વાત જ એવી છે. ગયા રવિવારે કહી હતી એ જ વિષય પરની અને કદાચ એનાથી પણ વેંત ઊંચેરી. જરા માંડીને વાત કરું
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક તસવીર
હા, ખરેખર અને માત્ર રાજીપો જ નહીં, તેમની આશીર્વાદ આપવાની ક્ષમતા પણ બેવડાઈ જાય અને કલાની કદર કરનારા સૌ કોઈને ખભે બેસાડી શહેરભરમાં સામૈયું કાઢે. હા, ખરેખર. નટદેવતા અત્યારે એવા જ કોઈ રાજીપા સાથે જીવતા હશે એની મને શ્રદ્ધા છે.
વાત જ એવી છે. ગયા રવિવારે કહી હતી એ જ વિષય પરની અને કદાચ એનાથી પણ વેંત ઊંચેરી. જરા માંડીને વાત કરું.
છેલ્લા લાંબા સમયથી ગુજરાતી રંગભૂમિએ કફોડી પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હતું. ઑડિયન્સનો નબળો પ્રતિસાદ તો હતો જ, પણ એ ઉપરાંત પણ બે એવાં ફૅક્ટર હતાં જેણે ગુજરાતી રંગભૂમિની કમર તોડવાનું કામ શરૂ કરી દીધું હતું. અમુક પ્રોડક્શન હાઉસ સર્વાઇવ થવા માટે તનતોડ મહેનત કરતાં રહ્યાં તો અમુક પ્રોડક્શન હાઉસે તો ખરેખર બિસ્તરા-પોટલાં સંકેલીને નવી દિશામાં આગળ વધવાનું પણ ગંભીરતા સાથે વિચારવાનું આરંભી દીધું. આ જે બે ફૅક્ટરે ગુજરાતી રંગભૂમિની હાલત કફોડી કરી એમાંથી એક હતું, પૅન્ડેમિક. મહામારીએ ગુજરાતી જ નહીં, તમામ પ્રકારની મનોરંજન-ઇન્ડસ્ટ્રી પર વજ્રઘાત કર્યો એવું કહીએ તો જરા પણ ખોટું નહીં કહેવાય, પણ એ બધામાં સૌથી વધારે જો કોઈની હાલત બગડી હોય તો એ ગુજરાતી રંગભૂમિની.
ADVERTISEMENT
ઘટતાં જતાં ઑડિટોરિયમની બાબતમાં વધારે વાત નહીં કરું, કારણ કે ગયા રવિવારે જ આ વિષય પર આપણે વાત કરી છે અને એ સમયે કહ્યું જ હતું કે લાઇવ આર્ટને જીવંત રાખવા માટે સતત મથતા રહેતા કલાકાર-કસબીઓની પાસે ઑડિટોરિયમ નહીં હોય તો એ બાપડા કરી શું શકશે?
ગયા રવિવારે પહેલો હરખ તમારી પાસે મૂક્યો અને કહ્યું કે ભાઈંદર-મીરા રોડ પર ખાલી પડેલી સરકારની માલિકીની જગ્યા પર ઑડિટોરિયમ બનાવવાની દરખાસ્તથી લઈ, એ જગ્યાનો હેતુફેર અને એ જગ્યા પર વિશ્વસ્તરનું આહલાદક ઑડિટોરિયમ બનાવવાનો વિચાર જેમ એક ગુજરાતીને આવ્યો અને એ ગુજરાતી રંગભૂમિની પડખે આવીને ઊભો રહ્યો એવું જ કામ ફરી ગુજરાતીએ કર્યું છે અને આ વખતે તો ગુજરાતીઓનું એક મોટું જૂથ ગુજરાતી રંગભૂમિની પડખે આવીને ઊભું રહી ગયું છે.
એ વાત શરૂ કરતાં પહેલાં એક વાસ્તવિકતા તરફ નજર કરાવી દઉં. મોટા ભાગના ગુજરાતીઓ બોરીવલીથી વિલે પાર્લે વચ્ચે સમાયેલા છે એવા સમયે આ વિસ્તારમાં બે જ ઑડિટોરિયમ રહી ગયાં હતાં. ઠાકરે અને અસ્પી સિવાય પણ ગુજરાતી માટે જો કોઈ ઑડિટોરિયમ હોય તો એ બે; એક તેજપાલ અને બીજું ભવન્સ, પણ એ બન્ને ઑડિટોરિયમ ટાઉનમાં અને આપણા મધ્યમવર્ગીય ગુજરાતીને રવિવારે છેક ત્યાં સુધી જવું સમય અને આર્થિક દૃષ્ટિએ પરવડે નહીં. વચ્ચેના ભાગમાં ભાઈદાસ ઑડિટોરિયમ હતું ખરું, પણ એ રિનોવેશનમાં ગયું, જે લોકો સમક્ષ આવતાં હજુ મિનિમમ ત્રણથી ચાર વર્ષ નીકળી જશે. કોરોનાના ફટકામાંથી બહાર આવીને નવેસરથી ઝઝૂમવા માગતી ગુજરાતી રંગભૂમિને ઑડિટોરિયમનો ફટકો એવો તે લાગ્યો હતો કે તમે કલ્પના પણ ન કરી શકો. ઍની વેઝ, એ દિશામાં કામ કર્યું છે શ્રી વિલે પાર્લા કેળવણી મંડળે અને એવું તે કામ કર્યું છે કે ગુજરાતી રંગભૂમિને ખરા અર્થમાં નવો શ્વાસ મળી ગયો. કઈ રીતે એની વાત કરીશું આપણે હવે આવતી કાલે.