Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઘમઘમ

સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઘમઘમ

Published : 07 January, 2023 03:32 PM | Modified : 07 January, 2023 03:56 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

ધૂડી નિશાળોમાં શીખવાતું ફક્ત અંકગણિત અને લિપિલેખન બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી પહેલી સ્કૂલ શરૂ થઈ મુંબઈમાં

છોકરાઓ માટેની સરકારી નિશાળ, ૧૮૭૩

છોકરાઓ માટેની સરકારી નિશાળ, ૧૮૭૩


સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઘમઘમ 
એક જમાનામાં આવું માત્ર ગુજરાતીઓ જ નહોતા માનતા, મરાઠીમાં પણ કહેવત હતી:
છડી લાગે છમછમ, વિદ્યા યેઇ ઘમઘમ 
આપણે ત્યાં એક માન્યતા ઘર કરી ગઈ છે કે અંગ્રેજોએ આપણા દેશમાં આવીને ગુલામ જેવા કારકુનો પેદા કરવા માટે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ દાખલ કર્યું એટલું જ નહીં, આપણે ત્યાં પરંપરાગત રીતે શિક્ષણ આપતી જે નિશાળો હતી એનો મૃત્યુઘંટ તેમણે વગાડ્યો. પણ વાત આટલી સીધીસાદી નથી. બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું, લગભગ એ જ વખતે બૉમ્બે પ્રેસિડેન્સીની સરકારે આખા ઇલાકામાંની પરંપરાગત રીતે શિક્ષણ આપતી નિશાળોની મોજણી કરાવી હતી. 
ધ સેક્રેટરી ટુ ધ ગવર્નમેન્ટ ઑફ બૉમ્બે મિસ્ટર ફેરિશે એક પ્રશ્નાવલી તૈયાર કરીને ૧૮૨૪ના માર્ચની ૧૦મી તારીખે રાજ્યના દરેક જિલ્લાના કલેક્ટર અને જજને મોકલી આપી. એમાંના દસ પ્રશ્નોના જવાબ તેમણે લખી મોકલવાના હતા, વહેલામાં વહેલી તકે. ૧૮૨૫ના માર્ચની દસમી તારીખે તો અહેવાલ તૈયાર થઈ ગયો અને મિ. ફેરિશે એ સરકારને સુપરત પણ કરી દીધો, માત્ર એક જ વર્ષના ગાળામાં. મુસાફરી અને સંદેશ વ્યવહારનાં એ વખતનાં ટાંચાં સાધનોને જોતાં આ કામ ઘણી ઝડપથી થયું ગણાય.


આ અહેવાલ પ્રમાણે ધૂડી નિશાળોમાં અંકગણિત અને લિપિલેખન સિવાય બીજું કશું શીખવાતું નહોતું. અંકગણિતમાં પણ પહેલાં એકથી સો સુધીના આંકડા ગોખાવવામાં આવતા અને પછી અંકલેખન શીખવાતું. આ ઉપરાંત તોલમાપ, લંબાઈ, વજન વગેરેની માહિતી અપાતી. આટલું ભણી રહે પછી નિશાળ છોડતાં પહેલાં વિદ્યાર્થીને નીતિ અને ધર્મના થોડા પાઠ ભણાવતા. આખા મુંબઈ ઇલાકાની વાત કરીએ તો મોટાં શહેરોમાં આવેલી ૨૫ નિશાળોમાં કુલ ૧૩૧૫ છોકરા ભણતા હતા, જ્યારે ગામડાંઓમાં આવેલી ૧૬૮૦ નિશાળોમાં કુલ ૩૩,૮૩૮ છોકરા ભણતા હતા. એ વખતે મુંબઈ ઇલાકાની વસ્તી લગભગ ૪૭ લાખની હતી. એટલે કે દર ૧૩૩ વ્યક્તિમાંથી એક વ્યક્તિ ભણવા માટે નિશાળે જતી હતી. 



આ અહેવાલમાંની બીજી કેટલીક હકીકતો પણ નોંધપાત્ર છે : મુંબઈ ઇલાકાની એક પણ નિશાળને પોતાનું અલાયદું મકાન નહોતું. લગભગ બધા મહેતાજીઓ બ્રાહ્મણ હતા. અછૂત ગણાતી જાતિઓનો છોકરો ભણતો હોય એવો એક પણ દાખલો અહેવાલમાં ક્યાંય નોંધાયો નથી. એવી જ રીતે એક પણ નિશાળમાં છોકરી ભણતી હોય એવું નોંધાયું નથી. સાધારણ રીતે સાતથી બાર વર્ષની ઉંમરના છોકરાઓ આ નિશાળોમાં ભણવા આવતા. છોકરો દોઢથી ત્રણ વર્ષ સુધી નિશાળમાં ભણતો. વાર્ષિક પરીક્ષા જેવું કશું નહોતું. છોકરાના બાપને કે મહેતાજીને લાગે કે જરૂર પૂરતું ભણવાનું પૂરું થયું છે એટલે છોકરો નિશાળ છોડતો અને કૌટુંબિક વ્યવસાયમાં જોડાતો. એ વ્યવસાય માટેની જરૂરી જાણકારી તેને કુટુંબના વડીલો તરફથી મળી રહેતી. 
એન. શ્રીનિવાસના સિદ્ધાંત વિશે આપણે અગાઉ વાત કરેલી. એ પ્રમાણે સંસ્કૃતિના નીચલા થર પરથી ઉપલા થર પર જવા માટેનું એક મોટું સાધન તે શિક્ષણ. અને જ્યારે શિક્ષણ સમાજના એક બહુ નાનકડા વર્ગનો જ અધિકાર બની રહ્યું હોય ત્યારે બીજા વર્ગના લોકો એનાથી વંચિત રહે અને સામાજિક સીડીના ઉપલા પગથિયે પહોંચી ન શકે. છોકરીઓ તો એવા આછા-પાતળા શિક્ષણથી પણ વંચિત. એટલે જ જ્યારે મુંબઈથી સમાજસુધારાની પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારે શરૂઆતથી જ કન્યાશિક્ષણ પર ભાર મુકાયો. સરકારે પણ ‘છોડીઓ’ માટેની અલગ નિશાળો શરૂ કરી. આવી નિશાળો સૌ પહેલાં શરૂ થઈ મુંબઈમાં. હવે જરા વિચાર કરો, બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપણે ત્યાં ન આવ્યું હોત અને આ પરંપરાગત નિશાળો જ ચાલુ રહી હોત તો આજે આપણે ક્યાં હોત?  


મરેના વ્યાકરણનો તરજુમો, ૧૮૨૨ 


ઓગણીસમી સદીના આરંભે હજી દેશમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ હતું પણ એ રાજવટ ચાલુ રાખવા માટેની મંજૂરી કંપનીએ વખતોવખત બ્રિટનની પાર્લમેન્ટ પાસેથી મેળવવી પડતી અને દરેક વખતે મંજૂરી આપતાં પહેલાં પાર્લમેન્ટ નવી શરતો ઉમેરતી. ૧૮૧૩માં જ્યારે પરવાનો રિન્યુ કરાવવાનો થયો ત્યારે કંપની સરકારે દર વર્ષે ઓછામાં ઓછા એક લાખ રૂપિયા ‘દેશીઓ’ના શિક્ષણ માટે અને તેમના સાહિત્યના ઉત્કર્ષ માટે ખરચવા એવી કલમ ઉમેરવાનું શક્ય બન્યું. આ એક લાખ રૂપિયાની રકમ આખા બ્રિટિશ ઇન્ડિયા માટે હતી, માત્ર બૉમ્બે પ્રેસિડેન્સી માટે નહીં. પણ આ કલમનો લાભ લઈને દેશીઓના શિક્ષણ માટે એક સોસાયટી ઊભી કરવાની પહેલ બૉમ્બે પ્રેસિડેન્સીના અંગ્રેજોએ કરી. ૧૮૧૫ના જાન્યુઆરીની ૨૯મી તારીખે મુંબઈમાં વસતા કેટલાક અંગ્રેજોએ એક બેઠકમાં લાંબુંલચક નામ ધરાવતી ‘સોસાયટી ફૉર પ્રમોટિંગ ધ એજ્યુકેશન ઑફ ધ પુઅર વિધિન ધ ગવર્નમેન્ટ ઑફ બૉમ્બે’ નામની સંસ્થાની સ્થાપના કરી. ભલું થજો કેટલાક સમજુ અંગ્રેજોનું કે થોડા વખતમાં જ આ લાંબું લચક નામ બદલીને એનું ટૂંકું નામ રખાયું : ‘ધ બૉમ્બે એજ્યુકેશન સોસાયટી.’  

