Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પૉલિટિક્સ અને બિઝનેસનાં ન્યુઝપેપર આજે પણ આ દાદાને જોઈએ જ

પૉલિટિક્સ અને બિઝનેસનાં ન્યુઝપેપર આજે પણ આ દાદાને જોઈએ જ

Published : 21 December, 2022 05:25 PM | IST | Mumbai
Bhavini Lodaya

જીવનના સેન્ચુરી વર્ષમાં પ્રવેશ કરનારા કફ પરેડના કાન્તિલાલ કેશવલાલ શેઠ આજે પણ વિવિધ ટ્રસ્ટના કામમાં સક્રિય છે. પાર્કિન્સન્સ ડિસીઝની શરૂઆત થઈ છે, બાકી આજે પણ શાર્પ મેમરી ધરાવે છે અને વૉકર લઈને ગાંધીજીની સ્પીડે ચાલે છે

કાન્તિલાલ કેશવલાલ શેઠ

૧૦૦ નૉટ આઉટ

કાન્તિલાલ કેશવલાલ શેઠ


૯૩મા વર્ષે પડી ગયા તો થાપાના હાડકાનું ફ્રૅક્ચર થયેલું, પણ એ પછી પણ તેમણે કસરત કરવાની અને ચાલવાની નિયમિતતા જાળવી રાખી છે


કફ પરેડમાં રહેતા કાન્તિલાલ કેશવલાલ શેઠ જીવનની સેન્ચુરી પછી પણ એટલા જ સહજ અને દરેક પ્રવૃત્તિ માટે ઉત્સાહી છે જેટલો કોઈ યુવાન હોય. ૧૦૦ વર્ષ પછી પણ તેમના મોંમાંથી કદી થાક લાગ્યો છે કે આળસ આવે છે એવું સાંભળવા ન મળે. કદાચ તેમના આ સુખી જીવનનું રહસ્ય છે મનની સ્થિરતા. 



‍દરેક પરિસ્થિતિમાં સ્થિરતા તેમની આજ સુધીની જબરદસ્ત ખૂબી છે. કાન્તિભાઈ કહે છે, ‘ઉંમરની સાથે શારીરિક તકલીફો રહેવાની જ. મને પાર્કિન્સન્સને કારણે બોલવાની તકલીફ તો મારી પત્નીને સાંભળવાની કમજોરી, પરંતુ બન્ને પોતાનું કામ જાતે જ કરવાનો આગ્રહ રાખીએ. નાનપણથી વ્યાયામશાળામાં જતો તે આજે પણ રોજ એક કલાક ક્ષમતા મુજબની ફિઝિયોથેરપીની કસરતો, સવાર-સાંજ ચાલવાનું વગેરે ક્રમ ચાલુ છે. સાદા ખોરાક સાથે શોખથી જમવાનું. નિયમિત જીવન, નિયમિત કસરત, સમયસર સૂવાનું ને જમવાનું.’


૯૩મા વર્ષે પડી ગયા તો થાપાના હાડકાનું ફ્રૅક્ચર થઈ ગયું, પણ જીવનની નિયમિતતા ક્યારેય છોડી નથી એમ જણાવતાં તેમનાં દીકરી સ્મિતાબહેન કહે છે કે વૉકર લઈને ચાલે પણ કહેવું પડે કે ધીમે ચાલો. આળસનું નામ નહીં. જીવનની નક્કર ફિલોસૉફી ધરાવે અને એ મુજબ જ જીવે પણ છે. ભૂલતાં શીખવું, પરિસ્થિતિ જેવી હોય એવી સ્વીકારી લેવી. મનમાં એવા ફિક્સ ચોકઠાં નહીં કે આ તો આમ જ કરાય. દરેક પરિસ્થિતિમાં સ્થિરતા તેમની ઉત્કૃષ્ટ ખૂબી છે જેનું ઉદાહરણ આપું તો લંડન મૅન્ચેસ્ટર ગોડાઉનમાં આગ લાગી એવા સમાચાર મળ્યા. અમારા પાસે ઇન્શ્યૉરન્સ પણ નહોતો છતાં તેમણે કહ્યું કે રાત થઈ ગઈ છે, શાંતિથી સૂઈ જઈએ. કાલે સવારે જોઈશું શું કરવું છે. આમ તેઓ નિશ્ચિંતપણે બિલકુલ હાયવોય કર્યા વગર સૂઈ ગયા હતા.’


ગાંધીવાદી બાળપણ 

સો વર્ષની જીવનની સફરમાં ગાંધીવાદી વિચારોએ પણ તેમને બહુ પોષણ આપ્યું છે. પૂજ્ય કાકા ગુલાબચંદ તલકચંદ શેઠના સંસ્કારને કારણે ઘરમાં ગાંધીવાદી વિચારો વારસામાં મળ્યા છે એમ જણાવતાં કાન્તિલાલદાદા તેમના બાળપણની અને યુવાનીની વાતો વાગોળતાં કહે છે, ‘અમે પાંચ બહેનો વચ્ચે એકનો એક લાડકો ભાઈ. રાજકોટમાં  ગાંધીજીની આલ્ફ્રેડ હાઈ સ્કૂલમાં દાખલ થયો. સ્કૂલમાં જટાશંકર શિક્ષકને ગાંધીજીની ચળવળમાં ભાગ લેવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે સૌ વિદ્યાર્થીઓ હડતાલ પર ગયા એમાં કમિટી મેમ્બર તરીકે અમે મુખ્ય ભાગ ભજવ્યો. ડૉક્ટર બનવાની હોંશ હતી. મેડિકલમાં ઍડ્મિશન પણ મળી ગયું હતું પણ પિતાશ્રીની માંદગીને લીધે કેવળ માઇક્રોબાયોલૉજીના વિષયમાં બીએસસી સુધી ભણીને સંતોષ માન્યો. ‘ભારત છોડો’ આંદોલન સમયે વિદ્યાર્થી તરીકે સભાઓ અને રૅલીઓમાં જોડાતા ત્યારે પોલીસ પકડી ગઈ હતી અને એક દિવસ કસ્ટડીમાં રાખ્યા હતા. મુંબઈના ગોવાલિયા ટૅન્ક મેદાનમાં ગાંધીજીએ ‘અંગ્રેજો ભારત છોડો’ની હાકલ કરી એ મીટિંગમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે અમે સાક્ષી હતા. જયપ્રકાશ નારાયણ પ્રેરિત યુવાનોની મીટિંગો થતી એમાં જતા. પ્રભાતફેરીમાં ભાગ લેતા. અમારું આખું શેઠ કુટુંબ ગાંધીજીના રંગે રંગાયેલું હતું. વડીલોની સલાહ મુજબ ધંધામાં જોડાઈ પિતાજીના નામની કંપનીને વર્ષોના પુરુષાર્થથી કાર્યક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાને પહોચાડી. સાલોસાલ ઉન્નતિ થવા સાથે ઉચ્ચતમ નિકાસ માટે અવૉર્ડ્સ મળતા રહ્યા.’

આ પણ વાંચો : આ ૮૫ વર્ષનાં દાદી છે સુપરકૂલ

સામાજિક ક્ષેત્રે પણ સમગ્ર કુટુંબ અગ્રેસર રહ્યું છે અને રાજકોટમાં વિકાસગૃહ, શાળા અને કૉલેજો, લાઇબ્રેરી અને હૉસ્પિટલો શરૂ કરવામાં કાન્તિભાઈનો મહત્ત્વનો ફાળો છે.  

હુતો-હુતીની જોડલી 

કાન્તિભાઈ સાથે ૭૭ વર્ષથી દામ્પત્યજીવનની નૈયાને એકસાથે હંકારી રહેલાં પત્ની આશિતાબહેનની ઉંમર પણ ૯૫ વર્ષ છે. એક દીકરો અને ત્રણ દીકરીઓનો પરિવાર છે. સૌને જીવનમાં દરેક રીતે સ્થિર કરવાની પોતાની ફરજ સાથે મળીને નિભાવી છે. સુખી લગ્નજીવન માટે ભરપૂર સંતોષ અનુભવતાં આશિતાબહેન કહે છે, ‘આજે ચોથી પેઢી સાથે જીવન જીવવાનો અમને ખૂબ આનંદ છે. ૧૭ વર્ષની ઉંમરે પરણીને આવી ત્યારે એસએસસીની પરીક્ષા આપવાની બાકી હતી. મારી ભણવાની ધગશ જોઈને તેમણે મને આગળ ભણવા માટે પૂરો સાથ આપ્યો. ૨૦ માણસના સંયુક્ત કુટુંબનું દિવસભરનું ઘરકામ પતાવી રાત્રે ૧૦થી ૧૨ સુધી અભ્યાસ કરીને એસએસસી અને પછી એ જ રીતે બીએનો અભ્યાસ પૂરો કર્યો. એનું શ્રેય મારા પતિની ઍડ્જસ્ટ થવાની વૃત્તિ છે. બિઝનેસ અને પૉલિટિક્સનો ભરપૂર શોખ ધરાવે. ફરવાનો એટલો બધો શોખ નહીં, પણ મને ફરવા જવાનું મન થાય એટલે કોઈ દિવસ ના ન કહે, તરત તૈયાર. આમ હમણાં સુધી અમે લોકો આખી દુનિયા ફરી આવ્યાં છીએ. ચાઇના, રશિયા, જપાન, લંડન કોઈ સ્થળ બાકી નથી રાખ્યું. આજે ઉંમર વધવાની સાથે એકબીજા પર અવલંબન વધતું જાય ત્યારે આવા જીવનસાથીની સાથે જીવન જીવવાનું જોશ આપે છે.’

આ પણ વાંચો : ભલભલા રોગ પણ આ દાદીના વિલ પાવરને નબળો પાડી નથી શક્યા

જીવનરસથી ભરપૂર

ગ્રૅન્ડ પેરન્ટ્સ સાથે રહેવાનો અમને ખૂબ આનંદ છે એમ જણાવતાં કાન્તિભાઈના પૌત્ર વિશાલભાઈ કહે છે, ‘આજે પણ દીકરીઓ કે પ્રપૌત્રો સાથે પાનાં રમે, કૅરમ રમે. હાલમાં કોવિડ પછી બધું ઓછું કરી નાખ્યું છે, બાકી હોટેલમાં જવું હોય કે મૂવી થિયેટરમાં જવું હોય; કદીયે ના ન પાડે. સિઝલર અને ઘૂઘરા કચોરી તેમનાં ફેવરિટ છે. આંખ નબળી પડી છે, પણ ન્યુઝ જાણવાની ઇચ્છા ખૂબ કે દુનિયામાં શું ચાલી રહ્યું છે એ ખબર તો પડે! મોબાઇલનો ઉપયોગ શીખી લીધો અને પછી મોબાઇલમાં કાંઈ ને કાંઈ કરતા જ હોય. સાંજે જમીને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ જેવી હળવી સિરિયલો જોવાની.’

કાન્તિભાઈ વિશે વધુ જણાવતાં વિશાલ કહે છે, ‘મોટા પપ્પાને નવું શીખવાનો ખૂબ શોખ છે. વૉટ્સઍપ પર મેસેજ કરે ન્યુઝ અને પૉલિટિક્સ તેમના ફેવરિટ છે. દરેક ધંધાકીય પેપરો વાંચવામાં રસ-રુચિ ધરાવે. આજે પણ ઘણાંબધાં ટ્રસ્ટોમાં પ્રમુખ તરીકે જોડાયેલા છે, મેમરી ખૂબ શાર્પ છે. શરીર એકદમ સ્વસ્થ છે. તેમનું કહેવું છે કે ઉંમરના પ્રવાહમાં વહેતા રહો તો કદી એવું લાગશે નહીં કે ઉંમર થઈ ગઈ છે. આળસનું નામ નહીં. તેમની પૉઝિટિવિટીને કારણે માંદગીમાં પણ સ્પિરિટથી સમય વિતાવે. કોઈ દિવસ ડૉક્ટરે કંઈ કરવાનું કહ્યું હોય એમાં હા-ના નહીં, બધું બરાબર ફૉલો કરે. તેઓ ખૂબ કો-ઑપરેટિવ છે.’ 

દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી એ મને મારા દાદાજી સસરા એટલે કે મોટા પપ્પા પાસેથી શીખવા મળે છે એમ જણાવતાં બીજલ વિશાલ શેઠ કહે છે, ‘ગ્રેટ ગ્રૅન્ડ પેરન્ટ્સ તરીકે તેમનું બાળકો સાથે સરસ બૉન્ડિંગ છે. વડીલોનું આવું બૉન્ડિંગ બાળકોના વિકાસ માટે ખૂબ ઉપયોગી બને છે. આપણાં બાળકો મૂળ સાથે જોડાઈને રહે છે. મારાં બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણતાં હતાં પરંતુ તેમણે બુક્સ લાવીને ગુજરાતી પણ શીખવ્યું છે. ’

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2022 05:25 PM IST | Mumbai | Bhavini Lodaya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK