‘સભી ઍરસ્ટ્રિપ તોડ દી ગઈ હૈ...’ રિપોર્ટિંગ આપવાની જરૂર નહોતી તો પણ સિનિયરે દોસ્તીદાવે વાત કરી, ‘સૌથી નજીક જેસલમેર અને એના પછીનો નજીકનો એરિયા એટલે ભુજ... આ બન્ને જગ્યાએથી ઍરફોર્સ સહાય લઈને આવી શકે એમ નથી...’
1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ ૩૧)
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેંક્યો કસુંબીનો રંગ.
હો રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ...
‘હજી જરૂર હોય તો વધારે લોકો ભેગા કરી દઉં સાહેબ...’
માધવના પહાડી અવાજમાં લહેરાતા ગીત વચ્ચે કુંદન આગળ આવી કે તેની સાથે હાથમાં હાથ મિલાવીને ઊભેલા તેના સાથીઓ પણ આગળ આવ્યા. ઍરફોર્સના અધિકારીઓ કુંદન અને તેના સાથીઓ સામે અવાક નજરે જોતા રહ્યા એટલે કુંદને ગોપાલસ્વામીની સામે જોયું.
‘અમારું ગુજરાતી કદાચ સમજાણું નહીં હોય, તમે જ પૂછી દયો. જરૂરી હોય તો હજી બીજા લોકોને સાથે ભેગા કરી દેખાડું...’ નક્કર અવાજ સાથે કુંદને પાછળ જોયું, ‘બધા અહીં જ ઊભા છે... રાહ જુએ છે સાથ આપવા માટે...’
કુંદનનું વાક્ય પૂરું થાય એ પહેલાં પાદરમાં ઊભેલા બધા પુરુષો પોતપોતાના ઘર તરફ આગળ વધવાનું શરૂ કરી દે છે. મુખી અને ગોપાલસ્વામીની નજર એ ટોળા પર જ હતી અને જે દૃશ્ય પાદરમાં ઘડાયું એ જોઈને તે બન્નેની આંખો પહોળી થઈ.
ADVERTISEMENT
એક પણ પુરુષ એવો નહોતો કે જે કુંદનના શબ્દો સાંભળીને ત્યાં ઊભો રહ્યો હોય અને તેની સામે એક પણ બૈરી એવી નહોતી જેણે પોતાના પતિ સાથે ઘર ભણી પગ ઉપાડ્યો હોય! હા, મહિલા બધી એમ ને એમ જ પાદરે ઊભી હતી અને પુરુષોએ ઘર તરફ પ્રયાણ કરી લીધું હતું.
ગોપાલસ્વામી અને મુખીની આંખો એક થાય છે. બન્નેની આંખોમાં સમાન ભાવ હતા. મહિલાઓ માટે તેમનો આદર વધી ગયો હતો અને સાથોસાથ દેશભક્તિની ભાવના પણ એ આંખોમાં પ્રબળ થઈ ગઈ હતી.
ઘર તરફ જતા એ બધા પુરુષો થોડાં ડગલાં ચાલીને પાછળ ફરીને જુએ છે. હવે તેમને દેખાય છે કે તેમની પત્નીઓ ત્યાં જ, પાદર પર ઊભી છે. ઘર તરફ જતા પતિઓનાં કદમ અટકી ગયાં છે એ જોઈને અનાયાસ જ બધાં બૈરાંઓની નજર એ દિશામાં ગઈ અને થોડી ક્ષણો પછી જાણે કે ચાવી દીધેલાં પૂતળાં હોય એમ બધાં બૈરાંઓ પોતાની જગ્યાએથી હટીને કુંદન અને ગોપાલસ્વામીની પાછળ જઈને ઊભાં રહી ગયાં.
હવે કુંદનની પાછળ માધાપરમાં રહેતાં અંદાજે ત્રણસો જેટલાં બૈરાંઓ ઊભાં હતાં. તેમના મન પર એક જ ભાવ હતો : મરવા તૈયાર છીએ પણ વતન ખાતર દેશને કોઈના હાથમાં નહીં જવા દઈએ. જે દેશ ખાતર અઢળક અનામી લોકોએ શહીદી વહોરી એ દેશ હવે કોઈના હાથમાં નહીં જવા દઈએ, કોઈ કાળે નહીં.
પીડિતની આંસુડાધારે-હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ.
હો રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ...
lll
રાજસ્થાનની લોંગેવાલ સરહદ પર વાતાવરણે ગરમી પકડવાની શરૂ કરી દીધી હતી. આગળ વધતી પાકિસ્તાની સેનાના છૂટાછવાયા અટૅક અત્યાર સુધી લોંગેવાલ સરહદ પર જોવા મળતા હતા, પણ છેલ્લા એક કલાક દરમ્યાન પાકિસ્તાની તોપ દ્વારા બાવીસ બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા. ફેંકવામાં આવેલા બૉમ્બનાં નિશાનો પરથી અનુમાન સહેલાઈથી માંડી શકાતું હતું કે સેના નજીક પહોંચી ચૂકી છે.
‘પાકિસ્તાની આર્મી ઝ્યાદા દૂર નહીં...’ કુલદીપસિંહ ચાંદપુરીએ આકાશ તરફ જોતાં કહ્યું, ‘શામ તક શાયદ ભારતીય સીમા મેં દાખિલ હો જાએગી...’
સાથે ઊભેલા બટૅલ્યનના ચાર સાથીઓએ પણ આકાશમાં એ જ દિશામાં જોયું જે દિશામાં ચાંદપુરીની નજર હતી. સામાન્ય રીતે ઊંડા રણપ્રદેશમાં જોવા મળતા રોડરનરનું એક મોટું ઝુંડ હવામાં લહેરાતું તેમના તરફ આવતું હતું. લાંબા સમય સુધી પાણી વિના રહી શકતાં અને પાણીની જરૂર પડે ત્યારે એકબીજાની પાંખમાં જન્મેલાં પ્રસ્વેદબિંદુઓથી તરસ છિપાવતાં રોડરનર ભાગ્યે જ માનવ-વસાહત તરફ આવે છે એ વાત રણવિસ્તારમાં ફરજ બજાવતા સૈનિકોને ટ્રેઇનિંગ દરમ્યાન જ સમજાવવામાં આવી હતી. આ સમજણનું મુખ્ય કારણ એ હતું કે જો રણમાં ભૂલા પડ્યા હો તો રોડરનરની દિશામાં આગળ વધવું નહીં અને બીજું મહત્ત્વનું કારણ, જ્યારે રોડરનર માનવ-વસાહત તરફ આવતાં દેખાય ત્યારે ધારવું કે સીમારેખા તરફ મોટી માત્રામાં લોકોની અવરજવર વધી છે.
ચાંદપુરીએ પણ આ જ અનુમાન માંડ્યું હતું અને એમાં તે સહેજ પણ ખોટા નહોતા. એમ છતાં પુષ્ટિ કરવાના હેતુથી તેમણે તરત જ વાયરલેસ સેટથી બૉર્ડર પર બનાવવામાં આવેલા માંચડા પર નજર રાખીને બેઠેલા સોલ્જરને સૂચના આપી...
‘નૉર્થ-વેસ્ટ પર ફોકસ કરો, મૈં આ રહા હૂં...’
‘યસ સર...’
સોલ્જરે વાયવ્ય દિશામાં દૂરબીન માંડ્યું અને લેન્સ ફોકસ કરવાનું શરૂ કર્યું. ફોકસ થતા જતા લેન્સે જે પિક્ચર પકડ્યું એ જોઈને બાયોફોકલ પર લાગેલી તેની આંખો મોટી થઈ અને મોઢું વધારે ને વધારે ખૂલવા માંડ્યું. અલબત્ત, તે પૂરેપૂરી નોંધ લઈને રિપોર્ટ આપે એ પહેલાં તો ચાંદપુરી માંચડા પર ચડી ગયા હતા.
‘સર, યે તો...’
સિનિયરને વેલકમ કરવાના હેતુથી ભારતીય સેનામાં દાખલ કરવામાં આવેલી સૅલ્યુટની આચારસંહિતા વિસરી ગયેલા સોલ્જરની એ ગુસ્તાખી તરફ ચાંદપુરીનું ધ્યાન પણ નહોતું. તેમને અણસાર આવી ગયો હતો કે કયામતે દસ્તક દઈ દીધી છે અને એવું જ હતું.
મેજર કુલદીપસિંહ ચાંદપુરીએ બાયનોક્યુલરમાં નજર નાખી અને તેમની પણ એ જ હાલત થઈ. ઑલમોસ્ટ વીસ કિલોમીટરથી પણ લાંબી કતાર કહેવાય એવી કતારમાં પાકિસ્તાની સેના આગળ વધતી હતી. સેનામાં માત્ર સોલ્જર જ નહીં, તોપ અને હૅન્ડ-મિસાઇલ લૉન્ચર પણ હતાં.
ભલભલાની છાતીનાં પાટિયાં બેસી જાય એવું એ દૃશ્ય હતું અને અહીં ભારતીય સીમા પર સવાસોથી પણ ઓછા સૈનિકો...
‘ઇસ બાર એક ભી કાફિર વાપસ નહીં જાના ચાહિએ...’
કુલદીપસિંહ ચાંદપુરીની જવાંમર્દી જાગી ગઈ હતી. સવાસોથી પણ ઓછા સૈનિકોના સાથ વચ્ચે હજારો સૈનિકો સામે લડવાની નોબત આવી ગઈ એવા સમયે પણ ચાંદપુરીના હૈયામાં તો એ હજારો સૈનિકોને ધોબીપછાડ આપવાની હિંમત જાગી ગઈ હતી.
‘ફોકસ કરો...’ ચાંદપુરીએ ફરી બાયનોક્યુલર સોલ્જરના હાથમાં પકડાવ્યું, ‘ફોકસ બદલના નહીં ચાહિએ...’
છેલ્લા શબ્દો મોઢામાંથી હજી તો બહાર પણ નહોતા આવ્યા ત્યાં કુલદીપસિંહ માંચડા પરથી નીચે આવી પણ ગયા હતા અને કામ પર પણ લાગી ગયા હતા.
lll
‘કહિએ અબ આપ...’ ગોપાલસ્વામીએ ઍરફોર્સના ઑફિસર સામે જોયું, ‘શું આટલી હેલ્પ આપણી સાથે હોય તો રિઝલ્ટ ન આવે?!’
‘ડિફિકલ્ટ હૈ સ્વામીજી...’ ઍરફોર્સ ઑફિસરના મનમાં હજી પણ દુવિધા હતી, ‘યે સબ અનસ્કિલ્ડ હૈ... ઔર ઍરસ્ટ્રિપ બનાના વો ટેક્નિકલ કામ હૈ...’
‘કહ તો રહે હૈ, ઉસકે લિએ આપ હૈ...’ ગોપાલસ્વામીએ વાતને પકડી રાખી હતી, ‘ઐસે બાત કરને સે તો કુછ નહીં હોગા... લેટ વી ટેક સમ ઍક્શન.’
‘વી આર હેલ્પલેસ...’ એક ઑફિસર આગળ આવ્યો, ‘એક કામ કરતે હૈં. આપ કમાન્ડિંગ ઑફિસર વિજય કર્ણિક સે બાત કરે તો...’
‘આઇ ઍમ રેડી...’ ગોપાલસ્વામીએ તરત જ કુંદન આણિ મંડળી સામે જોઈને ગુજરાતીમાં સમજાવ્યું પણ ખરું, ‘મોટા સાહેબને મળવાની વાત કરે છે, જઈએ બધા...’
‘હા...’ બધા એકસાથે બોલ્યા, ‘હાલો...’
ઍરફોર્સના ઑફિસર અને કલેક્ટર પોતપોતાના વાહનમાં ગોઠવાયા અને માધાપરની મહિલાઓએ તેમના પગ ઉપાડ્યા. જોકે હજી તો એ લોકોએ માંડ બે પગલાં માંડ્યા હશે ત્યાં જ...
lll
‘યસ સર...’ કુલદીપસિંહ ચાંદપુરીએ જમણો પગ જમીન પર ઠપકાર્યો, ‘યહાં જો ભી હૈ, જીતને ભી હૈ... જબ તક બદન મેં ખૂન કા એક કતરા ભી બાકી હૈ, લોંગેવાલ હમ નહીં છોડેંગે...’
રિપોર્ટિંગ આપતી વખતે સાચી પરિસ્થિતિથી વાકેફ કર્યા પછી હાયર ઑફિસરના શબ્દો માનસિક તનાવ આપે એ સ્તરના હતા...
‘ચાંદપુરી, કિસી ભી તરહ કી કોઈ સહાય હમ ભેજ નહીં સકતે... જે કોઈ અરેન્જમેન્ટ કરવાની છે એ તમારે કરવાની છે.’
‘ઍરફોર્સ...’
‘સભી ઍરસ્ટ્રિપ તોડ દી ગઈ હૈ...’ રિપોર્ટિંગ આપવાની જરૂર નહોતી તો પણ સિનિયરે દોસ્તીદાવે વાત કરી, ‘સૌથી નજીક જેસલમેર અને એના પછીનો નજીકનો એરિયા એટલે ભુજ... આ બન્ને જગ્યાએથી ઍરફોર્સ સહાય લઈને આવી શકે એમ નથી...’
‘કબ તક રોક કર રખના હૈ...’
‘જબ તક અગલી સૂચના ન મિલે...’
‘યસ સર...’ કુલદીપસિંહ ચાંદપુરીએ સાવધાન મુદ્રામાં આવતાં કહ્યું, ‘યહાં જો ભી હૈ, જીતને ભી હૈ... જબ તક બદન મેં ખૂન કા એક કતરા ભી બાકી હૈ, લોંગેવાલ હમ નહીં છોડેંગે ઔર કિસી કો લોંગેવાલ તક નઝર ભી ઉઠાને નહીં દેંગે...’
‘ચાંદપુરી... આખરી દમ તક...’
‘ગુસ્તાખી માફ સર...’ સિનિયરની વાત કાપતાંની સાથે જ ચાંદપુરીએ માફી માગી લીધી, ‘દુનિયા મેં સિર્ફ હમ અકેલે હૈં જો મિટ્ટી કો મા કહતે હૈં... ઔર મેરી મા કે સામને કોઈ નઝર ઉઠાએગા તો... વાહે ગુરુ કી સૌગંદ, ઝિંદા વાપસ નહીં જાએગા...’
‘જયહિન્દ.’
ચાંદપુરીએ પડઘો પાડ્યો...
‘જયહિન્દ...’
ચાંદપુરીનો અવાજ જેને પણ સંભળાયો, જ્યાં પણ સંભળાયો એ સૌ સલ્જોરે પોતાના સ્થાને જ ઊભા રહી એવી જ તીવ્રતા સાથે જવાબ આપ્યો...
‘જયહિન્દ...’
- અને કાનમાં અથડાયેલા એ જયહિન્દના નારાએ ચાંદપુરીની નસ-નસમાં શેર લોહી ચડાવી દીધું.
પછીની પંદર જ મિનિટમાં લોંગેવાલ સરહદ પર સ્ટ્રૅટેજી શરૂ થઈ ગઈ હતી. લોંગેવાલ ચોકીની ચારેય દિશામાં કાંટાળી ઝાડી પાથરી દેવામાં આવી અને એ ચોકીમાં બે સોલ્જર અને રસોઈ બનાવતા સાથીને તહેનાત કરી દેવામાં આવ્યા તો બાકીના સૌને સરહદ પર તહેનાત કરી દેવામાં આવ્યા.
‘જબ તાકાત હો પર સાથી ના હો તો દિલ કે સાથ-સાથ દિમાગ સે કામ લેના ચાહિએ... હમારે પાસ દિલ ભી હૈ, દિમાગ ભી હૈ પર સાથ હી સાથ હમારે પાસ, હમારે સાથ હમારી મા ભી હૈ ઔર મા કે સાથ...’ ચોકીમાં લટકતા કૅલેન્ડર તરફ ચાંદપુરીએ નજર કરી, ‘હમારે સાથ મામા ભી હૈ...’
સામે બેઠેલા એકેએક સોલ્જરની આંખોમાં ચમક આવી. તેઓ સમજી ગયા હતા કે ચાંદપુરી શું કહી રહ્યા છે અને તે જે કહે છે એનો લાભ કેવો મળવાનો છે.
lll
‘આઇ ઍમ રેડી...’ ગોપાલસ્વામીએ તરત જ કુંદન આણિ મંડળી સામે જોઈ ગુજરાતીમાં સમજાવ્યું પણ ખરું, ‘મોટા સાહેબને મળવાની વાત કરે છે, જઈએ બધા...’
‘હા...’ બધા એકસાથે બોલ્યા, ‘હાલો...’
ઍરફોર્સના ઑફિસર અને કલેક્ટર પોતપોતાના વાહનમાં ગોઠવાયા અને માધાપરની મહિલાઓએ તેમના પગ ઉપાડ્યા. જોકે હજી તો એ લોકોએ માંડ બે પગલાં માંડ્યા હશે ત્યાં જ...
lll
‘મોટા સાહેબને મળવાની વાત કરે છે, જઈએ બધા...’
ગોપાલસ્વામીએ જેવું કહ્યું કે હાજર હતી એ બધી મહિલા એકસૂરે બોલી...
‘હા... હાલો...’
ઍરફોર્સના ઑફિસર અને કલેક્ટર પોતપોતાના વાહનમાં ગોઠવાયા અને માધાપરની મહિલાઓએ તેમના પગ ઉપાડ્યા. જોકે હજી તો એ લોકોએ માંડ બે પગલાં માંડ્યા હશે ત્યાં જ તેમની આડશ ઊભી કરતો હોય એમ એક ટ્રક આવીને ઊભો રહી ગઈ.
‘હાલો, બેસી જાવ બધાય...’ ટ્રકના આગળના ભાગની બારીમાંથી શંકરે ચહેરો બહાર કાઢ્યો, ‘નીકળીએ...’
બૈરાઓની આ પલટન વચ્ચે પહેલાં ગણગણાટ થયો અને એ ગણગણાટનો મત જાણ્યા પછી કુંદને શંકર સામે જોયું...
‘કોઈને નથી આવવું...’
ટ્રક ચાલુ રાખીને જ શંકરે ડ્રાઇવર સાઇડનો દરવાજો ખોલ્યો અને છલાંગ લગાવીને તે નીચે આવ્યો.
‘તો છેક ભુજ સુધી જાશો કેવી રીતે?!’ કુંદનની પાસે આવીને શંકરે કહ્યું, ‘બેસી જાવ, થાકી જાશો...’
‘ના, જરાય નહીં...’ કુંદનની બાજુમાં આવી ગયેલાં સંતોકબહેને કહ્યું, ‘તું તારે જે કરવાનું હોય એ કામ કર, અમારે આ ચોરીના ખટારામાં...’
‘એ જ કરું છું...’ કુંદન સંતોકબહેનની નજીક આવ્યો, ‘ને શું કીધું તમે, ચોરીનો ખટારો?! જરાક મોઢું સંભાળજો હોં... આ ચોરીનો ખટારો નથી...’
ટ્રક જાણે કે ઘોડો હોય અને શંકર જાણે કે એની પીઠ થપથપાવતો હોય એ રીતે તેણે ટ્રકના પાછળના ભાગ પર લાગેલા લાકડા પર હાથ ઠપકાર્યો...
‘આ દેશનો ખટારો છે ને હવે દેશના કામમાં લાગવાનો છે...’
કુંદન સમજી તો ગઈ હતી. એમ છતાં ખુલાસો કરવાના હેતુથી તે એક ડગલું આગળ આવી. જોકે તે કંઈ પૂછે એ પહેલાં જ માવજી ડોસાએ આગેવાની લીધી...
‘દેશના કામમાં એટલે... તું કહેવા શું માગે છે?!’
‘એ, જે સમજવા તમારું મન રાજી નથી...’ શંકરે મર્યાદા છોડીને માવજી ડોસાના ગાલ પર સહેજ ચીંટિયો ભર્યો, ‘ડોસા, આ બધી બાયુંને જોઈને મનેય થાય છે કે હાથ તો એ બધીને દેવો જોઈ... બાઈ નથી ને જો આ કુંદનડી એવું ક્યે કે અમે બાયુંને જ સાથે રાખશું તો પછી સાડલો પે’રવામાંય મને શરમ નથી.’
‘નકટો...’
કુંદનના ચહેરા પર સ્મિત આવી ગયું, જેની સાઇઝ વધારવાનું કામ શંકરના જવાબે કર્યું...
‘નવું બોલ કાંયક... આ તો બધાય રોજ ક્યે છે.’
શંકર અને કુંદનની નોંકઝોંક વધુ ચાલી હોત જો ગોપાલસ્વામી પોતાની બુલેટ સાથે પાછા ન ફર્યા હોત.
‘શું થાવા મુખી...’ ગોપાલસ્વામીએ બુલેટ બંધ કરતાં શંકર સામે જોયું, ‘વધારે પડતી આડાઈ નહીં જોઈએ મને...’
‘અરે, આડાઈ નથી કરતો સાયબ...’ શંકર ગોપાલસ્વામીની પાસે આવ્યો, ‘હવે સીધાઈ કરું છું. આ બધીને કઉં છું કે તમને ભુજ ઉતારી જાવ... પૂછો, માનવામાં નો આવતું હોય તો...’
કુંદન સહિત સૌએ હા પાડી અને સંતોકબહેને તો કહી પણ દીધું...
‘બધી બાયુ વચ્ચે મુખી એકલા મરદ હતા, પણ હવે આય એમાં જોડાણો છે...’
‘ઓકે...’ ગોપાલસ્વામીએ બાઇક ફરી શરૂ કરી, ‘હરી-અપ...’
વપરાયેલા અંગ્રેજી પછી અચાનક જ કલેક્ટરને ધ્યાનમાં આવ્યું એટલે તેણે ફરી શંકર સામે જોયું. જોકે શંકર સમજી ગયો હતો.
‘સમજી ગ્યો સાયબ... તમારા ઇંગ્લિશનો અરથ થાય, સટાસટી કરો...’ શંકર તરત બધી બહેનો તરફ ફર્યો અને જોરથી અવાજ આપ્યો, ‘હાલો, એય... પગમાં તાકાત ભરો... સાયબ સટાસટી પોંચવાનું ક્યે છે...’
સંકડાશ પણ અત્યારે તો મીઠી લાગે એવી હતી એટલે એક પછી એક બહેનો ટ્રકમાં ગોઠવાઈ ગઈ અને સૌથી છેલ્લે મુખી ટ્રકમાં આગળના ભાગમાં આવેલી ક્લીનરની સીટ પર ગોઠવાયા.
‘લઈ લે શંકર, કલેક્ટર સાયબની વાંહોવાંહ...’ ટ્રક રવાના થઈ કે તરત જ માવજી ડોસાના મોઢામાંથી શબ્દો સરી પડ્યા, ‘હાલો ત્યારે, એક નવા ઇતિહાસનો પારંભ થઈ ગ્યો... દેશ માટેય ને ગામ માટેય...’
વધુ આવતા રવિવારે