‘શાયદ વો જો ઔરતેં થી ઉન્હોંને કિયા હોગા...’ પૂછનારા જુનિયર સામે કર્ણિકે સ્માઇલ સાથે જોયું, ‘શાયદ, ઔર તો કોઈ હૈ નહીં જો યે કામ કરે...’
નવલકથા
1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ ૩૩)
ચીઈઈઈઈ...
‘જોર દ્યો તમતમારે...’
જીપની ડ્રાઇવિંગ-સીટ પર બેઠેલા ઍરફોર્સના જુનિયર ઑફિસરને માધાપરની મહિલાઓએ સૂચના આપી એટલે ઑફિસરે ગિયર પર લેધર શૂઝનું વજન વધાર્યું. જેવું વજન વધ્યું કે ખાડામાં ફસાયેલું ટાયર વધારે ગતિ સાથે હવામાં ફર્યું અને રણવિસ્તારમાં જીપના એન્જિનનો અવાજ પ્રસરી ગયો.
સફેદ રણ પાસે મળી આવેલા મિસાઇલના સમાચાર મળતાં જ ઍરફોર્સના ઑફિસર ભુજથી તાબડતોબ રવાના થયા. બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ ઑલરેડી ઘટનાસ્થળે હતી અને એણે આપેલી માહિતી મુજબ મિસાઇલ ફેલ થઈ ચૂક્યું હતું. જોકે એ અનુભવનું તારણ હતું, ટેક્નૉલૉજીનો આધાર નહોતો અને એટલે જ વિજય કર્ણિકને ઘટનાસ્થળે જલદી પહોંચવાની ઉતાવળ હતી.
૧૯૭૧નું યુદ્ધ શરૂ થાય એના ચારેક મહિના પહેલાંની આ ઘટના હતી.
સમાચાર મળતાં જ વિજય કર્ણિક સહિત ચાર અધિકારીઓ મિસાઇલ ફેલ કરવાનાં સાધનો લઈને રવાના થયા, પણ જેવા ભુજથી બહાર નીકળ્યા કે ત્યાં જ કાચી સડક પર પડી ગયેલા ખાડામાં ટાયર અટવાયું અને જીપ ફસાઈ ગઈ.
જીપનું ટાયર કાઢવા માટે જીપને ધક્કો મારવામાં ત્રણ અધિકારીઓ કામે લાગી ગયા, પણ વધારે જોરની જરૂર હતી અને સાથ આપવાવાળું આજુબાજુમાં કોઈ નહોતું. પ્રયાસો ચાલુ હતા અને જીવ અધ્ધર હતો. એ જ સમયે પાણી ભરીને આવતી માધાપરની મહિલાઓનું એક નાનું ટોળું ત્યાંથી પસાર થયું.
જીપ સાથે માથાકૂટ કરતા અધિકારીઓને જોઈને આગળ નીકળી ગયેલી એ મહિલાઓ પચાસેક ડગલાં આગળ જઈને ઊભી રહી.
‘સાયબ, પાણી ખપે?’
એકે રાડ પાડી અને જવાબ હકારમાં આવ્યો એટલે બધી મહિલાઓ પાણીના ઘડા સાથે જીપ પાસે આવી. દસ કિલોમીટર દૂરથી પાણી ભરીને આવતી આ મહિલાઓએ ધાર્યું હોત તો તેમણે આ દૃશ્યને નજરઅંદાજ કર્યું હોત, પણ માણસાઈ જેના લોહીમાં વહેતી હોય તેનું ગાણિતિક જ્ઞાન હંમેશાં કાચું હોય.
‘શું થ્યું? પૈડું સલવાઈ ગ્યું?’
પાણી પીવડાવતાં-પીવડાવતાં જ એક મહિલાએ અધિકારીને પૂછ્યું.
‘હા, ઉતાવળના સમયે જ તકલીફ આવી...’
‘હાલો તમતમારે...’ સાથે રહેલી મહિલાઓમાંથી એક પણને પૂછવાની તસ્દી લીધા વિના જ સંતોકબહેને કહી દીધું, ‘અમે બધીયે હાથ દેવડાવીએ...’
યંત્રવત્ રીતે તમામ મહિલાઓએ ઘડા નીચે મૂકીને જીપને હાથ દેવડાવવાનું ચાલુ કર્યું અને ફસાયેલા ટાયરવાળી જીપની પાછળ જોર વધ્યું.
‘બોલ મારી અંબે...’
જીપને ધક્કો મારવાની સાથે જ આગેવાની લેનારાં સંતોકબહેને હાક દીધી અને પ્રત્યુત્તરમાં તમામ મહિલાઓના મુખેથી નીકળ્યું...
‘જય જય અંબે...’
lll
‘સર, લગતા હી નહીં થા કિ વો ઔરતેં હૈ...’ ખાડામાંથી બહાર નીકળેલી જીપે ગતિ પકડ્યા પછી પરસેવો લૂછતા એક જુનિયરે વિજય કર્ણિક સામે જોયું, ‘ક્યા તાકત થી ઉનકી... ઔર હમારી લેડી...’
‘યે એક-એક ઔરત શહર કે દો-દો યંગસ્ટર્સ કે બરાબર હૈ...’
‘હા, સર... સહી કહા...’ ડ્રાઇવિંગ કરતા જુનિયરે ટર્ન લીધો, ‘અગર વો નહીં હોતે તો શાયદ હમ...’
‘શાયદ નહીં, કન્ફર્મ...’ કર્ણિકે શબ્દો ચોર્યા વિના જ કહી દીધું, ‘અભી તક હમ વહીં પે ફંસે હોતે...’
lll
મિસાઇલ ઑલરેડી ફેલ થઈ ગયું હતું, પણ ટેક્નિકલી તપાસ કરી લીધા પછી જે ખાતરી થઈ એનો રાજીપો સૌકોઈને વધારે હતો. જે પ્રકારે ધોરડોના સફેદ રણમાંથી મિસાઇલ મળ્યું હતું એ ઑબ્ઝર્વ કરતાં દેખાતું હતું કે ફાઇટર પ્લેનની બૉટમ-બેન્ચમાંથી એ તૂટ્યું છે. જો બૉટમ-બેન્ચ તૂટી હોય તો શક્ય છે કે પાઇલટે ઇમર્જન્સીમાં લેન્ડિંગ કરવું પડે અને દુશ્મન દેશમાં પાઇલટ લેન્ડિંગ કરવા તૈયાર ન થાય એ પણ સમજી શકાય એવું હતું. બૉટમ-બેન્ચ તૂટેલી હાલતમાં પ્લેન કેટલું આગળ જઈ શકે એ વિજય કર્ણિકે કોઈને પૂછવાની જરૂર નહોતી. વિંગ કમાન્ડરપદ પર પહોંચેલા કર્ણિકનો અનુભવ કહેતો હતો કે બસો કિલોમીટર સુધી તો વાંધો ન જ આવે, જ્યારે ધોરડોથી પાકિસ્તાનનું ડિસ્ટન્સ સવાત્રણસો કિલોમીટરનું હતું. મતલબ કે અંતિમ તબક્કે જો પાઇલટે ઇમર્જન્સી લેન્ડિંગ કર્યું હોય તો પણ એ પાકિસ્તાનની સીમામાં જ થયું હોઈ શકે અને કાં તો નો-મૅન્સ લૅન્ડ પર થયું હોય. જોકે એ અહીં શક્ય નહોતું. આ સરહદથી બન્ને દેશો રણ અને દરિયાથી જોડાયેલા હતા. જો પાઇલટે ઇમર્જન્સી લેન્ડિંગ દૂર જઈને કર્યું હોય તો પણ એ દરિયા પર જ કરવું પડ્યું હોય એવું બની શકે.
ADVERTISEMENT
‘ફિફ્ટી-ફિફ્ટી ચાન્સ હૈ...’ કર્ણિકે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સને ગાઇડન્સ પણ આપ્યું, ‘યહાં લેન્ડ નહીં હુઆ હોગા... ફિર ભી હમ જાંચ કરતે હૈં... ઍર-વ્યુ ભી લેતે હૈં ઔર સાથ મેં કોસ્ટગાર્ડ કો ભી ઇન્ફૉર્મ કરતે હૈં. બહેતર હૈ કિ આપ...’
‘સિટી ઔર એરિયા હમ દેખતે હૈં ઔર કચ્છ પોલીસ કો ભી ઇન્ફર્મેશન શૅર કરતે હૈં તાકિ...’
‘ધૅટ્સ બેસ્ટ...’
જરૂરી ફૉર્મલિટી પૂરી કરીને વિજય કર્ણિક અને તેમની ટીમ ફરી ભુજ આવવા માટે રવાના થઈ ત્યારે સાંજના ચાર વાગ્યા હતા. રસ્તામાં વાયરલેસ પર મેસેજની આપ-લે સતત ચાલુ રહી અને એ આપ-લેને કારણે જ ભુજ ક્યારે આવી ગયું એની જાણ રહી નહીં. જોકે શહેરમાં જીપ એન્ટર થાય એ પહેલાં અચાનક જ કર્ણિકે જીપ રોકાવી.
‘સ્ટૉપ... નાયર.’
અડધી જ સેકન્ડમાં જીપ રસ્તા પર ખીલો બનીને ચોંટી ગઈ.
‘હમ વો હી રાસ્તે સે આએ જીસ રાસ્તે સે ગયે થે... રાઇટ?’
‘જી સર...’
જવાબ મળ્યો કે તરત વિજય કર્ણિકની આંખોનું અચરજ મોટું થયું. પાંચેક સેકન્ડના વિચાર પછી તરત જ તેમણે યુ-ટર્ન લેવાનો ઑર્ડર કર્યો.
‘વાપસ લો જીપ... ઔર ઇસ બાર સ્લો ચલાના...’
પાછી વળેલી જીપ ધીમી ગતિએ આગળ વધતી રહી અને કર્ણિક રસ્તા પર નજર કરતા પોતાની ડાબી બાજુએ જોતા રહ્યા. એકાદ કિલોમીટર જીપ આગળ વધી હશે ત્યાં કર્ણિકે બૂમ પાડી...
‘સ્ટૉપ...’
ફરી એક વાર જીપ રસ્તા પર ખીલો થઈ ગઈ અને જેવી જીપ રસ્તાને ચોંટી કે તરત જ કર્ણિક આગળની સીટ પરથી નીચે કૂદીને દસેક ફુટ પાછળ ગયા. તેમની નજર રસ્તા પર હતી. તેમની સાથે જીપની બહાર આવેલા ઑફિસર પણ એ જ દિશામાં જોતા હતા જે દિશામાં કર્ણિકની નજર હતી. એક જગ્યાએ પહોંચીને કર્ણિક ઘૂંટણભેર બેઠા અને પછી તેમણે રસ્તા પર હાથ ફેરવ્યો.
પહેલાં હાથ ફેરવ્યો અને પછી કર્ણિકે ટકોરા મારીને જગ્યા ચકાસી.
ઑફિસર કંઈ પૂછે કે કરે એ પહેલાં વિજય કર્ણિકે તેની સામે જોયું...
‘યહી વો જગહ હૈ જહાં ગડ્ડા થા...’
ઓહ...
‘પણ અત્યારે તો એ ખાડો ભરાઈ ગયો...’
‘શાયદ વો જો ઔરતેં થી ઉન્હોંને કિયા હોગા...’ પૂછનારા જુનિયર સામે કર્ણિકે સ્માઇલ સાથે જોયું, ‘શાયદ, ઔર તો કોઈ હૈ નહીં જો યે કામ કરે...’
lll
‘સડક નો હોત તો તમારી જીપડી ગામ સુધી નો આયવી હોત...’ સંતોકબહેને વડચકલું નાખી લીધું, ‘ભુજથી માધાપરમાં આવવાના જે પાકા રસ્તા પર તમારાં વાહનો ફરે છે એ રસ્તો બીજા કોઈએ નઈ, અમારા ગામના લોકોએ બનાવ્યો છે.’
‘સાયબ, અમારી બાયુંનું લીંપણકામ એવું છે કે પાંચ-દસ ખટારા ફરી જાય તોય સડક પરથી ઢેફું નો નીકળે...’
મુખી માવજી ડોસાના શબ્દો કર્ણિકના કાનમાં જતા હતા, પણ તેમની આંખો સંતોકબહેન પર મંડાયેલી હતી. મંડાયેલી એ આંખોમાં અહોભાવ પણ હતો અને એ દિવસે બાકી રહી ગયેલી આભારવિધિ પણ એમાંથી નીતરતી હતી.
- હા, આ એ જ લેડી છે જે એ દિવસે સામેથી પાણી પીવડાવવા આવી અને એ પછી જીપનું ફસાયેલું ટાયર ખાડામાંથી બહાર કાઢવા પુરુષસમોવડી બનીને મદદે પણ આવી. હા, આ એ જ લેડી... અને આ જ એ લેડી જેણે રસ્તાનો આ આદમકદ ખાડો પણ બૂરી દીધો અને એના માટે કોઈ જાતની તારીફ સાંભળવાની દરકાર સુધ્ધાં ન કરી.
lll
‘જુઓ, મારી પહેલી વાત એ છે કે આપણે કંઈ પણ કરવું હોય તો એ સમજવું પડશે કે એમાં મારું એકનું કે તમારા કોઈનું ચાલે નહીં...’
આંખ સામે આવી ગયેલી ઘટના પછી વિજય કર્ણિકને એક વાતનો વિશ્વાસ આવી ગયો હતો કે તે જેની સામે ઊભા છે તેની એક પણ વાતને અવગણવી યોગ્ય નહીં કહેવાય. આ જ તો કારણ હતું કે તેમણે કલેક્ટર ગોપાલસ્વામીની સાથે અંદર, ઑફિસમાં મીટિંગની વાત કરી અને કલેક્ટરે સ્પષ્ટતા પણ કરી લીધી.
‘બેટર ઇઝ ધૅટ... આપણે આમને સાથે લેવા...’
વિશ્વાસ અકબંધ રહે એવા હેતુથી ગોપાલસ્વામીએ ભાષા પણ બદલે નહીં એની તકેદારી રાખીને ગુજરાતીમાં જ જવાબ આપ્યો, જે વિજય કર્ણિક સહજ રીતે સમજી પણ ગયા હતા. તેમણે ગોપાલસ્વામીની પાછળ ઊભેલી ત્રણસો મહિલાના ટોળા સામે જોયું. નજરમાં રહેલો એ ભાવ ગોપાલસ્વામી પારખી ગયા હતા.
‘બધાને સાથે નહીં તો આપણે અમુકને તો અંદર લઈ જવા...’ ગોપાલસ્વામીએ સહજ રીતે પૂછી પણ લીધું અને પાછળ ઊભેલી મહિલાઓની સામે ચહેરો કરીને એ વાતને સરળતા સાથે અમલમાં પણ મૂકી, ‘સાહેબ કહે છે કે આપણે બેસીને આ વિષય પર વાત કરવા... પણ અંદર જગ્યા લિમિટેડ પ્લેસ સો... આપણે પાંચ-સાત લોકો જવા?’
‘હા, જરાય વાંધો નથી...’
કુંદને જવાબ આપ્યો અને તરત જ ત્યાં હાજર રહેલામાંથી દસ વ્યક્તિને તેણે આગળ આવવાનો ઇશારો કર્યો અને જેવી એ દસ મહિલા આગળ આવી કે તરત જ કુંદન ગોપાલસ્વામી તરફ ફરી...
‘આપણે આટલા અંદર જઈશું...’
‘બાકીના કોઈને ખરાબ...’
‘ખરાબ-બરાબ તમારા શહેરવાળાને લાગે સાહેબ...’ કુંદને વિશ્વાસ સાથે કહ્યું, ‘અમને ગામવાળાને એટલી સમજણ પડે કે કામ થાય છે કે નંઈ? કામ થાતું હોય તો કોઈના મોઢા પર અણગમો દેખાય નંઈ... જોઈ લ્યો બધાયને...’
કુંદન જેવી અવળી ફરી કે સૌકોઈએ એકસાથે કહ્યું...
‘સાચી વાત...’
lll
‘જુઓ, મારી પહેલી વાત એ છે કે આપણે કંઈ પણ કરવું હોય તો એ સમજવું પડશે કે એમાં મારું એકનું કે તમારા કોઈનું ચાલે નહીં...’
ઍરફોર્સના વિંગ કમાન્ડર વિજય કર્ણિકે વાત શરૂ કરી અને તરત જ કુંદને વચ્ચે ટાપસી પુરાવી...
‘કામ તો આપણે દેશનું કરીએ છીએને?!’
‘હા, વાત ખોટી નથી પણ...’ ગુજરાતી શબ્દો શોધવામાં કર્ણિકને તકલીફ પડતી હતી, ‘દેશનું કામ કરવા માટે પણ કેટલાક પ્રોટોકૉલ હોય...’
ઊંડો શ્વાસ લઈને કર્ણિકે ગોપાલસ્વામી સામે જોયું, એવા ભાવ સાથે કે આ માણસ તો ભણેલો-ગણેલો છે. તે તો તેની વાત શાબ્દિક રીતે અને લાગણીવશ પણ સમજી શકે.
‘મિસ્ટર ગોપાલસ્વામી, લિસન મી કૅરફુલી...’ હાથમાં પેન લઈને કર્ણિકે પેપર પર લખવાનું શરૂ કર્યું, ‘રસ્તા પર ખાડા પૂરવાનું કે પછી ધારો કે રસ્તો પણ ઊભો કરી લેવાનું હોય તો એ કામ હજી સમજી શકાય, પણ રનવે બનાવવાનું કામ આસાન નથી. ઍન્ડ યુ નો ઇટ બેટર... એ કામ અઘરું છે અને એ કામમાં માસ્ટરી પણ એટલી જ જોઈએ જેટલી એક એન્જિનિયરમાં હોય. આપણામાંથી કોઈ ટેક્નિશ્યન નથી એ સૌથી મોટો વીક પૉઇન્ટ છે એટલે એ રીતે પણ આપણે રનવે ન બનાવી શકીએ.’
‘પણ સર...’
‘લિસન મી ફર્સ્ટ કૅરફુલી...’ ગોપાલસ્વામીની વાતને વચ્ચે જ અટકાવીને વિજય કર્ણિકે વાત આગળ વધારી, ‘આર્ગ્યુમેન્ટ તબ હોતી હૈ જબ ઉસકા કોઈ મીનિંગ નિકલતા હો. યહાં પે આપકી આર્ગ્યુમેન્ટ કા કોઈ મીનિંગ નહીં હૈ, ક્યૂંકિ... યે દેશ મેરા નહીં હૈ ઔર મુઝે ભી નિયમો કા પાલન કરના પડતા હૈ... ઔર દેશ કા પહલા નિયમ હૈ, હમારે પાસ કિસી ભી તરહ કા ટેક્નિકલ નૉલેજ નહીં હૈ ઔર ના હી હમારે પાસ કોઈ ઐસા બંદા હૈ જો ઇસ બારે મેં જાનકાર હો...’
જાણે કે પોતે સ્કૂલમાં હોય એ રીતે કુંદને બોલવાની પરમિશન માગતી હોય એમ હાથ ઊંચો કર્યો.
‘બાકી સબ બાત બાદ મેં...’ કુંદન સામે જોઈને કર્ણિકે દૃઢતા સાથે કહ્યું, ‘યે વક્ત ચર્ચા કરને કા નહીં, બાત સમઝને કા હૈ ઔર મૈં ચાહતા હૂં કિ પ્લીઝ આપ બાત સમઝો...’
વિંગ કમાન્ડરે પોતાની આંખો ફરી કલેક્ટર પર સ્થિર કરી.
‘લિસન મિસ્ટર ગોપાલસ્વામી, ઇસ કામ મેં હમેં માસ્ટર, એક્સપર્ટ્સ ચાહિએ, જો હમારે પાસ કોઈ નહીં હૈ... ઔર ઐસે મેં કોઈ ઇસ બાત કી પરમિશન નહીં દેગા.’ કર્ણિકે પાણીનો એક ઘૂંટડો ગળે ઉતારીને વાત આગળ વધારી, ‘નંબર ટૂ... રનવે બનાવવા માટે જે મટીરિયલની જરૂર પડે એ મટીરિયલ રૂટીન કે રેગ્યુલર હોતું નથી. રનવે એ કોઈ સડક નથી કે આપણે ગમે એમ એને બનાવી લઈએ તો ચાલે. પ્લેન જ્યારે જમીન પર ઊતરે ત્યારે રનવે પર એકસાથે દસ પ્લેનનું વજન આવતું હોય છે. મીન્સ કે એ રનવે એવો હોય છે જે એકસાથે દસ પ્લેનનું વેઇટ સહન કરી શકે અને એવું ત્યારે જ બની શકે જ્યારે તમારી પાસે ટેક્નિકલ બધાં સાધનો હોય અને જો તમને ન ખબર હોય...’
વિજય કર્ણિકે ઊંડો શ્વાસ લીધો.
‘અત્યારે આપણી પાસે રોલરથી માંડીને પ્રેશર માટેનાં જે બીજાં સાધનો હોવાં જોઈએ એ પણ નથી રહ્યાં. બૉમ્બાર્ડિંગમાં એ બધાં ટેક્નિકલ સાધનો પણ ખતમ થઈ ગયાં છે એટલે રનવે બનાવવાની બાબતમાં બીજી અડચણ આ ઊભી થઈ છે તો એ સિવાયની પણ વાત કરી દઉં... તમને કહ્યું એમ આપણી પાસે કોઈ પ્રકારનો ટેક્નિકલ નો-હાઉ નથી... નથિંગ. ઝીરો પર્સન્ટ નૉલેજ અબાઉટ ધ રનવે...’ કર્ણિક ભાષાભેદ ભૂલી ગયા હતા, ‘ધ મોસ્ટ માઇનસ પૉઇન્ટ ઇઝ ધૅટ, આપણે એ ટેક્નિકલ નો-હાઉ માટે કોઈને બોલાવી નથી શકવાના અને કોઈની પાસે આપણે એ શીખવા પણ નથી જઈ શકવાના. ટાઇમ ઇઝ મોસ્ટ વૅલ્યુએબલ અને આપણી પાસે હવે ટાઇમ પણ નથી રહ્યો... સો યુ શુડ અન્ડરસ્ટૅન્ડ, વી હૅવ રેસ અગેઇન્સ્ટ ધ ટાઇમ...’
‘સાહેબ, ગુજરાતી...’ કુંદને કહ્યું અને સાથોસાથ ચોખવટ પણ કરી લીધી, ‘જો વાત પણ કોઈને સમજાવાની ન હોય તો પછી કેવી રીતે રનવે બનાવવાની રીત લોકોને સમજાશે?!’
‘રનવે બનાવવાની રીત હું નથી સમજાવી રહ્યો...’ કર્ણિકનો અવાજ સહેજ મોટો થયો, ‘હું સમજાવી રહ્યો છું કે રનવે બનાવવાનું કામ સહેલું નથી. સમજો તમે અને એ શીખવાનો સમય પણ નથી તો સાથોસાથ એ બનાવવા માટે દુશ્મન સમય નહીં આપે અને ગવર્નમેન્ટ પરમિશન...’
વિજય કર્ણિકનો ઉશ્કેરાટ અત્યારે વધી રહ્યો હતો અને એમાં કશું ખોટું પણ નહોતું. અભણ માણસ જ્યારે સામે બેસીને જ્ઞાનની વાત કરે અને એ જ્ઞાનની વાત શીખવવા માટે તમારી પાસે સમય ન હોય તો નૅચરલી તમે પણ એટલા જ ઉશ્કેરાઓ જેટલા ૧૯૭૧માં વિંગ કમાન્ડર વિજય કર્ણિક ઉશ્કેરાયા હતા. તેમને ખબર હતી કે સિવિલિયનને વૉરમાં સામેલ કરવાનો અર્થ શું થાય છે તો સાથોસાથ તેમને એ પણ ખબર હતી કે સામાન્ય નાગરિક એવી એકાદ વ્યક્તિનો પણ જો જીવ જાય તો કેન્દ્રીય સરકાર તેમના કેવા હાલ કરે?
‘આ વૉર છે અને વૉરમાં પાકિસ્તાન સતત અટૅક કરી રહ્યું છે. આવા સમયે હું કોઈ હિસાબે સિવિલિયન લાઇફને રિસ્કમાં ન મૂકી શકું...’ કર્ણિક ઑલમોસ્ટ જજમેન્ટ પર હતા, ‘શું કરી શકવાના આપણે જ્યારે આપણા હાથ ખાલી છે ત્યારે? શું કરી શકવાના જ્યારે આપણે પાસે કશું નથી ત્યારે? છે કોઈ જવાબ, છે કોઈની પાસે આન્સર...’
ઑલમોસ્ટ તાડૂકી ઊઠેલા વિજય કર્ણિક ઊભા થઈ ગયા...
‘જવાબ આપો, છે શું આપણી પાસે...’
આખી રૂમમાં સન્નાટો પ્રસરી ગયો અને પ્રસરેલા એ સન્નાટા વચ્ચે કુંદન ધીમેકથી ઊભી થઈ...
‘હોંસલા ઔર હિંમત...’ કુંદનના ચહેરા પર આત્મવિશ્વાસ ઝળકતો હતો, ‘જીસે દુનિયા મેં કોઈ તાકત હરા નહીં સકતી...’
વધુ આવતા રવિવારે