પહેલાંનો માણસ એટલે ક્યારનો માણસ? વ્યાખ્યા કરવી અઘરી છે. આજથી ૫૦ વર્ષ પહેલાં પણ ‘પહેલાંના માણસ આવા હતા કે તેવા હતા...’ વાંચવા-સાંભળવા મળતું.
માણસ એક રંગ અનેક
એક ઝમાના થા જબ પડોસી પરિવાર કા હિસ્સા થા આજ તો એક હી પરિવાર મેં કઈ પડોસી હો ગએ!
પહેલાંના માણસોમાં સચ્ચાઈ હતી, પહેલાંના માણસો વિશ્વાસપાત્ર હતા, પહેલાંના માણસો લાગણીશીલ હતા... વગેરે વગેરે વાક્યો આપણે વારંવાર સાંભળ્યાં હશે.
પહેલાંનો માણસ એટલે ક્યારનો માણસ? વ્યાખ્યા કરવી અઘરી છે. આજથી ૫૦ વર્ષ પહેલાં પણ ‘પહેલાંના માણસ આવા હતા કે તેવા હતા...’ વાંચવા-સાંભળવા મળતું.
ખેર, ગમે તે હોય. પહેલાંના માણસ એટલે જૂના જમાનાના માણસ. વેરાવળના કવિ શ્રી યોગેશ વૈદ્યએ ‘પહેલાંના માણસો’ નામની એક સુંદર રચના કરી છે. સ્થળસંકોચને કારણે પદ્ય હોવા છતાં ગદ્યની જેમ ક્ષમા સાથે આલેખું છું...
પહેલાંના માણસો પહેલાંના માણસો જેવા હતા. ખરબચડા અને કરચલિયાળા, ચલ્લીના બાંડિયા જેવા, મુછાળા, શનિવારે દાઢી ન કરવાનું અફર નિમ પાળનારા, સારા લાગવાની કે સારું લગાડવાની ખેવના વગરના, પીળા પડી ગયેલા ફોટોમાં બાઘા ચહેરે ઊભેલા પહેલાંના માણસો.
માસ્તરનો માર ખાતા, દાક્તરને દેવ ગણતા, ધરતીને મા અને બળદને સગો ભાઈ સમજતા. એસટી બસની ટિકિટ મહિનાઓ સાચવી રાખતા, રોજેરોજ પાઈ-પૈસાનો હિસાબ માંડતા, માથે પોટલાં લઈને દૂર-દૂરનાં ગામતરાં કરતા, જરૂર પડે તો વઢાળી પર મુતરી આપતા (‘વઢાળી પર મુતરવું’ એ કહેવત છે. વઢાળી એટલે ઘા પર મુતરીને ઇલાજ કરવો) અને પહેરણનો લીરો કરીને પાટો પણ બાંધી આપતા પહેલાંના માણસો.
પહેલાંના માણસો હાથ બાળતા, સાથે હૈયાં પણ. બાઈઓને ચહેરા નહોતા, ભરેલા નારિયેળ જેવાં લગન થતાં અને સપ્તપદીનાં સાતેય પદ નભાવતાં-નભાવતાં સવાશૂરિયા દીકરા જણતી બાઈઓનો એક પગ હંમેશાં રહેતો મસાણમાં.
પહેલાંના માણસો રાહ જોઈ શકતા, ખુશી-સમાચારની બે જ લીટી લખેલા પોસ્ટકાર્ડની. વાર-તહેવારે બોણી આપતા ટપાલીને પણ તાર લઈને આવે તો છળી મરતા સાવ.
પહેલાંના માણસોની રાત હતી બિહામણી કાળીડિબાંગ. માણસો સૂઈ જતા ત્યારે ચૂડેલો ઝાંઝર પહેરીને ફરવા નીકળતી. ભૂલેચૂકેય જો કોઈ બહાર નીકળે રાતે તો મામાઓ-ખવીસો બીડી પેટાવવા બાકસ માગતા. કિટસન લાઇટના અજવાળે આંખ ઉલાળતા ભવાયાઓને જોઈ ભુરાયા થતા, પણ સિનેમાની નટીઓનાં સપનાં જોતાંય મા-બાપથી ફાટી પડતા પહેલાંના માણસો.
દિવાળી પર ફળિયામાં લાલ કંકુનાં પગલાં પાડવા અચૂક આવતાં સાક્ષાત્ લક્ષ્મીજી. ગામના ઘાંયજાથી લઈને ગરાસદાર સુધીનાને હોંશે-હોંશે રામરામ કરીને ન આવે ત્યાં સુધી દિવાળી પૂરી ન થતી પહેલાંના માણસોની.
દુકાળ પડ્યે દાડિયે જતા, મલેરિયા થાય તો માદળિયું બાંધતા ને મરકી આવ્યે મરી જતા.
છઠ્ઠીના દીવાની આમન્યા પાળતાં અને રાંદલમાની જ્યોતને જીવતી રાખવા આખી રાત જાગતા રહેતા પહેલાંના માણસો.
પહેલાંના માણસોને પાપ લાગતું. ગાય-કૂતરાંનો ભાગ કાઢ્યા પછી જ જમનારા, ભાદરવે ત્રણ-ત્રણ પેઢીને કાગવાસ નાખનારા, વ્યાજના ઘોડાને આંબવા ખોરડાને, અરે જાતને વેચી નાખનારા આ પહેલાંના માણસો આજે શીર્ણ-વિશીર્ણ પડ્યા છે ખૂણેખાંચરે, જુનવાણી કથ્થઈ ડ્રેસમાં, અવાવરું માળિયાઓમાં, આલબમોમાં ફુગાઈ જઈને ચોંટી ગયેલા મ્યુઝિયમની ગમગીન ગૅલેરીઓમાં, સેલ્યુલૉઇડની પટ્ટીઓમાં, વાતોમાં, વાર્તાઓમાં.
કોઈએ તેમને પરાણે ચૂપ કરી દીધા છે કે પછી કાળક્રમે તેમનું કશુંય બોલવું કે કરવું અર્થ ખોઈ બેઠું છે.
ગમે તેમ હોય, પણ વિગત વર્ષોમાં તેઓ એક-એક, બે-બે કરીને અહીંથી નીકળી રહ્યા છે ચૂપચાપ, જાણે પોતે ક્યારેય હતા જ નહીં એમ પોતાનાં સ્થાન છોડી રહ્યા છે પહેલાંના માણસો.
આવનારાં વર્ષોમાં
આ ખાલી પડેલી જગ્યાઓમાં
ગોઠવાઈ જાઈશું આપણે સહુ
આજના માણસો
અને ત્યારે ફરી કોઈ કવિ
વાત માંડશે કવિતામાં આમ જ
પહેલાંના માણસો
પહેલાંના માણસો જેવા હતા
સમાપન
બિના સમઝ કે ભી હમ કિતને સચ્ચે હૈં
વો ભી ક્યા દિન થે, જબ હમ બચ્ચે થેં.