બી-૧/બી-૨ વિઝા ઉપર તમે અમેરિકામાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપી શકો છો.
વિઝાની વિમાસણ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
થોડા સમય પહેલાં લગભગ બધાં જ અખબારોમાં મોટાં-મોટાં મથાળાંઓ હેઠળ ખબર છાપવામાં આવી હતી કે બી-૧/બી-૨ વિઝા ઉપર અમેરિકા જનારાઓ ત્યાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપી શકે છે. એવું પણ જણાવવામાં આવ્યું હતું કે તેઓ એમનું સ્ટેટસ ચેન્જ કરી શકે છે. મારી પાસે દસ વર્ષના મલ્ટિએન્ટ્રી બી-૧/બી-૨ વિઝા છે. હજી ગયા મહિને જ મને એ પ્રાપ્ત થયા છે. જો હું અમેરિકા જાઉં તો ત્યાં રહેતા અમારી જ્ઞાતિના લોકોની કોઈ મોટેલમાં કામ માટે ઇન્ટરવ્યુ આપીને કામ કરી શકું? મારું સ્ટેટસ બદલીને અમેરિકામાં છ મહિનાથી વધારે રહી શકું?
બી-૧/બી-૨ વિઝા ઉપર તમે અમેરિકામાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપી શકો છો. આ સમાચારમાં કંઈ જ નવીનતા નથી. અમેરિકાનો ઇમિગ્રેશનને લગતો કાયદો બી-૧/બી-૨ વિઝા, જે બિઝનેસમેન અને પ્રવાસીઓ માટે છે, એમને અમેરિકામાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપવાની મનાઈ નથી ફરમાવતો. વર્ષોથી અમેરિકામાં મેડિસિન, ભણવા જવા ઇચ્છતા ત્યાં ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરવાની ઇચ્છા ધરાવતા પરદેશીઓ ત્યાંની હૉસ્પિટલોમાં ઇન્ટરવ્યુ આપે છે. પણ પછી તેઓ સ્વદેશ પાછા આવી જાય છે અને જ્યારે એમને એ હૉસ્પિટલો એમને ત્યાં ઇર્ન્ટનશિપ આપે છે ત્યારે તેઓ જે-૧ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશે છે. તમે તમારી કમ્યુનિટીના મોટેલ ઓનરોને બી-૧/બી-૨ વિઝા ઉપર ઇન્ટરવ્યુ આપી શકો છો. પણ એ લોકો તમને ત્યાર બાદ નોકરી આપી નથી શકતા. તમારે ઇન્ડિયા ફરી પાછા આવવું પડશે. તમારા એ અમેરિકન કમ્યુનિટીના લોકો તમારા માટે એચ-૧બી વિઝાની પિટિશન દાખલ કરી શકે છે કે પછી તેઓ લેબર સર્ટિફિકેશન કરાવીને તમારા માટે એમ્પ્લૉયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ પિટિશન દાખલ કરી શકે છે. એ મંજૂર થાય, તમને ક્વોટા અવેલેબલ થાય પછી તમે અમેરિકા જઈને ત્યાં કામ કરી શકો છો. બી-૧/બી-૨ વિઝા ઉપર અમેરિકામાં જઈને તમે સ્ટેટસ બદલીને નોકરી નથી શકતા. ફક્ત નોકરી માટે ઇન્ટરવ્યુ આપી શકો છો.મારો ઇરાદો અમેરિકામાં નોકરી કરવાનો છે. અમારા એક સગાની અમેરિકામાં મોટેલ છે. તેઓ મને નોકરી આપવા તૈયાર છે. મારા શહેરનો વિઝા કન્સલ્ટન્ટ મને કહે છે કે એ મને અમેરિકાની એવી યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવશે જેમાં ક્લાસિસ કાં તો વહેલી સવારના એક-બે કલાક ચાલતા હોય અથવા મોડી સાંજના ચાલતા હોય એટલે દિવસ દરમિયાન એના વિદ્યાર્થીઓ કામ કરી શકે. એ એજન્ટ મને આવી યુનિવર્સિટીમાં ગૅરન્ટીથી પ્રવેશ અપાવી દેશે એવું જણાવે છે. અલબત્ત, આ માટે એ મોટી ફી માગે છે. શું આવું કરવું કાયદેસર છે?
ADVERTISEMENT
આ પણ વાંચો : H-1B વિઝા: કમ્પ્યુટરાઇઝ્ડ લૉટરી સિસ્ટમમાં છેતરપિંડી
ના, તમે જે કરવા ઇચ્છો છો એ બિલકુલ ગેરકાયદેસર છે. એફ-૧ સ્ટુડન્ટ વિઝા ઉપર તમે અમેરિકામાં ભણતા કામ કરી ન શકો. ભણી રહ્યા પછી તમને એક વર્ષનો સમય ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ તરીકે કામ કરવા માટે આપવામાં આવે છે. ભણતા-ભણતા તમે યુનિવર્સિટીના કૅમ્પસ ઉપર અઠવાડિયાના વીસ કલાક કામ કરી શકો છો. તમારો એજન્ટ તમને જે યુનિવર્સિટીની વાત કરે છે એવી યુનિવર્સિટીમાં જો તમે પ્રવેશ મેળવશો તો કદાચ તમને વિઝા આપવામાં નહીં આવે અને જો વિઝા મળી પણ જાય અને અમેરિકામાં જઈને તમે આવું કામ કરશો તો જાણ થતાં ઇમિગ્રેશન ખાતું તમારા વિઝા કૅન્સલ કરશે અને તમને અમેરિકામાંથી બહાર જવાની ફરજ પાડશે. જો તમારે ભણવું ન હોય તો સ્ટુડન્ટ વિઝા મેળવવાનો કંઈ જ અર્થ નથી. સ્ટુડન્ટ વિઝાના બહાને તમે અમેરિકામાં જશો તો તમારી જાતને મુશ્કેલીમાં મૂકશો. તમારે જો ખરેખર અમેરિકામાં નોકરી જ કરવી હોય તો એ માટે તમારે એચ-૧બી વિઝા મેળવવા પડશે. એચ-૧બી વિઝા ગ્રૅજ્યુએટ્સ માટે છે અને એ વાર્ષિક ૮૫,૦૦૦ના ક્વોટાનાં બંધનોથી સીમિત છે. તમારા એચ-૧બી વિઝા માટે અમેરિકન માલિકે પિટિશન દાખલ કરવાની રહેશે. એ જો સિલેક્ટ થશે અને પછી પ્રોસેસ થઈને અપ્રૂવ્ડ થશે ત્યાર બાદ તમારે ઇન્ટરવ્યુ આપવાનો રહેશે અને પછી એચ-૧બી વિઝા મળતાં તમે અમેરિકામાં જઈને કામ કરી શકશો.