સંસ્કૃત વ્યાકરણમાં ગોલ્ડ મેડલિસ્ટ વાશીની ૨૪ વર્ષની આયુષી ગાલાએ પ્રાચીન લિપિઓ અને પ્રાકૃત ભાષાનું પણ ઊંડું ખેડાણ કર્યું છે. તે હવે પ્રાકૃત શીખવે પણ છે અને હવે તો પ્રાચીન લિપિઓ ઉકેલવા માટે તે જબરદસ્ત ડિમાન્ડમાં છે
પૅશનપંતી
આયુષી ગાલા
સંસ્કૃત વ્યાકરણમાં ગોલ્ડ મેડલિસ્ટ વાશીની ૨૪ વર્ષની આયુષી ગાલાએ પ્રાચીન લિપિઓ અને પ્રાકૃત ભાષાનું પણ ઊંડું ખેડાણ કર્યું છે. તે હવે પ્રાકૃત શીખવે પણ છે અને હવે તો પ્રાચીન લિપિઓ ઉકેલવા માટે તે જબરદસ્ત ડિમાન્ડમાં છે. પ્રાચીન ભાષાઓના ક્ષેત્રે કેટલું ખેડાણ કર્યું છે અને એમાં કેવો કરીઅર સ્કોપ છે એ તેની પાસેથી જ જાણીએ
આયુષી ગાલા પ્રાકૃત, સંસ્કૃત અને પ્રાચીન લિપિઓની સાથે વિદેશી ભાષાઓમાં જર્મન અને ફ્રેન્ચ પણ શીખી છે.
ADVERTISEMENT
એક તરફ માતૃભાષાનું સ્થાન હવે ફ્રેન્ચ જર્મન અને સંપૂર્ણ અંગ્રેજી ભાષા લેવા લાગી છે અને લોકોના મનમાં એવી ગ્રંથિ બંધાતી જાય છે કે ફૉરેન ભાષા શીખીશું તો જ કારકિર્દી બનશે, ભણેલા કહેવાઈશું અને દુનિયા સાથે બરાબરીમાં આગળ વધી શકીશું. એવામાં પ્રાચીન ભાષાને સમજવા, શીખવા અને ટકાવવા માટે યુવાનો પણ કમર કસી રહ્યા છે એ જાણીને ખૂબ સારું લાગે. વાશીની ૨૪ વર્ષની આયુષી દીપક ગાલાએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષા માટે જે પ્રેમ છે એ જાણીશું તો સમજાશે આજની યંગ પેઢી ઘણી સમજદાર છે.
એસએસસી બોર્ડમાં ધોરણ ૮થી ૧૦માં આયુષીએ સંસ્કૃત ભાષા શીખી હતી અને ત્યારથી મને સંસ્કૃત એટલું ગમવા લાગ્યું કે હું હંમેશાં એ જ વિષય લઈને વાંચ્યા કરતી એમ કહીને આયુષી કહે છે, ‘સ્કૂલ પત્યા પછી કૉલેજમાં મેં નક્કી કરેલું કે મારે સંસ્કૃત ભાષા તો શીખવી જ છે. એ માટે નવી મુંબઈમાં એક પણ કૉલેજ નહોતી એટલે હું મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી ફક્ત અને ફક્ત સંસ્કૃત શીખવા એસઆઇએસ સાયન બૉમ્બે આર્ટ્સ કૉલેજમાં જતી. ત્યાર બાદ બીએ સોમૈયા કૉલેજમાંથી કર્યું. સંસ્કૃત, જર્મન, અંગ્રેજી અને એફસી આ ચાર વિષયમાં મને ગોલ્ડ મેડલ મળ્યા છે. બીએના છેલ્લા વર્ષે મને ‘પ્રાકૃત’ વિષય વિશે જાણ થઈ એટલે જિજ્ઞાસાને લીધે મેં સાથે-સાથે ‘પ્રાકૃત’ વિષયમાં ડિપ્લોમા કર્યો. આમ તો પ્રાકૃતમાં ઘણા પ્રકાર છે, પણ મેં હેમચંદ્રાચાર્યનાં પ્રાકૃત ભાષાના વ્યાકરણમાં રચેલાં સૂત્રો દ્વારા અભ્યાસ કર્યો. સોમૈયા, રુઇયા અને મુંબઈ યુનિવર્સિટી આ ત્રણ કૉલેજમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો પૂર્ણ અભ્યાસ કરી શકો છો અને સાઠે કૉલેજમાં લિપિનો અભ્યાસ કરી શકો છો. સાચું કહું તો પ્રાકૃત ભાષામાં થયેલી કાવ્યરચનાઓ આપણને ભાવવિભોર કરનારી છે. ઇન્સ્ક્રિપ્શન શીખ્યા બાદ એમાં બ્રાહ્મી સ્ક્રિપ્ટનો પણ સમાવેશ થાય છે. એટલે મેં બ્રાહ્મીનાં પણ મેં જુદા-જુદા પ્રકાર શીખવાનું શરૂ કર્યું જેમાં શારદા, ખરોષ્ટી સ્ક્રિપ્ટ પણ શીખી. ઓલ્ડ નાગરીની વર્કશૉપ્સ પણ કરી. મધ્યકાલીન યુગમાં સંસ્કૃત ભાષામાં અભ્યાસ કરવામાં આવતો અને પ્રાકૃત ભાષાનો બોલી ભાષા તરીકે અને નાટકોમાં ઉપયોગ કરવામાં આવતો. ત્યાર બાદ પ્રાકૃત ભાષાને લેખન તરીકે શરૂ કરવામાં આવી.’
લોકોની ધારણા બદલી પ્રશંસામાં
જ્યારે મેં સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં આગળ અભ્યાસ કરવાનો નિર્ણય લીધો ત્યારે મારા પરિવાર સિવાયનાં બાકી બધાં જ સગાંસંબંધીઓને મનમાં સવાલ હતો કે આ વળી કેવા વિષયો લીધા છે? તેઓ મને કહેતા કે આમાં આગળ કંઈ ભવિષ્ય નથી, પરંતુ આજે એ જ લોકો મારી પ્રંશસા કરે છે અને વિગતસર જાણકારી માટે મને પૂછે છે. હાલમાં પણ હું આગળ સંસ્કૃતમાં દર્શન સ્પેશ્યલાઇઝેશન કરી રહી છું. ડિપ્લોમા ઇન અષ્ટાધ્યાન અને ભગવદ્ગીતા પણ કરી રહી છું.’
હવે તો આયુષીએ પોતાનું જ્ઞાન લોકોમાં વહેંચવાનું પણ શરૂ કર્યું છે, જે ખૂબ સંતોષ અપાવનારું છે એની વાત કરતાં તે કહે છે, ‘હવે ૪થી ૮૧ વર્ષના એજ ગ્રુપમાં ૧૦૦-૧૦૦ના બે બૅચમાં વિદ્યાર્થીઓને ઑનલાઇન પ્રાકૃત ભાષા શીખવાડું છું. અર્ધમાગધી ભાષા મહારાષ્ટ્ર, બૅન્ગલોર, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુજરાત, હૈદરાબાદ, કેરલા, રાજસ્થાન સિવાય ઍમ્સ્ટરડૅમ, સિંગાપોર, લંડન, દુબઈ, યુએસએ જેવા વિદેશથી પણ લોકો શીખી રહ્યા છે. આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠમાં કાર્યરત છું. કચ્છ બાડા ગામમાં દેરાસરને ૧૫૦ વર્ષ પૂર્ણ થયાં હોવાથી મૂર્તિ સ્થાપના વખતે જાણ થઈ કે મૂર્તિની નીચેનું લખાણ વ્યવસ્થિત વંચાય એમ નહોતું તેથી તેમણે મને એ વાંચન કરવા બોલાવી હતી. શ્રી અમિતગુણા મહારાજસાહેબને ઓલ્ડ નાગરી લિપિ શીખવી હતી. જેમ-જેમ લોકોને જાણ થાય છે તેમ લોકો મને હવે ગ્રંથનું વાંચન કરવા માટે બોલાવવા લાગ્યા છે. હમણાંની સ્ક્રિપ્ટમાં એનો અનુવાદ કરવાનું કહે છે.’
માત્ર ધાર્મિક ભાષા નથી
અમુક લોકોને એવો ભ્રમ છે કે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા શીખવી એટલે ધર્મનો અભ્યાસ કરવો પણ એવું નથી એમ જણાવતાં આયુષી કહે છે, ‘પહેલાંના સમયમાં શિક્ષણ સંસ્કૃત ભાષામાં જ કરવામાં આવતું હતું. અર્થશાસ્ત્ર, નૉવેલ્સ, સંગીત, નાટ્યશાસ્ત્ર, યુદ્ધશાસ્ત્ર, વ્યાકરણ, લિંગ્વિસ્ટિક, ઉચ્ચારણશાસ્ત્ર, રસોઈ આવાં ઘણાંબધાં પુસ્તકો છે જે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં છે. સંકૃતમાં ૬૪ કલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજકાલ કૉલેજોમાં જે મૅનેજમેન્ટ શીખવવામાં આવે છે એ ચાણક્ય નીતિ અર્થશાસ્ત્રમાંથી જ તો શીખવવામાં આવે છે, જે સંસ્કૃતમાં છે.’
બહારના દેશોના લોકો આવીને આપણા દેશની ભાષાઓ અને સંસ્કૃત શીખવા તત્પર છે તો આપણે ભારતીય થઈને આપણી સંસ્કૃત અને પ્રાકૃત ભાષા શીખવાના પ્રયત્નો કેમ ન કરીએ?
આયુષી ગાલા
કરીઅરમાં કઈ રીતે ઉપયોગી?
પ્રાચીન ભાષા શીખવી એ માત્ર ગૌરવની જ વાત નથી, એમાં કારકિર્દીની પણ ઉજ્જવળ તકો છે એ વિશે આયુષી કહે છે, ‘મ્યુઝિયમ્સમાં જૂના સિક્કાઓ, લખાણ વાંચન માટે ભાષાના જાણકારની બહુ જરૂર હોય છે. કેટલાંક જૂનાં પુસ્તકાલયોમાં પ્રાચીન પુસ્તકોનો સંગ્રહ હોય ત્યાં પણ જાણકારોની જરૂર પડે છે. રાજ્ય કક્ષાએ કેટલાક ડિક્શનરી પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એમાં પણ અન્વેષણ કરવાની તક છે. આ બધી ભાષાઓના ગ્રંથો આખી દુનિયામાં ફેલાયેલા છે. વૈજ્ઞાનિકો રિસર્ચ માટે આપણા ગ્રંથો અને આગમોનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓ પણ જાણકાર લોકોને અપૉઇન્ટ કરે છે અને દુનિયાભરમાં સાંસ્કૃતિક ખજાનાઓ એટલા ધરબાયેલા છે કે આનું વાંચન કે અનુવાદ કરવામાં હજી કદાચ સદી વીતી જાય. સંસ્કૃત ભાષા વિશે બધાને જાણ તો છે જ પણ હજી ઘણા એવા લોકો છે જેમને પ્રાકૃત ભાષા વિશે જાણ જ નથી. જો આપણે આપણા ગ્રંથોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો હોય તો પ્રાકૃત ભાષા જાણવી ખૂબ જ જરૂરી છે. મેં પોતે પણ જર્મન અને ફ્રેન્ચ ભાષા પણ શીખી છે. મારું દૃઢતાથી માનવું છે કે બીજી ભાષાઓ ભલે શીખો, પણ આપણી માતૃભાષાની જાળવણી થાય એ રીતે.’
આયુષી ગાલાના ઑનલાઇન ક્લાસની એક ઝલક.