વિજય કર્ણિકે સમય માગ્યો અને કલેક્ટર ગોપાલસ્વામી સૌને લઈને બહાર ગયા. ગોપાલસ્વામીને હવે સમજાઈ ગયું હતું કે કુંદનની વાત કર્ણિકના ગળે ઊતરી છે.
નવલકથા
‘ગિવ મી ફ્યુ મિનિટ્સ... પ્લીઝ...’
વિજય કર્ણિકે સમય માગ્યો અને કલેક્ટર ગોપાલસ્વામી સૌને લઈને બહાર ગયા. ગોપાલસ્વામીને હવે સમજાઈ ગયું હતું કે કુંદનની વાત કર્ણિકના ગળે ઊતરી છે. હવે ચોક્કસપણે કર્ણિક કોઈ એવો રસ્તો વિચારશે જેનાથી અત્યારની આ જે પરિસ્થિતિ છે એનો ઉકેલ આવશે.
ગોપાલસ્વામીના મનમાં જે ચાલી રહ્યું હતું એ જ માધાપરની મહિલાઓના મનમાં પણ ચાલતું હતું. ફરક માત્ર એટલો હતો કે તેમના મનમાં ચાલતો ઉદ્વેગ શબ્દો દ્વારા બહાર આવતો હતો.
lll
‘માને તો સારું સાયબ...’ સંતોકબહેને કુંદન સામે જોયું, ‘નહીં તો એવું થાશે કે ગામ આખું રવાના થઈ જાશે ને મરદ ભેગું બૈરાંઓએ પણ નીકળી જાવું પડશે.’
કુંદને ગોપાલસ્વામી સામે જોયું.
ગોપાલસ્વામીની નજર એ જ દિશામાં હતી અને કાન પણ.
આંખોથી પુછાયેલા કુંદનના સવાલનો જવાબ ગોપાલસ્વામીએ આંખના પલકારા ઝુકાવીને આપી દીધો અને કુંદન સમજી પણ ગઈ કે થોડો સમય ધીરજ રાખવાની છે. અલબત્ત, આ એ સમય નહોતો કે જેમાં ધીરજ રાખવી કોઈને પોસાય, પણ માણસના હાથમાં જ્યારે કશું હોતું નથી ત્યારે શાંતિ રાખવા સિવાય તેની પાસે બીજો કોઈ રસ્તો પણ ક્યાં હોય છે?
‘સાહેબને કહોને, સમય જાય છે...’ થોડી વાર પછી કુંદન બે ડગલાં આગળ આવીને ગોપાલસ્વામી પાસે ઊભી રહી, ‘આમ ને આમ ચાલતું રહેશે તો સાચે જ સમય નહીં રહે ને આપણી બધી મહેનત...’
‘એ તો આમ પણ ફેલ જવાની છે...’
પીઠ પાછળથી આવેલા અવાજે સૌકોઈનું ધ્યાન એ તરફ ખેંચ્યું.
પોતાની ચેમ્બરમાંથી બહાર આવેલા વિજય કર્ણિકે મોઢું ધોયું હોય એવું સ્પષ્ટ દેખાતું હતું. તેમની આંખોમાં હવે ચમક હતી અને ચમકની સાથોસાથ એ આંખોમાં સંતોષ પણ ઝળકતો હતો. કુંદને આપેલા તમામ જવાબોનો એ જે સંતોષ હતો એ કર્ણિકના ચહેરા પર સ્પષ્ટ વર્તાતો હતો.
‘જુઓ, હવે આપણે બીજી કોઈ વાત કરવાની રહેતી નથી...’ કર્ણિકે કુંદનની સામે જોયું, ‘જે વાત કુંદને કરી છે એ બધી સાચી છે, પણ...’
પણ...
બધી વાત સાથે સહમત થયા પછી પણ માણસ જ્યારે આ એક શબ્દ બોલે છે ત્યારે પુરવાર થતું હોય છે કે આ સહમતી શરતી છે.
‘જે વાત કુંદને કરી છે એ બધી સાચી છે પણ...’ કર્ણિકે વાત આગળ ધપાવી, ‘આપણો સૌથી મોટો પ્રશ્ન છે એ મટીરિયલનો છે અને એ હજી પણ એમ જ છે. રનવે બનાવવા માટે આપણને જેની આવશ્યકતા છે એ મટીરિયલ નહીં હોય તો કામ કોઈ રીતે આગળ વધી નહીં શકે...’
‘વધશેને સાહેબ... કામ વધશે આગળ. ભૂલી કેમ જાવ છો તમે...’ કુંદનના અવાજમાં ઉત્સાહ હતો, ‘આપણી પાસે તીસ હજાર ગાય અને ભેંસ છે. આપણે એ બધાનો ઉપયોગ કરી શકીશું.’
‘હા પણ...’
‘માફ કરજો પણ સાહેબ...’ અધિકારીની વાત વચ્ચે કાપવાની ગુસ્તાખી કર્યા પછી કુંદને તરત જ માફી પણ માગી લીધી, ‘ભણતર જ્યારે કામ ન આવે ત્યારે ગણતરની આંગળી પકડીને આગળ નીકળી જવાનું અમને નાનપણથી માબાપ શીખવે છે અને સાચું કહું છું કે અત્યારે સમય ભણતરનો નહીં, ગણતરનો છે. એનો ઉપયોગ કરો...’
‘હું સમજી ગયો તારી વાત કુંદન, પણ... મુદ્દો મારા અને તમારા માનવા કે ન માનવાનો નથી. મુદ્દો પરમિશન...’
પરમિશનનો ગુજરાતી શબ્દ શોધવા માટે કર્ણિક અટક્યા કે તરત જ ગોપાલસ્વામીએ તેમને હેલ્પ કરી.
‘મંજૂરી...’
‘રાઇટ... મંજૂરી.’ કર્ણિકે વાત આગળ ધપાવી, ‘આપણે કંઈ જાતે આ નિર્ણય ન લઈ શકીએ. આપણી પાસે મંજૂરી પણ હોવી જોઈએ.’
‘સૉરી સર...’ હવે ગોપાલસ્વામીએ અનુસંધાન જોડ્યું, ‘હમ કહાં કોઈ રાષ્ટ્રદ્રોહ કા કામ કર રહે હૈં... જે કરીએ છીએ કે પછી... જે કરવાના છીએ એ દેશહિત માટે તો કરવાના છીએ. જબ ઇન્સાન દેશ કા અહિત ભી બગૈર સોચે-સમઝે કર લેતા હૈ તબ હમ ક્યા કર પાએં... હમારા મન, હમારા દિલ સાફ હૈ ઔર હમેં રાષ્ટ્ર કે હિત મેં આગે બઢના હૈ તો હમ ક્યૂં કુછ સોચે, સમઝે યા તો આપને જો કહા વો પરમિશન કે લિએ રુકે...’
કલેક્ટર ગોપાલસ્વામીના જવાબની સાથે જ વિજય કર્ણિકની દલીલો પૂરી થઈ અને કાં તો હવે તેમની પાસે કોઈ જવાબ કે બચાવ રહ્યો નહોતો.
‘આપ કી બાત મૈં સમઝ ગયા, પર મિસ્ટર સ્વામી... આઇ હૅવ ટુ ટેક પરમિશન. ખાસ કર તબ, જબ હમારે સાથ મિશન મેં સિવિલિયન હૈ...’ જવાબની સાથોસાથ વિજય કર્ણિકે ચોખવટ પણ કરી, ‘આપણે મહેનત શરૂ કરીએ, પણ મારે પરમિશન માટે વાત કરવી પડશે અને એથિકલી પણ એ જરૂરી છે.’
lll
પરમિશન માટે હવે શું કરવું એની અવઢવમાં વિજય કર્ણિક હતા ત્યારે દેશભરમાં અલગ-અલગ જગ્યાએ અનેક એવી ઘટનાઓ ઘટી રહી હતી જે એક નવા જ ઇતિહાસની રચના કરવાનું કામ કરતી હતી.
રશિયાએ ખુલ્લેઆમ ભારતને સહકાર આપવાનું સ્વીકારી લીધું હતું અને યુનાઇટેડ નેશન્સ ઑફ ઑર્ગેનાઇઝેશન્સમાં એની જાણકારી પણ આપી દીધી હતી. વિશ્વ હવે બે હિસ્સામાં વહેંચાઈ રહ્યું હતું. વિશ્વ પર રાજ કરતી બે મહાસત્તા પૈકીના અમેરિકાએ પાકિસ્તાનને સહકાર આપવાનો સૌપ્રથમ વાર યુનોમાં સત્તાવાર સ્વીકાર કર્યો હતો તો કહ્યું એમ સોવિયેટ સંઘે માત્ર ભારતને સાથ આપવાની જાહેરાત જ નહોતી કરી, પણ અરબી સમુદ્રમાં એણે નેવીને આગળ ધપાવીને પાકિસ્તાન પર પ્રેશર ઊભું કરવાનું કામ પણ ચાલુ કરી દીધું હતું.
અરબી સમુદ્રમાં રશિયન નેવી દેખા દેતાં પાકિસ્તાને તરત જ અમેરિકાના સહકારની માગ કરી અને પાકિસ્તાનની ઍરફોર્સ ક્ષમતાને બળ આપવા અમેરિકાએ ઍર-સપોર્ટ આપવાની પણ સત્તાવાર જાહેરાત કરી દીધી.
lll
‘પાકિસ્તાની ઍરફોર્સે જે સ્ટ્રૅટેજી સાથે કામ શરૂ કર્યું છે એમાં જો હવે અમેરિકા ઉમેરાશે તો આપણી પાસે દિવસો પણ નહીં રહે, ગણતરીના કલાકોમાં જ આપણે...’
ઇન્દિરા ગાંધીએ જે સમયે કાળવાણી કાઢી એ સમયે દિલ્હી સંસદભવનની ડિફેન્સ મિનિસ્ટ્રીમાં એકધારી હૉટલાઇન ગાજતી હતી, પણ દેશના ડિફેન્સ મિનિસ્ટર બાબુ જગજીવન રામની સાથે મિનિસ્ટ્રીનો આખો સ્ટાફ અત્યારે પ્રાઇમ મિનિસ્ટર્સની ઑફિસમાં તહેનાત હતો. યુનાઇટેડ નેશન્સમાંથી આવતા એકધારા મેસેજ સૌકોઈ માટે બહુ મહત્ત્વના હતા. આવી રહેલા એ મેસેજમાંથી અમુક મેસેજ ઇન્દિરા ગાંધી પોતે સૌકોઈને આપતા હતા તો અમુક મેસેજ તેમના સેક્રેટરી સૌકોઈને આપતા હતા, પણ આપી દીધેલા તમામ મેસેજના પેપર્સ છેલ્લે બાબુ જગજીવન રામની સામે મુકાતા અને બાબુ જગજીવન રામ એ મેસેજ પર ફરી એક વાર નજર કરી લેતા.
lll
બાબુ જગજીવન રામ.
ઇન્દિરા ગાંધીની સરકારમાં જો કોઈ સૌથી વધારે મહત્ત્વ ધરાવતા મિનિસ્ટર હોય તો તે બાબુ જગજીવન રામ હતા. દેખાવે એકદમ દેહાતી લાગતા બાબુ જગજીવન રામ અમાસ પણ રૂપાળી લાગે એવું લુક ધરાવતા હતા. બેઠી દડી અને ભરાવદર કદ દેશના ડિફેન્સ મિનિસ્ટરની ઓળખ હતી. આંખો હંમેશાં લાલ રહે અને એ પછી પણ લેશમાત્ર ગુસ્સો ચહેરા પર આવે.
પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીને જો કોઈ પર ભરોસો કરવાનો આવે અને તે મિનિસ્ટર હોવો જોઈએ તો તે બાબુ જગજીવન રામ માત્ર હતા. જગજીવન રામ જ પહેલી એવી વ્યક્તિ હતા જેમને ઇન્દિરા ગાંધીએ ઇમર્જન્સી મૂકવાના વિચારથી વાકેફ કર્યા હતા તો બાબુ જગજીવન રામ જ પહેલી એવી વ્યક્તિ હતા જેમની સામે ઇન્દિરા ગાંધીએ નસબંધીના કાયદાને અમલમાં મૂકવા વિશે પણ કહ્યું હતું.
ઇન્દિરા ગાંધી ઇચ્છતાં હતાં કે પોતાનો રાજકીય વારસો સંભાળવાને સમર્થ એવો દીકરો સંજય ગાંધી બાબુ જગજીવન રામ પાસે તૈયાર થાય અને આ જ કારણે તેમણે ૧૯૭૧ના વૉર પછી તરત જ સંજય ગાંધીને બાબુ જગજીવન રામના ડિફેન્સ મિનિસ્ટ્રી પોર્ટફોલિયોમાં સલાહકાર તરીકે મૂક્યા હતા. અલબત્ત, ભલે સંજય ગાંધી સલાહકાર બન્યા હતા, પણ હકીકત એ હતી કે તેમણે ડિફેન્સ મિનિસ્ટ્રીનું નૉલેજ બાબુજી પાસેથી લેવાનું હતું.
પોતાના ૪૦૭ દિવસના ડિફેન્સ મિનિસ્ટરના કાર્યકાળ પછી બાબુજીએ મારેલી પલટી એવી તે જોરદાર હતી કે કોઈ એના વિશે કલ્પના સુધ્ધાં ન કરી શકે. મારેલી એ પલટીને કારણે જ ઇન્દિરા ગાંધીની સરકાર પછી બાબુ જગજીવન રામ મોરારજી દેસાઈની સરકારમાં પણ મહત્ત્વના કહેવાય એવા વિરોધ પક્ષના નેતા તરીકે સંસદભવનમાં રહ્યા અને એ પછી દેશના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ બન્યા.
lll
પરમિશન માટે વિજય કર્ણિકે સૌથી પહેલાં ડિફેન્સ મિનિસ્ટ્રીમાં વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ એમાં તેમને નિષ્ફળતા મળી. એ પછી તેમણે તરત જ ઍરફોર્સ વિંગના વડા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ એમાંય સંપર્ક થઈ શક્યો નહીં. હા, એવું નહોતું કે હૉટલાઇન પર કોઈની સાથે વાત નહોતી થતી. વાત થતી હતી, પણ કર્ણિકની વાતમાં કોઈ ઇમર્જન્સી ન હોવાથી તેમના સંદેશાને આગળ વધારવામાં નહોતો આવતો.
વિજય કર્ણિકની હાલત કફોડી હતી.
ચેમ્બરની બહાર ત્રણસોથી વધારે મહિલાઓ રાહ જોતી બેઠી હતી અને પોતે હૉટલાઇન હાથમાં લઈને પરમિશનની રાહ જોઈને બેઠા હતા. અલબત્ત, કર્ણિક જ્યાંથી જવાબની અપેક્ષા રાખીને બેઠા હતા એ સ્થાન પર તો એનાથી પણ વધારે વિકટ પરિસ્થિતિ હતી, કારણ કે રાજસ્થાનની લૉન્ગેવાલ સરહદ પર કચ્છથી પણ વધારે આક્રમક ટેન્શન ઊભું થવા માંડ્યું હતું.
lll
ઠક... ઠક... ઠક...
સાવ દબાયેલો અવાજ આવ્યો અને જાણે કે એ અવાજની દિશામાં જ કાન રાખીને બેઠા હોય એ રીતે કુલદીપસિંહ ચાંદપુરીના કાન એકઝાટકે સરવા થઈ ગયા.
લૉન્ગેવાલ સરહદની ચોકી ફરતે કાંટાળી જાળ પાથરી દેવામાં આવી હતી. પથરાયેલી એ જાળ વચ્ચેથી ધીમેકથી કુલદીપસિંહે પોતાની જાતને બહાર સરકાવી અને જેવું આખું શરીર એ પોણો ફુટની જગ્યામાંથી બહાર નીકળ્યું કે બીજી જ ક્ષણે તેણે સીધી માંચડા તરફ દોટ મૂકી.
પહેલેથી વાત થયા મુજબ જેવી સેના નજીક હોવાનો અણસાર મળે કે તરત જાણ કરવાની હતી. માંચડા પર ચોકીપહેરો કરતા સૈનિકોએ ઠપકારેલાં કપ-રકાબી એ જ અંગુલીનિર્દેશ કરતાં હતાં કે પાકિસ્તાની સેના નજીક આવી છે.
એક, બે અને ત્રણ...
ત્રણ માળની ઊંચાઈ ધરાવતા માંચડાની સીમા પર પહોંચવા માટે બનાવવામાં આવેલી સીડીના પહેલા પગથિયે જ ધ્રૂજતી ધરતીનો અણસાર કુલદીપસિંહને આવી ગયો, પણ ત્રીજા પગથિયે પહોંચતાં સુધીમાં તો તેમને ખાતરી થઈ ગઈ કે કાફિરોની સેના નજીકમાં પહોંચી ગઈ છે.
‘એક વાત યાદ રાખવી, જો બખ્તર પાર્ટી આવતી હોય તો એમની સાથે તોપસેના પણ હોય જ અને જ્યારે તોપસેના આવતી હોય ત્યારે એની પહેલી ચાડી ધરતી ખાય...’ ટ્રેઇનિંગ વખતે કહેવામાં આવેલા શબ્દો અત્યારે સીડી ચડતી વખતે પણ કુલદીપસિંહ ચાંદપુરીને યાદ આવી ગયા હતા, ‘એ સમયને ઓળખવા માટે સૌથી અગત્યનું જો કંઈ હોય તો એ છે તમારામાં રહેલી ધીરજ. જો તમે પોતે ટેન્શનમાં હશો તો ક્યારેય એને પારખી નહીં શકો... એ પારખવા માટે તમારામાં રહેલી ધીરજ બહુ મહત્ત્વનું કામ કરશે.’
અત્યારે, આ સમયે કુલદીપસિંહ ચાંદપુરીને એ જ ધીરજ કામ લાગી હતી.
યુદ્ધના મેદાનમાં પોતે ઊભા હતા. ક્યાંયથી કોઈ સહાય તાત્કાલિક અસરથી આવવાની નહોતી એ પણ નક્કી હતું અને એ પણ નક્કી હતું કે પોતાની પાસે રહેલી પંજાબ પલટનની એ કંપનીમાં માત્ર ૧૧૯ સભ્યો હતા જેમણે સામેથી આવતી હજારોની સંખ્યાના સૈનિકો સામે લડવાનું હતું. લડવાનું પણ હતું અને જંગ જીતીને એ સેનાને ચોકીથી આગળ વધવા નહોતી દેવાની.
‘વાહે ગુરુ... સબ તેરે નાલ હૈ...’ કપ-રકાબીના આવેલા અવાજ પછી કુલદીપસિંહ ચાંદપુરીએ સૌથી પહેલાં જેને યાદ કર્યા હતા એ ગુરુ ગોવિંદસાહિબ હતા, ‘લોહીના એકેએક બુંદ સુધી ટકાવી રાખજે. તારું લોહી આજે લાજવું ન જોઈએ. લોહી લાજવું ન જોઈએ અને જિગર ક્યાંય ધ્રૂજવું ન જોઈએ.’
વાહે ગુરુને યાદ કરીને ચાંદપુરીએ એક મિનિટ અનુલોમ-વિલોમ કરી વધતા જતા શ્વસનને નવેસરથી શાંતિ આપી અને એ પછી તેણે ચોકી પાસે પથરાયેલી જાળીમાંથી રસ્તો કરીને ચોકીદારી કરતા માંચડા તરફ દોટ મૂકી હતી.
પોતાને મળેલાં વાઇબ્રેશન્સની ખાતરી કરવા માટે કુલદીપસિંહ ચાંદપુરી એક ક્ષણ માટે ત્રીજા પગથિયે ઊભા રહ્યા અને એ પછી તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ફરી નીચે ઊતરીને પોતાના કાન ધરતી પર માંડી દીધા.
ડિસેમ્બરની કડકડતી ઠંડીની અસર રણની રેતી પર પણ સ્પષ્ટ વર્તાતી હોય એમ એ રેતી બરફ જેવી ઠંડી થઈ ગઈ હતી, પરંતુ એ ઠંડક વચ્ચે પણ રેતી જે સંદેશો આપતી હતી એ સંદેશાએ કુલદીપસિંહનું લોહી ગરમ કરી નાખ્યું.
lll
કૉન્ગ્રેસની સરકારમાં મહત્ત્વનું પદ ધરાવતા બાબુ જગજીવન રામમાં શૈક્ષણિક હુન્નર હતું એના કરતાં રાજકીય હુન્નર જબરદસ્ત હતું. જો વાત સાચી હોય તો એક ચોક્કસ વર્ગ એવો પણ છે જેનું માનવું છે કે ઇમર્જન્સીનો વિચાર મૂળભૂત રીતે બાબુ જગજીવનરામનો હતો અને તેમણે જ એના વિશે વાત સંજય ગાંધીને કરી હતી, જેને ત્યાર પછી સંજય ગાંધીએ મમ્મી ઇન્દિરા ગાંધી સુધી પહોંચાડી હતી.
રાજકીય વિરોધીઓની બોલતી બંધ કરવા માટે વૉર પછી મૂકવામાં આવેલી ઇમર્જન્સીનો હેતુ એક જ હતો કે કૉન્ગ્રેસ વિરુદ્ધ કોઈ જાતની ઍક્ટિવિટી રહે નહીં અને કૉન્ગ્રેસને હિન્દુસ્તાનમાં ખુલ્લો દોર મળી જાય.
બાબુ જગજીવન રામ પારખી ગયા હતા કે ૧૯૭૧ના વૉરમાં ભલે પાકિસ્તાન સામે ભારતે જીત મેળવી લીધી, પણ એ જીત પાછળ ક્યાંય સરકારની સ્ટ્રૅટેજીને જશ મળી નથી રહ્યો. દેશવાસીઓએ ૧૯૭૧ની જીતને અને પાકિસ્તાનના થયેલા બે ટુકડાને સેનાની જીત જ માની તો એક વર્ગ એવો પણ હતો જે આ જીત માટે માધાપરની વીરાંગનાઓએ લીધેલા બહાદુરીભર્યા પગલાને જવાબદાર માનતો હતો તો સાથોસાથ એ પણ એટલું જ સાચું હતું કે યુદ્ધની જીત પછી ધીમે-ધીમે શરૂ થયેલા પોસ્ટમૉર્ટમે ભારત સરકાર દ્વારા દાખવવામાં આવેલી નીરસતાનો કે પછી ધીમી ધારે લેવાયેલાં પગલાંનો પણ દોષ કાઢવાનું શરૂ કરી દીધું હતું. જો તમે એ પિરિયડને સભાનતા સાથે જોયો હોય તો આ એ દિવસો હતા જેમાં દેશના એક ન્યુઝપેપર જૂથ દ્વારા ભારત સરકારનો ચાબુક ઝાટકીને વિરોધ શરૂ થયો, જેના જવાબરૂપે એ ન્યુઝપેપરના માલિક એવા ઔદ્યોગિક જૂથ પર અલગ-અલગ પ્રકારની રેઇડ પણ પાડવામાં આવી અને એ જૂથને ખતમ કરવાનો સઘન પ્રયાસ પણ કૉન્ગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવ્યો.
ઇન્કમ ટૅક્સ અને એન્ફોર્સમેન્ટ જેવા ડિપાર્ટમેન્ટ દ્વારા રેઇડ પાડવામાં આવે અને એ જૂથ ફરતે સાત કોઠા ઊભા કરી દેવામાં આવે એ સલાહ પણ બીજા કોઈ નહીં પણ બાબુ જગજીવન રામ દ્વારા આપવામાં આવી હતી, જે વાતને ઍક્ટ્રેસ કંગના રનોટ દ્વારા બનનારી ફિલ્મ ‘ઇમર્જન્સી’માં સામેલ કરવામાં આવી હતી. એ ફિલ્મમાં બાબુ જગજીવન રામનું બહુ મહત્ત્વનું પાત્ર ઊભું કરવામાં આવ્યું હતું; જે ઍક્ટર સતીશ કૌશિક કરવાના હતા, પણ શૂટિંગ શરૂ થાય એ પહેલાં જ તેમનું મોત થતાં હવે એ પાત્ર માટે અન્ય ઍક્ટરની શોધ શરૂ થઈ છે.
‘ઇમ્પોર્ટન્ટ જો કંઈ હોય તો એ જ કે...’ બાબુ જગજીવન રામ કહેતા, ‘આ સમયે, આ સેકન્ડે શું મહત્ત્વનું છે. જો તમે એને માન આપતાં શીખી જાઓ તો તમને જીવનમાં ક્યારેય કોઈ હરાવી કે ડરાવી ન શકે...’
‘સર, વિજય કર્ણિક ફ્રૉમ ભુજ ઍરબેઝ...’
ઑલમોસ્ટ પોણો કલાક પછી કર્ણિકની હૉટલાઇન પર સિનિયર ઑફિસર આવ્યા અને કર્ણિકના આખા શરીરમાં સૂર્યોદય થઈ ગયો. અલબત્ત, કર્ણિકની વાત સાંભળીને તેમણે જે રીઍક્શન આપ્યું હતું એ રીઍક્શને તેમની શું હાલત કરી અને એ પછી પોતે જે સ્ટેપ લીધું એના માટે કોણ જવાબદાર હતું એ ખુદ વિજય કર્ણિક પોતે પણ ક્યારેય વર્ણવી નહોતા શક્યા.
વધુ આવતા રવિવારે