ખાસ કરીને ત્યારે જ્યારે તમારા રાજ્યના મુખ્ય પ્રધાન અને તેમની આખી ટીમ પોતે મંદિરમાં સફાઈ કરવા નીકળે અને પ્રજાનું નાક કાપી લે.
ગુજરાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
ખાસ કરીને ત્યારે જ્યારે તમારા રાજ્યના મુખ્ય પ્રધાન અને તેમની આખી ટીમ પોતે મંદિરમાં સફાઈ કરવા નીકળે અને પ્રજાનું નાક કાપી લે.
વાત છે ગુજરાતની. ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાનથી માંડીને બીજેપીના પ્રદેશપ્રમુખ અને અન્ય સિનિયર પૉલિટિકલ લીડરે ગુજરાતનાં ૨૦થી વધારે તીર્થસ્થાનો પર જઈને સાફસફાઈ કરી. તમે જે ભગવાનને આસ્થા સાથે મળો છો, જે ભગવાન પર શ્રદ્ધા ધરાવો છો અને જે ઈશ્વર પાસે હાથ ફેલાવો છે એ જ ધર્મસ્થળને ગંદકી સાથે અકબંધ રહેવા દો છો એ ખરેખર તો અણસમજની નિશાની છે. આસ્થા હોય ત્યાં પવિત્રતા અકબંધ રહેવી જોઈએ અને જો પવિત્રતાનો અભાવ હોય તો ત્યાંથી આસ્થાનો ક્ષય થાય એ પણ એટલું જ નિશ્ચિત છે.
તીર્થસ્થાનની પવિત્રતા અકબંધ રહે એ માટેની જાગૃતિ જો તમારા દેશમાં શીખવવી પડતી હોય તો સમજવાની જરૂર છે કે આપણે ખરેખર કયા સ્તર પર સિવિક સેન્સનો અભાવ ધરાવીએ છીએ. એક વાત યાદ રાખજો કે જીવનમાં ક્યારેય કોઈ ગંદકી એમ ને એમ થતી જ નથી. એ કરવા પાછળ ક્યાંક ને ક્યાંક આપણો જ હાથ હોય છે. પાવાગઢ જઈને જુઓ તો ખબર પડે કે જ્યાં-ત્યાં કચરો ઊડતો હોય છે. ગીરનાર જાઓ તો પણ એ જ દૃશ્ય જોવા મળે. રાજકોટના બાલાજી મંદિરે પણ એવો જ માહોલ છે અને સુરતના અંબિકા નિકેતનમાં પણ એ નઝારો જોવા મળે છે. થયેલા એ કચરામાંથી ૯૦ ટકા કચરો માનવસર્જિત હોય છે. દર્શન કરવામાં એક મિનિટ ઘટાડીને જો કચરો ઉપાડવાનું કામ કરી લેશો તો ભગવાન વધારે પ્રસન્ન થશે અને એ પ્રસન્નતામાં ક્યાંક ને ક્યાંક સમાજની સુખાકારી પણ જોડાયેલી રહેશે.
એક બહુ સામાન્ય કહેવાય એવો નિયમ બનાવો કે મંદિરે જઈને જેટલો સમય પ્રાર્થનામાં પસાર કરો છો એનાથી અડધો સમય જ હવે એમાં પસાર કરવો અને બાકીનો અડધો સમય આસપાસમાં સાફસફાઈ માટે ખર્ચવો. આ નિયમ એક વાર બનાવશો એટલે તમારી સાથે અનેક લોકો જોડાશે. ગઈ કાલે ગુજરાત સરકારના જે સિનિયર નેતાઓએ પગલાં ભર્યાં એનો પણ હેતુ કંઈક આવો જ છે. બાકી, જરાક વિચાર તો કરો કે મુખ્ય પ્રધાન પાસે કેવાં અગત્યનાં કામ હોય અને કયા સ્તર પર તે વ્યસ્ત હોય, પણ એમ છતાં તેમણે પવિત્રતા માટે આ કામ કર્યું. પવિત્રતાને અકબંધ રાખવી હોય તો સ્વચ્છતા જોઈશે અને સ્વચ્છતા વિનાનું એક પણ મંદિર આસ્થા પૂર્ણ નહીં કરે.
હા, એ વાત અલગ છે કે સ્વચ્છતા તમામ જગ્યાએ હોવી જોઈએ, પણ આજે વાત મંદિરની ચાલે છે એટલે આપણે એને એ પૂરતી જ સીમિત રાખીએ, કારણ કે ત્યાં ભગવાન બેઠો છે. હજાર હાથવાળો આ બધું જુએ છે. તમે કે તમારા પરિવાર કે અન્ય ભાવિકો દ્વારા થતી ગંદકી તે સહન પણ કરે છે અને સાથોસાથ તે કોપાયમાન પણ એટલો જ થાય છે. ભરઉનાળે આક્રમક વરસાદ પડે અને પછી રાતોરાત કાળઝાળ ગરમી શરૂ થઈ જાય એ શું છે? કુદરતનો કોપ જ તો છે. આ કોપથી બચવું હશે તો આપણે થોડો સંયમ શીખવો પડશે અને સંયમ સાથે સિવિક સેન્સને પણ જાગ્રત રાખવી પડશે.
બાકી તો શું કહેવાનું, જય સિયારામ...