પુસ્તકનો વાચક પોતાની ગતિ મુજબ વિહાર કરી શકે છે, પોતાની કલ્પના મુજબનાં ચિત્રો ઊભાં કરી શકે છે
સોશ્યોલૉજી
પ્રતીકાત્મક તસવીર
વાંચનનો આનંદ ઇન્દ્રિયાતીત આનંદ છે. માણસ જ્યારે પુસ્તક વાંચે છે ત્યારે એની સાથે એકરૂપ થઈને તેનું મન કોઈક અનોખો આનંદ ઉત્પન્ન કરે છે. વાંચનના આનંદ માટે માણસે પોતાની જાતને કેળવવી પડે છે. સુંદરમ્, હરીન્દ્ર દવે, રાજેન્દ્ર શાહ, કલાપી, હેમંત શાહ, હિતેન આનંદપરા, ઝવેરચંદ મેઘાણીનાં કાવ્યોનો આનંદ બધા વાચકો એકસરખો માણી શકતા નથી. વ્યક્તિ પોતાના મનને વધુ કેળવીને મહાન કવિઓ અને ગદ્યસ્વામીઓનાં પુસ્તકોનો આનંદ વધુ ને વધુ માણી શકે છે. પુસ્તક માણસનો શિક્ષક પણ બની શકે છે. એ મનુષ્યને બીજા સાથે સમાધાનથી જીવતાં અને પોતાની જાત સાથે શાંતિપૂર્વક રહેતાં શીખવે છે. પુસ્તક મનુષ્યને એકલા રહેતાં અને એકલા જીવતાં શીખવે છે, આત્મનિર્ભર થતાં શીખવે છે. એટલે જ કહેવાય છે કે પુસ્તકો આપણા સાચા મિત્રો છે. ટીવી અને મોબાઇલની શોધ પછી એમ લાગતું હતું કે પુસ્તક બિનઉપયોગી બની જશે, પણ પુસ્તકોને ખરેખર ઝાઝી અસર થઈ નથી. પુસ્તકોનો કોઈ વિકલ્પ નથી, કારણ કે પુસ્તક એના વાચકને જે પ્રકારનો આનંદ આપી શકે છે એ પ્રકારનો આનંદ આપવાની ક્ષમતા ટીવી, કમ્પ્યુટર કે મોબાઇલમાં પણ નથી.
પુસ્તકનો વાચક પોતાની ગતિ મુજબ વિહાર કરી શકે છે, પોતાની કલ્પના મુજબનાં ચિત્રો ઊભાં કરી શકે છે. પુસ્તકનો વાચક કોઈક એક પ્રસંગ વાંચીને પોતાના જીવનમાં બનેલા એવા જ કે ક્યારેક તો એનાથી ઊલટા કે ભિન્ન પ્રસંગની સ્મૃતિ માણી શકે છે. વાર્તા કે નવલકથા વાંચતી વખતે દરેક વાચક પોતાની કલ્પના પ્રમાણેનાં પાત્રો ઊભાં કરી શકે છે, કાવ્ય માણતી વખતે પોતાના મનમાં પડેલી વિશિષ્ટ પ્રકારની મધુરતા કે કરુણતાને સ્પર્શ કરી શકે છે. પુસ્તક વિવિધ સ્તરના વાચકોને વિવિધ રીતે આનંદથી તરબોળ કરી શકે છે. સારું પુસ્તક જીવનમાંથી અંધકારને દૂર કરે છે.
ADVERTISEMENT
નજીકના ભવિષ્યમાં પુસ્તકનું સ્થાન લઈ શકે એવી ક્ષમતા કોઈ વસ્તુમાં દેખાતી નથી. પુસ્તક ખોલીને એનામાં મગ્ન બનેલો માણસ સૉક્રેટિસ, ઓશો, સચ્ચિદાનંદજી, અનુભવાનંદજી, મોરારીબાપુ, રમેશભાઈ ઓઝા, મકરન્દ દવે, કુન્દનિકા કાપડીઆ, ગુણવંત શાહ, સૌરભ શાહ, સુરેશ દલાલ, સોનલ પરીખ, વર્ષા અડાલજા જેવાં લેખકો અને ચિંતકો સાથે વાતચીત કરી શકે છે.
પુસ્તક એક એવી જાદુઈ જડીબુટ્ટી છે જેનો ઉપયોગ કરીને માણસ અનેક પ્રકારની મુસીબતોમાંથી મુક્ત થઈ શકે છે. માત્ર એનો ઉપયોગ કરવાની આવડત તમારામાં હોવી જરૂરી છે.
- હેમંત ઠક્કર (લેખક જાણીતા પ્રકાશનગૃહ એન.એમ. ઠક્કરની કંપનીના સૂત્રધાર છે.)