એના બીજા વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે આખા હિન્દુસ્તાનમાં આ પ્રકારની આ પહેલી અને એકમાત્ર સોસાયટી છે. અલબત્ત, એ વખતે એનો ઉદ્દેશ ગરીબ ખ્રિસ્તી છોકરાઓને માટે શિક્ષણની સગવડ ઊભી કરવાનો હતો. ૧૭૧૮થી મુંબઈમાં ચાલતી એક ધર્માદા સ્કૂલ સોસાયટીએ પોતાને હસ્તક લઈ લીધી અને ૧૮૧૫માં મુંબઈના કોટ વિસ્તારમાં એક ‘સેન્ટ્રલ સ્કૂલ’ શરૂ કરી. પણ પહેલેથી જ એમ ઠરાવવામાં આવ્યું કે જે દેશી છોકરાઓ આ સ્કૂલમાં અભ્યાસ કરવા માગતા હોય તેમને વાજબી ફી લઈને દાખલ કરવા. બન્ને નિશાળમાં ભણતા ખ્રિસ્તી વિદ્યાર્થીઓ માટે ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડ પુરસ્કૃત ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ ફરજિયાત હતું, પણ દેશી વિદ્યાર્થીઓ પર ધાર્મિક શિક્ષણ બાબતે કોઈ પ્રકારનું દબાણ લાવવું નહીં એમ ઠરાવાયું હતું. એટલે કે શિક્ષણનો હેતુ ધર્માંતરણ કરાવવાનો નહોતો. ૧૮૧૮ના જાન્યુઆરીની પહેલી તારીખે ભણતા કુલ ૮૩ વિદ્યાર્થીઓમાંથી સાત પારસી, પાંચ હિન્દુ અને એક મુસ્લિમ હતા, બાકીના ખ્રિસ્તી. બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ મેળવનારા આ પહેલા દેશી છોકરાઓ. ૧૮૧૮ સુધીમાં સોસાયટીએ એક ગર્લ્સ સ્કૂલ પણ શરૂ કરી હતી, પણ એમાં એક પણ હિન્દુ છોકરી ભણતી નહોતી. એ વિશે સોસાયટીના ત્રીજા વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે હિન્દુઓમાં છોકરીઓને ભણાવવાનો ચાલ નથી તેથી આ સ્કૂલમાં એક પણ હિન્દુ છોકરી ભણતી નથી.  

૧૮૧૮માં આ સોસાયટીએ એક મહત્ત્વનું પગલું લીધું. તેણે મુંબઈમાં કેવળ ‘દેશી’ છોકરાઓ માટે ત્રણ સ્કૂલ શરૂ કરી – એક મુંબઈના કોટ વિસ્તારમાં, બીજી ગિરગામ વિસ્તારમાં અને ત્રીજી માઝગાવ વિસ્તારમાં. એમાંની પહેલી સ્કૂલ ૧૮૧૮ના ઑગસ્ટની ૧૨મી તારીખે શરૂ થઈ ત્યારે એમાં ૪૦ છોકરાઓ દાખલ થયા હતા. પણ થોડા જ વખતમાં આ સંખ્યા વધીને ૯૦ જેટલી થઈ. ૧૮૧૮ના ડિસેમ્બરમાં શરૂ થયેલી ગિરગામની સ્કૂલમાં શરૂઆતમાં ૪૫ અને માઝગાવની સ્કૂલમાં ૨૦ છોકરા દાખલ થયા. અલબત્ત, આ ત્રણે સ્કૂલોમાં જે દેશી છોકરાઓ ભણતા હતા તેમાંના મોટા ભાગના પારસી હતા. હકીકતમાં જ્યાં-જ્યાં દેશીઓ માટેની નવી સ્કૂલો શરૂ થઈ ત્યાં-ત્યાં નવી પદ્ધતિનું શિક્ષણ અપનાવવામાં પારસી કોમે પહેલ કરી હતી. 

