસ પર જજ કરીએ છીએ. જો તું પીતો થઈ જઈશ તો અમને એમ લાગશે કે તું અમારો માણસ છે. એ પછી તારી કોઈ ભૂલ હશે તો એ છુપાવવામાં અમને કોઈ વાંધો નહીં આવે. તેમના માટે જે પીવાવાળો હોય તે તેમની બિરાદરીનો થઈ ગયો. મેં ડ્રિન્કની ના પાડી તો તેમણે સ્મોકિંગ ઑફર કર્યું. મેં એની પણ ના પાડી દીધી. તેમણે લિટરરી મને એમ કહી દીધું હતું કે તમારા જેવા લોકોને જીવવાનો હક નથી. નો ડાઉટ, તેઓ ત્યારે નશામાં ધુત હતા. એ પછી થોડા મહિના બાદ હોળીની પાર્ટી થઈ. એ સમયે મારા બૉસ પણ ચેન્જ થઈ ગયા હતા. જનરલી માર્ચમાં અમારું પર્ફોર્મન્સ અપ્રેઇઝલ થતું. એટલે આખા વરસના આપણા પર્ફોર્મન્સના હિસાબે સૅલેરી ઇન્ક્રીમેન્ટ થાય. એ દિવસે પાર્ટીમાં બૉસ કંપનીના એમ્પ્લૉઈ સાથે ડ્રિન્ક એન્જૉય કરી રહ્યા હતા. લકીલી, મારા અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં આઠ લોકો હતા. બધા ગુજરાતી, જૈન અને કચ્છી. અમારામાંથી કોઈને આલ્કોહૉલની લત નહોતી. પાર્ટીમાં અમારા પંજાબી બૉસે અમને ડ્રિન્ક ઑફર કર્યું. અમે બધાએ પીવાની ના પાડી તો તેમણે ગુસ્સામાં આવીને તેમના હાથમાં જે ગ્લાસ હતો એ નીચે પટકી દીધો. અમે ડ્રિન્કની ના પાડી એટલે તેમનો ઈગો હર્ટ થઈ ગયો અને તેમણે અમને બધાને એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દીધા. જોકે એ પછી વાત એમડી સુધી ગઈ અને પેલા બૉસને કંપનીમાંથી છૂટા કર્યા. એ પછીથી કંપનીમાં પાર્ટીઓ ઓછી થવા લાગી અને એમાં પણ કોઈને ફોર્સ કરવામાં આવતો નહીં. મને લાગે છે કે જો તમારો વિલપાવર સ્ટ્રૉન્ગ હોય અને તમારી ટીમ સારી હોય તો તમારે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ સામે ઝૂકવું પડે નહીં. આ વસ્તુ એવી છે જે બૉડીમાં ઊતરી ગઈ એટલે પછી એને છોડવી મુશ્કેલ બનશે. અમને નાનપણથી જ શીખવવામાં આવ્યું છે કે જો જિંદગી બનાવવી હોય તો દારૂથી દૂર રહેવું.’
ડ્રિન્ક કરવું જ પડશે એમ લાગે તો ઑફિસમાંથી રજા લઈ લઉં : રિતેશ નિર્મલ
મીરા રોડમાં રહેતા અને ૨૦૦૮થી મલ્ટિનૅશનલ કંપનીમાં કામ કરવાનો અનુભવ ધરાવતા ૪૫ વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ રિતેશ નિર્મલ કૉર્પોરેટ વર્ક-કલ્ચરનો તેમનો અનુભવ શૅર કરતાં કહે છે, ‘હાલમાં તો એક યુએસ બેઝની કંપનીમાં અકાઉન્ટ મૅનેજર તરીકે છ વર્ષથી કામ કરું છું. એ અગાઉ હું એક જૅપનીઝ કંપનીમાં નવ વર્ષ હતો. જૅપનીઝ અને યુએસ કલ્ચર હોય એટલે અહીં ડ્રિન્ક કરવાનું એકદમ કૉમન હોય. મોસ્ટલી ગેસ્ટ આવે એટલે મહિનામાં બે-ત્રણ વાર ક્લાયન્ટ સાથે લંચ કે ડિનર હોય અને ઑફિસમાં પણ ફેસ્ટિવલ્સમાં પાર્ટી હોય. મારી ઑફિસમાં ગણ્યાગાંઠ્યા લોકોને બાદ કરતાં ઑલમોસ્ટ બધા જ ડ્રિન્ક કરે છે. શરૂઆતમાં હું જોડાયો ત્યારે બે-ત્રણ વાર એ લોકોએ ડ્રિન્ક કરવા માટે ફોર્સ કરેલો. તેઓ એમ કહે કે વાઇનમાં કંઈ ન હોય, ફક્ત ગ્રેપ્સ જ હોય અથવા તો બિયર હોય તો એમ કહે કે આ ફક્ત જવનું પાણી છે, એક વાર ચાખીને તો જુઓ. જોકે હું તેમને કહી દેતો કે હું પાર્ટી જૉઇન કરી શકું, એન્જૉય કરી શકું; પણ ડ્રિન્ક ન કરી શકું. પછીથી એ લોકો સમજી ગયા. અહીંની કંપનીમાં પણ એક-બે વાર ફોર્સ કરેલો, પણ પછી આપણે ના પાડીએ તો એ લોકો ફોર્સ ન કરે. ઘણી વાર પાર્ટીમાં ડ્રિન્ક કરવું જ પડે એમ હોય તો હું રજા લઈ લઉં.’