મોહમ્મદ રફીની આજે જન્મશતાબ્દી છે. તેમની ગેરહાજરીમાં તેમનો કંઠ આપણા કાનમાં અત્તરના પૂમડાની માફક બેઠો છે, જે આપણા અસ્તિત્વને સતત સુગંધિત કરે છે. જોકે એ છતાં તેમની ઊણપ તો સતત સાલતી રહે છે.
ખાસબાત
પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે મહોમ્મદ રફી
આધિ, વ્યાધિ અને ઉપાધિ ભરેલા જીવનમાં એક કલાકાર તેની કળા દ્વારા તમારું મનોરંજન કરે ત્યારે તે દેવદૂત બની જાય છે. સંગીત એક એવું વરદાન છે જેને માણતાં આપણે જીવતેજીવ મોક્ષની અનુભૂતિ કરી શકીએ. રફીસાહેબના કંઠની એ તાકાત હતી કે આવો સાક્ષાત્કાર તેમણે અનેક વાર શ્રોતાઓને કરાવ્યો છે. એક નખશિખ ઉમદા વ્યક્તિત્વ અને જેમનાં વાણી અને વર્તનમાં ભારોભાર ઋજુતા ભરેલી હતી.
રફીસાહેબે હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, ભોજપુરી, પંજાબી, સિંધી, કન્નડા અને બીજી ભારતીય ભાષાઓ ઉપરાંત અંગ્રેજી ભાષામાં પણ ગીતો ગાયાં છે. આજે જ્યારે આપણે સૌ ગુજરાતી ભાષાના ભવિષ્ય વિષે ચિંતિત છીએ ત્યારે ગર્વ લેવા જેવી વાત એ છે કે તેમણે પચીસથી વધુ ગુજરાતી ગીતો ગાયાં છે.
ADVERTISEMENT
ઉમાશંકર જોશીની પંક્તિઓ યાદ આવે છે...
સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી
મળી માતૃભાષા મને ગુજરાતી
આપણે રાજી થવું જોઈએ કે ગુજરાતી ભાષામાં જે તાકાત છે એનો રફીસાહેબે પણ સ્વીકાર કર્યો છે. તેમણે જે લગનથી ગુજરાતી ગીતો ગાયાં છે એ બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે. HMVએ ગુજરાતી ગઝલના પ્રોજેક્ટ માટે મોહમ્મદ રફી સાથે ત્રણ ગઝલો રેકૉર્ડ કરી હતી; ‘દિવસો જુદાઈના જાય છે’, ‘કહું છું જવાનીને પાછી વળી જા’ અને ‘ભૂલેચૂકે મળે તો મુલાકાત માંગશું’. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા પુરુષોત્તમ ઉપાધ્યાયે મારી સાથેની મુલાકાતોમાં ‘દિવસો જુદાઈના જાય છે’ના રેકૉર્ડિંગ સમયની વાત શૅર કરી હતી એ તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે :
HMVના વિજયકિશોર દુબેએ દિલીપ ધોળકિયાને રફીસાહેબના સ્વરમાં ત્રણ ગઝલ રેકૉર્ડ કરવાનો એક પ્રોજેક્ટ સોંપ્યો હતો. દિલીપભાઈએ તેમને કહ્યું કે આ વસ્તુને પૂરો ન્યાય આપી શકે એવા એક યુવાન છે. તેમણે મારું નામ સજેસ્ટ કર્યું, જે દુબેએ માન્ય રાખ્યું.
પહેલાં ગઝલોની પસંદગી કરી અને હું અને દિલીપભાઈ રફીસાહેબના ઘરે ગયા. ચાપાણી પીતાં વાતો ચાલી. રફીસાહેબ કહે, ‘વો ઝમાના અલગ થા. હમ સબ સ્ટુડિયો મેં બૈઠતે થે. આપ બડે ગુલામ અલી ખાન કી ઠૂમરી સુનાતે થે.’ ત્યાર બાદ આખી ગઝલ ઉર્દૂમાં લખી. પછી ગઝલના મત્લા, મિસરા, મક્તા વિશે પ્રશ્નો કર્યા. શાયર (ગની દહીંવાલા) શું કહેવા માગે છે એની જાણકારી માગી. ‘પહલે મત્લે મેં શાયર ક્યા કહતા હૈ, બાદ મેં ક્યા?’ આમ વિગતવાર દરેક ચીજની જાણકારી લીધી અને ઝીણી-ઝીણી બારીકીની નોંધ લીધી.
‘ન ધરા સુધી ન ગગન સુધી’ પંક્તિ સાંભળી મને પૂછ્યું, ‘ધરા એટલે શું? આમાં ગગન કેમ આવ્યું?’ મેં કહ્યું, ‘આ વિરહની ગઝલ છે. ધરા એટલે ધરતી અને ગગન એટલે આસમાનની વાત છે. બે મનુષ્ય વચ્ચેના અંતરની વાત છે. પ્રેમમાં આટલી દૂરી ન ચાલે.’
આમ દરેક શેરમાં જે ગહનતા હતી એ હું સમજાવતો રહ્યો. મારે ગુજરાતી ઉચ્ચારણો કેવાં જોઈએ એની પણ ચર્ચા કરી. મેં કહ્યું, ‘હૈદરાબાદી ઉર્દૂ અને લખનઉનું ઉર્દૂ, આ બન્નેનું ઉચ્ચારણ અલગ છે. એમ ગુજરાતી ગઝલોમાં વપરાતા ઉર્દૂ શબ્દોનો અને પૂરી ગઝલનો લહેકો અલગ છે, એનો અંદાજ અલગ છે.’
મને કહે, ‘આપ બોલતે રહિએ, બોલતે રહિએ. મેરે ઝહન મેં યે ખયાલ ભી નહીં થા કે ઇસ ગઝલ કે માયને ઇતને ગહરે હૈં. આજ તક મૈંને અલગ-અલગ ઝુબાન મેં ગાને ગાએ હૈં મગર ઇતની ગહરાઈ સે કિસીને ભી મુઝે સમઝાયા નહીં.’
એક આજ્ઞાંકિત બાળકની જેમ તેઓ મારી વાત સાંભળતા રહ્યા. ધ્યાનથી સાંભળે અને નમ્રતાથી પ્રશ્ન પૂછે, જ્યારે મેં મક્તા ‘જો હૃદયની આગ વધી ગની’ ગાઈને સંભળાવ્યો ત્યારે ભાવવિભોર થઈ મારી તારીફ કરતાં કહ્યું, ‘આપકે અંદાઝ સે ગાના થોડા મુશ્કિલ હોગા. આપકી ઉડાન ઝબરદસ્ત હૈ, પર મેરે લિએ ઇસકો થોડા સીધા કર દીજિએ. અગર ઠીક સે ગા નહીં પાઉંગા તો આપ લોગ મુઝસે ગુજરાતી ગાના ગવાના બંધ કર દેંગે.’
મેં કહ્યું, ‘અમારે તમારી પાસેથી ખૂબ ગુજરાતી ગીતો ગવડાવવાં છે. જો તમે ગાવાનું બંધ કરી દેશો તો લોકો મને ઠપકો આપશે.’ અને પછી મેં મક્તાની લયકારીમાં થોડો બદલાવ કર્યો અને તેમણે દિલથી ગાયું.
ત્યાર બાદ પાંચ–છ દિવસ હું તબલચી નારાયણ ગદ્રે સાથે મુંબઈથી બાંદરા રફીવિલા તેમના ઘરે જતો. તેઓ દિલથી રિયાઝ કરતા. શબ્દોના વજનમાં, ગાયકીમાં ક્યાંય પણ ફેર ન થાય એનું ખાસ ધ્યાન રાખતા. ગાતાં-ગાતાં મારો આભાર માનતા કે આવી સુંદર ગઝલ ગાવાનો મોકો મળ્યો.
lll
અમારી સંસ્થા ‘સંકેત’ના ૧૦૦મા કાર્યક્રમની ઉજવણી નિમિત્તે અમે ૨૦૧૩ની ૮ ડિસેમ્બરે રાતે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મોહમ્મદ રફીને સ્વરાંજલિ આપતા આ કાર્યક્રમ ‘તુમ મુઝે યૂં ભુલા ન પાઓગે’માં રફીસાહેબનાં પુત્રી–જમાઈ નસરીન અને મિરાજ અહમદની વિશેષ ઉપસ્થિતિ હતી. તેમની સાથે જે મુલાકાતો થઈ એમાં રફીસાહેબના જીવનના રસપ્રદ કિસ્સાઓ જાણવા મળ્યા અને તેમના વ્યક્તિત્વનાં અનેક અજાણ પાસાંઓની ઓળખ મળી. એ વાત તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે ઃ
અબ્બાને લોકો હાજી તરીકે પણ ઓળખતા (હાજી એટલે હજ કરનાર. બીજો અર્થ છે નેક, દયાવાન). કેટલાય મ્યુઝિશ્યન્સ, જેમને કામ મળતું બંધ થઈ ગયું હોય તેમને તેઓ અમારી જાણ બહાર મદદ કરતા. એક ગુજરાતી મહેતાજી મોહનલાલ અમારે ત્યાં કામ કરતા. તે આ લોકોને નિયમિત મનીઑર્ડર કરતા. અમને આ વાતની ખબર તેમના અવસાન બાદ પડી.
ઉનાળાની એક બળબળતી બપોરે ટ્રાફિક-સિગ્નલ પર તેમની ગાડી ઊભી હતી. સામેના છેડે એક ભિક્ષુક ભીખ માગે પણ થોડી-થોડી વારે એક પગ પર ઊભો રહે. તેમણે જોયું કે તેના પગમાં ચંપલ નહોતાં. સખત ગરમીને કારણે તે એક પગ પર ઊભા રહેવાની કોશિશ કરતો હતો. તરત તેમણે ડ્રાઇવરના હાથમાં પોતાનાં ચંપલ આપ્યાં અને કહ્યું કે પેલાને આપી આવ.
એક દિવસ ઘરે આવ્યા તો અમે જોયું કે શરીર પર શર્ટ નથી (મોટા ભાગે તેઓ અડધી બાંયનું સફેદ શર્ટ પહેરતા). તેમને કેવળ બનિયાનભેર જોઈ અમને નવાઈ લાગી. કારણ પૂછ્યું તો કહે કે રસ્તામાં એક ગરીબ માણસ ઠંડીથી ધ્રૂજતો હતો એટલે શર્ટ કાઢીને આપી દીધું.
તેમને સીટી મારવાનો (વ્હિસલિંગનો) ખૂબ શોખ હતો. રેકૉર્ડિંગ વખતે જો ગીતમાં થોડુંઘણું વ્હિસલિંગ હોય તો એ પોતે જ કરવાનો આગ્રહ રાખતા (આવાં ગીતો શોધવાં પડશે). કોઈ વાર તો સંગીતકારને રિક્વેસ્ટ કરતા કે ભાઈ, આ ગીતમાં થોડું વ્હિસલિંગ ઉમેરો તો મજા આવી જાય.
મોટા ભાગે તે ફિઆટ ગાડીમાં ફરતા. મુંબઈના રસ્તાઓ વિશેનું તેમનું જ્ઞાન ખૂબ ઓછું. જોકે તેમનો સ્વભાવ એવો હતો કે નિશાળેથી નીકળી જવું પાંસરે ઘેર. મોટા ભાગે સ્ટુડિયોથી ઘર સુધીની જ તેમની સફર રહેતી. તેમને પાર્ટીઓમાં જવું બહુ ગમતું નહીં. ફિલ્મી ગ્લૅમરથી તેઓ દૂર રહેવાનું જ પસંદ કરતા. તમને નવાઈ લાગશે કે તેમને પોતાનો અવાજ બહુ ગમતો નહીં. સ્વજનોને હંમેશાં ફરિયાદના સ્વરમાં કહે કે ‘મુઝે મેરી આવાઝ પસંદ નહીં. બહુત સૉફ્ટ આવાઝ હૈ.’ અમે કહીએ કે કમાલ છે, લાખો લોકો તમારી ગાયકીના દીવાના છે અને તમને તમારો અવાજ નથી ગમતો? તો કહેતા, ‘યે સબ ઉપરવાલે કી મેહરબાની હૈ. મૈં ઇસકે લાયક નહીં, યે તો ઉસકી પ્રસાદી હૈ.’
lll
મોહમ્મદ રફીનો સ્વભાવ એવો હતો કે સ્વરકાર નવો હોય કે જૂનો, તેને એ સર્વોપરી માનતા. કદી એ વાતનો ઘમંડ નહોતો કે હું એક હોનહાર સિનિયર ગાયક છું એટલે તમે મને શિખવાડવાવાળા કોણ? નૌશાદે મને કહેલો કિસ્સો યાદ આવે છે. એક નવા સંગીતકારે ગીતના રેકૉર્ડિંગ વખતે થોડી રૂક્ષતાથી ‘તમે આ રીતે નહીં, હું કહું એ રીતે ગાઓ’ કહેવાની બાલિશ હરકત કરી. નૌશાદને આ વાતની ખબર પડી એટલે તેમણે મોહમ્મદ રફીને ઠપકાભર્યા સૂરમાં કહ્યું, ‘કોઈની મજાલ છે અને એમાં પણ આવા નવા સંગીતકારની જે તમને ગાતાં શીખવાડે? તમારે આ ચૂપચાપ સહન નથી કરવાનું. તમે એક મહાન ગાયક છો.’
આ સામે મોહમ્મદ રફીનો જવાબ હતો કે સંગીતકાર હંમેશાં રાઇટ હોય છે, મારું કામ તેમના કહ્યા મુજબ ગાવાનું છે.
તેમણે અનેક નવા સંગીતકારોની કારકિર્દી ઘડવામાં પોતાનો ફાળો આપ્યો છે. એમાંના એક હતા લક્ષ્મીકાન્ત–પ્યારેલાલ. મારી સાથે વાત કરતાં પ્યારેલાલજી કહે છે, ‘જ્યારે અમે નવાસવા હતા ત્યારે અમુક પ્રોડ્યુસરો કહેતા કે અમારી પાસે તમને આપવાનું બજેટ નથી. જો તમે રફીસાહેબને ઓછા પૈસામાં ગાવા માટે રાજી કરી શકો તો અમે તમને કામ આપીએ. અમે તેમને મળ્યા અને વાત કરી. તેઓ તરત રાજી થઈ ગયા અને અમને ‘છૈલાબાબુ’ મળી, જેમાં અમારી સાથેનું તેમનું પ્રથમ ગીત ‘મેરે પ્યાર ને તુઝે ગમ દિયા, તેરે ગમ કી ઉમ્ર દરાઝ હો’ રેકૉર્ડ થયું. યોગાનુયોગ તેમનું રેકૉર્ડ થયેલું અંતિમ ગીત અમારી ફિલ્મ ‘આસપાસ’નું હતું જેના શબ્દો હતા ‘મહકી મહકી ફિઝા યે કહતી હૈ, તૂ કહીં આસપાસ હૈ દોસ્ત’. રેકૉર્ડિંગ પૂરું થયું અને જતાં-જતાં તેમણે કહ્યું... અચ્છા, તો અબ મૈં ચાલતા હૂં. અમને નવાઈ લાગી, કારણ કે આવું કહીને તે કદી સ્ટુડિયોમાંથી જતા નહીં. ખબર નહોતી પણ લાગે છે સાંકેતિક ભાષામાં તેમણે સૌને અંતિમ વિદાયનો આગોતરો સંદેશો આપી દીધો હતો.’
૧૯૮૦ની ૩૧ જુલાઈની રાતે રફીસાબ અનંતની યાત્રાએ નીકળી પડ્યા ત્યારે તેમના ચાહકોની મનોસ્થિતિ કંઈક આવી હતી...
કહીં સે મૌત કો લાઓ કે ગમ કી રાત કટે
મેરા હી સોગ મનાઓ કે ગમ કી રાત કટે
(મેરા કુસૂર ક્યા હૈ – ચિત્રગુપ્ત - મોહમ્મદ રફી – રાજેન્દ્ર કૃષ્ણ)
તેમની ગેરહાજરીમાં તેમનો કંઠ આપણા કાનમાં અત્તરના પૂમડાની માફક બેઠો છે, જે આપણા અસ્તિત્વને સતત સુગંધિત કરે છે. એ છતાં તેમની ઊણપ સતત સાલતી રહે છે. એટલે જ સંગીતપ્રેમીઓ તેમની યાદમાં આ રટણ કરતા હોય છે...
કૈસે કટેગી ઝિંદગી તેરે બગૈર, તેરે બગૈર
પાઉંગા હર શય મેં કમી, તેરે બગૈર, તેરે બગૈર
(મોહમ્મદ રફીના કંઠમાં રાજા મેહદી અલી ખાન લિખિત અને મદનમોહને સ્વરબદ્ધ કરેલું આ ગીત કોઈ ફિલ્મમાં લેવાયું નથી)