૧૮૧૯ના ચોથા વાર્ષિક અહેવાલમાં આ નવી સ્કૂલો વિશે માહિતી આપવામાં આવી છે. એની સાથોસાથ જ બે મુશ્કેલીઓનો પણ ખાસ ઉલ્લેખ કર્યો છે. એક, દેશીઓ માટેની સ્કૂલોમાં શીખવી શકે તેવા શિક્ષકોની અછત. અને બીજી, આ સ્કૂલોમાં શીખવી શકાય એવાં દેશી ભાષાઓમાં છાપેલાં પુસ્તકોનો લગભગ અભાવ. એમાંથી બીજી મુશ્કેલી દૂર કરવાના હેતુથી કલકત્તાની સ્કૂલ બુક સોસાયટી પાસેથી તેણે તૈયાર કરેલાં પુસ્તકો મગાવવામાં આવ્યાં. બીજી બાજુ મુંબઈ ઇલાકાના સ્થાનિક લોકોને પણ તેમણે લખેલાં અથવા અનુવાદ કરેલાં પુસ્તકો મોકલવા માટે વિનંતી કરવામાં આવી. કલકત્તાથી કેટલાંક પુસ્તકો આવ્યાં પણ ખરાં, પણ બૉમ્બે પ્રેસિડેન્સીની સ્કૂલોમાં કામ લાગે એવાં એ નહોતાં. સ્થાનિક લોકો તરફથી માત્ર એક જ પુસ્તક મળ્યું હતું – મરેના અંગ્રેજી વ્યાકરણની બાવનમી આવૃત્તિનો અરદેશર બહેરામજી લશ્કરીએ કરેલો ગુજરાતી તરજુમો, જે મુંબઈ સમાચારના છાપખાનામાં છપાયો હતો. એટલે સોસાયટીને લાગ્યું કે ગુજરાતી-મરાઠી જેવી સ્થાનિક ભાષાઓમાં નવાં પાઠ્યપુસ્તકો તૈયાર કરાવ્યા સિવાય છૂટકો નથી.

નવાં પુસ્તકો તૈયાર કરાવવાની સોસાયટીના મનની મુરાદ મનમાં જ રહી જાત, કારણ એ માટેનાં આર્થિક સાધનો તેની પાસે નહોતાં. પણ ત્યાં જ સારા નસીબે ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન બૉમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર બન્યા. સોસાયટી શરૂ થઈ ત્યારથી મુંબઈના ગવર્નર એના પ્રમુખ બને એવો ચાલ હતો. એટલે ૧૮૧૯માં એલ્ફિન્સ્ટન સોસાયટીના પ્રમુખ બન્યા. ગુજરાતી-મરાઠી પાઠ્યપુસ્તકોના અભાવ વિશેની મુશ્કેલી તરત તેમના ધ્યાનમાં આવી. તેમણે કહ્યું : પાઠ્યપુસ્તકો નથી? તો ચાલો, આપણે જ તૈયાર કરી છાપીએ. ૧૮૨૦ના ઑગસ્ટની ૧૦મી તારીખે તેમના પ્રમુખપદે મળેલી સોસાયટીની વાર્ષિક સભામાં ‘ધ નેટિવ સ્કૂલ ઍન્ડ સ્કૂલ બુક કમિટી’ની સ્થાપના કરવામાં આવી. એનું અલગ ભંડોળ રચવા માટે તાત્કાલિક ઉઘરાણું કરવામાં આવ્યું. એમાં એલ્ફિન્સ્ટને અંગત રીતે ૬૦૦ રૂપિયા આપ્યા અને દર વર્ષે ૩૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું. થોડા વખતમાં ૪૨૫૦ રૂપિયાનું ભંડોળ એકઠું થયું અને દર વર્ષે ૧૮૮૧ રૂપિયાના દાનનાં વચનો મળ્યાં. કુલ ૫૭ વ્યક્તિ પાસેથી દાન મળ્યાં હતાં. તેમાંના ચાર હિન્દુ (દેવીદાસ હરજીવનદાસ, નાગરદાસ હીરજી મોદી, રઘુનાથ જોશી, વેન્કોબા સદાશિવ) હતા અને ચાર પારસી (ફરામજી કાવસજી, હોરમસજી બમનજી, જમશેદજી બમનજી, જમશેદજી જીજીભાઈ) હતા. દાન આપનારા બાકીના બધા અંગ્રેજો હતા. નવી કમિટીના સંચાલક મંડળમાં ૧૨ અંગ્રેજો ઉપરાંત ૧૨ દેશી વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું. એમાંના ચાર પારસી (ફરામજી કાવસજી, હોરમસજી ધનજી, મુલ્લા ફિરોઝ, જમશેદજી જીજીભોય), ચાર હિન્દુ (દેવીદાસ હરજીવનદાસ, નાગરદાસ હીરજી મોદી, જગન્નાથ શંકર શેટ, ધાકજી દાદાજી) અને ચાર મુસલમાન (મુંબઈના કાજી, કાજી ગુલામ હુસેન, મોહમ્મદ અલી રોગે, મોહમ્મદ ઇબ્રાહિમ મકાબા) હતા. મળેલા દાનના આધારે આ કમિટીએ જે પાઠ્યપુસ્તકો તૈયાર કર્યાં એની વાત હવે પછી.

 

Whatsapp-channel Whatsapp-channel

07 January, 2023 03:56 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK