Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બ્રિજ ભૂષણ સિંહ : સિર્ફ એક બંદા કાફી હૈ!

બ્રિજ ભૂષણ સિંહ : સિર્ફ એક બંદા કાફી હૈ!

Published : 04 June, 2023 12:23 PM | IST | Mumbai
Raj Goswami

બ્રિજ ભૂષણ સિંહ સામે પહેલવાનોનો વિરોધ સરકાર માટે શરમજનક સ્થિતિએ પહોંચ્યો છે. જે દિવસે ધરણાં કરી રહેલા પહેલવાનોને દિલ્હી પોલીસ સડક પર ઢસડી રહી હતી એ જ દિવસે બ્રિજ ભૂષણ સિંહ નવી સંસદમાં ખુશખુશાલ ચહેરે સેલ્ફી પડાવતા હતા.

બ્રિજભૂષણ સિંહ

ક્રૉસ લાઈન

બ્રિજભૂષણ સિંહ


બ્રિજ ભૂષણ સિંહ સામે પહેલવાનોનો વિરોધ સરકાર માટે શરમજનક સ્થિતિએ પહોંચ્યો છે. જે દિવસે ધરણાં કરી રહેલા પહેલવાનોને દિલ્હી પોલીસ સડક પર ઢસડી રહી હતી એ જ દિવસે બ્રિજ ભૂષણ સિંહ નવી સંસદમાં ખુશખુશાલ ચહેરે સેલ્ફી પડાવતા હતા. બંને વિરોધાભાસી દૃશ્યો આખા દેશે જોયાં હતાં


તમે તેને કેશિયસ ક્લે જુનિયરના નામથી બોલાવો કે મોહમ્મદ અલીના નામથી, તેના મુક્કાની અસર એકસરખી જ હતી. બૉક્સિંગની દુનિયામાં એક-એકથી ચડિયાતા મુક્કાબાજ થયા છે, પરંતુ મોહમ્મદ અલી જેવો કોઈ થયો નથી. મુક્કાબાજ જેવી અસામાન્ય રમતના ખેલાડીઓનો પરિચય લોકોને આપવો પડે, પણ અલી એક એવો મુક્કાબાજ હતો જે પૂરી દુનિયામાં કોઈ પરિચયનો મોહતાજ નહોતો. બાળકોથી ઘરડા સુધી સૌએ તેનું નામ સાંભળ્યું છે. 



તે માત્ર મુક્કાબાજ જ નહોતો; એક સાંસ્કૃતિક પ્રતીક હતો, અમેરિકાના અશ્વેત સમુદાયનો અવાજ હતો. અલીની આક્રમકતા અને વિજયની ભૂખને ગોરાઓના વર્ચસ સામેના પ્રતિરોધના રૂપમાં જોવામાં આવે છે. કેશિયસ ક્લે જન્મે ઈસાઈ હતો, પણ અમેરિકન સમાજમાં ચાલતા રંગભેદના વિરોધમાં મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને તે મોહમ્મદ અલી બની ગયો હતો.
તેની સાથે અને તેના સમાજના લોકો સાથે થતા ભેદભાવથી તેને કેટલી પરેશાની થતી હતી એનો એક સૂચક કિસ્સો છે. 


૧૯૬૦માં રોમમાં યોજાયેલી ઑલેમ્પિક્સમાં કેશિયસ ક્લે (ત્યારે તે મોહમ્મદ અલી બન્યો નહોતો) મુક્કાબાજીમાં પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેની ઉંમર ૧૮ વર્ષની હતી. તેને વિમાનની મુસાફરીનો ડર લાગતો હતો અને પૅરૅશૂટ પહેરીને તે રોમની ફ્લાઇટમાં ગયો હતો. તેનાથી આઠ વર્ષ મોટા અને કદાવર ઝિન્ગી પિત્રઝક્વાસકીને પછાડીને તે મેડલ જીત્યો તો વતનમાં ઓહાયો નદી કિનારે વસેલા લુઇસવિલે શહેરમાં લગ્ન જેવો માહોલ હતો. કેશિયસ ક્લેએ માત્ર પરિવાર જ નહીં, શહેરના પૂરા અશ્વેત સમુદાયનું ગૌરવ વધાર્યું હતું.

એ પછી એક ઘટના બની જે તેને મોહમ્મદ અલી બનવા તરફ એક ઔર ધક્કો મારવાની હતી.  નાનપણથી ‘નીગર’ (નીગ્રો, જે અમેરિકામાં ગાલ ગણાય છે)નાં મહેણાં સાંભળીને મોટો થયેલો અલી એક વાર લુઇસવિલેની એક રેસ્ટોરાંમાં જમવા ગયો હતો, પણ તે અશ્વેત હતો એટલે રેસ્ટોરાંવાળાઓ તેને ખાવાનું આપવાની ના પાડી દીધી. અલી અકળાઈને ત્યાંથી નીકળી ગયો, નજીકમાં ઓહાયો નદીના જેફરસન કાઉન્ટી બ્રિજ પર ગયો અને ગળામાંથી ઑલિમ્પિકનો ગોલ્ડ મેડલ ઉતારીને એને નદીમાં ફેંકી દીધો.


૧૯૭૫માં પ્રગટ થયેલી તેની આત્મકથા ‘ધ ગ્રેટેસ્ટ’માં અલી લખે છે કે એ દિવસે બે વાર અપમાન થયું હતું. અલી અને તેના ભાઈબંધની મોટરબાઇક ચોરતી ગૅન્ગના એક માણસ સાથે મારામારી થઈ હતી. તે બંનેની બાઇક ચોરવા આવ્યો હતો. એ પહેલાં રેસ્ટોરાંવાળાએ તેને અશ્વેત હોવાથી કાઢી મૂક્યો હતો. મેડલને ફેંકી દીધો એ ક્ષણને યાદ કરીને અલી લખી છે, ‘મને ત્યારે પીડા કે પસ્તાવો થયાં નહોતાં, માત્ર રાહત અને નવી તાકાત મળી હતી.’

મંગળવારે સાંજે દિલ્હીમાં જંતરમંતર પર છેલ્લા એક મહિનાથી ધરણાં કરી રહેલા દેશના પહેલવાનો (વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા) તેમના ઑલેમ્પિક તેમ જ વિશ્વ મેડલ ગંગા નદીમાં વિસર્જિત કરવા માટે હરિદ્વાર પહોંચ્યા ત્યારે સોશ્યલ મીડિયા પર ઘણા લોકોએ મોહમ્મદ અલીની ઘટનાને તાજી કરી હતી (અમુક લોકોએ જોકે અલીની કહાનીને કાલ્પનિક પણ ગણાવી હતી, કારણ કે અલીનો મેડલ નદીમાં ડૂબી ગયો હતો કે તેનાથી ક્યાંક ખોવાઈ ગયો હતો એને લઈને સ્પષ્ટતા નથી).

પહેલવાનો ગંગા કિનારે પહોંચી પણ ગયા હતા, પરંતુ કિસાન નેતા નરેશ ટિકૈતની સમજાવટથી તેમણે પાંચ દિવસ માટે મેડલોનું વિસર્જન મુલતવી રાખ્યું હતું. ભારતીય પહેલવાન સંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજ ભૂષણ સિંહ સામે મહિલા પહેલવાનોના જાતીય શોષણના આરોપસર ત્રણ પહેલવાનો એક મહિનાથી ધરણાં કરી રહ્યા છે. રવિવારે નવી સંસદના ઉદઘાટન વખતે સંસદ સામે જ મહિલા પંચાયતનું આયોજન કરવા બદલ દિલ્હી પોલીસે પહેલવાનો સામે કાર્યવાહી કરી હતી, તેમની અટકાયત કરવામાં આવી હતી, ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ધરણાંનું સ્થળ ખાલી કરાવવામાં આવ્યું હતું. પરિણામે પહેલવાનોએ મેડલને ગંગામાં વહાવી દેવાનું નક્કી કર્યું હતું. 

તેમણે કહ્યું હતું કે ‘અમને આ મેડલોની જરૂર નથી, કારણ કે એને લટકાવીએ છીએ ત્યારે વહીવટી તંત્ર મોહરા તરીકે અમારો ઉપયોગ કરે છે અને પછી અમારું શોષણ કરે છે. અમે જો શોષણ સામે બોલીએ તો જેલમાં પૂરવાની ધમકી આપે છે. અમે એને મા ગંગામાં વહાવી દઈશું. અમે ગંગાને પવિત્ર માનીએ છીએ. અમે મેડલો જીતવા માટે એટલી જ પવિત્રતાથી મહેનત કરી છે.’
બ્રિજ ભૂષણ સિંહ સામે પહેલવાનોનો વિરોધ સરકાર માટે શરમજનક સ્થિતિએ પહોંચ્યો છે. જે દિવસે ધરણાં કરી રહેલાં પહેલવાનોને દિલ્હી પોલીસ સડક પર ઘસડી રહી હતી એ જ દિવસે બ્રિજ ભૂષણ સિંહ નવી સંસદમાં ખુશખુશાલ ચહેરે સેલ્ફી પડાવતા હતા. બંને વિરોધાભાસી દૃશ્યો આખા દેશે જોયાં હતાં. 

રવિવાર અને મંગળવારની ઘટના પછી ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટીએ એક નિવેદનમાં કહ્યું છે કે પહેલવાનો સાથેનો વ્યવહાર અસ્વસ્થ કરનારો છે. કમિટીએ આરોપો સામે ઝડપી પોલીસ કાર્યવાહીની માગણી કરી છે. 

પોલીસ બ્રિજ ભૂષણ સિંહ સામે કેમ કારવાઈ નથી કરી રહી એ આશ્ચર્ય છે. તેની સામે સગીર વયની એક પહેલવાનના જાતીય શોષણનો આરોપ છે. દિલ્હી પોલીસે એના પરથી ૨૯ એપ્રિલે પોક્સો ધારામાં ફરિયાદ દાખલ કરી છે. દિલ્હી પોલીસ પહેલવાનોના આરોપો પર ધ્યાન નથી આપતી એવી ફરિયાદ સાથે તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા પછી પોલીસે બ્રિજ ભૂષણ સિંહ સામે ફરિયાદ દાખલ કરી હતી. 

પોક્સો ધારા બાળકોના યૌન શોષણને રોકવા માટેનો કાનૂન છે અને એમાં તત્કાળ ધરપકડની જોગવાઈ છે. ધરપકડ પછી પોલીસ આરોપીને જામીન નથી આપી શકતી. આ ધારામાં દેશમાં અનેક ધરપકડો થઈ ચૂકી છે. બ્રિજ ભૂષણ સિંહ સામે તો આમ પણ ૩૦ કેસ દાખલ થયેલા છે. તે ૬ વખતથી સંસદસભ્ય છે. ઉત્તર પ્રદેશમાં સામાજિક અને રાજકીયરૂપે તેની મોટી વગ છે. 

રાજ્યસભાના સાંસદ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબલે સવાલ ઉઠાવ્યો છે કે પોક્સોમાં તત્કાળ ધરપકડની જોગવાઈનો અમલ ભાજપના સંસદસભ્ય અને અન્ય અપરાધીઓ માટે અલગ છે? દિલ્હી પોલીસે કહ્યું છે કે આ સંવેદનશીલ કેસમાં તપાસ ચાલુ છે અને એનો અંતિમ રિપોર્ટ સંબંધિત અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે.

પહેલવાનોના આરોપનું એક કાનૂની પાસું છે તો બીજું રાજકીય પાસું પણ છે. સાધારણ કેસ હોત તો પહેલવાનોએ સડકો પર આવવું જ પડ્યું ન હોત, પરંતુ બ્રિજ ભૂષણ સિંહનું રાજકીય-સામાજિક કદ મોટું છે. એટલે જ પહેલવાનોના ન્યાય માટે શરૂ થયેલું આંદોલન હવે રાજકીય સૂચિતાર્થો સુધી પહોંચ્યું છે. 

બ્રિજ ભૂષણ સિંહ જાટ સમુદાયમાંથી આવે છે. ઉત્તર ભારતમાં જાટ સમુદાયનું વર્ચસ ખૂબ છે. લગભગ ૩૦ જેટલી લોકસભા બેઠકો પર જાટ મતો નિર્ણાયક છે. એટલા માટે રાજકીય પક્ષો સાવધાનીપૂર્વક આ મુદ્દાને સ્પર્શી રહ્યા છે. પહેલવાનોના સમર્થનમાં પહેલી વાર પ્રિયંકા ગાંધી મહિના પહેલાં બહાર આવી હતી. એ પછી તરત જ બ્રિજ ભૂષણ સિંહે આરોપ કર્યો હતો કે હરિયાણાના કૉન્ગ્રેસ સાંસદ દીપેન્દ્ર હૂડાએ તેમની સામે રાજકીય કાવતરું ઘડ્યું છે. હૂડાએ વળતામાં બ્રિજ ભૂષણ સિંહ સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરવા ધમકી આપી હતી.

ભાજપ માટે પણ બ્રિજ ભૂષણ સિંહ એટલા માટે જ ‘મૂલ્યવાન’ છે. એનો તાજો પુરાવો એ છે કે ખુદ બ્રિજ ભૂષણ સિંહે પોક્સો ધારામાં સુધારાની માગણી કરી છે અને પોતાના સમર્થનમાં અયોધ્યાના સંતોને ઉતાર્યા છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસના ઉત્તરાધિકારી મહંત કમલ નયનદાસે કહ્યું છે કે બ્રિજ ભૂષણ સિંહને પોક્સો ધારામાં પરેશાન કરવામાં આવી રહ્યા છે. સંતોએ પાંચમી જૂને અયોધ્યામાં રામકથા પાર્કમાં પોક્સો સામે જાગૃતિ રૅલીનું પણ આયોજન કર્યું છે. બ્રિજ ભૂષણ સિંહે પણ આક્રમક તેવર અખાત્યાર કરતાં કહ્યું છે કે  ‘મારી સામે એક પણ આરોપ સિદ્ધ થશે તો હું ખુદ ફાંસી લગાવી દઈશ.’

દરમિયાન, તમે ઍક્ટર મનોજ બાજપાઈની નવી ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ જોઈ છે? એમાં જાતીય શોષણના આરોપ હેઠળ પોક્સો ધારાનો સામનો કરી રહેલા એક બાબાના વકીલો ફરિયાદી સગીર યુવતીને પુખ્ત વયની સાબિત કરવા માટે અદાલતમાં જન્મતારીખને લઈને પુરાવાઓનું યુદ્ધ લડે છે. 

કંઈક એવો જ વળાંક બ્રિજ ભૂષણ સિંહના કેસમાં આવ્યો છે. તેની સામે જાતીય શોષણનો આરોપ કરનારી રોહતક - હરિયાણાની સગીર પહેલવાન યુવતીના કાકાએ મીડિયા સમક્ષ દાવો કર્યો છે કે તેમની ભત્રીજી સગીર નથી અને સરકારી નોકરીની લાલચ આપીને તેની પાસે ખોટો આરોપ કરાવવામાં આવ્યો છે.

પહેલવાનોનું આ આંદોલન લાંબું ચાલ્યું તો આ કેસમાં આવા અનેક અણધાર્યા વળાંક આવશે. વળાંકોનું એ ઊંટ કઈ તરફ બેસશે એ કોઈ અનુમાન કરી શકે એમ નથી. 

લાસ્ટ લાઇન
નૈતિકતા એટલે તમારી પાસે શું કરવાનો અધિકાર છે અને શું કરવું અધિકૃત છે એ વચ્ચેના ફરકની સમજ. 
પોટર સ્ટેવર્ટ, અમેરિકન વકીલ અને જજ

Whatsapp-channel Whatsapp-channel

04 June, 2023 12:23 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK