આપણી ગુજરાતી ભાષા એટલી સશક્ત છે કે એની તોલે બીજી કોઈ ભાષા આવી શકે એમ નથી. આપણી ભાષાની આવી જ એક કહેવતનો પરચો મને મળી ગયો છે. એનાથી મારી જિંદગીની દશા અને દિશા બદલાઈ ગઈ છે. કહેવત છે કે જે માણસ વાર્યો ન વરે તે હાર્યો વરે છે.
પ્રતીકાત્મક તસવીર
આપણી ગુજરાતી ભાષા એટલી સશક્ત છે કે એની તોલે બીજી કોઈ ભાષા આવી શકે એમ નથી. આપણી ભાષાની આવી જ એક કહેવતનો પરચો મને મળી ગયો છે. એનાથી મારી જિંદગીની દશા અને દિશા બદલાઈ ગઈ છે. કહેવત છે કે જે માણસ વાર્યો ન વરે તે હાર્યો વરે છે. આથી હું કબૂલ કરું છું કે છેલ્લા કેટલાક સમયથી હું કોઈ અજ્ઞાત પનોતીથી પીડાઈ રહ્યો છું. નથી શરીર સાથ આપતું કે નથી મન. કોઈ કામ માટે રુચિ નથી થતી, કોઈ પ્રવૃત્તિ કરવાનું મન નથી થતું. જીવનના કોઈ તબક્કામાં આવું બનશે એની ક્યારેય કલ્પના નથી કરી. ન કોઈ પ્રવૃત્તિ સાથે સંબંધ બંધાય, ન કોઈ વૃત્તિ સાથે. અંધારે અકળામણ થાય, અજવાળે અથડામણ થાય.
લખવું એ મારી શ્વાસ લેવાની ક્રિયા છે, વાંચવું એ ઉચ્છ્વાસની. બન્ને ક્રિયા આસાનીથી થતી નથી. છેલ્લાં ૮ વરસથી હું અવિરત ‘મિડ-ડે’ માટે કૉલમ લખી રહ્યો છું, પરંતુ છેલ્લાં બે અઠવાડિયાંથી પ્રસ્તુત કૉલમ લખી શક્યો નથી. એ તો ઠીક, છેલ્લાં ૬૦ વરસથી મારા નાટકના પ્રથમ પ્રયોગમાં નિયમિત હાજરી આપતો આવ્યો છું જે આજે અશક્ય બન્યું હતું.
ADVERTISEMENT
આ પરિસ્થિતિમાં ડૉક્ટરોથી માંડીને મારા બધા મિત્રોએ અને હિતચિંતકોએ, સાથી-સગાંવહાલાંઓએ એક જ સલાહ આપી કે પ્રવીણભાઈ, તમે જીવનનાં સતત ૮૫ વરસ અટક્યા વિના કામ કર્યું છે, હવે થોભી જાઓ!
ક્યાંક અને ક્યારેક તો માણસે અટકવું જ જોઈએ. ગાડી અટકી જ ગઈ છે એનો સ્વીકાર કરો, પેટ્રોલ ખૂટી ગયું છે તો ટાંકી ફુલ કરવાનો સંકલ્પ કરીને પછી જ આગળ વધવાનો સંકલ્પ કરો. તમે મનથી કબૂલ કરો છો કે તમે થાકી ગયા છો, આરામની જરૂર છે, વિશ્રામની જરૂર છે.
મારા મિત્ર હરીશ ગાંધીએ એક સરસ સલાહ આપી, ‘પ્રવીણભાઈ, તમે અજય છો, અપરાજિત છો એવો અહંકાર મનમાંથી કાઢી નાખો. દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક અને ક્યાંક ને ક્યાંક પોરો ખાવો જ પડે છે, થાક ઉતારવો જ પડે છે. તમને લાગે કે ફરીથી ચાલવાની ત્રેવડ શરીરમાં આવી છે તો જ ફરીથી પગ ઉપાડજો, નહીં તો કુદરતના કાનૂનને શરણે થઈ જવામાં કોઈ શરમ રાખવી ન જોઈએ.’
પહેલી ડિસેમ્બરે મારા ડૉક્ટરમિત્ર હરેન શાહ મારા ઘરે આવ્યા અને વધામણી આપતાં કહ્યું, ‘પ્રવીણભાઈ, પાર્ટીની વ્યવસ્થા કરો, તમારા બધા જ રિપોર્ટ સારા આવ્યા છે. આ ત્રીજી વખત ઈશ્વરે તમારા પર કૃપા વરસાવી છે. તમને ડૂબતા જ નથી બચાવ્યા, તરતા કરવાની તાકાત આપવાનું કામ પણ કર્યું છે. ખરેખર ઈશ્વરની તમારા પર અસીમ કૃપા છે. એ મનોમન હજી પણ ઇચ્છતો હોય એમ લાગે છે કે તમારા હાથે કોઈ સારું અને અદ્ભુત કામ થાય. તમે એની શરૂઆત કરો.’
ડૉ. હરેન શાહના શબ્દોથી ઘરમાં આનંદની લહેરખી ઊઠી. મેં પૂછ્યું, ‘ડૉક્ટરસાહેબ, પહેલું કામ કયું કરું?’
તેમણે કહ્યું, ‘જ્યાં સુધી લખવાનું શરૂ નહીં કરો ત્યાં સુધી તમારા આત્મામાં ચેતનાનો સંચાર નહીં થાય. આવતી કાલથી રોજ એકાદ પાનું અને એ ન બને તો અડધું પાનું તો લખવાનું ચાલુ કરી દો. પછી જુઓ કે ચમત્કાર થાય છે કે નહીં.’
શરૂઆતમાં તો વચન આપતાં મને ક્ષોભ થયો, કારણ કે મેં બધા પાસે કબૂલ કર્યું હતું કે મેં વધુપડતું કામ કરવાની ભૂલ કરી છે. તરત જ હરેનભાઈએ મને કહ્યું કે તમને કામનો થાક નથી લાગ્યો; આરામનો લાગ્યો છે, નિષ્ક્રિયતાનો લાગ્યો છે; સક્રિય થઈ જાઓ અને જીવનના રૂટીનમાં ધીમે-ધીમે આવવા લાગો.
તો વાચકમિત્રો, આ રવિવાર, ૮ ડિસેમ્બરથી હું લેખનનો આરંભ કરું છું. ‘મિડ-ડે’ પરિવાર અને વાચકમિત્રોના આશીર્વાદથી મારા પ્રયાસને સફળતા મળશે એવી આશા રાખું છું.
શરૂઆતમાં મારી પ્રિય ઇંગ્લિશ ફિલ્મ ‘કન્ફેશન’ની વાર્તાનો ચિતાર એટલા માટે આપીશ, કેમ કે મેં પણ અહીં એક જુદી જાતનું કન્ફેશન કરેલું છે.
કન્ફેશન : વર્ષો પહેલાં એક મિત્રે આલ્ફ્રેડ હિચકૉકની ફિલ્મની કથા સંભળાવી હતી જે આજે પણ હું ભૂલી શક્યો નથી.
lll
આજથી ૪૫ વર્ષ પહેલાંની એ વાત છે. મુંબઈ શહેરમાં ત્યારે આલ્ફ્રેડ હિચકૉકની ફિલ્મ ‘કન્ફેશન’એ ધૂમ મચાવી હતી. હિચકૉક એટલે રહસ્યનો રાજા-સસ્પેન્સ કિંગ. એ ફિલ્મની કથા કંઈક આમ હતી.
વાતવાતમાં બે પુરુષો વચ્ચે ઝઘડો થાય છે. ઉગ્રતા એટલી હદે પહોંચે છે કે એક પુરુષ જાણે ભાન ભૂલી જાય છે અને બીજાનું ખૂન કરી નાખે છે. આવો કાતિલ ગુનો આચરાઈ ગયા પછી બીજી જ પળે તેને ભાન થાય છે કે ગુસ્સામાં આ શું થઈ ગયું? હવે? પસ્તાવાનો પાર નથી. મન તરફડવા લાગ્યું, આત્મા ડંખી રહ્યો. તેની ઇચ્છા કંઈ ખૂન કરવાની નહોતી, પણ ગુસ્સો એવો મગજમાં ભરાઈ ગયો કે આમ થઈ ગયું. પણ કોઈએ તેનું આ દુષ્કૃત્ય જોયું નહોતું, કોઈ નજરે જોનાર આ ઘટનાનો સાક્ષી નહોતો એટલે તે કદાચ પકડાઈ નહીં જાય એવું તેને લાગ્યું; પણ તેથી શું? ખૂન તો તેનાથી થઈ જ ગયું હતું અને તેનો આત્મા તેને સતત ડંખી રહ્યો હતો. તે ખૂનના સ્થળેથી ભાગ્યો.
અને સામે જ થોડે છેટે એક ચર્ચ જોયું. તે દોડ્યો ચર્ચમાં પ્રવેશવા. તે કેટલાંક પગથિયાં ઝપાટાબંધ ચડવા લાગ્યો. એ ઉતાવળમાં, બહાવરાપણામાં ચર્ચનાં પગથિયાં પર રમતું ત્રણ-ચાર વરસનું બાળક તેની અડફેટમાં આવી ગયું. જોકે તેની દરકાર કર્યા વગર તે ખૂની ચર્ચમાં ઘૂસી ગયો અને અંદર જઈને કન્ફેશન બૉક્સમાં ઊભો રહી ગયો. પરસેવાના રેલા તેના શરીર પરથી ઊતરી રહ્યા હતા અને શ્વાસ છાતીમાં સમાતો નહોતો. ખ્રિસ્તી ધર્મના નિયમ અનુસાર ચર્ચના કન્ફેશન બૉક્સમાં માણસ ગમે એ સમયે આવીને પોતાનું પાપ-ગુનો કબૂલ કરી શકે છે. ત્યાં એક ઘંટડી હતી. ખૂનીએ એ વગાડી એટલે એ સમયે ફરજ પર હતા તે ધર્મગુરુ કન્ફેશન બૉક્સની બીજી બાજુ આવીને ઊભા રહ્યા. બે વચ્ચે જાળી હોય છે. તેઓ પરસ્પર જોઈ શકતા નથી - માત્ર વાત કરી શકે છે એટલે માત્ર વાત કરીને તેને આશ્વાસન અને ઉપદેશ આપે છે.
તે ખૂનીએ કન્ફેશન બૉક્સમાં બેસીને પોતાનો ગુનો કહી બતાવ્યો, કબૂલાત કરી અને અફસોસ વ્યક્ત કર્યો. ધર્મગુરુએ તેને આશ્વાસન આપ્યું અને ફરી જિંદગીમાં કોઈ ગુનો ન થાય એની સાવધાની રાખવાનો ઉપદેશ આપ્યો.
હૈયાનો ભાર ખાલી કરીને ખૂની ચર્ચમાંથી બહાર દોડી ગયો. કોઈએ તેને જોયો નહીં.
આ બાજુ ખૂનની જાણ થતાં પોલીસ કામે લાગી ગઈ. તપાસ કરતાં જાણવા મળ્યું કે ખૂનના સ્થળની બરાબર સામે આવેલા ચર્ચનાં પગથિયાં પર રમતા નાના બાળકને કોઈ માણસે ઉતાવળમાં જતાં અડફેટે લીધું હતું અને બાળકને વાગ્યું હતું. તપાસ કરીને પોલીસે તે બાળકની માતાનો પત્તો મેળવ્યો અને કેટલા વાગ્યે તે બાળક પગથિયાં પર રમતું હતું એની માહિતી મેળવી. પોલીસને વહેમ આવ્યો કે ખૂની દોડીને ચર્ચમાં જઈ જરૂર કન્ફેશન - કબૂલાત કરી આવ્યો હશે. પોલીસે ચર્ચમાં જઈને એ સમયે કયા પાદરી ડ્યુટી પર હતા એનો પત્તો મેળવ્યો અને તેમને કોર્ટમાં બોલાવ્યા.
કોર્ટમાં જજે પાદરીને પૂછ્યું, ‘પોલીસના જણાવ્યા પ્રમાણેના સમયે આપ ચર્ચમાં ડ્યુટી પર હતા?’
‘હા સાહેબ.’
‘ત્યારે કન્ફેશન બૉક્સમાં આવીને કોઈ પુરુષે ખૂન કર્યાની કબૂલાત કરી હતી?’
‘ના સાહેબ!’
‘તમને બરાબર યાદ છે?’ કોર્ટે પૂછ્યું.
‘હા જી!’
‘તમે સત્ય બોલો છો?’
‘હું પ્રતિજ્ઞાપૂર્વક સત્ય બોલું છું. મને ઓથ લેવડાવવામાં આવ્યા છે.’
‘વારુ તમે જઈ શકો છો.’
ફિલ્મની કથામાં અંતે તે ખૂની પકડાઈ જાય છે. મારા યુવાન મિત્રના મનમાં એક વાત કેમેય કરીને બેઠી નહીં કે એક ધર્મગુરુ શપથ લઈને કેમ અસત્ય બોલ્યા? ખૂનીએ ખૂન કર્યું એ તેનો ગુનો હતો, એની કબૂલાત કરવાથી તે કાનૂની રીતે બચી શકતો નથી તો અસત્ય બોલીને પાદરીએ કોર્ટમાં તેને બચાવવાની કોશિશ કેમ કરી? શું અસત્ય બોલીને કોઈનો ગુનો છાવરવો એ પાદરીનું કર્તવ્ય છે?
જરા પણ નહીં. ખ્રિસ્તી ધર્મ શું છે? કોઈ પણ ધર્મ અસત્ય બોલવાનું ન કહે! અને એના ધર્મગુરુ આવું આચરણ ન કરે! પણ જ્યારે કોઈ વ્યક્તિ તમારામાં વિશ્વાસ મૂકીને તેની ખાનગી વાત તમને તેનો હૈયાભાર હળવો કરવા પસ્તાવો કરતાં કરે છે ત્યારે એ ખાનગી વાતનું, મૂકેલા એ વિશ્વાસનું ભારે મૂલ્ય છે... સત્ય વચન કરતાં પણ...
ધર્મમાં વિશ્વાસઘાત એ મોટો ગુનો છે. અસત્ય બોલવા કરતાં પણ મોટો. એટલે ફિલ્મમાં પાદરીએ અસત્ય બોલીને પણ ખૂન કરનારે તેમનામાં એટલે કે ધર્મપ્રથામાં જે વિશ્વાસ મૂક્યો હતો એનું રક્ષણ કર્યું એ યોગ્ય હતું. સત્યનું પાલન સંજોગોને આધીન હતું.
સમાપન
આમ ન પહેરો ફાટ્યું કપડું
જલદી સીવવા માંડો
ફરી ન ફાટે એવી રીતે
સંભાળીને પહેરો
તોય જો ફાટે ફરી-ફરી
તો પોત નકામું માનો
જીવન પણ છે વસ્ત્ર મજાનું
સંભાળીને ચાલો
ગફલત થાય ક્યાંક કદી તો
એને ન સંતાડો
ભૂલ કબૂલી ફોરા થઈને
ફરીથી જીવવા માંડો
- અમર પાલનપુરી

