મમ્મીથી બેસ્ટ મલ્ટિ-ટાસ્કર કોઈ નથી એવું કહેનારા બીજું કોઈ નહીં, પણ આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
વાત ખોટી પણ નથી અને એમાં સહેજેય અતિશયોક્તિ પણ નથી. મલ્ટિ-ટાસ્કિંગનો બેસ્ટ સોર્સ જો કોઈ હોય તો એ મમ્મીઓ છે અને મમ્મી પાસેથી જ એ કામ શીખવાનું છે. તમે સ્ટીવ જૉબ્સ કે માર્ક ઝકરબર્ગને ફૉલો કરવાને બદલે મમ્મીઓના કામની સ્ટાઇલ અને તરહ-તરહના કામને ફૉલો કરવાની રીતને જોવાનું ચાલુ કરી દેશો તો તમને પણ આ વાત સમજાશે, સમજાશે પણ અને દેખાશે પણ.
મમ્મીથી બેસ્ટ મલ્ટિ-ટાસ્કર કોઈ નથી એવું કહેનારા બીજું કોઈ નહીં, પણ આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે. થોડા સમય પહેલાં નરેન્દ્ર મોદીએ સ્ટુડન્ટ્સ સાથે એક મીટ કરી, એ સમયે તેમણે આ શબ્દો કહ્યા હતા, પણ બન્યું એવું કે એ મીટ સમયે તેમણે એટલી બધી અગત્યની વાતો કરી જેને કારણે આ એક વાત છાની રહી ગઈ અને એને લીધે મમ્મીઓને આ જશ મળ્યો નહીં.
મમ્મીઓ ખરેખર મલ્ટિ-ટાસ્કર છે. બધી જ મમ્મીઓ, એવું નહીં કે ગઈ જનરેશનની મમ્મી મલ્ટિ-ટાસ્કર હતી કે પછી આ જનરેશનને જ આ વાત લાગુ પડે છે. ના, આ જનરેશનને પણ આ જ વાત લાગુ પડે અને આવતી જનરેશનની મમ્મીને પણ આ વાત લાગુ પડે. એકસાથે અઢળક કામોને પહોંચી વળવાની જે ક્ષમતા સ્ત્રીઓમાં છે એ અદ્ભુત છે અને એ ત્યારે જ જન્મે, જ્યારે તે મમ્મી બને.
ADVERTISEMENT
બાળકની જવાબદારીથી માંડીને પતિની જવાબદારી, સાસુ-સસરાની જવાબદારી, જો ઘરમાં દિયર-નણંદ હોય તો તેમની જવાબદારી અને એ બધાં ઉપરાંત પોતાના ઘરની જવાબદારીઓ પણ. તે મા-બાપને છોડીને આવી છે, નહીં કે મા-બાપને તરછોડીને. આજે મોટા ભાગની પરિણીત દીકરીઓ આ વાત સમજે છે અને એટલે જ તે પોતાનાં મા-બાપ પ્રત્યેની જવાબદારીમાં પણ ક્યાંય બૅકફુટ થતી નથી.
મમ્મી બન્યા પછીની આ જ જવાબદારી નથી. એ જ્યાં પણ જઈને ઊભી રહે છે ત્યાં તે મલ્ટિ-ટાસ્કર હોય છે. કિચનમાં પણ તે બે હાથે ૧૨ કામ સંભાળે છે અને ધારો કે તે વર્કિંગ વુમન હોય તો પણ એવું જ કરે છે. ઑફિસ પહોંચ્યા પછી આંટાફેરા કરવા તેને પાલવતા નથી, કારણ કે ઘરે જવાબદારીઓનું લાંબું લિસ્ટ ઊભું છે અને એટલે જ તે ઑફિસના ૮ કલાકમાં ૧૨ કલાકનું કામ આટોપીને નીકળે છે. તે રસ્તામાં પણ કામ કરતી ઘરે પહોંચે છે અને ઘરે પહોંચ્યા પછી પણ તરત જ મમ્મીની ડ્યુટીમાં આવી જાય છે. હું કહીશ કે જગતમાં એક પણ મમ્મી એવી નથી જે ડ્યુટી વિનાની હોય. ના, એક પણ મમ્મી નહીં અને એટલે જ આ દુનિયામાં સિંગલ મમ્મીનો શિરસ્તો છે, પણ સિંગલ ફાધર હજી એવા પૉપ્યુલર નથી થયા.
સાહેબ, સ્વીકારવું જ રહ્યું કે પુરુષ મલ્ટિ-ટાસ્કર નથી અને એટલે જ જો મલ્ટિ-ટાસ્કિંગમાં માસ્ટરી કરવી હોય તો એનું બેસ્ટ એક્ઝામ્પલ એક જ છે, મમ્મી. તમારે એને માટે બહાર ક્યાંય જવાની જરૂર નથી. ઘરમાં જ બેસ્ટ ઉદાહરણ છે, એને ફૉલો કરવાનું છે અને એની રીતે જ આગળ વધતા જવાનું છે. જુઓ તમે, તે પગ વાળીને બેસતી નથી, તેને એ ફાવતું પણ નથી, કારણ કે તેણે આજુબાજુના સૌકોઈને બધું તૈયાર કરી આપવાનું હોય છે. એક વાત કહેવી જ રહી, હૅટ્સ ઑફ મમ્મી.