છ મહિનાના અંતરે દાદા અને પપ્પાને ગુમાવ્યા પછી પરિસ્થિતિએ આ યુવાનને કેટલો મૅચ્યોર બનાવી દીધો એની વાત પ્રેરણાદાયી છે
ટર્નિંગ પૉઇન્ટ
પ્રિયાંશ પટેલ
ઘાટકોપરનો ૧૯ વર્ષનો પ્રિયાંશ પટેલ કૉલેજના બીજા વર્ષમાં ભણતાં-ભણતાં ઘરની જવાબદારીઓ, પરિવારનો બિઝનેસ પણ મૅનેજ કરતો થઈ ગયો છે અને એનું કારણ છે અચાનક જ આવી પડેલી પરિવારની જરૂરિયાત. છ મહિનાના અંતરે દાદા અને પપ્પાને ગુમાવ્યા પછી પરિસ્થિતિએ આ યુવાનને કેટલો મૅચ્યોર બનાવી દીધો એની વાત પ્રેરણાદાયી છે
ટીનેજ એ ભણવાનો, દોસ્તો સાથે મોજમસ્તીનો ટાઇમપાસ કરવાનો અને ભવિષ્ય માટે ઊંચાં સપનાં જોવાનો અને એ સપનાં સાકાર થઈ શકે એ માટે જાતને તૈયાર કરવાનો સમય છે. પણ ક્યારેક ભગવાન બહુ ઉતાવળમાં હોય છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : આ બહેનની રગ-રગમાં દોડે છે સંસ્કૃત અને પ્રાકૃત
મુશ્કેલીઓ અને કપરા સંજોગો જીવનમાં અણધાર્યાં આવી પડે છે અને આ જ મુશ્કેલીઓ વ્યક્તિની સાચી પરખ કરાવે છે. ઘાટકોપરના ૧૯ વર્ષના પ્રિયાંશ પટેલના માથે પણ આવી જ મુશ્કેલીઓ આવી પડેલી જ્યારે તે જસ્ટ ૧૮ વર્ષનો હતો. પુખ્ત થયાનો એહસાસ હજી ખુદ પ્રિયાંશને થાય એ પહેલાં જવાબદારીઓ તેના માથે આવી પડી. પરિવારનો કસ્ટમ્સનો બિઝનેસ સરસ મજાનો ચાલતો હતો, પણ અચાનક છ જ મહિનાના ગાળામાં પહેલાં દાદાજી અને પછી પપ્પાનું અવસાન થયું. એને કારણે અચાનક જ ઘરની, બિઝનેસની અને ભણવાની જવાબદારી માથે આવી પડી. જો સંતાન પરિપક્વ ન થયેલું હોય તો આવા સંજોગોમાં કાં તો કારોબાર ઠપ્પ થઈ જાય કાં પછી બીજા સંબંધીઓને સોંપી દેવાનો વારો આવે, પણ પપ્પાની ચિતાની રાખ ઠંડી થયાના ત્રણ જ દિવસમાં પ્રિયાંશે સંકલ્પ કરી લીધો કે તે પપ્પાના બિઝનેસને બંધ નહીં થવા દે. એની સાથે તેણે પોતાનું ભણવાનું પણ ચાલુ રાખ્યું. કઈ રીતે પ્રિયાંશે આ કામ સંભાળ્યું એ પણ રસપ્રદ છે.
પરિવારના બિઝનેસને ઑન અપ કરી લેવો એ કંઈ સાવ આસાન નહોતું કેમ કે પ્રિયાંશનું પોતાનું સપનું તો કંઈક જુદું જ હતું. શું બનવાનાં સપનાં જોયેલાં એ વિશે વાત કરતાં પ્રિયાંશ કહે છે, ‘નાનો હતો ત્યારથી મને કુકિંગ અથવા તો ફૂડ બિઝનેસની લાઇનમાં જવું હોવાથી હોટેલ મૅનેજમેન્ટ કરવાનો વિચાર હતો. જોકે લૉકડાઉન આવ્યું ત્યારે બધું જ બંધ થઈ ગયેલું અને પપ્પાના બધા જ એમ્પ્લૉઈઝ પણ ગામ જતા રહ્યા હતા. એ વખતે પપ્પા ફોર્ટ જતા હતા. એ વખતે ક્યારેક ઇન્ટરનેટ બરાબર ન ચાલતું હોય ત્યારે પપ્પા દાદાજીની હેલ્પ માટે કૉલ કરતા, પણ દાદાજીને કમ્પ્યુટર રિલેટેડ કામમાં થોડીક ડિફિકલ્ટી પડતી એટલે તેમને હું મદદ કરતો. દાદાને અસિસ્ટ કરવા હું ક્યારેક ઑફિસે પણ જતો. એ વખતે દાદાને હેલ્પ કરતાં-કરતાં મને ઘણું શીખવા મળ્યું. આ બિઝનેસમાં નાનામાં નાની ભૂલમાં પણ તમારે ફાઇન ભરવા પડી શકે અને થોડું રિસ્ક પણ હોય એટલે કઈ રીતે સાવચેત રહી કામ કરવું એ બધું દાદાજીએ શીખવ્યું. કસ્ટમરના મેઇલ, ડૉક્યુમેન્ટ ચેક કરી ચેકલિસ્ટ બનાવી કસ્ટમના કોડ ગોતવા અને ચેક કરવાના કામથી લઈને ઑફિસ બૉયનું પણ કામ કર્યું. થોડા વખત બાદ દાદાજી જતા રહ્યા અને એ પછી માત્ર પાંચ જ મહિનામાં અચાનક મારા પપ્પા પણ જતા રહ્યા. ઘરમાં એક પછી એક દુઃખ આવતાં જ ગયાં અને આ સિચુએશન હૅન્ડલ કરવી ખૂબ મુશ્કેલીઓથી ભરેલું હતું. બસ, એ જ વખતે મેં નક્કી કરી લીધું કે હું પરિવારના બિઝનેસને કંઈ નહીં થવા દઉં.’
આ પણ વાંચો : પૉલિટિક્સ અને બિઝનેસનાં ન્યુઝપેપર આજે પણ આ દાદાને જોઈએ જ
હવે જ્યારે તેણે આ ક્ષેત્રે આગળ વધવાનું નક્કી કરી જ લીધું હતું એટલે તેણે ભણવાનું ફોકસ પણ બદલી નાખ્યું. હાલમાં બૅચલર ઇન મૅનેજમેન્ટ સ્ટડી વિથ સ્પેશ્યલાઇઝેશન ઇન કસ્ટમ ક્લિયરન્સ સ્ટેટ ફૉર્વર્ડિંગ ઍન્ડ લૉજિસ્ટિક્સના બીજા વર્ષમાં ભણી રહેલા પ્રિયાંશે ૧૮ વર્ષની વયે બિઝનેસની ધૂરા સંભાળી લીધી. અલબત્ત, એ વખતના પડકારો વિશે પ્રિયાંશ દિલ ખોલીને વાત કરતાં કહે છે, ‘પપ્પાના ગયાના ત્રણ દિવસ બાદથી જ લોકોના ફોન આવવા લાગ્યા કે તમે ધંધો બંધ કરી દીધો? દીકરો તો હજી નાનો છે, એનાથી નહીં થાય. ત્યારે મારા કાકાએ મને મેન્ટલી હેલ્પ કરી કે આના પર વધારે ધ્યાન નહીં આપ. અમે તને સપોર્ટ કરીશું. અને એક જ વસ્તુ ધ્યાનમાં રાખી કે કોઈ ફેક કૉલ કરે તો તેમને કહી દેતો કે તમારા ડૉક્યુમેન્ટ મોકલાવો, પછી આગળની વાત કરીશું. સ્ટાફને પણ ફેક ફોન આવતા હતા, પરંતુ તેઓ જવાબ આપી દેતા હતા કે અમારું કામ તો બહુ જ સરસ ચાલી રહ્યું છે. કસ્ટમ્સવાળા પણ પપ્પાના મૃત્યુના સમાચાર સાંભળીને શૉક થઈ ગયા હતા. આ કામમાં મને મારા કૉલેજના કોર્સના પ્રકાશ ખત્રી સર અને મિસ નિરાલી ખોના આ બન્ને ગાઇડન્સ અને હેલ્પ આપી રહ્યાં છે. તેમણે મારા બિહાફમાં કસ્ટમ્સમાં વાત કરી કે હું કસ્ટમ્સનો જ કોર્સ કરી રહ્યો છું. અને થોડાઘણા લોકો ઓળખતા થઈ ગયા હતા. પારસ દાદાજી (પપ્પાના કાકા) મારી લાઇફના એ મેન્ટોર છે જેમના લીધે હું હંમેશાં મોટિવેટેડ રહું છું અને દાદાજી હતા એ વખતના જેટલા પણ ક્લાયન્ટ હતા એમના ગયા બાદ પણ એટલા જ ક્લાયન્ટ અમારી સાથે કામ કરી રહ્યા છે.’
દરેક પેરન્ટ્સને કહીશ કે તમારાં સંતાનોને પરિવારના બિઝનેસ વિશેનું બેઝિક નૉલેજ જરૂર શીખવાડો જેથી અણધારું સંકટ આવી જાય તો તેઓ કપરાં સંજોગોને ડીલ કરી શકે. : પ્રિયાંશ પટેલ
લાઇફ ચેન્જ
દાદાજી અને પપ્પા હતા ત્યારે હું સવારે મોડો ઊઠતો અને ક્યારેક કામ કરવાનું મન ન હોય તો ફ્રેન્ડસર્કલ સાથે પાર્ટી અને ફરવામાં ખાસ્સો સમય જતો પણ દાદાજી અને પપ્પાના ગયા બાદ આ બધી વસ્તુઓ બંધ થઈ ગઈ એમ જણાવતાં પ્રિયાંશ કહે છે, ‘ભણતર અને બિઝનેસ આ બન્ને સંભાળવા માટે ટાઇમ મૅનેજમેન્ટ કરવું પડે. કૉલેજમાં જાઉં એટલી વાર ફોન બંધ કરવો પડે. વચ્ચે જે ૧૫ મિનિટનો બ્રેક મળે ત્યારે હું જેના પણ કૉલ આવ્યા હોય એમના પ્રૉબ્લેમના સોલ્યુશન કહી કસ્ટમર હૅન્ડલ કરું અને લૅપટૉપ સાથે રાખ્યું હોય એટલે ઈ-મેઇલ કરવાનું અને કો-ઑર્ડિનેશનનું કામ કરી લઉં. એક દિવસ પહેલેથી જ આગલા દિવસનું બધું પ્લાનિંગ કરી લઉં કે આવતી કાલે કયાં-કયાં કામ કરવાનાં છે. ઑફિસ સાથે પણ કો-ઑર્ડિનેટ કરી લઉં છું. રોજ રાતે મમ્મીને પણ મૅનેજમેન્ટ લિસ્ટ આપી દઉં. મમ્મીની ઘણી હેલ્પ થઈ જાય અને ઑફિસમાં મારા સ્ટાફનો પણ ઘણો સાથ અને સપોર્ટ મળી રહે છે. તમામ પેરન્ટ્સને એટલું જરૂર કહીશ કે તમે પણ તમારાં સંતાનોને થોડુંઘણું બેઝિક નૉલેજ તમારા કામકાજનું જરૂર શીખવાડો જેથી અણધારું સંકટ આવી જાય તો તેઓ ડીલ કરી શકે અને બિઝનેસ બંધ ન કરવો પડે.’
સહાધ્યાયીઓ માટે નૉલેજ શૅરિંગ
પ્રિયાંશ જે ભણે છે એનું જ પ્રૅક્ટિકલ એટલે કે બિઝનેસ અત્યારે સંભાળે પણ છે. એને કારણે તેની પાસે થિયરીની સાથે પ્રૅક્ટિકલ નૉલેજ પણ ખૂબ હોય છે. આ નૉલેજ તે પોતાના ક્લાસમેટ્સ સાથે પર શૅર કરે છે. જુનિયર સ્ટુડન્ટ્સ માટેના સેમિનાર્સમાં પણ ગાઇડન્સ માટે પ્રિયાંશ ઍક્ટિવ પાર્ટ લે છે. તેણે પ્રોફેસર્સ સાથે મળીને સ્ટુડન્ટ્સને પ્રૅક્ટિકલ નૉલેજ મળે એ માટે ક્લાસમેટ્સ અને જુનિયર્સને ફોર્ટની વિઝિટ કરાવવાની પહેલ પણ કરી છે.