Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ‘રાષ્ટ્રથી આગળ અને એનાથી ઉપર કશું હોઈ જ ન શકે’

‘રાષ્ટ્રથી આગળ અને એનાથી ઉપર કશું હોઈ જ ન શકે’

Published : 23 August, 2023 05:13 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

જીવનભર જે વાતને પોતાનો જીવનમંત્ર બનાવી રાખ્યો એ જ વાત એપીજે અબ્દુલ કલામે પોતાની આત્મકથા ‘વિન્ગ્સ ઑફ ફાયર’માં કહી છે. ‘વિન્ગ્સ ઑફ ફાયર’ માત્ર એક જીવનની કથા નહીં, પણ મોટિવેશન મેળવવાનો પણ બેસ્ટ સોર્સ છે

વિન્ગ્સ ઑફ ફાયર

વિન્ગ્સ ઑફ ફાયર


‘વિન્ગ્સ ઑફ ફાયર’ની વાત કરતાં પહેલાં બીજી એક વાત કરીએ.


આત્મકથા લખવા માટે અબ્દુલ કલામ રાજી નહોતા. મિસાઇલ મૅન તરીકે ઇન્ડિયામાં જ નહીં, વિશ્વભરમાં પૉપ્યુલર થયેલા અને પોતાની સાદગીના કારણે જગતભરમાં જબરદસ્ત લોકચાહના મેળવનારા અબ્દુલ કલામે આત્મકથા લખવી જોઈએ એવું તેમને સૌથી પહેલાં સમજાવનારા બીજું કોઈ નહીં, અટલ બિહારી વાજપેયી હતા અને આ વાતનો ઉલ્લેખ ખુદ અબ્દુલ કલામ પોતે જાહેરમાં કરી ચૂક્યા છે. અબ્દુલ કલામે કહ્યું હતું, ‘જો વાજપેયી મારી પાછળ ન પડ્યા હોત તો મેં આ કામ કર્યું ન હોત. વાજપેયીજીની એટલી ઇચ્છા હતી કે તે પોતાની ઓળખાણવાળા પત્રકાર અને લેખકોને મને મળવા માટે મોકલ્યા કરતા અને હું એને ટાળ્યા કરતો. જ્યાં પણ મળે, જ્યારે પણ મળે ત્યારે પણ તે એક જ વાતથી ચર્ચાની શરૂઆત કરે. શું આત્મકથા લખવાનું શરૂ કર્યું? તેમના આ સવાલને હું ટાળી દઉં એ વાત તે નોટિસ પણ કરે અને જરા પણ માઠું ન લગાડે. જો તેમણે આગ્રહ ન કર્યો હોત તો આ દિશામાં મેં ક્યારેય કામ ન કર્યું હોત.’



આ મહાનતાની નિશાની છે. તમે એક કિતાબી જીવન જીવી ચૂક્યા હો અને એ પછી પણ તમારાં વાણી-વર્તન કે વ્યવહારમાં એનો જરા સરખો પણ ભાર ન હોય એ પણ દૈવત્વ જ કહેવાય. ‘વિન્ગ્સ ઑફ ફાયર’ તમે વાંચો ત્યારે તમને રીતસર દેખાતું રહે કે એક વ્યક્તિને તૂટી પડવા માટે, વિખેરાઈ જવા માટે કે પછી બધું છોડીને સામાન્ય જીવન જીવવા માટે અઢળક તકો મળતી હતી પણ અંદર રહેલી આગ એ તકલીફો સામે ક્યાંય ઘૂંટણભેર થવા નથી દેતી હોતી. એ આગ જ તમને તાડની જેમ ઊભા કરવાનું અને એ આગ જ તમને પાંખ આપીને બાજ સમાન ઉડાન લગાવવાનું ઇજન પૂરું પાડે છે. એપીજે અબ્દુલ કલામની લાઇફ પણ એવી જ રહી છે અને આ જ કારણે ‘વિન્ગ્સ ઑફ ફાયર’ માત્ર આત્મકથા નહીં પણ મોટિવેશનનો પણ બેસ્ટ સોર્સ છે.


એક તબક્કે ‘વિન્ગ્સ ઑફ ફાયર’ને કૉલેજના પાઠ્યક્રમમાં લેવા વિશે ઑલમોસ્ટ નિર્ણય લેવાયો હતો પણ ખબર નહીં કેમ, એ નિર્ણયને અટકાવવામાં આવ્યો. જોકે આજે પણ એ પ્રસ્તાવ ઑફિશ્યલ દેશની એજ્યુકેશન મિનિસ્ટ્રીની ફાઇલમાં પડેલો છે એટલે ધારી શકાય કે આવતાં વર્ષોમાં ‘વિન્ગ્સ ઑફ ફાયર’ ક્યાંક અને ક્યાંક આજની નવી પેઢીને ભણાવવામાં આવી શકે છે. જો એવું થયું તો એ ખરા અર્થમાં નવી જનરેશન પર સરકારે કરેલો ઉપકાર હશે.

બ્રેઇલ લિપિ સહિત તેર ભાષા | ‘વિન્ગ્સ ઑફ ફાયર’ મૂળ અંગ્રેજીમાં લખાઈ હતી પણ કલામસાહેબની આ બુકને લઈને બે ઇચ્છાઓ હતી. એક કે એ હિન્દીમાં પ્રકાશિત થાય અને બીજી, આ બુક બ્રેઇલ લિપિમાં પણ પ્રસિદ્ધ થાય. અબ્દુલ કલામે કહ્યું હતું, ‘મહત્તમ લોકો સુધી પહોંચવાનો ભાવ જો રાખવામાં આવે તો અને તો જ તમે કરેલું કામ કે પછી તમે જે કહેવા માગતા હો એ વાત લોકો સુધી પહોંચે. આપણે ત્યાં હિન્દીનો વાચક વર્ગ મોટો છે અને એ પછી બ્રેઇલ લિપિ દ્વારા દિવ્યાંગ સુધી પણ સૌકોઈએ પહોંચવું જોઈએ, કારણ કે તેમની કલ્પનાશક્તિ સામાન્ય સ્તર કરતાં અનેકગણી વધારે હોય છે.’


‘વિન્ગ્સ ઑફ ફાયર’ અત્યાર સુધીમાં તામિલ, મરાઠી, મલયાલમની સાથોસાથ કોરિયન અને ચાઇનીઝ ભાષાઓ જેવી કુલ તેર ભાષામાં પ્રસિદ્ધ થઈ છે તો જર્મન, જૅપનીઝ અને રશિયનમાં અત્યારે એના ભાષાંતરનું કામ ચાલી રહ્યું છે. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આ કામ કરવામાં આવે છે અને આવતાં બે વર્ષમાં એ વિશ્વની ત્રીસથી વધારે ભાષામાં પણ પ્રસિદ્ધ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ પ્લાનિંગ પાછળનો એક હેતુ એ પણ છે કે એપીજે અબ્દુલ કલામ એક એવી વ્યક્તિ હતા જેમણે પોતાના ધર્મને નહીં, રાષ્ટ્રધર્મને સર્વોપરી ગણી પોતાની જાત રાષ્ટ્રને સમર્પિત કરી હતી.

સ્ટોરી શૉર્ટકટ

‘વિન્ગ્સ ઑફ ફાયર’માં લોઅર મિડલ ક્લાસ તામિલ મુસ્લિમ પરિવારમાં જન્મેલા એપીજે અબ્દુલ કલામ પોતાના બાળપણના સંઘર્ષની વાતથી લઈને અવકાશ અને વાયુ વિજ્ઞાન ક્ષેત્રે તેમણે કરેલાં કામો અને એ દરમ્યાન તેમને મળેલી નિષ્ફળતાની વાતો છે. ‘વિન્ગ્સ ઑફ ફાયર’ને કલામસાહેબે પોતાના જીવનના મહત્ત્વના તબક્કાઓ મુજબ વહેંચી છે. કુલ ચાર ભાગમાં વહેંચાયેલી આ બુકના પ્રથમ હિસ્સામાં ભણતર વિશેની વાતો છે તો ક્રીએશન નામના બીજા વિભાગમાં કલામસાહેબના જીવનના ૧૯૬૩થી ૧૯૮૦ના હિસ્સામાં આવતાં ૧૭ વર્ષો વિશે કહેવામાં આવ્યું છે. ત્રીજા હિસ્સામાં મિસાઇલ બનાવવાની દિશામાં તેમણે કેવી રીતે આગેકૂચ કરી એની વાત છે તો સાથોસાથ તેમણે પોતાની ટીમમાં કોનો સમાવેશ કર્યો એની વાત કરી છે અને અંતિમ ભાગમાં તે પોતાના જીવનના અનુભવ અને એ અનુભવો દ્વારા મળેલા નિષ્કર્ષની વાત કરે છે. અબ્દુલ કલામના જીવન સાથે જોડાયેલી દરેક વાત કોઈ ને કોઈ સંદેશો આપવાનું કામ કરે છે તો સાથોસાથ એ પણ સમજાવે છે કે દરેકેદરેક વ્યક્તિ માટે જીવનનો એકમાત્ર ગોલ રાષ્ટ્રધર્મ જ હોવો જોઈએ. અબ્દુલ કલામ કહે છે, ‘જો રાષ્ટ્ર મજબૂત હોય તો જ નાગરિક બળવાન હોઈ શકે.’
વાત સહજ અને સરળ છે, પણ ક્યાં એ કોઈને સમજાય છે?

Whatsapp-channel Whatsapp-channel

23 August, 2023 05:13 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK