૧૯૮૪ના ડિસેમ્બર મહિનામાં અમેરિકન કંપની યુનિયન કાર્બાઇડમાંથી લીક થયેલા ઝેરી ગૅસે હજારો લોકોનો જીવ લીધો હતો. આટલાં વર્ષોથી બંધ પડેલી એ ફૅક્ટરીના ૩૩૭ ટન ઝેરી કચરાનો નિકાલ કરવા માટે હવે સરકારે ખાસ યોજના બનાવી છે.
ભોપાલની યુનિયન કાર્બાઇડની વર્ષોથી બંધ પડેલી ફૅક્ટરી.
૧૯૮૪ના ડિસેમ્બર મહિનામાં અમેરિકન કંપની યુનિયન કાર્બાઇડમાંથી લીક થયેલા ઝેરી ગૅસે હજારો લોકોનો જીવ લીધો હતો. આટલાં વર્ષોથી બંધ પડેલી એ ફૅક્ટરીના ૩૩૭ ટન ઝેરી કચરાનો નિકાલ કરવા માટે હવે સરકારે ખાસ યોજના બનાવી છે. જોકે એ યોજના હજી તો અમલમાં મુકાવાની શરૂ થતાં જ જ્યાં આ કચરો ડિસ્પોઝ થવાનો છે એ પિથમપુરના લોકોએ સખત વિરોધ શરૂ કર્યો છે. એ ઝેરની અસર હજીયે ભોપાલ શહેરની બીજી-ત્રીજી પેઢી સુધી દેખાઈ રહી છે. અત્યારે કે લાંબા ગાળે પિથમપુરની હાલત પણ ક્યાંક ભોપાલ જેવી થશે એવી ચિંતા સેવાઈ રહી છે ત્યારે જાણીએ ઝેરી કચરાના નિકાલ માટે સરકારે શું પ્લાન બનાવ્યો છે અને એ કઈ રીતે અમલમાં મુકાઈ રહ્યો છે
તારીખ હતી બીજી ડિસેમ્બર અને સાલ હતી ૧૯૮૪ની. ભારતની ઇન્ડસ્ટ્રિયલ હિસ્ટરીના કપાળે આ દિવસ એક કાળા દિવસ તરીકે લખાઈ ચૂક્યો છે. ભારતનું હૃદય ગણાતું રાજ્ય મધ્ય પ્રદેશ અને એ જ મધ્ય પ્રદેશની મધ્યમાં વસેલું એક શહેર નામે ભોપાલ. મૂળ અમેરિકન કંપની યુનિયન કાર્બાઇડની સ્ટોરેજ ટૅન્કમાંથી થયેલા ઝેરીલા ગૅસના લીકેજને કારણે ત્યાંના હજારો રહેવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો એટલું જ નહીં, એ ઝેરી ગૅસથી ફેલાયેલી ખૂની હવામાં એટલું જોર હતું કે જે મર્યા નહીં તેમના શરીરના આંતરિક અને બહારી હિસ્સામાં એવી અસર છોડી ગઈ કે હજી આજે ૪૦ વર્ષ પૂરાં થઈ ગયાં હોવા છતાં એની અસર સંપૂર્ણપણે નાબૂદ નથી થઈ શકી. અરે, ત્યાર પછી જન્મેલાં બાળકોમાંથી પણ અસંખ્ય બાળકો ખોડખાંપણવાળાં જન્મ્યાં.
ADVERTISEMENT
આપણામાંથી કોઈ એક વ્યક્તિ પણ એવી નહીં હોય જે એ કારમી દુર્ઘટનાને ફરી યાદ કરવા માગતી હોય. જોકે હમણાં એક નવીન ડેવલપમેન્ટ એવું ચાલી રહ્યું છે કે ફરી એક વાર આપણા દિલ-ઓ-દિમાગને ઝંઝોળી મૂકતી એ કારમી ઘટના તાજી થઈ રહી છે. જાણીતા અભિનેતા ઇરફાનનો દીકરો બાબિલ ખાન, કે. કે. મેનન અને માધવનની અદાકારી હેઠળ આ જ વિષયની પૃષ્ઠભૂમિ પર આધારિત એક આલા દરજ્જાની વેબસિરીઝ પણ આવી હતી, યાદ છે? ‘ધ રેલવે મેન’.
રાતના અંધારામાં સ્પેશ્યલ કૉરિડોર બનાવીને કચરો ભોપાલથી પિથમપુર પહોંચાડવામાં આવે છે.
શ્વાસ રૂંધનારી યાદો
ભોપાલમાં પેસ્ટિસાઇડ્સ બનાવતી કંપની યુનિયન કાર્બાઇડની મિથાઇલ આઇસોસાઇનેટ નામના કેમિકલની સ્ટોરેજ ટૅન્કમાંથી ૧૯૮૪ની બીજી ડિસેમ્બરે મોડી સાંજે અચાનક ગૅસ લીક થવા માંડ્યો. એ લીકેજને કારણે એમાંથી ઊઠતો ઝેરી ગૅસ ધીરે-ધીરે વાતાવરણમાં ફેલાવો શરૂ થયો. રાતનો સમય હતો એટલે કંપનીના પ્લાન્ટમાં તો એ સમયે ખાસ મોટી સંખ્યામાં કર્મચારીઓ નહોતા, પરંતુ યુનિયન કાર્બાઇડ જેવી મોટી કંપની હોવાને કારણે કર્મચારીઓની રહેણાક વસાહત કંપનીના એ પ્લાન્ટની આસપાસના નજીકના વિસ્તારમાં જ હતી. ધીરે-ધીરે ઝેરી વાયુએ આખા વાતાવરણને પોતાની આગોશમાં લેવા માંડ્યું અને ગહેરી ઊંઘમાં સૂતેલા અનેક લોકોને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી. ખરેખર શું બન્યું છે, શાને કારણે આમ થઈ રહ્યું છે એવું કશું પણ સમજાય એ પહેલાં તો મૃત્યુએ પોતાના આંકડા ગણવા માંડ્યા હતા. આથી આગળ આ ઘટનાનું વધુ ચિત્રણ નથી કરવું, કારણ કે આપણે જાણીએ છીએ કે એ સમયે એ ગૅસ જેટલો ઘાતક સાબિત થયો હતો એટલા જ ઘાતક એના વર્ણનમાં લખાયેલા શબ્દો ઉઝરડા સાબિત થશે.
પિથમપુરની આ ભઠ્ઠીમાં ૧૦૦૦થી ૧૨૦૦ ડિગ્રી તાપમાને કચરો બાળવામાં આવશે.
મૃત્યુ જ્યારે એનું ભયાવહ રૂપ ધારણ કરે છે
જોકે એ ઘટના સંદર્ભે બે બાબતો જરૂર યાદ કરવી પડે : એક મૃત્યુ અને ઘાયલ લોકોના આંકડા અને બીજી એ ઘટનાના અંતે આવેલાં કાયદાકીય પરિણામો. સરકારી ચોપડે નોંધાયેલા આંકડા અનુસાર આ ગૅસ લીકની ઘટનાને કારણે કુલ ૫૪૭૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં, પરંતુ વાસ્તવમાં આ આંકડો એથી ક્યાંય મોટો હતો. ઘટનાનાં બે જ અઠવાડિયાંમાં બીજા ૮૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા અને ત્યાર બાદ ગૅસ લીકને કારણે થયેલી ઘાતક બીમારીઓને કારણે બીજા ૮૦૦૦ લોકો મૃત્યુને શરણ થયા હતા. ઘાયલ લોકોનો આંકડો તો આ બન્ને આંકડાથીયે વધુ છે. સરકારી ચોપડે નોંધાયું છે કે ૫,૫૮,૧૨૫ લોકોને આ ઘટનાને લીધે અસાધારણ ઈજા થઈ હતી, જ્યારે વાસ્તવિક આંકડો મેળવવા માટે તમારે એમાં લગભગ બીજા ૩૮,૪૭૬ લોકોને ઉમેરવા પડે. અચ્છા, આ તો માત્ર એ સમયે થયેલાં મૃત્યુ અને ઈજાના આંકડા છે. આ સિવાય આ ૪૦ વર્ષ દરમિયાન સ્વના શરીરનો અને જે-તે પરિવારોએ ભોગવેલી શારીરિક અને આર્થિક તારાજીનો તો હિસાબ લગાવવો જ મુશ્કેલ છે. અને પ્રાણીઓ? આ લીકેજની તરત અસરમાં આવેલાં ૩૫૦૦ પશુઓ મરી ગયાં હોવાની તો સરકારી ચોપડે નોંધાયેલી માહિતી છે. આ સિવાય ૨૦૦૦ પશુઓનું ત્વરિત સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું એ અલગ. આ ઘટનાની અસર હેઠળ આવેલી માતાઓએ શારીરિક અને માનસિક વિકલાંગ બાળકોને જન્મ આપ્યા. એક લાપરવાહીની કિંમત બે-બે, ત્રણ-ત્રણ પેઢીઓએ ચૂકવવી પડી.
પિથમપુરમાં ઊંચા તાપમાને ઝેરી કચરો બાળી નાખ્યા પછી એમાંથી નીકળતા ગૅસની અસર આસપાસમાં કેવી થઈ શકે એમ છે એ બાબતે કોઈ અંદાજ નથી. બની શકે કે એની તરત નહીં પણ લાંબા ગાળે માઠી અસરો જોવા મળી શકે.
કાયદાકીય પરિણામો, હાસ્યાસ્પદ કે કરુણતા
વિશ્વની ઇન્ડસ્ટ્રિયલ હિસ્ટરીમાં આ ઘટના અને આંકડા આજની તારીખ સુધી સૌથી મોટી અને સૌથી ભયાનક હોનારત તરીકે ગણાવાયાં છે. ચેર્નોબિલ દુર્ઘટના, સેવેસો ડિઝૅસ્ટર, થ્રી માઇલ આઇલૅન્ડ, ફ્લિક્સબોરોગ : ડિઝૅસ્ટર અને ફુકુશિમા ડાઇચી ન્યુક્લિયર જેવી ઘટનાઓને જ સમાંતર આ ઘટના આજે પણ એની અસર ભોપાલ અને એની આસપાસના વિસ્તારોમાં દેખાડી રહી છે.
જોકે આટલી મોટી હોનારત પછી આપણા દેશમાં જે કાયદાકીય પગલાં લેવાયાં અને એનાં પરિણામો જે આવ્યાં એ ખરેખર જ હાસ્યાસ્પદ છે. ક્યારેક લાગે કે શું આ દેશમાં સરકારને કે કોર્ટોને લોકોના જીવની કોઈ કિંમત જ નથી? અમેરિકાની કંપની હતી આથી ભારતની કોર્ટમાં કેસો થયા અને અમેરિકાની કોર્ટોમાં પણ. અમેરિકન કોર્ટ દ્વારા આર્થિક દંડ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે ભારતના જેટલા લોકોને નુકસાન થયું છે એ માટે તેમને આર્થિક સહાય કરવામાં આવે. ભારતની કોર્ટ પણ આ માટે રાજી થઈ ગઈ અને એક આંકડો નક્કી થયો - ૪૭૦ મિલ્યન ડૉલર! ચાલો ધાર્યા કરતાં સસ્તામાં પત્યું એમ વિચારીને યુનિયન કાર્બાઇડ કંપનીએ તરત એ રકમ ચૂકવી પણ આપી.
જોકે પ્રશ્ન એ છે કે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો તેમનું શું? તેમને ન્યાય મળશે કે નહીં? દોષીઓને સજા મળશે કે નહીં? જાણો છો દોષીઓ સાથે શું થયું? ભારત છોડીને ભાગી ગયેલા (જેને ભાગવામાં તત્કાલીન સરકારે જ મદદ કરી હતી એ હવે તો જગજાહેર વાત છે) ઍન્ડરસનને તો કોઈ સજા થઈ જ નહીં! કારણ કે કોર્ટનું જજમેન્ટ આવે એ પહેલાં જ ૨૦૧૪ની ૨૯ સપ્ટેમ્બરે તેનું મૃત્યુ થઈ ગયું. વિડંબના! અને બાકીના સાત ભારતીય કર્મચારીઓ જે એ સમયે કંપનીના ઉચ્ચતમ હોદ્દેદારો હતા, જેમણે ખરેખર જ સાવચેતી બાબતે અવગણના રાખી હતી અને ‘હોતા હૈ, ચલતા હૈ’ પ્રકારનો અપ્રોચ રાખ્યો હતો તેમના માટે કોર્ટે શું જજમેન્ટ આપ્યું હતું જાણો છો? જૂન ૨૦૧૦માં કોર્ટ દ્વારા એ તમામને સજારૂપે માત્ર બે વર્ષની જેલ અને એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. કરુણતા એ છે કે કોર્ટનો આ ચુકાદો આવ્યો એ પછીની ગણતરીની મિનિટોમાં તે બધા જ દોષીઓ જમાનત પર બહાર આવી ગયા હતા! આનાથી વધારે કરુણતા શું હોઈ શકે કે આટલી મોટી દુર્ઘટનાના જવાબદારોને આટલી સહેલાઈથી છૂટોદોર મળી જાય? અર્થાત્ કોર્ટનો ચુકાદો અને એમાં થયેલી સજા તો માત્ર હાસ્યાસ્પદ હતી જ, પણ એ હાસ્યાસ્પદ સજા પણ દોષીઓએ ભોગવી નહોતી.
કોર્ટનો ચુકાદો, નવું ડેવલપમેન્ટ
મૃત્યુને પણ પરસેવો છૂટી જાય એવી આ હોનારતને આજે તો ૪૦ વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે, પણ યુનિયન કાર્બાઇડની દયનીય ઘટનાના અંતે જે કેમિકલ વેસ્ટ (કચરો) સર્જાયો હતો એ હજી આજેય એમનો એમ પડ્યો છે. ઘટના અને એનાં પરિણામો જ એટલાં ઘાતક હતાં કે એ કચરો ત્યાંથી હટાવવા અંગે વિચાર કરતાં પણ કંપી જવાય એવું છે. જો ફરી એ ઘાતક કેમિકલ વેસ્ટને કારણે કોઈ અનીચ્છનીય ઘટના બની તો? હવે ફરી જો કોઈ એક વ્યક્તિએ પણ આ કારણથી જીવ ગુમાવવો પડ્યો તો શક્ય છે કે આપણે કદાચ ક્યારેય પોતાની જાતને માફ નહીં કરી શકીએ. જોકે આખરે તો એ રાસાયણિક કચરો છે અને એ પોતાની અસર તો દેખાડવાનો જ. આથી જ એનો નિકાલ કરવો પણ એટલું જ જરૂરી છે. આ જ કારણથી હવે આટલાં વર્ષે હાઈ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ભોપાલની યુનિયન કાર્બાઇડ કંપનીમાં આજથી ૪૦ વર્ષ પહેલાં ગૅસ લીકની ઘટના બની હતી એને કારણે જે અનેક અલગ-અલગ કેમિકલ્સ વગેરે વાતાવરણમાં અને જમીન પર પ્રસર્યાં હતાં એ તેમ જ એની સ્ટોરેજ ટૅન્ક્સ, મશીન્સ, લૅબનાં સાધનો વગેરે કેમિકલ વેસ્ટ (રાસાયણિક કચરા)નો નિકાલ કરવામાં આવે.
આ કચરો કેટલો છે? આ કચરો ૩૩૭ ટન જેટલો છે! અર્થાત્ ૩,૩૭,૦૦૦ કિલો! વર્ષોથી ભોપાલની ફૅક્ટરીમાં પડેલો આ રાસાયણિક કચરો હવે સ્થળાંતર કરીને ઇન્દોર નજીકના પિથમપુર લઈ જવાનો પ્રબંધ થઈ રહ્યો છે, જ્યાં એ કચરાનો નાશ કરવા અંગેનાં પગલાં લેવામાં આવશે. બીજી અને ત્રીજી જાન્યુઆરી દરમ્યાન આ અંગેની તડામાર તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે. જોકે આ વાત વાંચવામાં જેટલી સરળ જણાય છે વાસ્તવમાં એટલી સરળ છે નહીં.
પિથમપુર ભોપાલથી લગભગ ૨૫૦ કિલોમીટર દૂર છે. હવે કેટલીક ટ્રકોમાં આ કચરો ભરવામાં આવે અને એ પિથમપુર જઈને બાળી દેવામાં આવે એવું તો શક્ય નથી, કારણ કે આ અનેક લોકોનો જીવ લઈ ચૂકેલું કેમિકલ વેસ્ટ છે. આથી આ કચરો ૨૫૦ કિલોમીટરની પોતાની સફર કઈ રીતે કરશે એ અંગે સરકારે એક ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો છે. ૧૨ ઍરપ્રૂફ, લીકપ્રૂફ કન્ટેનર બનાવવામાં આવ્યાં છે. મધ્ય પ્રદેશ સરકાર ૨૫૦ કિલોમીટરના એક માર્ગને એક સ્પેશ્યલ કૉરિડોર તરીકે બનાવશે અને આ કચરાના સ્થળાંતર દરમ્યાન બીજી કોઈ પણ સામાન્ય વ્યક્તિને એ કૉરિડોરથી સફર કરવાની પરવાનગી નહીં હોય. ૩૦ ટન, હા જી ઍરટાઇટ પૅકિંગ દ્વારા અલગ-અલગ બૅગોમાં આ કેમિકલ વેસ્ટ ભરવામાં આવ્યું છે. એ દરેક પૅક્ડ બૅગને સજ્જડ બંધ કરી દેવામાં આવી છે. આ બધું જ કામ ગયા સોમવાર સુધીમાં પૂરું પણ કરી લેવામાં આવ્યું છે. હવે પ્લાનિંગ કંઈક એવું છે કે એક કન્ટેનર વેહિકલમાં ૩૦ ટન જેટલો એ કચરો ભરવામાં આવશે અને ત્યાર બાદ એ કન્ટેનર્સ પિથમપુર માટે રવાના થશે.
૩૩૭ ટન એટલે કે લગભગ ૩,૩૭,૦૦૦ કિલો ટૉક્સિક કચરો સીલપ્રૂફ ટૅન્કરોમાં પિથમપુરા લઈ જઈને પ્લાન્ટમાં બાળવાની પ્રક્રિયામાં લગભગ ૧૫૦થી ૩૭૭ દિવસનો સમય લાગી શકે એમ છે.
જોખમી કામ થશે કઈ રીતે?
એક તો કેમિકલ વેસ્ટ અને એમાં પણ આ તો એવો કેમિકલ વેસ્ટ જેણે વર્ષો પહેલાં હજારો લોકોનો જીવ લીધો હતો. આવા કચરાને ભેગો કરીને ભરવા માટે, સ્થળાંતર કરવા માટે ભલા કોણ રાજી થાય? પણ સરકારનું કહેવું છે કે એ માટે તેમણે ફૂલપ્રૂફ પ્લાનિંગ કર્યું અને ત્યાર બાદ જ કામ હાથમાં લેવામાં આવ્યું. લગભગ ૨૦૦ જેટલા મજૂરોને આ કચરો ભરવા માટે કામે લગાડવામાં આવ્યા. એ દરેક મજૂરને PPI કિટ પહેરાવવામાં આવી અને હાથમાં ગ્લવ્ઝ પહેરાવવામાં આવ્યા જેથી એ કેમિકલ વેસ્ટનો એક નાનોસરખો હિસ્સો પણ કોઈ મજૂરને સ્પર્શી ન શકે. ત્યાર બાદ સામાન્ય રીતે મજૂરીના કોઈ પણ કામમાં ૮ કલાકની શિફ્ટ હોય છે, પરંતુ કેમિકલ વેસ્ટ ભેગો કરનારા એ મજૂરોને માત્ર ૩૦ જ મિનિટની શિફ્ટમાં કામ કરવાનું કહેવામાં આવ્યું! દરેક કામ કરતા મજૂરને બ્લડ-પ્રેશર મૉનિટર મશીન પહેરાવવામાં આવ્યું જેથી તે દરેકની શારીરિક પરિસ્થિતિ પર સતત વૉચ રાખી શકાય. આટલી કાળજી પછી દરેક મજૂરે આ બધો કેમિકલ વેસ્ટ ભેગો કર્યો અને એનું પૅકિંગનું પણ કામ કર્યું. હવે એને કન્ટેનરમાં લોડ કરવાનું કામ ચાલી રહ્યું છે.
ઝેરી કચરાનો નિકાલ પિથમપુરમાં કરવાના વિરોધમાં બે લોકોએ આત્મદાહ કરવાની કોશિશ કરી હતી.
પ્લાનિંગ શું છે?
આટલા જોખમી કેમિકલ વેસ્ટનો નાશ કેવી રીતે કરવો એ એક મોટો પ્રશ્ન છે. પાણીમાં છોડી શકાય નહીં, કારણ કે પાણીમાં એની વિપરીત અસર તરત જ ફેલાઈ શકે. જમીનમાં પણ દાટી દેવાય નહીં, કારણ કે એ જમીનમાં ઓગળી જાય એવો કચરો નથી અને જમીનને કાયમ માટે મોટું નુકસાન પહોંચાડે એવો કચરો છે. આથી સરકારે નક્કી કર્યું છે કે પહેલાં એનો એક નાનો હિસ્સો સળગાવીને ચકાસવામાં આવશે. સળગાવવાને કારણે જે ધુમાડો થશે કે જે કેમિકલ રીઍક્શન્સ થશે એ દરેક બાબતે વૈજ્ઞાનિકો તપાસ કરશે. આ તપાસ દરમ્યાન જો વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે સળગાવવાથી કોઈ હાનિકારક ગૅસ કે રીઍક્શન્સ નથી થઈ રહ્યાં તો કામ આગળ વધારવામાં આવશે અને એ બધા કચરાને સળગાવી દેવામાં આવશે. જો પરિણામો ગંભીર મળ્યાં અને વાતાવરણમાં હાનિકારક વાયુ ફેલાવાની કે બીજા કોઈ પણ પ્રકારનાં રીઍક્શન્સની જાણ થઈ તો તરત એ કામ બંધ કરી દેવામાં આવશે. એટલું જ નહીં, આ કેમિકેલ વેસ્ટ સળગાવવાને કારણે જે ધુમાડો ઊઠશે એને ચાર અલગ-અલગ સ્પેશ્યલ ફિલ્ટર્સમાંથી પસાર કરવામાં આવશે. ગણતરી કંઈક એવી છે કે જો બધું ઠીક રહ્યું તો આ ૩૩૭ ટન જેટલા કચરાને બાળવામાં લગભગ ૩ મહિના જેટલો સમય લાગશે, પણ જો પ્રક્રિયા ધીમી કરવી પડી અને કોઈ પણ કારણોસર ધીમે-ધીમે એ કચરો બાળવાનો નિર્ણય લેવો પડ્યો તો ૯ મહિના જેટલો સમય પણ લાગી શકે.
જે ગૅસ લીકેજે ૪૦ વર્ષ પહેલાં આટલા બધા લોકોનો જીવ લીધો હતો હવે આજે એ જ લીકેજને કારણે સર્જાયેલા કેમિકલ વેસ્ટને નષ્ટ કરવા માટે અંદાજે ૧૨૬ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અર્થાત્ જે ઘટનામાં ૧૬,૦૦૦ કરતાં વધુ લોકોના જીવ ગયા હતા, જે ઘટનામાં ૫૫૦૦ કરતાં વધુ લોકોને ગંભીર કે કાયમી ઈજા થઈ હતી એ ઘટના માટે એક પણ વ્યક્તિને એક પણ દિવસની જેલ જેટલી પણ સજા નથી થઈ અને આજે હવે એ ઘટનાને કારણે સર્જાયેલા કચરાને નષ્ટ કરવા માટે પણ સરકારે ૧૨૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો છે.
વિરોધ સ્વાભાવિક છે
આજે હવે પરિસ્થિતિ એ આવીને ઊભી રહી છે કે જ્યારે પિથમપુરના રહેવાસીઓને ખબર પડી કે ભોપાલ ગૅસ દુર્ઘટનાનો કેમિકલ વેસ્ટ તેમના શહેરના સીમાડે ડમ્પ કરવામાં આવી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકોએ જબરદસ્ત વિરોધ કરવા માંડ્યો. અનેક સરઘસો નીકળી રહ્યાં છે, દેખાવો થઈ રહ્યા છે, રૅલીઓ થઈ રહી છે. અરે, ત્યાં સુધી કે આ સ્થળાંતર નહીં કરવા માટે હાઈ કોર્ટમાં અરજી સુધ્ધાં કરવામાં આવી છે.
સ્થાનિક લોકોને સૌથી મોટો ડર એ વાતનો છે કે તેમના શહેરમાં આ કચરો ઠાલવવામાં આવશે અને બાળવામાં આવશે તો ૪૦ વર્ષ પહેલાં થયેલી ઘટના જેવું જ ફરી કંઈક તેમની સાથે પણ થયું તો? ફરી એ ઘટનાનું પુનરાવર્તન થયું તો? ચાલો ધારી લો કે કોઈનો જીવ ચાલી જાય એટલું જોખમ ન પણ હોય, પરંતુ કોઈ બીમારી કે ખોડખાંપણ જેવી અસરો ફેલાવા માંડી તો? અરે, ધારો કે તરત અસર નહીં થઈ અને પાછળથી કે લાંબા ગાળે અસરો વર્તાય તો શું? સ્થાનિક લોકો કહે છે કે કચરામાં લાગનારી એ આગ બીજું કંઈ નહીં તો પણ ધીમું ઝેર તો સાબિત થશે જ.
કેટલીક સંસ્થાઓ કે એક્સપર્ટ્સ તો કહે છે કે આ ૩૩૭ ટન કેમિકલ વેસ્ટ એ વાસ્તવમાં તો કુલ કચરાનો ૧ ટકો પણ નથી. વાસ્તવમાં ૧.૨ મિલ્યન ટન જેટલો કચરો છે! આટલો ૩૩૭ ટન જેટલો કચરો યુનિયન કાર્બાઇડની સાઇટ પરથી હટાવવાથી કોઈ ફરક નથી પડવાનો. એ સાઇટ પર તો ત્યાર પછી પણ કચરો રહેવાનો જ છે. હમણાં તો સરકાર માત્ર એ જ કચરો ઉઠાવી રહી છે જે પહેલેથી બૅગોમાં પૅક થઈને પડ્યો છે. એ સિવાયના કચરાનું શું? વિરોધ કરનારા તો એમ પણ કહે છે કે અમેરિકન કંપનીને કારણે આપણે આટલી મોટી હોનારતનો સામનો કરવો પડ્યો હતો, જેને કારણે થયું એ અમેરિકન કંપની છે તો આ કચરો પણ અમેરિકા લઈ જવામાં આવે અને ત્યાં તેમણે જે કરવું હોય એ કરે. વળી એક દલીલ એ પણ કરવામાં આવે છે કે જો આ કચરાને સળગાવવામાં કે દાટવામાં આવશે તો એને કારણે જળાશયોને પણ નુકસાન થશે અને પીવાના પાણીમાં પણ ઝેર ફેલાશે.
એક તરફ આ કચરાનો જેટલો બને એટલો જલદી નિકાલ કરવો પણ જરૂરી છે તો બીજી તરફ વિરોધમાં ઊઠતા સૂરો પણ ખોટા નથી. સરકાર અને કોર્ટની ચિંતા અગર વાજબી છે તો વિરોધમાં થતી દલીલો પણ ખોટી નથી. બન્નેમાંથી સાચું કોણ અને ખોટું કોણ એ નિર્ણય કરી શકીએ એટલા સક્ષમ તો આપણે છીએ કે નહીં એ ખબર નથી, પરંતુ બકરું કાઢવાના પ્રયાસમાં ઊંટ પેઠું તો મુસીબત મોટી સર્જાશે. સરકાર, કોર્ટ અને વૈજ્ઞાનિકો ભેગા મળી કંઈક એવો ઉપાય લાવશે જ જેને કારણે કોઈને નુકસાન નહીં થાય. હાલ તો એવી આશા જ રાખવી પડે. બાકી પરિણામો તો હાલ ભવિષ્યના પિટારામાં બંધ છે.