નીતીશ કુમાર તેમની ચુપ્પી માટે જાણીતા છે પરંતુ તેમનું મૌન ઘણી વાર રાજકીય ઊથલપાથલની નિશાની પણ હોય છે. દિલ્હી મુલાકાત વખતે BJP અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથેની તેમની બેઠક રદ થવાથી બિહારના રાજકારણમાં હલચલ મચી ગઈ છે અને નીતીશ બાબુ એ બાબતે કશું બોલતા નથી
ક્રૉસલાઇન
બિહારના સીએમ નીતીશ કુમાર
નવા વર્ષની ઠંડીમાં બિહારનું રાજકારણ ગરમાયું છે. એક બાજુ રાજ્યમાં બિહાર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં ગેરરીતિના આરોપસર હજારો વિદ્યાર્થીઓ અંદોલન કરી રહ્યા છે અને સરકાર તેમનું અંદોલન કચડવા માટે કડક અભિગમ અખત્યાર અપનાવી રહી છે તો બીજી તરફ એવી અફવાએ જોર પકડ્યું છે કે મુખ્ય પ્રધાન નીતીશ કુમાર ફરીથી પાટલી બદલવા જઈ રહ્યા છે. અફવાને જોર એટલા માટે પણ મળ્યું છે કે RJD નેતા તેજસ્વી યાદવે સાર્વજનિક રીતે એવું કહ્યું છે કે નીતીશબાબુ માટે દરવાજા બંધ છે.
સોશ્યલ મીડિયા પર એક વિડિયો પણ વાઇરલ થયો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નીતીશ કુમારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. હકીકતમાં CM નીતીશનો એક વર્ષ જૂનો વિડિયો ખોટા દાવા સાથે શૅર કરવામાં આવ્યો છે અને એને તાજેતરનો ગણાવ્યો છે.
ADVERTISEMENT
વાસ્તવમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ નીતીશ કુમાર બે દિવસની દિલ્હી મુલાકાતે આવ્યા પછી તેઓ ઇન્ડિયા ગઠબંધનમાં પાછા ફરી રહ્યા છે એવી ચર્ચા શરૂ થઈ હતી. આ ચર્ચાને આગળ વધારવામાં જનસુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે પણ ભૂમિકા ભજવી હતી અને રાષ્ટ્રીય જનતા દળના નેતાઓ પણ આ અફવા ઉછાળી રહ્યા હતા.
સત્તાવાર રીતે તો મુખ્ય પ્રધાન બે અલગ-અલગ કામ માટે દિલ્હી ગયા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન બાદ તેમણે પોતાની પ્રગતિ યાત્રા રોકી દીધી હતી અને તેમના પરિવારોને મળવા અને રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન સાથે ભવિષ્યની કાર્યવાહી નક્કી કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા.
નીતીશ કુમાર તેમની ચુપ્પી માટે જાણીતા છે પરંતુ તેમનું મૌન ઘણી વાર રાજકીય ઊથલપાથલની નિશાની પણ હોય છે. દિલ્હી મુલાકાત વખતે BJP અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથેની તેમની બેઠક રદ થવાથી બિહારના રાજકારણમાં હલચલ મચી ગઈ છે અને નીતીશ બાબુ એ બાબતે કશું બોલતા નથી.
નીતીશ કુમાર શનિવારે દિલ્હી ગયા હતા. ત્યાં ડૉ. મનમોહન સિંહના પરિવારને મળીને સોમવારે પટના પરત ફર્યા હતા. આ દરમિયાન તેઓ જે. પી. નડ્ડાને મળવાના હતા, પરંતુ અચાનક એ રદ થઈ ગઈ હતી. ત્યારે એવું કહેવાયું હતું કે બિહારમાં વિદ્યાર્થીઓના વિરોધને કારણે નીતીશ પટના પરત ફરી રહ્યા છે પરંતુ રાજકીય વર્તુળોને એમાં બીજી જ ગંધ આવી રહી છે.
દિલ્હીમાં ચાલતી ગુસપુસ અનુસાર નીતીશ કુમારની સ્વતંત્ર રીતે કામ કરવાની રીત અને BJPની મહત્ત્વાકાંક્ષાઓ વચ્ચે ટકરાવ થઈ રહ્યો છે. BJP હિન્દીભાષી રાજ્યોમાં પોતાના મુખ્ય પ્રધાન ઇચ્છે છે. આ કારણે BJP અને JDU વચ્ચેના સંબંધો વણસ્યા છે.
બિહાર પરત ફર્યા બાદ નીતીશ કુમાર રાજભવન ખાતે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને મળ્યા હતા. આ બેઠક ઔપચારિક હતી. આ પ્રસંગે પૂર્વ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર પણ ઉપસ્થિત હતા. આ બેઠકથી રાજ્યમાં ચાલી રહેલી રાજકીય અફવામાં ઉમેરો થયો હતો.
BJP નેતા નિશિકાંત દુબેએ સોશ્યલ મીડિયા પર સ્પષ્ટતા કરીને અટકળોને સાફ કરી હતી કે નીતીશ કુમાર આગામી વિધાનસભા ચૂંટણી BJP સાથે ગઠબંધનમાં લડવાની યોજના બનાવી રહ્યા છે. દુબેએ ઉલ્લેખ કર્યો હતો કે નીતીશ માત્ર મનમોહન સિંહના પરિવારને મળવા માટે જ દિલ્હી આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના એક નિવેદન બાદ ચર્ચાએ વેગ પકડ્યો હતો, જેમાં આગામી બિહાર વિધાનસભા ચૂંટણી નીતીશ કુમારના ચહેરા નીચે લડવા વિશે પૂછવામાં આવતાં શાહે કહ્યું હતું કે આવા નિર્ણયો ગઠબંધનની બેઠકોમાં લેવામાં આવે છે અને જ્યારે અંતિમ નિર્ણય લેવામાં આવશે ત્યારે મીડિયાને જાણ કરવામાં આવશે. અમિત શાહના આ નિવેદનથી એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે BJPએ હજી સુધી નીતીશ કુમારના નામ પર અંતિમ મહોર લગાવી નથી.
અમિત શાહના નિવેદનના એક દિવસ બાદ બિહાર BJPના અધ્યક્ષ અને નીતીશ સરકારમાં મંત્રી દિલીપ જયસ્વાલે ખુલ્લેઆમ નીતીશના નેતૃત્વમાં ચૂંટણી લડવાનું સમર્થન કર્યું હતું. જોકે થોડા જ દિવસોમાં તેમણે પોતાનું વલણ બદલી નાખ્યું હતું અને પોતાને ‘જુનિયર નેતા’ તરીકે ઓળખાવતાં ઉમેર્યું કે આવા નિર્ણયો પક્ષ હાઈ કમાન્ડ દ્વારા લેવામાં આવે છે.
દરમિયાનમાં રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે સોમવારે કહ્યું કે તેમની પાર્ટીના દરવાજા નીતીશ કુમાર માટે બંધ છે. હકીકતમાં જે રીતે BJPએ મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન ન બનાવ્યા એ રીતે JDUને ડર છે કે વિધાનસભા ચૂંટણી પછી BJP ફરી નીતીશ કુમારને મુખ્ય પ્રધાન ન બનાવી શકે. જોકે સ્થાનિક BJPના નેતાઓ વારંવાર કહી રહ્યા છે કે નીતીશ કુમાર NDAના નેતા બનશે અને જીત પછી નીતીશ કુમાર પણ મુખ્ય પ્રધાન બનશે. જોકે નીતીશ કુમારના ભવિષ્યને લઈને અટકળોનો કોઈ અંત નથી.
બીરેન સિંહની માફી પૂરતી છે?
છેલ્લા દોઢ વર્ષમાં ૨૫૦થી વધુ લોકોનાં મોત અને હજારો લોકોની બેહાલી પછી મણિપુરના મુખ્ય પ્રધાન એન. બીરેન સિંહે રાજ્યની સ્થિતિ વિશે સાર્વજનિક રીતે માફી માગી છે એ પૂરતી છે? નવા વર્ષની પૂર્વસંધ્યાએ લોકોને શુભેચ્છા સંદેશામાં તેમણે કહ્યું હતું કે ‘આખું વર્ષ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું છે એના માટે હું રાજ્યની જનતાની માફી માગું છું. ઘણા લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. ઘણા લોકોએ પોતાનાં ઘર છોડી દેવાં પડ્યાં છે. મને એનો અફસોસ થાય છે. હું માફી માગું છું. પરંતુ હવે, હું આશા રાખું છું કે ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થઈ જશે.’
મણિપુરમાં ૨૦૨૩ની ૩ મેથી બહુમતી મેઈતેઈ અને કુકી સમુદાય વચ્ચે ક્વોટા અને આર્થિક લાભોને લઈને હિંસક અથડામણો શરૂ થઈ હતી, જેમાં ૨૫૦થી વધુ લોકો માર્યા ગયા છે. હિંસાને કારણે હજારો પરિવારો વિસ્થાપિત થયા છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારે ટેકરીઓ અને ખીણની સરહદો પર સેનાને તહેનાત કરવી પડી હતી. ત્યારથી ગોળીબારની સંખ્યામાં ઘટાડો થયો છે. જોકે બન્ને સમુદાયો વચ્ચે તનાવ ચાલુ છે.
એક મુખ્ય પ્રધાન તેના શાસનની જવાબદારી સ્વીકારે અને જનતાને થયેલી હાનિ માટે માફી માગે એ આવકાર્ય જ છે, પરંતુ સવાલ એ છે કે એન. બિરેન સિંહે જે રીતે દોઢ વર્ષ સુધી આ હિંસાનો સામનો કર્યો છે એ જોતાં શું મણિપુરના લોકો તેમને માફ કરી દેશે?
એક સમયે સાંસ્કૃતિક સંવાદિતા માટે જાણીતું આ છેવાડાનું રાજ્ય હવે ઊંડા વિભાજનનો સામનો કરી રહ્યું છે અને લોકો સતત ભયમાં જીવી રહ્યા છે. તનાવ ઓછો થવાના કોઈ સંકેત નથી. શાંતિની શોધ ચાલુ છે. લોકશાહી વ્યવસ્થામાં લોકોનો પ્રતિસાદ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ન તો રાજ્ય સરકારે હિંસા રોકવા માટે કોઈ નક્કર પગલાં લીધાં અને ન તો શાંતિ સ્થાપિત કરવા માટે કોઈ પ્રયાસો કર્યા. મુખ્ય પ્રધાન એન. બીરેનની સરકાર દોઢ વર્ષથી વધુ સમયથી રાજકીય મડાગાંઠમાં ફસાયેલી રહી છે.
મણિપુરના મુખ્ય પ્રધાન એન. બીરેન સિંહની સરકાર કટોકટીને સંભાળવામાં અસમર્થ હોવાને કારણે પહેલેથી જ એની વિશ્વસનીયતા ગુમાવી ચૂકી છે. આ મુદ્દે કૉન્ગ્રેસે BJP અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કૉન્ગ્રેસ પાર્ટીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં પૂછ્યું છે કે આટલા બધા નિર્દોષ લોકોનાં મોત થયાં હોવા છતાં દેશના વડા પ્રધાન ત્યાં કેમ ન જઈ શકે. કૉન્ગ્રેસના મહાસચિવ અને રાજ્યસભાના સંસદસભ્ય જયરામ રમેશે એક પોસ્ટમાં સવાલ કર્યો છે કે વડા પ્રધાન મોદી દેશ અને દુનિયામાં ફરતા રહે છે છતાં તેઓ ત્યાં જઈને સીએમ બીરેન સિંહે જે કર્યું છે તે કેમ નથી કરી શકતા.
આ વાત માફીથી અટકવાની નથી. મુખ્ય પ્રધાનને જો સાચે જ અફસોસ હોય તો તેમણે બન્ને કોમો વચ્ચે સદભાવ અને સંવાદ સ્થાપિત કરવા માટે તાબડતોબ પગલાં ભરવાં જોઈએ. બાકી દોઢ વર્ષથી જે થઈ રહ્યું છે એ જોતાં અણસાર સારા નથી.
કેજરીવાલ BJPની જ દવાથી ઇલાજ કરી રહ્યા છે
દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ એ જ દવાથી મતદારોનો ‘ઇલાજ’ કરવા જઈ રહ્યા છે જે દવા BJPએ બનાવી છે. BJP દરેક ચૂંટણીમાં હિન્દુત્વના કાર્ડ પર હિન્દુ મતદારોને આકર્ષે છે. અરવિંદ કેજરીવાલે એનાથી આગળ જઈને દિલ્હીમાં મંદિરોના પૂજારીઓ અને ગુરુદ્વારાના ગ્રંથિઓ માટે પૂજારી-ગ્રંથિ સન્માન યોજના જાહેર કરી છે જેમાં તેમને દર મહિને ૧૮ હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે.
કેજરીવાલ ડબલ ગેમ રમી રહ્યા છે. એક બાજુ તેઓ મંદિર-ગુરુદ્વારાના નામે હિન્દુ-સિખ મતોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે અને બીજી બાજુ BJPના વિરોધનું શસ્ત્ર બુઠ્ઠું બનાવી રહ્યા છે. જ્યારે BJP ખુદ હિન્દુત્વનો ઝંડો લઈને ફરે છે તો એ કયા મોઢે કેજરીવાલની યોજનાનો વિરોધ કરશે?
કેજરીવાલ તો રાહ પણ જુએ છે કે BJPમાંથી કોઈ મોઢું ખોલે. જેમ કે BJP પાર્ટી તરફથી સોશ્યલ મીડિયા પર એક પોસ્ટર બહાર પાડવામાં હતું જેમાં અરવિંદ કેજરીવાલને ભૂલ ભુલૈયા ફિલ્મના છોટા પંડિત (રાજપાલ યાદવ)ના પાત્રમાં દર્શાવવામાં આવ્યા છે. BJPએ તેમને ‘ચૂંટણી હિન્દુ’ ગણાવ્યા હતા.
કેજરીવાલે આ તક ઝડપી લીધી અને કહ્યું કે પૂજારી-ગ્રંથિ સન્માન યોજનાની જાહેરાત થઈ ત્યારથી BJPના લોકો મને ગાળો આપી રહ્યા છે. શું મને ગાળો આપવાથી દેશને ફાયદો થશે? ૨૦ રાજ્યોમાં તમારી સરકારો છે. તમે ગુજરાતમાં ૩૦ વર્ષથી સત્તામાં છો. તમે હજી સુધી ત્યાંના પાદરીઓ અને શાસ્ત્રીઓનો આદર કેમ નથી કર્યો? ચાલો હવે તો કરો! હવે મેં બધાને રસ્તો દેખાડ્યો છે. તમે મને શા માટે હેરાન કરો છો?’
તેમણે કહ્યું હતું કે જે રીતે BJPએ પોલીસ મોકલીને મહિલા સન્માન અને સંજીવની યોજનાને રોકવાનો પ્રયાસ કર્યો છે એ રીતે આને રોકવાનો પ્રયાસ ન કરતા, પાપ લાગશે. કેજરીવાલ ઇચ્છે છે તેમની યોજના પર BJP વિરોધ કરે. BJP અત્યાર સુધી કૉન્ગ્રેસને હિન્દુ વિરોધી સાબિત કરવા માટે લૂઝ બૉલ ફેંકતી રહી છે. કંઈક એવું જ કેજરીવાલ ઇચ્છી રહ્યા છે. હિન્દુ મતો પર માત્ર BJPનો જ ઇજારો નથી એ કેજરીવાલ સાબિત કરી રહ્યા છે. ગઈ ચૂંટણીમાં તેમણે સિનિયર સિટિઝન્સ માટે અયોધ્યા મંદિરનાં દર્શન માટે બસ-સર્વિસની જાહેરાત કરી હતી.
પ્રસ્તાવિત યોજના અને આપ સરકારના અન્ય લોકલુભાવનાના કાર્યક્રમો દિલ્હીની તિજોરી પર વધુ ને વધુ બોજ નાખશે એ દેખીતી રીતે જ કેજરીવાલની ચિંતાનો વિષય નથી. દેશમાં ચૂંટણીઓ જીતવા માટે રેવડીઓ વહેંચવાનું ચલણ ઘણા સમયથી શરૂ થયું છે અને બધા પક્ષ એમાં ચડી બેઠા છે. દેશની એ બદનસીબી છે કે મતદારો પાછલાં પાંચ વર્ષના શાસનના આધારે નહીં, પણ આગામી પાંચ વર્ષમાં ‘અચ્છે દિન’નાં દીવાસ્વપ્નો પર મત આપે છે.