Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > શું આજનાં બાળકો ખરેખર બાળક રહ્યાં છે ખરાં?

શું આજનાં બાળકો ખરેખર બાળક રહ્યાં છે ખરાં?

Published : 14 November, 2024 04:43 PM | Modified : 14 November, 2024 05:07 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

કહેવાય છે કે માણસે પોતાની અંદરના બાળકને અને બાળસહજ નિર્દોષતાને અકબંધ રાખવી જોઈએ, પણ...

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ટેક્નૉલૉજીને ટેરવે રમાડતાં, દુનિયાદારીની ડાહી-ડાહી વાતો કરી શકતાં, ઉંમર કરતાં જલદી મૅચ્યોર થઈ ગયેલાં, ફૅશનેબલ અને નાની વયમાં ઘણુંબધું અચીવ કરી લેવાની રેસમાં દોડતાં સ્માર્ટ બાળકો જાણે જન્મતાંની સાથે જ પુખ્ત થઈ ગયાં છે. બાળ દિવસ નિમિત્તે આજની ‌બાળપેઢીને સમજવાની કોશિશ કરીએ અને બાળપણને અકબંધ રાખવા આપણાથી શું થઈ શકે એ વિશે સજાગ થઈએ


ઘરમાં મમ્મી કે પપ્પા ઑફિસે ગયા હોય ત્યારે ૬ વર્ષની ક્રિના સ્કૂલથી આવીને ઘર ખોલી ખુદ જાતે જમી લે છે. સાંજે મમ્મી આવે એ પહેલાં પોતાનું હોમવર્ક પણ કરી લે છે. ક્યારેક સાંજે મમ્મીને મોડું થાય ઘરે આવતાં તો ઘરની નીચે આવેલી રેસ્ટોરાંમાંથી ઑર્ડર કરીને ખાઈ પણ લે છે. 



દસ વર્ષનો આરિત દાદા સાથે જ્યારે ઘરમાં એકલો હતો ત્યારે દાદાની છાતી પર ભીંસ આવી અને તે જમીન પર ફસડાઈ પડ્યા. આરિતે સૌથી પહેલો કૉલ ઍમ્બ્યુલન્સને કર્યો અને પછી પપ્પાને ફોન કરી બોલાવ્યા. પપ્પા ઘરે પહોંચ્યા એ ૧૦ મિનિટમાં ગભરાયા વગર તેણે ડૉક્ટરને પણ ફોન કરીને દાદાને જરૂરી દવા આપી દીધી હતી. 


૭ વર્ષની અનન્યા પોતાનું શૉપિંગ પોતાની ચૉઇસ પ્રમાણે જ કરે છે. મમ્મી કંઈ બીજું લેવાનું કહે તો લે નહીં પણ એ તેની જીદ નથી, તેને લેટેસ્ટ ફૅશનમાં સમજ પડે છે. તેની મમ્મીને કહેતી હોય છે કે મમ્મી, ડાર્ક મેકઅપ આજકાલ કોઈ કરતું નથી. ન્યુડ શેડ્સ જ વાપરતી જા. 

૧૦ વર્ષના રોહિતને અત્યારથી જ તેના ક્લાસમાં ભણતી રિયા સાથે પ્રેમ છે. રિયાને તે પોતાની ગર્લફ્રેન્ડ માને છે. પોતાના સોશ્યલ મીડિયા પેજ પર તેણે કમિટેડ પણ લખેલું છે. નાનપણમાં તેનાં મમ્મી તેના ફોટો સોશ્યલ મીડિયા પર નાખતાં. હવે તે ખુદ નાખે છે. તેને લોકોના લાઇક્સ ન આવે તો ગમતું નથી. સોશ્યલ મીડિયાને તે ખૂબ જ ગંભીરતાથી લઈ બેઠો છે. 


આ છે આજનાં બાળકો, જેમને એકલાં રહેવાની આદત છે અને એને કારણે જ તેઓ ખાસ્સાં આત્મનિર્ભર છે. પોતાનું ધ્યાન રાખી શકે છે. કોઈ જગ્યાએ ફસાય તો ઇન્ટરનેટની મદદ લઈને એમાંથી રસ્તો શોધી શકે છે. ઉંમરમાં નાનાં છે એટલે આ કરાય અને આ ન કરાય એવું તેમને છે નહીં. તેમને જે ફાવે એ બધું જ તેઓ કરવાની કોશિશ કરતાં હોય છે. તેઓ સુપર સ્માર્ટ છે. પોતે કામ કરી શકે કે નહીં, ચૅટ GPT પાસે કામ લેતાં તેમને આવડે છે. મહેનતુ નથી, સ્કૂલમાંથી આવતું રિટન વર્ક કરવામાં ‌તેમને ભરપૂર આળસ આવે છે. જે પ્રોજેક્ટ ઇન્ટરનેટ પરથી કૉપી-પેસ્ટ થઈ જાય છે એ તેમને વધુ ગમે છે. કોઈ વસ્તુ જો સ્ક્રીન પર લખેલી હોય તો એને નોટમાં લખવાની શું જરૂર છે એ લૉજિક તેમને સમજાતું નથી. જવાબ મોઢે બોલવા ગમે છે, પણ લખવાનો ખૂબ કંટાળો આવે છે. પૅકેટ ફૂડ ખાવાથી શું નુકસાન થાય છે એ તેમને ખૂબ સારી રીતે ખબર છે પણ એ ખાધા વગર તેમને ચાલતું નથી. કોરિયન બૅન્ડ પાછળ અતિશય પાગલ અને બૉલીવુડથી દૂર ભાગનારા, ગુજરાતી અને હિન્દીને પણ અંગ્રેજી લિપિમાં લખનારાં આ છે નવી જનરેશનનાં બાળકો જે જૂની જનરેશનના બાળકો કરતાં સહજ રીતે ઘણાં અલગ છે. આજનાં બાળકો ઘણુંબધું છે પણ તે બાળક છે કે નહીં એ પ્રશ્ન હજી પણ અકબંધ છે. 

બાળકની પરિભાષા 
આજે પણ સોશ્યલ મીડિયા ઍપ પર સૌથી વધુ વ્યુઝ નાના બાળકના વિડિયોના જ હોય છે. સ્ક્રૉલ કરતાં-કરતાં જ્યારે કોઈ બાળકનો વિડિયો આવે ત્યારે આપોઆપ આપણે એ જોવા લાગીએ છીએ, જેનું કારણ એક જ છે કે એ નિર્દોષતા આપણને આજે પણ એટલી જ આકર્ષક લાગે છે. એ વાત સ્પષ્ટ કરતાં અર્લી ચાઇલ્ડહુડ અસોસિએશન પોદાર એજ્યુકેશન નેટવર્કનાં પ્રેસિડન્ટ અને લેખક ડૉ. સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘બાળક કહ્યું એટલે તેની અંદર ઘણા જુદી-જુદી પ્રકારના ગુણો હોય છે જેમાં નિર્દોષતા સૌથી પહેલો ગુણ આવે. જે ખડ-ખડ હસી શકે અને કોઈને કેવું લાગશે એવું વિચાર્યા વગર રડી શકે એ બાળક, જે બોલતાં પહેલાં વિચારે નહીં અને જે પથારીમાં પડે એ ભેગું સૂઈ શકે એ બાળક, જેને બધું જ શીખી લેવું હોય, જાણી લેવું હોય પણ અંતમાં તો જેના માટે રમવાથી વધુ મહત્ત્વનું આ દુનિયામાં કશું હોય જ નહીં એ હોય બાળક, જેની વાતો મન પડે ત્યારે શરૂ થઈ જાય અને જે પ્રશ્નો કદી પૂરા થવાનું નામ જ ન લે એ હોય બાળક. સમય ગમે તે હોય પણ આ પરિભાષા તો આવી જ રહે. ભોળપણ કે નિર્દોષતાનું મહત્ત્વ બાળકના જીવનમાંથી ઓછું ન થઈ શકે. બાળક કોઈ પણ જનરેશનનું હોય, પણ આ ગુણો થકી જ તેને બાળક કહી શકાય. એક સમયે દરેક માતા-પિતા પાસે પોતાના બાળકની નાદાનિયત અને ભોળપણને લીધે પોતે ફસાઈ ગયાં હોય એવા અઢળક કિસ્સાઓ જોવા મળતા. આજે ઊંધું છે, પોતાનાં બાળકો તો કેવાં હોશિયાર છે, ચાલાક છે જેવા કિસ્સાઓ દરેક માતા-પિતા પાસે જોવા મળે છે. પેઢી-દર પેઢી બુદ્ધિ તો વધવાની જ છે. આજની જનરેશન પાછલી જનરેશન કરતાં ઘણી વધુ સ્માર્ટ હોવાની જ છે પણ આ સ્માર્ટનેસનું મૂલ્ય બાળકનું બાળપણ તો ન હોઈ શકે. સુજ્ઞ લોકો હંમેશાં કહેતા હોય છે કે દરેક વ્યક્તિએ પોતાની અંદર એક બાળકને સતત જાગ્રત રાખવું. પરંતુ તકલીફ એ છે કે આપણાં બાળકોની અંદરનું જ બાળક એક રીતે જોઈએ તો મરી પરવાર્યું છે. આજનાં બાળકો જન્મતાં વેંત જ વયસ્ક બની ગયાં છે જે પોતાનામાં એક દુઃખદ પરિસ્થિતિ છે.’ 

બાળકને બાળકો સાથે રહેવું જરૂરી 
આજનાં બાળકોના જીવનમાંથી આ સહજતા કઈ રીતે દૂર થઈ રહી છે? એની પાછળ શું કારણો જવાબદાર છે? બાંદરાનાં ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ મીનલ મખીજા કહે છે, ‘બાળકની આંતરિક સહજતા બાહ્ય પરિબળોથી નાશ પામતી હોય છે. જેમ કે બાળકો હંમેશાં જોઈને શીખે. જેને કારણે બાળકો બાળકો સાથે રહે ત્યારે તે બાળક બની રહે છે પરંતુ આજકાલ બાળકો મોટેરાઓ સાથે વધુ રહે છે. સંયુક્ત કુટુંબ હવે ઘણાં ઓછાં છે. વિભક્ત કુટુંબમાં પણ કપલ્સ નક્કી કરે છે કે તેમને એક જ બાળક જોઈએ છે. એટલે બાળક આખા ઘરમાં એક. એટલે બાળકની ફુલ ટાઇમ કંપની તેની મમ્મી હોય છે. એના કરતાં પણ વધુ ખરાબ તો અમુક ઘરોમાં બાળકની સાથે ફુલ ટાઇમ બીજું કોઈ નહીં, બસ આયા હોય છે. હું હંમેશાં આવાં ઘરોમાં તો સલાહ આપું છું કે આના કરતાં તમે બાળકને ડે-કૅરમાં રાખો કારણ કે જો ડે-કૅરમાં હશે તો બીજાં બાળકો સાથે મોટું થશે. એ બેટર ઑપ્શન છે. મોટા લોકો સાથે રહીને તે મોટા લોકો જેવું જ વર્તન કરે એમાં નવાઈ નથી. બાળકને જો બાળક રહેવા દેવું હોય તો તેણે બાળકો સાથે સમય વિતાવવો અત્યંત જરૂરી છે.’ 

વર્ચ્યુઅલ વિશ્વની બાંધો લિમિટ 
આજની તારીખે દરેક બાળક પાસે મોબાઇલ છે. એક એવું વર્ચ્યુઅલ વિશ્વ છે જે નકલી છે. એ મોબાઇલની અંદર ઘૂસીને તેની માસૂમિયત મુરઝાઈ રહી છે. કેટલાંય બાળકો છે જેને જન્મથી આપણે નકલી સ્માઇલ આપતાં શીખવી દઈએ છીએ કારણ કે આપણને દિવસમાં તેના ૫૦૦ ફોટો લેવા હોય અને ૪૦૦ રીલ બનાવવી હોય છે. આ નકલી હાસ્ય પાછળ તેનું અસલી બાળપણ મૂંઝાતું જોઈ શકાય છે. એક બાળકને જીવન વર્ધી બનાવવાનું છે કે ઇન્સ્ટાવર્ધી એ તો આપણે જ નક્કી કરવાનું રહે. આ સિવાયની મહત્ત્વના મુદ્દાની વાત કરતાં મીનલ મખીજા કહે છે, ‘માન્યું કે આજના સમયમાં ગુડ ટચ-બૅડ ટચ જેવી વાતો ખૂબ નાની ઉંમરથી આપણે બાળકોને કરવી પડે છે પરંતુ એનો અર્થ એ નથી કે આ બાળકોને બધું વિગતવાર કહેવું. આ એક કન્સેપ્ટ છે જેને એક વાર બાળકને સમજાવવો જરૂરી છે. એના અતિરેકની જરૂર નથી, તેને વધુ ને વધુ વિગતો સાથે સમજાવવાની જરૂર નથી જ. જીવન જેમ-જેમ આગળ વધશે તેમને ખુદ સમજાતું જશે. બાળકને સુરક્ષિત રાખવાના ચક્કરમાં તેનું બાળપણ સાવ છીનવાઈ જાય એ યોગ્ય નથી.’ 

કઈ જગ્યાએ આપણે ખોટા?
એક નર્સરીમાં ભણતું બાળક જ્યારે રેસમાં ભાગ લે છે ત્યારે તેને જે ટાસ્ક આપ્યો હોય છે એ ટાસ્ક એ પૂરો કરે અને નિશ્ચિત જગ્યાએ પહોંચે એટલે તેને લાગે છે કે તે જીતી ગયું. તે દોડતું તમારી પાસે આવે છે અને કહે છે કે મમ્મી, હું જીતી ગયો. ત્યારે તમે શું કરો છો? આ પ્રશ્નનો જવાબ તમને કહેશે કે તમે કઈ જગ્યાએ ખોટા છો એમ સમજાવતાં કૉન્શિયસ પેરન્ટિંગ કોચ દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘આ સમયે મોટા ભાગના પેરન્ટ્સ પોતાના બાળકને સમજાવે છે કે તું ત્યારે જીત્યું કેહવાય જો તું બીજા છોકરાઓ કરતાં પહેલાં દોડીને પહોંચ્યું હોત. હકીકત એ છે કે એક નર્સરીમાં ભણતા બાળકને કૉમ્પિટિશન શું છે એ કન્સેપ્ટ સમજાવવાની જરૂર જ નથી. પણ આપણને એમ થાય છે કે આપણે તેને નહીં સમજાવીએ તો તે જીવનભર પાછળ રહી જશે. જ્યારે આપણે આપણા બાળકને રેટ રેસનો ભાગ બનાવીએ છીએ ત્યારે તેનું બાળપણ છીનવી લઈએ છીએ. આ જગ્યાએ આપણે તેને તાળીઓથી વધાવી શક્યા હોત. કહી શક્યા હોત કે ટાસ્ક પૂરો કરી તેં સારું કામ કર્યું. જો એવું કરીએ તો બાળકનું બાળપણ આપણે બચાવી લીધું ગણાશે.’

આસપાસના સમાજનું નિર્માણ સભાનપણે
બાળકમાં તેમનું બાળપણ અકબંધ રહે એ માટે આપણે શું કરી શકીએ? આ પ્રશ્નનો જવાબ આપતા  ‘બાળ ઉછેરની બારાખડી’, ‘આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?’, ‘તમે અને તમારું નીરોગી બાળક’ના લેખક અને વ્યવસાયે બાળ નિષ્ણાત ડૉ. રઈશ મનીઆર કહે છે, ‘બાળકો તો વર્ષોથી જે જન્મે છે એવાં જ જન્મે છે જે બદલાય છે એ છે તેમનો ઉછેર અને તેમના સંજોગો. બાળકોને કઈ રીતે બાળક રહેવા દેવાં એનો પૂરેપૂરો મદાર આપણે બધા મળીને કયા પ્રકારના સમાજનું નિર્માણ કરીએ છીએ એના પર છે. જે સમાજમાં આપણે તેમને ઉછેરી રહ્યા છીએ ત્યાં વિચરતા લોકો, એના માટે આપણે બનાવેલી સ્કૂલો, અહીં પ્રસ્તુત થતાં નાટકો, બનતી ફિલ્મો, ગવાતાં ગીતો કે ઊજવાતા પ્રસંગો બધાના નિર્માણ વખતે એક વાત સતત આપણા ધ્યાનમાં રહેવી જોઈએ કે આ બધું આપણાં બાળકો જોઈ રહ્યાં છે અને અનુભવી રહ્યાં છે. આ સભાનતા સાથે બનાવેલો સમાજ બાળકના બાળપણને અકબંધ રાખવામાં મદદરૂપ બનશે. આપણે એ નહીં ભૂલવું જોઈએ કે આપણાં બાળકો સ્માર્ટ છે, આપણી ભૂલોને આપણા કરતાં વધુ જલદી પકડી પાડશે. બીજું એ કે આજકાલ ઘણાં માતા-પિતાને લાગે છે કે બાળક ભોળું ન હોવું જોઈએ, સ્માર્ટ જ હોવું જોઈએ. પણ હકીકતે બાળકમાં એ બન્નેનું કૉમ્બિનેશન શક્ય છે. ભોળપણના ભોગે સ્માર્ટનેસ કે ભોળપણ સ્માર્ટનેસના ભોગે ન કેળવી શકાય. એ બન્ને એકસાથે એક બાળકમાં હોઈ શકે છે. એનું ઉદાહરણ છે સ્વર્ગીય APJ અબ્દુલ કલામ જે એક મહાન વૈજ્ઞાનિક હતા, પરંતુ તેમની આંખોમાં બાળસહજ કુતૂહલ હતું.’ 

દુનિયાદારી શીખવવામાં ધ્યાન રાખવું 
આ જે સુરક્ષા આપવાવાળી વાત છે ત્યાં પણ આપણે થોડી વધુ સમજદારી દાખવવી જરૂરી છે. એ વિશે વાત કરતાં દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘ઘણી વાર એવું થાય છે કે આપણે આપણાં બાળકો હર્ટ ન થાય એ માટે તેમને પહેલેથી દુનિયા કેટલી ખરાબ છે, લોકો કેટલા સ્વાર્થી છે, બધા પોતાના મતલબ પ્રમાણે તમારો ઉપયોગ કરે છે એ આપણા શીખેલા કન્સેપ્ટ બાળકને પહેલેથી જણાવતા હોઈએ છીએ. આપણને એમ હોય છે કે આપણો અનુભવ બાળકને કામ લાગે. ઘણી વાર આપણને લાગે કે બાળકે બનાવેલા નવા મિત્રો સારા નથી તો આપણે તેને ખબર પડે એ પહેલાં જ જજમેન્ટ આપી દઈએ છીએ કે આ મિત્રોથી વધુ નિકટ ન જવું. એ તને હર્ટ કરી શકે એમ છે. સાચું કહું તો તેમને સુરક્ષા આપવાની બદલે આપણે તેમનું નુકસાન વધુ કરી મૂકીએ છીએ. દુનિયા ખરાબ છે એવું નાનપણથી સ્વીકારવું એટલે જ બાળકનું મોટું થઈ જવું. બાળકને સુરક્ષા આપવા માટે તેના બાળપણનો બલિ ચડાવવો યોગ્ય નથી.’

બાળક હોવાનો હક 
બાળક બની રહેવા માટે બાળકના બધા હકો આપણે તેને આપવા જરૂરી છે. તેને તેની રીતે જીવવા દેવું જરૂરી છે એમ સમજાવતાં ડૉ. સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘આજે બાળકોનાં અઢળક ફૅશનેબલ કપડાં માર્કેટમાં મળે છે પણ તેને જે કમ્ફર્ટ આપે એવાં કપડાં પહેરવાનો તેની પાસે અધિકાર હોવો જોઈએ. તમારું બાળક ફૅશન પરેડમાં ભાગ લેનાર કોઈ મૉડલ નથી, તેને ટૂંકાં કે ટાઇટ કપડાં ન જ પહેરાવો. તેને રમવા દો. ઘણા પેરન્ટ્સ બાળકને જુદા-જુદા કારણોસર રમવા જવા દેતા નથી. તેને રમતવીર બનાવવાની જરૂર નથી પણ સોસાયટીમાં નીચે તેનાં જેવડાં બાળકો સાથે રમવું જરૂરી છે. જો બાળક જીદ કરે, મસ્તી કરે, તોફાન કરે તો તેને પાઠ ભણાવવાના ચક્કરમાં એ ન ભૂલવું કે એ બાળક છે. તેને તેની ઉંમરને અનુરૂપ ભૂલો કરવા દેવી. આ ભૂલો કરવી પણ એક બાળકનો હક છે જે તેને મળવો જરૂરી છે. તેને જલદી સમજદાર કે મોટું બનાવી દેવાની જરૂર નથી.’ 

Whatsapp-channel Whatsapp-channel

14 November, 2024 05:07 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK