ચૂંટણી પંચે મતદાન પ્રક્રિયાની પારદર્શકતા વધારવા માટે બારી-બારણાં ખોલવાનું કામ કરવું જોઈએ એના બદલે એ ખુલ્લા દરવાજા બંધ કરવાનું કામ કરે છે
ક્રૉસલાઇન
પ્રતીકાત્મક તસવીર
ચૂંટણી પંચે મતદાન પ્રક્રિયાની પારદર્શકતા વધારવા માટે બારી-બારણાં ખોલવાનું કામ કરવું જોઈએ એના બદલે એ ખુલ્લા દરવાજા બંધ કરવાનું કામ કરે છે. સોશ્યલ મીડિયા પર ડેટા સાથે છેડછાડ થતી હોય તો એને રોકવાના બીજા ઉપાયો જોવા જોઈએ, ડેટા આપવાનું બંધ કરી દેવું એ ૨૧મી સદીમાં તાર્કિક નિર્ણય નથી
તાજેતરમાં હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં EVM મશીનમાં મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના વ્યાપક આક્ષેપો વચ્ચે એક વિવાદાસ્પદ અને સંદેહજનક નિર્ણયમાં કેન્દ્ર સરકારે (ચૂંટણી પંચની ભલામણ પર) ચૂંટણી સંચાલન નિયમો-૧૯૬૧ના નિયમ ૯૩(૨)માં સુધારો કર્યો છે.
ADVERTISEMENT
પોલિંગ સ્ટેશનનાં CCTV, વેબકાસ્ટનાં ફુટેજ અને તેમના વિડિયો રેકૉર્ડિંગ જેવાં ઇલેક્ટ્રૉનિક ડૉક્યુમેન્ટ્સ જનતાને ઉપલબ્ધ ન થાય એ માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. નિયમ ૯૩ કહે છેઃ ‘ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો જાહેરમાં ઉપલબ્ધ રહેશે.’ એમાં ફેરફાર કરીને ‘ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો ‘નિયમાનુસાર’ જાહેરમાં ઉપલબ્ધ રહેશે’ એવું કરવામાં આવ્યું છે.
પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે ચૂંટણી પંચને એક કેસમાં હરિયાણા વિધાનસભાની ચૂંટણી સંબંધિત દસ્તાવેજો અરજદાર સાથે શૅર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આમાં CCTV ફુટેજને પણ નિયમ ૯૩ (૨) હેઠળ ગણવામાં આવ્યા હતા.
જોકે ચૂંટણી પંચે કહ્યું હતું કે આ નિયમમાં ઇલેક્ટ્રૉનિક રેકૉર્ડનો સમાવેશ થતો નથી. આ અસ્પષ્ટતાને દૂર કરવા માટે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચના અધિકારીઓએ એવો ખુલાસો આપ્યો છે કે ટેક્નૉલૉજીની મદદથી મતદાન મથકનાં CCTV ફુટેજ સાથે ચેડાં કરીને દુષ્પ્રચાર કરવામાં આવે છે એટલે ઇલેક્ટ્રૉનિક રેકૉર્ડ જાહેર કરવા પર પ્રતિબંધ મુકાયો છે.
અગાઉ નિયમ ૯૩ હેઠળ ચૂંટણી સંબંધિત તમામ ‘દસ્તાવેજો’ ઉપલબ્ધ થતા હતા. હવે આને ફક્ત નિયમોમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખિત દસ્તાવેજો સુધી મર્યાદિત કરવામાં આવ્યું છે જેમ કે નામાંકન ફૉર્મ, ચૂંટણી એજન્ટની નિમણૂકો, પરિણામો અને ચૂંટણી ખર્ચ.
આધુનિક સમયમાં ચૂંટણીની પારદર્શિતામાં વધારો કરતાં સાધનો જેવાં કે CCTV ફુટેજ, વેબકાસ્ટિંગ ડેટા અને વિડિયો-રેકૉર્ડિંગ જેવા ઇલેક્ટ્રૉનિક રેકૉર્ડ્સ આ સૂચિમાંથી ગાયબ છે. જોકે ફેરફાર પછી પણ આ રેકૉર્ડ ઉમેદવારોને ઉપલબ્ધ રહેશે. અન્ય લોકોએ એ મેળવવા હશે તો તેમણે કોર્ટની પરવાનગી લેવી પડશે.
વિપક્ષી દળોએ આ ફેરફાર પર આકરી પ્રતિક્રિયા આપી છે અને આક્ષેપ કર્યો છે કે આ સુધારો ચૂંટણી પંચની જવાબદેહી ઘટાડવા માટે ઇરાદાપૂર્વકનું પગલું છે. કૉન્ગ્રેસના સંચાર પ્રમુખ જયરામ રમેશે નિયમમાં ફેરફારને ચૂંટણી પંચની ઘટી રહેલી નિષ્ઠાનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે પૂછ્યું હતું કે ચૂંટણી પંચ પારદર્શિતાથી કેમ ડરે છે? એટલું જ નહીં, કૉન્ગ્રેસે આ ફેરફાર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી છે. રમેશે કહ્યું હતું કે ‘ચૂંટણી પ્રક્રિયામાં પ્રામાણિકતા ઝડપથી ઘટી રહી છે. આશા છે કે સુપ્રીમ કોર્ટ તેને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે.’
જ્યારે ચૂંટણીના નિયમોમાં ફેરફાર કરવાની દરખાસ્ત કરવામાં આવે છે ત્યારે ચૂંટણી પંચ અને સરકારની જવાબદારી છે કે તેઓ આ મુદ્દે વિપક્ષી દળો સાથે ચર્ચા કરે.
આમ આદમી પાર્ટી (આપ)ના અને રાજ્યસભાના પૂર્વ સંસદસભ્ય જવાહર સિરકારે પણ સરકારના હેતુ પર સવાલ ઉઠાવતાં કહ્યું, આ સુધારા મતદારોના અધિકારોની અવગણના છે. તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને પણ કહ્યું હતું કે ‘ચૂંટણીની પારદર્શિતાને ખતમ કરવા માટે ચૂંટણીના નિયમોની કલમ ૯૩માં BJP સરકારે અવિચારી સુધારો કર્યો છે.’
પારદર્શિતા કાર્યકર્તા અંજલિ ભારદ્વાજના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી ચૂંટણીની વાત છે, નિયમ ૯૩ માહિતીના અધિકાર અધિનિયમ જેવો જ છે અને એમાં કોઈ પણ ફેરફાર નાગરિકોના પ્રક્રિયા વિશે જાણવાના અધિકારને નુકસાન પહોંચાડે છે.
મતદાનની ગુપ્તતા જાળવવાનો ચૂંટણી પંચનો ખુલાસો ગળે ઊતરે એવો નથી. ઊલટાનું એનાથી વધુ શંકાઓ જાય છે. કોઈ વિડિયો ફુટેજથી એવી ખબર ન પડે કે મતદારોએ કેવી રીતે મતદાન કર્યું છે. બૂથની બહાર કૅમેરાના ઉપયોગ પર કોઈ પ્રતિબંધ નથી, કારણ કે મતદારો પોતે કૅમેરાનો ઉપયોગ કરે છે. વિડિયો વાસ્તવમાં ઉપયોગી છે. ચંડીગઢમાં ગયા વર્ષે મેયરની ચૂંટણીમાં મતદાન અધિકારીએ જ મતપત્રો સાથે છેડછાડ કરી હતી એનો વિડિયો જ સૌથી મોટું પ્રમાણ હતું અને સુપ્રીમ કોર્ટે પણ એના આધારે એનો ફેંસલો આપ્યો હતો.
ચૂંટણી પંચે મતદાન પ્રક્રિયાની પારદર્શકતા વધારા માટે બારી-બારણાં ખોલવાનું કામ કરવું જોઈએ, એના બદલે એ ખુલ્લા દરવાજા બંધ કરવાનું કામ કરે છે. લોકશાહીમાં આ હરકત કોઈ પણ રીતે સ્વીકાર્ય ન હોવી જોઈએ. સોશ્યલ મીડિયા પર ડેટા સાથે છેડછાડ થતી હોય તો એને રોકવાના બીજા ઉપાયો જોવા જોઈએ, ડેટા આપવાનું બંધ કરી દેવું એ ૨૧મી સદીમાં તાર્કિક નિર્ણય નથી.
દિલ્હીની ચૂંટણીમાં આંબેડકર છવાયેલા રહેશે
અપેક્ષા પ્રમાણે જ દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીમાં આંબેડકરનાં માન-અપમાનનો મુદ્દો કેન્દ્રમાં આવી ગયો છે. કૉન્ગ્રેસ અને આપ બન્ને, દિલ્હીના દલિત અને પછાત મતદારોને રીઝવવા માટે ગૃહ પ્રધાન અમિત શાહના બયાનને એમના પ્રચારમાં જીવંત રાખી રહી છે.
જો દિલ્હીમાં દલિત મતો સાગમટે એક પક્ષ તરફ જાય છે તો એ પરિણામમાં મોટી ઊલટફેર લાવી શકે છે. એ હકીકત છે કે ૨૦૧૩ પહેલાં દિલ્હીમાં કૉન્ગ્રેસની જીત માટે મુસ્લિમ અને દલિત મતો મદદગાર સાબિત થતા હતા. આમ આદમી પાર્ટી અસ્તિવમાં આવી પછી આ મતોમાં ભાગ પડ્યો અને કૉન્ગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ હતી.
કૉન્ગ્રેસની ગણતરી એવી છે કે ગૃહ પ્રધાનનું બયાન એને ખોવાયેલી જમીન પાછી લાવવામાં મદદ કરશે. દિલ્હીની કુલ ૭૦ વિધાનસભા બેઠકોમાંથી ૫૪થી ૫૫ બેઠકો પર ૧૦ ટકાથી વધુ અનુસૂચિત જાતિના મતદારો છે. મંગળવારે કૉન્ગ્રેસે સમગ્ર દિલ્હીમાં જિલ્લા સ્તરે અમિત શાહ વિરુદ્ધ પદયાત્રા કાઢી હતી એટલું જ નહીં, આમ આદમી પાર્ટી દ્વારા ડૉ. આંબેડકર સન્માન શિષ્યવૃત્તિની જાહેરાતને પણ કૉન્ગ્રેસે આપની ચૂંટણી જાહેરાત ગણાવી હતી.
આ મુદ્દા પર અરવિંદ કેજરીવાલ પણ આક્રમક છે. તેમના માટે આ ચૂંટણી ‘કરો યા મરો’ જેવી છે. તેમનું રાજકીય ભાવિ દિલ્હીની ચૂંટણી પર નિર્ભર કરે છે. લોકસભાની ચૂંટણીમાં દલિત મત BJP તરફ વળ્યા હતા, જેના કારણે કેજરીવાલ થોડા વધુ સાવધ છે અને તેમનો વિશ્વાસ જીતવાની કોઈ તક ગુમાવવા માગતા નથી. એટલા માટે જ અમિત શાહે સંસદમાં નિવેદન આપ્યું ત્યારથી કેજરીવાલ સક્રિય છે.
તેમણે આ મુદ્દે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુને પત્ર લખીને કેન્દ્ર સરકારને સમર્થન આપવા વિશે પુન:વિચારણા કરવા જણાવ્યું હતું. નીતીશ અને નાયડુ બન્નેના સમર્થનથી ૨૦૨૪માં મોદી સરકાર બની છે. આ પછી તેઓ દિલ્હીના બાલ્મિકી મંદિરમાં ગયા અને માથું નમાવીને દલિત સમુદાયને રાજકીય સંદેશ આપ્યો હતો.
BJPને પણ દલિત મતોના મહત્ત્વની ખબર છે. એક બાજુ કૉન્ગ્રેસ અને આપ આપસમાં લડે એ BJPના હિતમાં છે, પરંતુ દલિત મતો એ બે પાર્ટીઓમાં વહેંચાઈ જાય એ નુકસાનકારક છે. BJP માટે અસલી પડકાર એવી વિધાનસભા બેઠકો પર પોતાનું પ્રદર્શન સુધારવાનો છે જ્યાં દલિત મતદારો નિર્ણાયક છે. BJP પણ દલિત સમુદાયના મત એકત્ર કરવાની પ્રક્રિયામાં છે કારણ કે એ જાણે છે કે દિલ્હીમાં સત્તાનું સપનું એના વિના પૂર્ણ થઈ શકે છે. BJP વિધાનસભાનાં ચૂંટણી પરિણામોને આકાર આપવામાં દલિત મતદારોની નિર્ણાયક ભૂમિકાને સ્વીકારે છે, તેથી એ પોતાની તરફેણમાં સમર્થન મેળવવા માટે સમુદાય પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ભાગવતને હિન્દુઓને સલાહ આપવાની જરૂર કેમ પડી?
મંદિર-મસ્જિદને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના એક તાજા બયાનથી માત્ર રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે એટલું જ નહીં, સાધુ-સંતોએ પણ તેમની સામે મોરચો ખોલ્યો છે.
પૂજાસ્થળ અધિનિયમ પર દેશમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે સંભલ, મથુરા, અજમેર, કાશી જેવાં સ્થળોએ મસ્જિદોમાં પ્રાચીન મંદિરો હોવાના દાવાઓ સામે આવી રહ્યા છે, એને ધ્યાનમાં રાખીને ભાગવતે એક તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે ‘હિન્દુઓને રામ મંદિરમાં વિશ્વાસ છે પરંતુ રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકોને લાગે છે કે નવાં સ્થળોએ આવા જ મુદ્દાઓ ઉઠાવીને તેઓ હિન્દુઓના નેતા બની શકે છે. આ સ્વીકાર્ય નથી.’
તેમણે આ અગાઉ એક વર્ષ પહેલાં જ્ઞાનવાપી મસ્જિદના વિવાદ વખતે પણ કહ્યું હતું કે દરેક મસ્જિદ નીચે શિવલિંગ શોધવાની જરૂર નથી. સવાલ એ છે કે RSSના વડા આ કોને કહી રહ્યા છે? BJPને? સાધુસંતોને? અને તેઓ કેમ આવું કહી રહ્યા છે? માત્ર અનુમાનો જ કરી શકાય છે, કારણ કે સંઘની આંતરિક કાર્યપ્રણાલી જાહેર થતી નથી. માત્ર એના વડાનાં બયાનો પરથી જ અનુમાન કરવું પડે છે.
ભાગવતના તાજા બયાન પર સાધુસંતોની જે પ્રતિક્રિયા આવી છે એના પરથી તો એવું લાગે છે કે હિન્દુત્વનો ઇજારો સંઘ પૂરતો સીમિત નથી રહ્યો અને અન્ય દળો પણ મંદિરના નામે એમની નેતાગીરી અથવા પ્રભુત્વને ચમકાવી રહ્યાં છે.
જેમ કે સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું છે કે ‘આ મોહન ભાગવતનું વ્યક્તિગત નિવેદન હોઈ શકે છે. તે હિન્દુ ધર્મના વડા નથી કે આપણે તેમના શબ્દોને અનુસરવા જોઈએ. તેઓ અમારા નેતા નથી, અમે તેમના સંરક્ષક છીએ. હિન્દુ ધર્મની વ્યવસ્થા હિન્દુ ધર્મના આચાર્યોના હાથમાં છે, તેમના હાથમાં નહીં. તેઓ કોઈ સંસ્થાના વડા હોઈ શકે, અમારા નહીં. તેઓ પૂરા ભારતનું પ્રતિનિધિત્વ કરતા નથી.’
વધતા-ઓછા અંશે બીજા સાધુસંતોની પ્રતિક્રિયામાં પણ આ જ મુખ્ય ભાવ હતો. હિન્દુત્વની કોઈ સરહદ નથી કે એના પર અધિકાર સ્થાપિત કરી શકાય. દેખીતી રીતે જ દરેક વ્યક્તિ કે દળ એને તેની અનુકૂળતા અનુસાર ઉપયોગમાં લ, શકે છે. એવું લાગે છે કે ભાગવત હિન્દુત્વને બીજા કોઈના હાથમાં જવા દેવા માગતા નથી અથવા કટ્ટર હિન્દુત્વના કારણે ઉદારવાદી હિન્દુઓ દૂર ન થઈ જાય એની ચિંતામાં છે. લોકસભાની ચૂંટણીનાં પરિણામ બતાવે છે કે માત્ર કટ્ટર હિન્દુ મતોના આધારે બહુમતી મળે એમ નથી.
મોહન ભાગવત લાંબા સમયથી હિન્દુ-મુસલમાનને સાથે લઈને ચાલવાની વાત કરતા આવ્યા છે. એક વાત સ્પષ્ટ છે કે તેઓ હિન્દુ વર્ગોને જ સંબોધી રહ્યા છે. એક નિશાન BJP પર છે. કટ્ટર હિન્દુત્વના નામે દેશમાં સામાજિક સમરસતા બગાડવાના પ્રયાસથી એ નારાજ છે એ પણ દેખાય છે. લોકસભાની ચૂંટણી વખતે BJP સાથે સંઘના સંબંધ વણસ્યા હતા. પાર્ટીના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ તો એવું પણ કહ્યું હતું કે ‘BJPને હવે સંઘની જરૂર નથી.’ એ પછી ભાગવત આક્રમક થઈ ગયા હતા. તાજું બયાન પણ એ જ આક્રમકતાની સાબિતી છે. સંઘ એની પ્રાસંગિકતા જાળવી રાખવા માગે છે.