Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > 1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ-૨૦)

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ-૨૦)

Published : 18 December, 2022 07:49 AM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

સિત્તેરના દશકમાં સરકારી અધિકારીઓને ઇમર્જન્સી માટે રૉયલ એનફીલ્ડની બાઇક આપવામાં આવી હતી

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા

1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા


સિત્તેરના દશકમાં સરકારી અધિકારીઓને ઇમર્જન્સી માટે રૉયલ એનફીલ્ડની બાઇક આપવામાં આવી હતી, જેના પર તેઓ આજુબાજુનાં ગામોમાં પ્રવાસ કરતા. બુલેટ તરીકે ઓળખાતી આ બાઇકના કિલોમીટરના આંકડા રાજ્ય સરકારને મોકલવા એવો પણ નિયમ હતો, જેથી બાઇક પર પ્રવાસ કેટલો થયો છે એનો હિસાબ થાય અને સનદી અધિકારી પોતાના કાર્યક્ષેત્રમાં કેટલા ગંભીર છે એનું પણ તારણ નીકળી શકે.


ભુજ જેવું ખાલી થવા માંડ્યું કે તરત વાત માધાપર પહોંચી અને માધાપરવાસીઓ પણ એકઠા થયા. સરકાર ઇચ્છતી નહોતી કે આ વિસ્તાર ખાલી થાય અને પાકિસ્તાન દ્વારા થઈ રહેલા હુમલા વચ્ચે હવે ત્યાં રહેવામાં હરકોઈને જોખમ લાગતું હતું. આ જોખમને ધ્યાનમાં રાખીને જ મુખી સામે સૌકોઈ ગોઠવાયા હતા અને મુખીએ કમને પ્રસ્તાવ મૂકતાં કહ્યું કે જે કરવું હશે એ ગામ આખું સાથે નિર્ણય લેશે. રહીશું તો સાથે અને ગામ છોડવું હોય તો પણ સાથે જ. મોટા ભાગના લોકો ગામમાં રહેવા રાજી હતા. જોકે વાત અહીં બહુમતની નહોતી, સર્વાનુમતની હતી અને એના માટે દરેકે પોતાના પરિવારજનોનો અભિપ્રાય લેવાનો હતો. 
‘પંદર મિનિટ પછી બધાય પાછા આયા ભેળા થાય છીએ... ન્યાં લગીમાં બધાય પોતપોતાના ઘરનાવને પૂછી લ્યે ને નક્કી કરે કે શું કરવું છે હવે...’
પંદર મિનિટને બદલે વાતને પોણો કલાક વીતી ગયો.
પોણો કલાક પછી ગામની બારસો લોકોની રૈયત ફરી માધાપરના પાદર પર એકઠી થઈ અને સૌએ પોતપોતાનો મત આપવાનું શરૂ કર્યું...
‘ગામમાં જ રે’વાનું થાય છે...’
વાત આગળ વધતી રહી અને બધા આ જ જવાબ આપતા રહ્યા, પણ સાતમી લાઇનમાં ઊભેલા રવજી ખત્રીના પગ સહેજ ખચકાયા. તેણે ડાબી બાજુએ જોયું અને જાણે કે નજરથી જ વાત થઈ હોય એમ બાજુમાં ઊભેલી દીકરીએ એક ડગલું આગળ માંડ્યું...
‘આં’યા જ...’
ડગલું આગળ માંડનારી વીસ વર્ષની કુંદન ખત્રી હતી. એ કુંદન જેણે ત્યાર પછી દુનિયાની આંખોમાં અચરજ આંજવાનું કામ સતત ૪૮ કલાક સુધી કર્યું.
lll
રવજી ખત્રીની એકની એક દીકરી કુંદન. પહેલી સુવાવડ પછી પત્નીનો રક્તસ્રાવ ન રોકાતાં સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરે રવજીને સલાહ આપી હતી કે બીજું બાળક કરવાથી પત્નીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. એ દિવસે રવજીએ મા આશાપુરાને આંખ સામે રાખીને બ્રહ્મચર્યની માનતા લઈ લીધી. 
વડીલો દીકરાની માગણી કર્યા કરે અને પત્ની કંઈ બોલી ન શકે, પણ વાત રવજી પાસે પહોંચી એટલે તેણે કુંદનના ત્રીજા જન્મદિવસે સૌ વડીલોને બોલાવીને સામૂહિકપણે કહી દીધું કે બીજા સંતાનની ક્ષમતા પોતાનામાં નથી એટલે કોઈએ શાંતિને કંઈ કહેવું નહીં.
પચાસના દશકમાં આવું મર્દાના પગલું લેવાની ક્ષમતા જે પુરુષમાં હોય તેની દીકરી પીછેહઠ કેવી રીતે કરી શકે.
કુંદને કોઈ પણ જાતના સંકોચ વિના માતૃભૂમિ છોડવાની ના પાડી દીધી, પણ એ સમયે તેને ખબર નહોતી કે તેનો આ નિર્ણય પોતાની અંગત જિંદગીમાં પણ તબાહી ઊભી કરી દેનારો પુરવાર થવાનો છે. 
lll
વીસ વર્ષની કુંદનના ગોળધાણા હજી મહિના પહેલાં જ ખાધા હતા. હોળાષ્ટક ઊતરે એટલે તેનાં લગ્ન હતાં. દીકરી પરણીને કચ્છમાં જ રહેવાની હતી, પણ એ પછી તેણે અંજાર જવાનું હતું. માધાપરના આ પહેલા એવા વિવાહ હતા જેના માટે રવજીભાઈએ દીકરીની સંમતિ લીધી હતી અને દીકરીએ પણ જૂના સિદ્ધાંતો તોડવાની પ્રક્રિયા કરી હતી...
‘હું એક વાર ગૌતમને મળવા માગું છું...’
ગૌતમને મળ્યા પછી કુંદને વેવિશાળ માટે હા પાડી અને ગોળધાણા ખવાયા.
lll
એ સાંજે લેવાયેલા નિર્ણય પછી નક્કી કરવામાં આવ્યું કે તો હવે સૌ ગામવાસીઓએ સાથે રહેવું અને એક છત નીચે સમય પસાર કરવો.
તાત્કાલિક અસરથી સૌકોઈ પોતપોતાના ઘરેથી ઓઢવા-પાથરવાનું લઈને ગામના અંતભાગમાં બનાવવામાં આવેલી જ્ઞાતિની વાડીમાં રવાના થયા અને એ રાત સૌકોઈએ ત્યાં જ પસાર કરી. અલબત્ત, રાત માત્ર પસાર થઈ. કોઈ ઊંઘ કરી શક્યું નહીં. વડીલો માટે આ ચિંતાનો વિષય હતો તો બાળકો માટે પણ આ રાત વસમી હતી. બહાર એકધારા હવાઈ હુમલાના અવાજો ચાલુ હતા, જેને લીધે સાથે રહેવાની વાતને ખુશીમાં ફેરવવાનું પણ અઘરું બની ગયું હતું.
‘ક્યારના શું ઘૂમરીએ ચડ્યા છો મુખી?’ કલાકથી મોઢામાંથી એક હરફ પણ નહીં ઉચ્ચારનારા મુખીને જોઈને રતિલાલે પૂછ્યું, ‘ગડમથલ ભાગે છે મનમાં?’
‘હં...’ મુખીએ રતિલાલ સામે જોઈને ઊંડો નિસાસો નાખ્યો, ‘જો આ દા’ડા લંબાયા તો બધાયને ભેળા રાખીને રસોઈ આંયા જ ચાલુ કરવી પડશે... ને પંચાયત પાસે એટલું ધાન હોય એવું લાગતું નથી.’
‘એ તો સૌ-સૌના ઘરેથી લેતા આવે...’
‘રતિ, ભેળા કર્યા હોય ત્યારે જવાબદારી પંચાયતની બને કે પેટની આગ એ ઠારે...’ મુખીએ રતિલાલને જ ઊભો કર્યો, ‘ઉપરના મજલે જઈને જોઈ આવ, ધાનમાં શું-શું પડ્યું છે ને કેટલા દિ’ નીકળે એમ છે...’
મુખી માવજી ડોસા જ્યારે માધાપરવાસીઓનાં પેટ ભરવાની ચિંતામાં હતા ત્યારે કચ્છના કલેક્ટર એન. ગોપાલસ્વામીની મનોદશા પણ લગભગ એવી જ હતી. ખાલી થતા કચ્છ જિલ્લાના લોકોને રોકવાનું કામ તેમના શિરે હતું અને એ કામ માટે તેઓ આદેશ મળતાંની સાથે જ લાગી ગયા હતા.
lll
શહેર જ નહીં, જિલ્લાભરમાં માઇક્રોફોન સાથે જીપનો એક મોટો કાફલો રવાના કરી દઈને લોકોને શાંત રહેવા માટે અપીલ કરવામાં આવતી હતી. કલેક્ટરની ઑફિસ પાસે ઓછી જીપ હોવાથી પોલીસ વિભાગની જીપ પણ લેવામાં આવી હતી, પણ દેશના સૌથી મોટા જિલ્લામાં વધારે વાહનની જરૂર હોવાથી કલેક્ટરે પોતાની જીપ પણ આ કાફલામાં રવાના કરી દીધી અને હવે તો બાઇક લઈને શહેરમાં નીકળી લોકોને શાંત રહેવા માટે અને નહીં ગભરાવા માટે સમજાવતા હતા. જોકે કોઈને તેમના એક પણ શબ્દ પર ભરોસો નહોતો. બધાને અહીંથી નીકળવું હતું તો અડધોઅડધ લોકો તો ભુજ છોડીને રવાના પણ થઈ ગયા હતા. 
બૉર્ડર એરિયા હતો આ. અગાઉ સાઠના દશકમાં પણ ઊભું થયેલું ટેન્શન કચ્છ જોઈ ચૂક્યું હતું. એ સમયે પાકિસ્તાને કચ્છને ટાર્ગેટ નહોતું બનાવ્યું, પણ કચ્છ હાઈ અલર્ટ પર તો મુકાયું જ હતું અને એ હાઈ એલર્ટને કારણે કચ્છના જીવનમાં હાલાકી પણ ઉમેરાઈ હતી. આ વખતે તો હુમલાના ઓળા હેઠળ રહેલા કચ્છ પર બીજા જ દિવસથી પાકિસ્તાને હુમલો શરૂ કરી દીધો હતો.
હજી તો આ હવાઈ હુમલો હતો. જો પાકિસ્તાની આર્મી કચ્છમાં દાખલ થાય તો?
આ સવાલનો જવાબ સૌકોઈને ધ્રુજાવી દેતો અને એ જ કારણે કચ્છ હિજરતના રસ્તે ચાલવા માંડ્યું હતું.
કચ્છીઓની આ મનોદશા હતી તો સામા પક્ષે ઍરફોર્સ પણ સવારથી પોતાના કામ પર લાગી ગઈ હતી. રનવેની મરમ્મત શરૂ કરી દેવામાં આવી હતી. મરમ્મત શબ્દ આમ તો વાજબી કહેવાય એવું હતું જ નહીં. રનવે ઑલમોસ્ટ ખતમ કરી નાખવામાં આવ્યો હતો, પણ ઈશ્વરની મહેરબાનીએ રનવેનું કામચલાઉ રિપેરિંગ થઈ શકે એટલું મટીરિયલ પડ્યું હતું એટલે કામ શરૂ થઈ ગયું હતું.
ઍરફોર્સને બીએસએફ એટલે કે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સની હેલ્પ પણ મળી હતી, જેને લીધે ઝાઝા હાથ રળિયામણા જેવો ઘાટ સર્જાયો હતો અને કામમાં પણ ખાસ્સીએવી ઝડપ દેખાતી હતી.
lll
સવારથી ઘરેથી નીકળીને ડ્યુટી પર લાગી ગયેલા કલેક્ટર એન. ગોપાલસ્વામીની હાલત સૌથી કફોડી હતી. ડરીને ભાગતા લોકોને તેમણે રોકવાના હતા અને તેમના મનમાંથી ડર કાઢીને આ જ વિસ્તારમાં રહેવા માટે સમજાવવાના હતા.
ભુજથી મોરબી અને રાજકોટ તરફના હાઇવે પર વાહનોની કતાર લાગવા માંડી હતી. એ કતારમાં સૌથી આગળ ચાલતી બસની આડશમાં બાઇક ગોઠવાઈ કે તરત જ ગોપાલસ્વામી બાઇકની પાછળની સીટ પરથી ઊતરી દોડતા બસમાં ચડ્યા.
‘જુઓ, કોઈએ ગભરાવાના નહીં...’ સાઉથ ઇન્ડિયન ગોપાલસ્વામી ગુજરાતી સાથે ઘરોબો કેળવી રહ્યા હતા, ‘બધાને પ્રોટેક્સન મળવાના, ચિંતા નહીં કરવાના... સલામત છો તમે સઘળા...’
‘હા, એ તો આખી રાત દેકારા સાંભળ્યા ન્યાં જ ખબર પડી ગઈ કેટલા સલામત છીએ અમે...’
બોલનારાને ગોપાલસ્વામી કંઈ કહે એ પહેલાં તો બસમાં બેઠેલા બીજા એક શખ્સે સૂર પુરાવ્યો...
‘ઍરપોર્ટ તો સંભાળી શક્યા નથી, અમને શું સંભાળવાના...’
ત્રીજાએ તો રાડ પાડીને બસના ડ્રાઇવરને જ કહી દીધું...
‘એ ભાઈ, મારી મેલ બસ... નીકળીએ આંયથી આપણે.’
બસના ડ્રાઇવરને ઇશારાથી જ રોકાવાનું કહીને ગોપાલસ્વામી સૌની સામે ફર્યા...
‘દેખો, હું કલેક્ટર છું અહીંનો... અને આપણા ઍરપોર્ટ હમણાં ચાલુ થઈ જવાના. બધું કામ થઈ ગયું છે. થોડી વારમાં એના અનાઉન્સમેન્ટ થશે. ગભરાવાના વાત નથી.’ 
‘સાહેબ, અમારાં નાનાં છોકરાંવ છે...’
‘બધાની જવાબદારી સરકારની. તમે ક્યાંય નહીં જવાના અને તમારાં આ છોકરાંવના ખાવા-પીવાના...’
ઘરરર... ઘરરર...
ગોપાલસ્વામીના આગળના શબ્દો આકાશમાં ઊડતાં પ્લેનોનો અવાજ ખાઈ ગયો.
ગોપાલસ્વામીએ બસની બારીમાંથી બહાર નજર કરી.
ઓહ શિટ... પાકિસ્તાની પ્લેન...
પ્લેન પર દેખાતા અર્ધચંદ્રના સિમ્બૉલને જોઈને ગોપાલસ્વામી પારખી ગયા તો પ્લેનનો લીલો રંગ જોઈને બસમાં બેઠેલા ભુજવાસીઓ પણ આ વાત પારખી ગયા હતા અને ડ્રાઇવર પણ પ્લેનને ઓળખી ગયો હતો.
હવે સૌની આગેવાની ડ્રાઇવરે લીધી...
‘એ ભાઈ, ઊતરોને નીચે હવે.’
‘જોવો, હું તમને કલેક્ટર...’
‘કલેક્ટર તો તારી ઘરનો...’ બસમાં આગળ બેઠેલા અદા તોછડાઈ પર આવી ગયા, ‘આંય તો તું અમારા બધાયનો દુશ્મન થઈને ઊભો છો... હાલ ભેળો ને કાં, અમને રેઢા મેલ એટલે ટૂંકું થાય...’
બસમાંથી ઊતરવા સિવાય ગોપાલસ્વામી પાસે બીજો કોઈ છૂટકો નહોતો.
lll
આખા દિવસની દોડધામ પછી થાકેલા ગોપાલસ્વામી બહારના વિસ્તારમાં નજર કરવાના હેતુથી રાતના સમયે માધાપરમાં દાખલ થયા.
માધાપરના એક પણ ઘર ખુલ્લું નહીં. દરેક ઘરનાં બારણાં બહારથી બંધ.
ગોપાલસ્વામી સમજી ગયા કે આખું ગામ ખાલી થઈ ગયું છે.
દેખાતું આ દૃશ્ય ખોટું હોય એવી અપેક્ષાએ ગોપાલસ્વામીએ બાઇક ચલાવતા તેમના પર્સનલ અસિસ્ટન્ટને મુખીના ઘર પાસે બાઇક લેવા માટે કહ્યું, પણ વ્યર્થ. મુખીનું ઘર પણ બહારથી બંધ હતું.
‘બધા નીકળી ગયા લાગે છે સાહેબ...’
‘હં...’ 
ગોપાલસ્વામીએ ખિસ્સામાંથી કૅવેન્ટર્સ સિગારેટ કાઢીને બે હોઠ વચ્ચે મૂકી. હમણાં જ સિગારેટ છોડી હતી એટલે મનમાં તલબ જાગતી ત્યારે ગોપાલસ્વામી સિગારેટ સળગાવ્યા વિના હોઠ વચ્ચે મૂકીને તલબ સંતોષ્યાનો આનંદ માણી લેતા.
lll
જ્ઞાતિની વાડીની પાસે જ આવેલા મુખીના ઘર પાસે બાઇક આવી, જેનો અવાજ વાડીમાં બેઠેલા સૌ ગામવાસીઓએ સાંભળ્યો હતો. ગામ તરફ આવેલી વાડીની બારીઓ પાસે મુખીએ પુરુષોને બેસાડ્યા હતા.
ઇશારો કરીને મુખીએ બારીમાંથી બહાર જોવા માટે કહ્યું એટલે બે-ચાર પુરુષોએ પોતપોતાની બારીની તિરાડમાંથી બહાર ડોકિયું કરીને ધીમા અવાજે મુખીને અહેવાલ આપ્યો...
‘આપણા જ લાગે છે...’ તળપદા શબ્દોમાં ચોખવટ પણ કરી, ‘ભારતીય જ છે...’
‘દેખવા દે...’
જમીન પર બેઠેલા પુરુષોએ રસ્તો કરી આપ્યો એટલે મુખીએ આગળ આવીને બારીમાંથી આંખ માંડી. મોઢામાં સિગારેટ રાખીને એમ જ ઊભેલા કલેક્ટરને તે પારખી ગયા. હજી હમણાં તો ગોપાલસ્વામી સાથે તેમની મીટિંગ થઈ હતી. દસ સરપંચ સાથે થયેલી એ મીટિંગ ગોપાલસ્વામીને પણ યાદ હતી.
lll
‘માધાપરના કોઈ પ્રશ્નો નહીં હોવાના...’
‘ના રે સાયબ... એકેય જાતના અગવડતા નથી.’ મુખીએ ખુમારી સાથે કહ્યું હતું, ‘બીજી વાત. અગવડતા હોય તોય પારકાને શું ખબર પાડવાની. ઘરમેળે પતાવે એનું નામ કુટુંબીજન...’
બહુ નાની વાત અને એટલો જ ઉમદા ભાવ.
ગોપાલસ્વામીને એ દિવસથી જ માધાપર પ્રત્યે આદર જન્મી ગયો જે છ મહિના દરમ્યાન લગાવમાં પરિવર્તિત થઈ ગયો. 
માધાપર પાસે ફરિયાદ ન હોય અને કલેક્ટરને ફરિયાદ કરવી પડે એવી પણ કોઈ વાત માધાપર પાસેથી આવે નહીં. સરળતા સાથે જીવવું અને સહેલાઈ સાથે આગળ વધવું. સીધી નીતિ માણવી અને સાચી રીતિ સાથે જિંદગી માણવી.
lll
‘ભીખા...’ 
મુખીની નજર હજી પણ બારીની તિરાડમાંથી રસ્તા પર જ હતી. કલેક્ટરની રૉયલ એનફીલ્ડ બાઇક ચાલુ થઈ ગઈ હતી. બુલેટ તરીકે ઓળખાતી આ બાઇકની હેડલાઇટ પર કલર મારી દેવામાં આવ્યો હતો, જેથી બ્લૅકઆઉટના નિયમનો ભંગ થાય નહીં.
‘કલેક્ટર છે, બોલાવી આવ... જા.’
ભીખો બહાર નીકળ્યો ત્યાં સુધીમાં કલેક્ટર બાઇકની પાછળ ગોઠવાઈ ગયા હતા, પણ ભીખાનાં નસીબ સારાં કે હજી પણ તે આજુબાજુમાં બધું જોવામાં વ્યસ્ત હતા એટલે ચાલુ થઈ ગયેલી બાઇક રવાના થઈ નહોતી.
‘એ સાયબ...’
ભીખાએ હળવા અવાજે રાડ પાડી કે તરત ગોપાલસ્વામીએ પાછળ જોયું.
‘મુખી પણે છે... તમને સંભારે છે.’
ઓહ...
ગોપાલસ્વામીના ચહેરા પર ક્ષણવારમાં રાહત પ્રસરી ગઈ. 
બાઇક મુખીના ઘર પાસે જ મૂકીને ભીખા સાથે તે વાડીના મકાન તરફ આવ્યા કે તરત જ અંદરથી દરવાજો ખોલવામાં આવ્યો અને કલેક્ટરની આંખમાં તાજુબ પ્રસરી ગયું. આખું ગામ ત્યાં હાજર હતું. સાંકડમોકડ સૌકોઈ ગોઠવાયેલા હતા. બૈરાઓના ખોળામાં નાના છોકરાઓ સૂતા હતા તો વડીલોને વ્યવસ્થિત બેસવા મળે એટલે અનેક લોકોએ પગથિયાં પર ઘર બનાવી લીધું હતું.
‘મુખી... કૈસે હો?’
‘બસ સાયબ, ઉપરવાળાની દયા ને માતાજીના આશીર્વાદ ભેળા હોય ન્યાં લગી ક્યાં કંઈ તકલીફ પડવાની...’
ગોપાલસ્વામીએ આજુબાજુમાં જોયું. સૌની નજર તેમના પર સ્થિર હતી.
‘ટેન્શનની વાત નહીં મળે... ચિંતા નહીં કરવાની. બસ, થોડું સાચવવાના. એકાદ દિવસમાં તો બધી શાંતિ થઈ જવાની.’
‘સાચું કઉં સાયબ, મરદ છીએ ન્યાં લગી રૂંવાડુંયે ફરકવાનું નથી. સામેવાળા અંદર આવી ગ્યા તોય એ કોઈને માધાપરની સીમ વટવા નઈ દઈ...’ મુખીનો સ્વર સહેજ દબાયો, ‘ગામમાં ઔરતની સંખ્યા વધારે એટલે જરાક અંદરખાને ઉચાટ રયે...’
‘કહેવાનાને, કોઈ ચિંતા નહીં કરવાના... બધું બરાબર ચાલવા.’
નાથાલાલ સહેજ આગળ આવ્યા. માધાપર છોડીને તેમને નીકળી જવાની ઇચ્છા ક્યારની હતી. દીકરાઓ રાજકોટ રહેતા અને પોતે બૈરી સાથે માધાપરમાં. મનમાં હતું કે જો વાત વધી ગઈ તો છોકરાંવને લાશની ભાળ પણ નહીં મળે.
‘હું શું કહું છું...’ નાથાલાલને અણસાર આવી ગયો હતો કે મુખી તેમની સામે જુએ છે. એમ છતાં પણ તેમણે હિંમત કરી લીધી, ‘થોડાક દિ’ નીકળી ગ્યા હોય તો હું લૂંટાઈ જાવાનું... પછી પાછા આવી જાવાનું.’
‘એવું કરવાની જરૂર નથી... ઍરપોર્ટ સિવાય ક્યાંય કશું નથી ને મુખી...’ ગોપાલસ્વામી મુખી તરફ ફર્યા, ‘ઍરપોર્ટનો રનવે તૈયાર થઈ ગયો છે... સવાર સુધીમાં તો ચાલુ પણ થઈ જશે. ઉપર પણ કહેવાય ગયું.’
ગોપાલસ્વામી જરા પણ ખોટા નહોતા અને તેમને ભવિષ્ય જોતાં નહોતું આવડતું એ પણ હકીકત હતી.



આ પણ વાંચો: 1971 અવિસ્મરણીય ખમીરની સત્યગાથા (પ્રકરણ-૧૯)


વધુ આવતા રવિવારે


Whatsapp-channel Whatsapp-channel

18 December, 2022 07:49 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK