Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > દાદરના કબૂતરખાનાને શિફ્ટ કરવાની જરૂર છે?

દાદરના કબૂતરખાનાને શિફ્ટ કરવાની જરૂર છે?

Published : 29 March, 2025 12:00 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

દાદર જેવા ગીચ વિસ્તારમાંથી ૯૨ વર્ષ જૂના કબૂતરખાનાને હટાવવાની માગણી ઊઠી છે અને BMCએ આ બાબતે વિચારણા પણ શરૂ કરી છે

દાદરના આઇકૉનિક કબૂતરખાના  (તસવીર : સૈયદ સમીર અબેદી)

દાદરના આઇકૉનિક કબૂતરખાના (તસવીર : સૈયદ સમીર અબેદી)


કબૂતરો મનુષ્યોના સ્વાસ્થ્ય માટે જોખમી છે એવા તર્ક સાથે દાદર જેવા ગીચ વિસ્તારમાંથી ૯૨ વર્ષ જૂના કબૂતરખાનાને હટાવવાની માગણી ઊઠી છે અને BMCએ આ બાબતે વિચારણા પણ શરૂ કરી છે. આ ઘટનાક્રમને પગલે ‘મિડ-ડે’એ સ્પૉટ પર જઈને સ્થાનિક દુકાનદારો, રહેવાસીઓ સાથે વાત કરી; કબૂતરખાનાની નજીકમાં જ ક્લિનિક ધરાવતા એક ડૉક્ટરનો અભિપ્રાય જાણ્યો અને કબૂતરખાનાની જાળવણી કરતા દાદર કબૂતરખાના ટ્રસ્ટના ટ્રસ્ટી સાથે પણ વાત કરી


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ દાદરના આઇકૉનિક કબૂતરખાનાને શિફ્ટ કરવાની વિચારણા શરૂ કરી છે. કબૂતરોની ચરક અને એમનાં પીંછાંને લીધે લોકોને શ્વાસનતંત્રના જીવલેણ રોગ થઈ શકે છે એવી ભીતિને કારણે કબૂતરખાનાને દાદર જેવા ભીડભાડવાળા વિસ્તારમાંથી અન્ય કોઈ સ્થળે શિફ્ટ કરવાની માગણી રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના એક નેતા દ્વારા કરવામાં આવી છે, જેને પગલે BMCના જી-નૉર્થ વૉર્ડના ઑફિસરો આ દિશામાં સક્રિય થયા છે.



MNSના પર્યાવરણ વિભાગના અધ્યક્ષ જય શૃંગારપુરેએ BMC સમક્ષ એવી માગણી કરી છે કે ‘ખુલ્લી જગ્યાઓમાં કબૂતર માટે નખાતા ચણનું પ્રમાણ વધી રહ્યું છે, પરિણામે કબૂતરની વસ્તી વધી રહી છે. આ કબૂતરનાં પીંછાં અને ચરકને લીધે લોકો બીમાર પડી રહ્યા છે. બિલ્ડિંગમાં પણ એ બાલ્કનીમાં પોતાનું ઘર બનાવીને ગંદકી ફેલાવી રહ્યાં હોવાની ફરિયાદો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે. તેથી ગેરકાયદે રીતે ચાલતાં કબૂતરખાનાંઓ બંધ કરવામાં આવે એવી માગણી અમે કરી રહ્યા છીએ. દાદરના કબૂતરખાનાને પણ બંધ કરવામાં આવે અથવા તો એને બીજી જગ્યાએ શિફ્ટ કરી શકાતું હોય તો સારું. જો આ કબૂતરખાનું વર્ષો જૂનું હોવાથી એની ગણના હેરિટેજમાં કરવામાં આવે તો એ જગ્યાએ ક્લીન-અપ માર્શલ તહેનાત કરીને ચણ નાખવાનું બંધ કરાવવું જોઈએ.’


કબૂતરને સારવાર આપી રહેલા ડૉક્ટર


દાદર શૉપિંગનું મોટું મથક છે એટલે આખા મુંબઈના લોકોની અહીં અવરજવર રહેતી હોય છે. સાથે એ સેન્ટ્રલ અને વેસ્ટર્ન સબર્બન લાઇનને જોડતું હોવાથી ચોવીસ કલાક અહીં ભીડ રહેતી હોય છે. એવામાં સ્ટેશન નજીક આવેલા કબૂતરખાનાને લીધે આસપાસના વિસ્તારના રહેવાસીઓ, દુકાનદારો અને રાહદારીઓને શ્વસનસંબંધિત સમસ્યાઓ થવાનું જોખમ રહેલું છે તેથી કબૂતરખાનાને શિફ્ટ કરવાની જરૂર વર્તાઈ રહી હોવાનું જય શ્રૃંગારપુરેએ જણાવ્યું હતું. MNSના નેતાની આ રજૂઆતને પગલે BMC સક્રિય થઈ એને પગલે દાદર કબૂતરખાના ટ્રસ્ટ અને જૈનોએ કબૂતરખાનાને શિફ્ટ કરવા સામે વિરોધ નોંધાવ્યો છે અને કબૂતરોથી સ્વાસ્થ્યનું જોખમ છે એ વાતમાં કોઈ દમ નથી એવું કહ્યું છે. દાદર કબૂતરખાના ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ આ સંદર્ભમાં BMCના વૉડ-ઑફિસરને મળીને રજૂઆત કરી છે. વૉર્ડ-ઑફિસરે ટ્રસ્ટીઓને બાંયધરી આપી છે કે BMC આ બાબતે સ્ટડી કરાવશે અને વૈજ્ઞાનિક રીતે શું તારણ નીકળે છે એના આધારે નિર્ણય લેશે. આ સ્ટડીમાં BMC ટ્રસ્ટીઓ અને જૈનોને પણ સાથે રાખશે.

‍આ સંજોગોમાં ‘મિડ-ડે’એ દાદરના કબૂતરખાના પર જઈને સ્થાનિક દુકાનદારો, રહેવાસીઓ સાથે વાત કરી. ત્યાં ક્લિનિક ધરાવતા ડૉક્ટર સાથે પણ વાત કરી અને દાદર કબૂતરખાના ટ્રસ્ટના ટ્રસ્ટીનો અભિપ્રાય પણ જાણ્યો.

હું BMCની ફેવરમાં નથી : માંગીલાલ રાજપુરોહિત

દાદરમાં કબૂતરખાના એરિયામાં જ રહેતા ૭૩ વર્ષના માંગીલાલ રાજપુરોહિત જીવદયાપ્રેમી છે. તે નિયમિતપણે કબૂતરખાનાને દાન આપતા હોય છે. BMCના વિચાર વિશે પોતાનો મત આપતાં તેઓ કહે છે, ‘દાદરમાં આવેલું આ આઇકૉનિક કબૂતરખાનું વર્ષો જૂનું છે. વર્ષોથી લોકો અહીં નિયમિત રીતે સેંકડો કિલો ચણ નાખે છે. ચોખ્ખાઈનું ધ્યાન રાખવામાં આવે છે. અત્યાર સુધી તો કોઈને કંઈ તકલીફ નથી થઈ. ૯૨ વર્ષ પહેલાં આ કબૂતરખાનું અસ્તિત્વમાં આવ્યું હતું. કબૂતર તો આ જગ્યાએ પહેલેથી જ ચણ ખાવા આવે છે. આટલા સમયમાં BMCને હવે જ કેમ લાગ્યું કે એનાથી લોકોમાં બીમારી ફેલાય છે? આ મુદ્દે ખોટું રાજકારણ થઈ રહ્યું છે અને આ મુદ્દો જ નૉનસેન્સ છે. મેં ભૂતકાળમાં સ્થાનિક લોકોની તકલીફો માટે સ્થાનિક પ્રશાસનના નિર્ણયને પડકાર્યા છે એમ જો BMC આ કબૂતરખાનાને બંધ કરવાનો અથવા ખસેડવાનો નિર્ણય લેશે તો હું એવું થવા નહીં દઉં. મૂંગા જીવને શાંતિથી જીવવા દઈએ એમાં જ આપણી ભલાઈ છે.’

૫૦ વર્ષમાં અમને ક્યારેય તકલીફ થઈ નથી : ચંપકલાલ ત્રિવેદી

કબૂતરખાના વિસ્તારમાં જ ૧૦૨ વર્ષ જૂની અને પ્રખ્યાત સૌરાષ્ટ્ર ફરસાણ દુકાન ધરાવતા ૮૩ વર્ષના ચંપકલાલ ​ત્રિવેદી કહે છે, ‘હું પાંચ દાયકાથી આ દુકાનનું સંચાલન કરું છું. કબૂતરખાનું અમારી સામે જ છે તોય આટલાં વર્ષોમાં કબૂતરોને કારણે ક્યારેય અમને તકલીફ પડી નથી. કબૂતર શાંત જીવ કહેવાય. એ ખાઈપીને મોજથી અને શાંતિથી જીવે છે. એ ક્યારેય હેરાન કરી શકે નહીં. વાત રહી એના દ્વારા ફેલાતી બીમારીની, તો અમે તો દરરોજ અહીં જ કામ કરીએ છીએ તોય અત્યાર સુધી કબૂતરોને કારણે કોઈ બીમારી થઈ નથી. તેથી BMCએ આ મામલે આગળ વિચાર કરવો કે નિર્ણય લેવો વ્યર્થ છે એવું મારું માનવું છે.’

પ્રેમથી જીવો અને જીવવા દો : વિજયરાજ પરમાર

કબૂતરખાનાની સામે આવેલા જૈન દેરાસર શ્રી આગડતડ શ્રી શાંતિનાથજી મહારાજ જૈન દેરાસર ટ્રસ્ટના અધ્યક્ષ વિજયરાજ પરમાર આ મામલે પોતાનો મત વ્યક્ત કરતાં કહે છે, ‘દેરાસરમાં આવનારી દરેક વ્યક્તિ નિયમિત રીતે કબૂતરને ચણ નાખે છે. જો ખરેખર એનાં પીંછાં અને ચરકને લીધે લોકો બીમાર પડતા હોત તો આ કબૂતરખાનું આપમેળે બંધ થઈ ગયું હોત, પણ ચિત્ર અત્યારે ઊલટું છે. જે લોકો અહીંથી પસાર થાય છે એ ચણ નાખતા જાય છે. તેથી આપણે શાંતિથી જીવવું જોઈએ અને કબૂતરોને જીવવા દેવાં જોઈએ. નવ દાયકાથી વધુ સમયથી અસ્તિત્વ ધરાવતા કબૂતરખાનાની ગણના હેરિટેજમાં થાય છે તો હેરિટેજને ખસેડવાનું હોય? એ એક સવાલ છે. હેરિટેજને સાચવવાનું હોય. અમે એને સાચવીશું.’

કોઈ મુદ્દો મળ્યો એટલે કબૂતરખાનું મળ્યું

કબૂતરખાના માટે એક દાયકાથી વધુ સમયથી ચણ વેચતા ૪૦ વર્ષના ભાઈ BMCના પ્લાનિંગને વખોડતાં કહે છે, ‘અત્યારે કબૂતરખાનાનો મુદ્દો ગરમાઈ રહ્યો છે એ ખોટું તૂત છે. કંઈ થવાનું નથી એ નક્કી છે. અહીં દરરોજ લોકો મારી પાસેથી ચણ ખરીદીને કબૂતરોને નાખે છે. હું તો કબૂતરખાનાની એકદમ નજીક બેઠો છું. જો BMCને એવું લાગે છે કે કબૂતરની ચરકથી બીમારીઓ ફેલાય છે તો સૌથી પહેલાં મને અસર થવી જોઈએ, પણ હું તો એકદમ ફિટ ઍન્ડ ફાઇન છું. કોઈ મુદ્દો નહીં મ‍ળ્યો એટલે કબૂતરખાનાના મુદ્દાને હવા અપાઈ રહી છે, બીજું કંઈ નથી. જો પાલિકા એને ખસેડવાનો નિર્ણય લઈ પણ લે તો જીવદયાપ્રેમીઓ એના વિરોધમાં આવશે.’

આંખોની સામે કબૂતરને લીધે લોકોને માંદા પડતા જોયા છે

કબૂતરખાનાની પાછળ આવેલા રોડ પર ટેલરિંગની દુકાનના માલિકે BMCના વિચારને સપોર્ટ કર્યો છે. પોતાનું નામ ન આપવાની શરતે આ મામલે પોતાનો મત વ્યક્ત કરતાં તે કહે છે, ‘લોકો કહે છે કે વર્ષો પહેલાં કબૂતરખાનું અહીં જ હતું તો અત્યારે કેમ એને હટાવવાની વાતો થઈ રહી છે. જોકે ઘણા લોકોને એનું કારણ ખબર જ નથી. કબૂતર ફક્ત ચણ ખાવા અને પાણી પીવા આવે છે, વિહાર તો એ આખા એરિયામાં કરે છે. પહેલાં ચાલી સિસ્ટમ હોવાથી અહીં કબૂતરો આરામથી ઊડી શકતાં હતાં, પણ હવે ગગનચુંબી ઇમારતો બની ગઈ હોવાથી એમને રહેવા અને વિહાર કરવામાં તકલીફ પડે છે. હવે તો એમની વસ્તી એટલી વધી ગઈ છે કે એમને લીધે ખરેખર તકલીફ થાય છે. બિલ્ડિંગમાં એનાં રહેઠાણ બની જતાં ચરકની દુર્ગંધ અને ગંદકી ફેલાય છે, તેથી લોકોને ત્રાસ થાય છે. મેં મારી આંખો સામે લોકોને કબૂતરને કારણે ફેલાતી બીમારીનો શિકાર થતા જોયા છે. તેથી ભલે આઇકૉનિક પ્લેસ હોય, પણ કબૂતરખાનું અહીંથી હટી જાય તો સારું.’

જીવદયા એક બાજુ, પણ આપણને હેરાનગતિ થાય તો?

જૈન દેરાસરની બાજુમાં આવેલા બિલ્ડિંગમાં રહેતી એક મહિલા પણ કબૂતરખાનાના વિરોધમાં છે, પરંતુ તેને પણ નામ સાથે પોતાનો મત વ્યક્ત નથી કરવો. તે કહે છે, ‘દરરોજ કબૂતરખાનામાં સેંકડો કિલો ચણ નખાય છે, પરિણામે કબૂતરોની વસ્તી બહુ જ વધી રહી હોવાથી સ્થાનિક વિસ્તારમાં એનો ત્રાસ પણ છે. કબૂતર ઊડી-ઊડીને બારીમાંથી ઘરમાં આવી જાય, બિલ્ડિંગના પૅસેજ કે બાલ્કનીમાં ઘર બનાવીને રહે પછી ઈંડાં મૂકીને એને સેવે એટલે વસ્તી વધે. કબૂતર આવે એટલે એમની ચરકથી ગંદવાડ તો થાય. દરરોજ સોસાયટી સાફ થાય તોય સાંજ પડે એટલે દુર્ગંધ આવતી જ હોય છે. એમના ત્રાસથી કંટાળીને આખા બિલ્ડિંગમાં કબૂતર ન આવે એ માટેની નેટ બેસાડી. અસ્થમાના રોગીઓને તો ડૉક્ટર કબૂતરખાનાની આસપાસ જવાની ના પાડે છે, કારણ કે એની ચરકથી રોગ ફેલાય છે. આ વાત સાચી છે અને લોકોએ એ સમજવું પડશે. જીવદયા અલગ મુદ્દો છે, પણ આપણને એ નુકસાન પહોંચાડે તો એનાથી દૂર રહેવામાં ભલાઈ છે. BMC જે પણ કરી રહી છે અથવા વિચારી રહી છે એ નાગરિકોના હિતમાં જ છે અને હું એને સપોર્ટ કરું છું.’

વિરોધ કરવા કબૂતરો મળ્યાં? : કબૂતરખાના ટ્રસ્ટના ટ્રસ્ટી સંદીપ દોશી

૫૮ વર્ષના સંદીપ દોશી કબૂતરખાના ટ્રસ્ટના વર્તમાન ટ્રસ્ટી છે. ગાર્મેન્ટના બિઝનેસમાંથી સમય પહેલાં જ રિટાયરમેન્ટ લઈને ફુલટાઇમ પ્રાણીઓની સેવા અને દાનધર્મનાં કાર્યોમાં અને પાર્ટટાઇમ શૅરમાર્કેટમાં સમય વિતાવતા દાદરના જ રહેવાસી સંદીપભાઈ હાલની સ્થિતિ વિશે પોતાનો મત વ્યક્ત કરતાં કહે છે, ‘મને ખબર નથી પડતી કે લોકોને કબૂતરથી પ્રૉબ્લેમ શું થાય છે. કબૂતરોની ચરકથી બીમારી ફેલાય છે એવું કહેનારાઓ એ જ સ્ટ્રીટમાં વેચાતી ચાઇનીઝ વાનગીઓ સામે કેમ વિરોધ નથી કરતા? એ પણ સ્વાસ્થ્ય માટે બસો ટકા હાનિકારક છે. એ વિશે તો વાત નથી થતી. મૅગીના વિરોધમાં પણ સરકારે ઘણા લેખો છાપ્યા હતા, એ સ્વાસ્થ્યવર્ધક ન હોવાના દાવાઓ કર્યા હતા તોય કેમ એ સૌથી વધુ ખવાય છે? એનાથી કોઈ બીમારી થવાનું જોખમ નથી? કબૂતરો એની રીતે શાંતિથી જીવન વિતાવે છે, એમાં લોકોને વાંધો કેમ આવે છે? દાદરનું કબૂતરખાનું તો દાદરની ઓળખ છે. એને હટાવવાની વાત કેમ થઈ શકે? અત્યારે દાદરમાં આવતા લોકો જો ખોવાઈ જાય કે મળવાનું હોય તો કબૂતરખાનું ફેમસ લૅન્ડમાર્ક છે. આખા મુંબઈને ખબર છે દાદરમાં કબૂતરખાનું ક્યાં આવેલું છે. અહીં ફિલ્મોનાં શૂટિંગ પણ થયાં છે. આટલી આઇકૉનિક જગ્યાને ખસેડવાની વાત તદ્દન ખોટી છે. કબૂતરખાનાનો વિરોધ મુંબઈમાં જ શા માટે થઈ રહ્યો છે? એ તો આખા દેશ નહીં પણ દુનિયાભરમાં આવેલાં છે. આ વાત મને હજમ થતી નથી.’

ચેસ્ટ ફિઝિશ્યન ડૉ. હરીશ ચાફલે શું કહે છે?

પરેલની ગ્લેનઈગલ્સ હૉસ્પિટલ સાથે સંલગ્ન ફેફસાં સંબંધિત રોગોના સ્પેશ્યલિસ્ટ એટલે કે ચેસ્ટ ફિઝિશ્યન ડૉ. હરીશ ચાફલે કબૂતરથી ફેલાતી બીમારી અને એનાં લક્ષણો વિશે કહે છે, ‘કબૂતરનાં ચરક અને પીંછાંને લીધે માનવજાતને તકલીફ થાય જ છે. કબૂતરને સાર્વજનિક સ્થળો પર ચણ નાખવું ન જોઈએ એ હેતુથી અમે છ વર્ષ પહેલાં એક ઝુંબેશ ચલાવી હતી. એવું નથી કે કબૂતરને લીધે લોકો હમણાં વધુ બીમાર પડી રહ્યા છે, પહેલાં પણ આવું થતું હતું પણ લોકોને ખબર પડતી નહોતી. હવે એનું પ્રમાણ અને કેસની સંખ્યા સતત વધી રહ્યાં છે અને અત્યારે પરિસ્થિતિ અલાર્મિંગ છે. તેથી BMC અત્યારે જે વિચાર કરી રહી છે એને અમલમાં લાવે તો સારું થશે. કબૂતરના સંપર્કમાં કે એની ચરકના સંપર્કમાં આવવાથી હાઇપરસેન્સિટિવિટી ન્યુમોનાઇટ નામની ફેફસાંની બીમારી થાય છે. એમાં કબૂતરની ચરકમાં શરીરને નુકસાન પહોંચાડે એવી હિસ્ટોપ્લાઝમા અને ક્લેમેડિયા નામની ફંગસ હોય છે. આ સાથે એમાં વાઇરસ અને બૅક્ટેરિયા હોય છે. ચરકમાં રહેલી ફંગસ જો શ્વાસમાં લેતી વખતે શરીરમાં પ્રવેશે તો એનાથી શરીરની અંદર સોજા થાય છે. કેટલાક લોકોની ઇમ્યુનિટી નબળી હોય તો એનું રીઍક્શન શરીરમાં આવે છે અને ફાઇબ્રોસિસ ક્રીએટ કરે છે. એટલે કે એ એક એવી બીમારી હોય જેને લીધે ફેફસાં અને પાચનતંત્રમાં ચીકણો કફ જામ્યો હોય એવું લાગે છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ લક્ષણો શરૂઆતમાં તો દેખાતાં જ નથી. શરૂઆતમાં એવું જ લાગે કે નૉર્મલ ઉધરસ થઈ છે, પણ એવું નથી. છ મહિના સુધી પણ એમાં કંઈ ફરક ન પડે અને સ્થિતિ થોડી ગંભીર થાય ત્યારે લોકો અહીં આવે છે. બીમારી કબૂતરને કારણે જ થઈ છે કે નહીં એ જાણવા માટે હિન્દુજા હૉસ્પિટલમાં સ્પેશ્યલી ટેસ્ટ થાય છે. હાઇપરસેન્સિટિવ ન્યુમનાઇટિસના પણ ટાઇપ હોય છે. એમાં ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝ (ILD) હોય છે એ ફેફસાંનાં ફંક્શન્સને નબળાં પાડવાનું કામ કરે છે. જો એ હોય તો C.T. સ્કૅનમાં ખબર પડી જાય. આ સાથે અમે તેમની હિસ્ટરી અને કબૂતરના સંપર્કમાં આવો છો કે નહીં એ પણ પૂછીએ. કબૂતર જ્યારે બારીમાં કે ઘરની આસપાસ ચરકી જાય અને એ સાફ કરતી વખતે એના સીધા સંપર્કમાં અવાય ત્યારે આ બીમારી થવાનું જોખમ રહેલું હોય છે. નાનાં બાળકોમાં તો રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થતી હોય છે તેથી તેમને આ બીમારી થવાનું જોખમ ઓછું રહેલું હોય છે, પણ જેની ઉંમર ૪૦ વર્ષથી વધુ હોય અથવા ઇમ્યુનિટી નબળી હોય તો એવા લોકોને આ બીમારી થઈ શકે છે.’

કબૂતરખાનામાં ક્લિનિક ધરાવતાં ડૉ. બીના છેડા કહે છે, કબૂતરથી અંતર જાળવી રાખવામાં ભલાઈ છે

કબૂતરની ચરકથી ખરેખર બીમારી ફેલાય છે અને આવા કેસ પણ મારા ક્લિનિકમાં આવે છે એમ જણાવતાં કબૂતરખાના એરિયામાં પ્રૅક્ટિસ કરતાં ફિઝિશ્યન ડૉ. બીના છેડા કહે છે, ‘લોકો માનતા નથી પરંતુ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને પણ કહ્યું હતું કે કબૂતરને લીધે ફેફસાંના ઇન્ફેક્શનનું જોખમ રહેલું હોય છે. પહેલાં તો આવા કેસ મારી પાસે નહોતા આવતા, પણ છેલ્લા કેટલાક સમયથી કબૂતરને લીધે થતી બીમારીના કેસ અહીં આવે છે. એમાં પ્રાથમિક લક્ષણ તો સૂકી ઉધરસ જ હોય છે. એ ઘણા લોકોને નૉર્મલ લાગે, પણ અંદરખાને એ ઇમ્યુન-સિસ્ટમની સાથે ફેફસાંને પણ નબળાં બનાવવાનું કામ કરે છે. ઉધરસની સાથે ઘણી વાર તાવ ચડઊતર થવો, શરદી અને વીકનેસ લાગવી એ પણ કબૂતરની ચરકને લીધે થયું હોઈ શકે છે. લોકોને આ લક્ષણો નૉર્મલ લાગે છે, પણ આગળ જતાં એ ગંભીર બની જાય છે. એક વાર એ ઇન્ફેક્શન શરીરમાં પ્રવેશ કરે એટલે પછી એને દૂર કરવું બહુ જ મુશ્કેલ છે. તેથી કબૂતરથી અંતર જાળવી રાખવામાં ભલાઈ છે.’

કબૂતરખાના વિશે જાણવા જેવું

કહેવાય છે કે ૧૯૩૩થી દાદરનું કબૂતરખાનું અસ્તિત્વમાં આવ્યું છે. એ પહેલાં પણ કબૂતરને અહીં ચણ નાખવામાં આવતું. બે દાયકાથી વધુ સમય સુધી દાદર કબૂતરખાના ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપનારા ૭૦ વર્ષના નરેન્દ્ર મહેતા કબૂતરખાના વિશે ઘણી માહિતી આપે છે... દાદરમાં બસ શરૂ થતાં ઘણી વાર કબૂતરો પૈડાં નીચે કચડાઈ જતાં. આ ચીજને એ સમયનાં મેયર સુલોચના મોદીએ જોઈ અને તાત્કાલિક કબૂતરો જ્યાં ચણ ખાવા આવે એ ફરતે ગ્રિલ નખાવી દીધી, જેથી તેઓ સુરક્ષિત રીતે ચણી શકે. આ વાતને પચાસ વર્ષ કરતાં વધુ સમય થયો. ૭૫ વર્ષ પહેલાં કબૂતરખાનાની દેખરેખ થાય એ હેતુથી કબૂતરખાના ટ્રસ્ટ બનાવવામાં આવ્યું. સમયાંતરે એને ડેવલપ કરવામાં આવ્યું. અત્યારે આ કબૂતરખાનામાં ૬૦,૦૦૦ જેટલાં કબૂતરોની અવરજવર રહે છે અને દરરોજ અંદાજે ૪૦,૦૦૦ રૂપિયાનું ચણ નખાય છે. મોટા ભાગના લોકો જાતે જ કબૂતરને ચણ નાખે છે, પણ કેટલાક દાતાઓ ડોનેશન આપે છે એને અમે કબૂતર માટે જ વાપરીએ છીએ.

દરરોજ સવારે અને અને સાંજે કબૂતરખાનાને પાણીથી ધોવામાં આવે છે. પાણીનો નળ પણ BMCનો હોવાથી અમે ટૅક્સ પણ ભરીએ છીએ. અમે ઈજાગ્રસ્ત કબૂતરોને સારવાર પણ આપીએ છીએ. આ માટે દરરોજ સવાર-સાંજ વેટરિનરી ડૉક્ટર સારવાર માટે આવે છે. આસપાસની સોસાયટી કે રસ્તાનાં ઈજાગ્રસ્ત કબૂતર હોય તો તેઓ કબૂતરખાનામાં મૂકવા આવે અને અમે એની સારવાર કરીએ છીએ.

આ ઉપરાંત અમે કબૂતરોની સંભાળ માટે અત્યારે ત્રણ કૅરટેકર રાખ્યા છે એમાંથી એક ત્યાં જ બેઠા હોય છે. કલાકો સુધી કબૂતરોની વચ્ચે બેસી રહેવા છતાં આજે તેને કોઈ જ રોગ નથી એ મોટી વાત કહેવાય. આપણે માની પણ લઈએ કે કબૂતરને કારણે રોગ ફેલાય છે, પણ એનું પ્રમાણ નહીંવત્ જેવું છે. એક લાખ લોકોમાંથી એક-બે માંદા પડતા હશે અને એની પાછળ પણ ઘણાં કારણો હશે, એનો મતલબ એ નથી કે કબૂતરખાનાંઓને બંધ કરવામાં આવે.

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2025 12:00 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK