સાચું કહું છું, જે ખેલદિલી અને જે ઉત્સાહ આપણી પ્રજામાં છે એ અવર્ણનીય છે. નવરાત્રિમાં ગુજરાતીઓના ગરબા જુઓ તો ખરા, ક્યાં પહોંચ્યા છે. હું અઠંગ ગરબાપ્રેમી છું અને મારી પોતાની સ્ટાઇલ છે. એમાં મને પ્રાઇઝ પણ મળ્યાં છે.
સેટરડે સરપ્રાઈઝ
ગરબાપ્રેમી પરિવાર સાથે જય સોની.
સાચું કહું છું, જે ખેલદિલી અને જે ઉત્સાહ આપણી પ્રજામાં છે એ અવર્ણનીય છે. નવરાત્રિમાં ગુજરાતીઓના ગરબા જુઓ તો ખરા, ક્યાં પહોંચ્યા છે. હું અઠંગ ગરબાપ્રેમી છું અને મારી પોતાની સ્ટાઇલ છે. એમાં મને પ્રાઇઝ પણ મળ્યાં છે. બેશક, હું પરંપરાગત ગરબાનાં ગીતોને આજની નવરાત્રિમાં અવશ્ય મિસ કરું છું
તમે રમવાના શોખીન છો તો તમારી મોજ માટે રમો અને ઇનામને એમાં બાયપ્રોડક્ટ રહેવા દો. ઇનામ મળે કે ન મળે, પણ તમને ગરબા રમવાનો સંતોષ મળવો જોઈએ. જીતવા માટે નહીં, જીવવા માટે રમો. ઘણી વાર તમારી ઓરિજિનલિટી તમને વધારે સારું પરિણામ આપી જાય છે.
ADVERTISEMENT
હા, હું ગુજરાતી છું અને એ વાતનું મને પ્રાઉડ છે. આજનું નહીં, પણ સમજણો થયો ત્યારથી મને ગુજરાતી હોવાનું પ્રાઉડ છે. મારા કામમાં હિન્દીનો ઉપયોગ વધારે કરવો પડે છે, એ પછી પણ જો મને કોઈ ગુજરાતી મળી જાય તો હું તેની સાથે ગુજરાતીમાં જ વાત કરવાનું પસંદ કરું. હું એવા પણ ગુજરાતીઓને ઓળખું છું જેઓ ભૂલથી પણ ગુજરાતી ન બોલી જવાય એનું ધ્યાન રાખીને ફરતા હોય છે!
મને મારી ભાષા, મારી સંસ્કૃતિ માટે પારાવાર માન છે અને હોવું પણ શું કામ ન જોઈએ. તમે જુઓ તો ખરા, આખા જગતમાં ગુજરાતીઓ અને ગુજરાતી સંસ્કૃતિની કેવી જબરદસ્ત અસર છે. મારે મન તો ગુજરાતી ફૂડ જીવનનો સૌથી મોટો ઉત્સવ છે. યસ, હું દરેક પ્રકારના ગુજરાતી ક્વિઝીનનો ફૅન છું. અલબત્ત, મારું કામ એવું છે કે ફૂડ મારે કન્ટ્રોલ કર્યા વિના છૂટકો નથી, છતાં જલેબી, ફાફડા, ખમણ જેવી દરેક ગુજરાતી આઇટમો મારા ફેવરિટ લિસ્ટમાં ટોચના સ્થાને છે. કેવા પડકારો વચ્ચે આપણી કમ્યુનિટીએ વિકાસ કર્યો છે અને એ પણ સ્પોર્ટ્સમૅન સ્પિરિટ અકબંધ રાખીને. તમે જોજો કે સામાન્ય સંજોગોમાં પણ ગુજરાતી હસતો હોય અને જબરદસ્ત તકલીફ હોય તો પણ તેના ચહેરા પરનું સ્મિત અકબંધ હોય. તહેવારોમાં એ પૂરેપૂરા ઇન્વૉલ્વ થઈ જીવનને માણતી આપણી ગુજરાતી કમ્યુનિટીના ભાગ હોવું એ ખરેખર સદભાગ્યની વાત છે. આવા સમયે મને હંમેશાં નવીન લાગે કે શું કામ લોકોને પોતાની ગુજરાતી બોલવામાં સંકોચ થતો હશે?!
હું આપણા દરેક તહેવારોની ઉજવણીમાં હંમેશાં આગળ રહું. પરિવાર સાથે દરેક પ્રસંગોને માણવાનું મને ગમે. નવરાત્રિના દિવસોમાં અત્યારે હું કેવો ઉત્સાહમાં હોઈશ એની કલ્પના પણ તમે નહીં કરી શકો. ગઈ કાલે જ હું મારા ભાઈ અને તેના ફ્રેન્ડ્સ સાથે ગરબા રમવા જઈ આવ્યો. ગરબા માટે જે સ્તરે લોકોમાં ક્રેઝ વધી રહ્યો છે એ ખરેખર અચરજ પમાડનારો તો છે જ, પણ સાથોસાથ એનાથી ખુશી પણ થાય છે. માત્ર યંગસ્ટર્સ જ નહીં, દરેક એજના લોકો આજેય ગરબા સાથે જોડાયેલા છે. હું બોરીવલીમાં રહું છું અને રોજ હું ગરબા રમીને પાછા આવતા લોકોના ચહેરા પર ઉત્સાહ જોઉં છું. આ વખતે તો બોરીવલીમાં ગરબાનો જે જબરો માહોલ જોવા મળી રહ્યો છે એને માટે મારી પાસે શબ્દો નથી. મોજમાં રહેવાની, આનંદ સાથે જીવન જીવવાની ખરેખર આ તે કેવી સરસ રીત કહેવાય અને તમે જ કહો, આવી રીતે જીવન જીવનારી કેટલી કમ્યુનિટી તમે જોઈ છે?
નવરાત્રિની વાત ચાલે છે તો હું કહીશ કે આજની નવરાત્રિમાં કમર્શિયલાઇઝેશન જોવા મળે છે. મ્યુઝિક બદલાયું છે, વ્યવહાર અને ડાન્સ-ફૉર્મ પણ બદલાયું છે, પણ હું કહીશ કે જેમ-જેમ નવરાત્રિ વર્સેટાઇલ થતી જશે એમ-એમ વધુ લોકોને એમાં જોડવા માટે મ્યુઝિકમાં વેરિએશન લાવ્યા વિના છૂટકો નથી. એ વાત જુદી છે કે આજે પણ હું જૂના ગરબાનાં ગીતો યાદ કરું તો મારા શરીરમાં રીતસર ગૂઝ બમ્પ્સ આવી જાય. ‘મારી મહીસાગરની આરે ઢોલ વાગે છે...’ કે પછી ‘માડી તારા મંદિરિયામાં ઘંટારવ વાગે...’ જેવા ગરબા વાગે અને પગ આપમેળે દોડવા માંડે.
નાનપણમાં મમ્મી ધક્કો મારીને મને ગરબા રમવા મોકલતી. કારણ હતું, મારું શરમાળપણું ઓછું થાય. હા, હું ખૂબ શરમાળ હતો અને લોકો સાથે હું હળુંમળું, વાતો કરતો થાઉં એવું વિચારીને મમ્મી મને ગરબા રમવા મોકલતી. મારો જન્મ મુંબઈમાં, પણ મારો ઉછેર અને સ્કૂલિંગ નવસારીમાં થયાં અને કૉલેજ માટે હું ફરી મુંબઈ આવ્યો. મારા સ્કૂલિંગ સમયે નવસારીમાં બહુ સરસ ગરબા થતા, વીસેક વર્ષ પહેલાંની વાત કરું છું. બહુ સરસ માહોલ બને. એ સમયે પણ અમારે ત્યાં કૉમ્પિટિશન થતી અને હું એ જીત્યો પણ છું. બેસ્ટ ગરબા ડાન્સરની મને ટ્રોફી અને પ્રાઇઝ મળ્યાં હતાં, જે આજે પણ મારી પાસે છે. અરે, એક મજાનો કિસ્સો યાદ આવ્યો, તમને કહું.
મારી એક બહુ જ સારી ફ્રેન્ડ બહુ સારા ગરબા રમે. એક વાર મને આવીને કહે કે આજે મારી સાથે કોઈ પાર્ટનર નથી અને મારે કપલ ગરબામાં પ્રાઇઝ જીતવું છે. મેં કહ્યું, ‘આપણે ક્યાં કપલ છીએ.’ તે કહે, ‘અરે એમાં કપલ એટલે બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ નહીં, પણ ભાઈ-બહેન કે મામા-ભાણેજ પણ ચાલે. બસ પૅર હોવી જોઈએ.’
સાચું કહું તો હું પ્રોફેશનલ ગરબા પ્લેયર ક્યારેય નહોતો. મારી પોતાની સ્ટાઇલ ખરી, પણ હું કોઈ ગરબા ક્લાસમાં ક્યારેય ગરબા શીખવા ગયો નહોતો. બસ, જોઈ-જોઈને શીખ્યો. હું અને મારી પેલી ફ્રેન્ડ અમે બન્ને સારું ડ્રેસઅપ કરીને ગ્રાઉન્ડ પર રમવા ગયાં. બન્યું એવું કે એ લોકો જે હાઇફાઇ સ્ટેપ રમતાં એ મૅચ કરવામાં મને કેટલીયે વાર વાગી. ૧૫ મિનિટ ટ્રાય કર્યા પછી મેં તેને કહી દીધું કે ભાઈ મારાથી તારી સ્ટાઇલ પ્રમાણે નહીં રમાય. તું તારી રીતે રમ અને મને મારી રીતે રમવા દે. તમે માનશો નહીં, પણ એ જ રીતે અમે રમ્યાં અને એને માટે અમને પ્રાઇઝ મળ્યું. જજનું કહેવું હતું કે આ કપલમાં કંઈક નવીનતા છે. મારાં સ્ટેપ્સ તેમને અનકૉમન લાગ્યાં અને એના આધારે અમારી પસંદગી થઈ. મને આ વાત જ્યારે યાદ આવે છે ત્યારે હસવું આવે જ આવે, પણ મહત્ત્વની વાત ઓરિજિનલિટીની છે. આજે પણ હું મારી એ ફ્રેન્ડને કહું કે ઓરિજિનલિટી હંમેશાં જીત સુધી લઈ જાય.
આ જ વાત મારે આજના ખેલૈયાઓને પણ કહેવી છે. તમે રમવાના શોખીન છો તો તમારી મોજ માટે રમો અને ઇનામને એમાં બાયપ્રોડક્ટ રહેવા દો. ઇનામ મળે કે ન મળે, પણ તમને ગરબા રમવાનો સંતોષ મળવો જોઈએ. જીતવા માટે નહીં, પણ જીવવા માટે રમો. ઘણી વાર તમારી ઓરિજિનલિટી તમને વધારે સારું પરિણામ આપી જતી હોય છે. મેં માત્ર ગરબામાં નહીં, મારા જીવનનાં દરેક પાસાંઓમાં આ વાતને ફૉલો કરી છે. ઓરિજિનલ રહેવાનું અને એમાં જે પણ તમે કરો એમાં જાતને નિખારતા જવાનું. જ્યારે તમે ઓરિજિનલ હો છો ત્યારે તમે તમારું ૧૦૦ ટકા આપી રહ્યા છો અને જ્યારે-જ્યારે તમે તમારા ૧૦૦ ટકા આપો છો ત્યારે તમારું કદ મોટું કરવાની જવાબદારી ઉપરવાળો સારી રીતે ઉપાડી લે છે.