આવતી કાલે બંગલાદેશનો વિજય દિવસ છે. આજથી ૫૩ વર્ષ પહેલાં ભારતની મદદથી પાકિસ્તાનથી સ્વતંત્ર દરજ્જો પામનારા બંગલાદેશમાં આજકાલ રાજકીય ઊથલપાથલો થઈ છે.
૧૯૭૧ની ૧૬ ડિસેમ્બરે બંગલાદેશ સ્વતંત્ર થયું એની યાદગાર ક્ષણ.
આવતી કાલે બંગલાદેશનો વિજય દિવસ છે. આજથી ૫૩ વર્ષ પહેલાં ભારતની મદદથી પાકિસ્તાનથી સ્વતંત્ર દરજ્જો પામનારા બંગલાદેશમાં આજકાલ રાજકીય ઊથલપાથલો થઈ છે. ચાર મહિના કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલો આ ભડકો કેમેય કરીને હજીયે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે જાણીએ પાડોશી દેશમાં ચાલી રહેલી રાજકીય હોળીની અસર ભારતને કઈ-કઈ રીતે પજવી રહી છે
આજકાલ કરતાં-કરતાં લગભગ ચાર મહિના થઈ ગયા, સામાજિક સિયાપ્પા વચ્ચે બંગલાદેશ સળગી રહ્યું છે, જેની આગ નહીં તોય ધુમાડો ભારત માટે પણ પરેશાની બની રહ્યો છે. રોહિંગ્યાઓની ગેરકાયદે ઘૂસણખોરી તો દુખાવો હતો જ. એમાં વળી સત્તાપલટો, સામાજિક દાવાનળ અને રોજ સવાર થતાં ભારત પર થઈ રહેલા ખરા-ખોટા આક્ષેપો. ટૂંકમાં કહીએ તો ઝઘડો બાજુના ઘરમાં વકર્યો છે, પણ ઊંઘ આપણા ઘરની હરામ થઈ રહી છે
ADVERTISEMENT
સપાટી પર દેખાતો વિવાદ શું છે?
વાસ્તવમાં શું થયું અને શા માટે આગ આટલી મોટી ફેલાઈ એ વિશે તો આપણે પછી વાત કરીશું, પણ એ પહેલાં જે ભડકો દેખાયો એ શું હતો એ જાણી લઈએ. વાત કંઈક એવી છે કે આપણા પાડોશી રાજ્ય (જેના જન્મદાતા આપણે જ છીએ) બંગલાદેશમાં ઘણા લાંબા સમયથી રિઝર્વેશનના કાયદા વિરુદ્ધ દેખાવો-રૅલીઓ વગેરે ચાલી રહી હતી. આ રિઝર્વેશન સિસ્ટમ એવી હતી કે દરેક સરકારી નોકરી અને હોદ્દાઓ માટે અલગ-અલગ ગ્રુપ્સ માટે કુલ ૫૬ ટકા રિઝર્વેશન ક્વોટા સરકાર દ્વારા રાખવામાં આવ્યો હતો. એમાં ૩૦ ટકા રિઝર્વેશન ૧૯૭૧ની આઝાદીની લડાઈમાં જે લડવૈયાઓ લડ્યા હતા તેમના વંશજો માટેનો હતો અને એને કારણે બીજા સામાન્ય અનેક યુવાનોને અન્યાય થઈ રહ્યો હતો. આને કારણે બેરોજગારીથી લઈને સત્તા પાર્ટી અવામી લીગના કાર્યકરોને પણ મોટો ફાયદો થઈ રહ્યો હોવાના આક્ષેપ થયા હતા. દેશભરમાં જબરદસ્ત વિરોધ થઈ રહ્યો હોવાને કારણે તત્કાલીન રાષ્ટ્રપતિ શેખ હસીનાએ ૨૦૧૮માં આખી રિઝર્વેશન સિસ્ટમ નાબૂદ કરી નાખી હતી, પણ જૂન ૨૦૨૪માં બંગલાદેશની હાઈ કોર્ટે એવું જજમેન્ટ આપ્યું કે રાષ્ટ્રપતિ હસીના દ્વારા લેવાયેલું રિઝર્વેશન-નાબૂદીનું પગલું ગેરકાનૂની છે.
હાઈ કોર્ટના આ જજમેન્ટ સાથે જ દેશઆખામાં ફરી દેખાવો અને વિરોધ-પ્રદર્શન શરૂ થઈ ગયાં. એવામાં જુલાઈમાં બંગલાદેશની સરકારે પેન્શન સ્કીમમાં નવા રિફૉર્મને મંજૂરી આપી દીધી. એ લાગુ થાય તો પ્રાધ્યાપકોના હાલના ટેક હોમ પગાર પણ ઘટી જવાના હતા. આ નવા પેન્શન રિફૉર્મે બળતામાં ઘી હોમ્યું. જે વિરોધ-પ્રદર્શન અત્યાર સુધી વિદ્યાર્થીઓ રિઝર્વેશન માટે કરતા હતા એમાં હવે અલગ-અલગ સંસ્થાના પ્રાધ્યાપકો પણ જોડાયા અને જોતજોતાંમાં ચળવળ આખા દેશમાં ફાટી નીકળી. ભૂલમાં કહો કે જાણીબૂજીને, પણ કૉફિનમાં છેલ્લો ખીલો ઠોકવાનું કામ પણ આખરે સત્તારૂઢ શેખ હસીનાએ જ કર્યું. વિરોધ કરી રહેલા લોકો માટે તેમણે નિવેદન આપ્યું કે આ બધા ‘રઝાકાર્સ’ છે! આ રઝાકાર્સ શબ્દ બંગલાદેશમાં આઝાદીની લડત દરમ્યાન પ્રો-પાકિસ્તાનીઓ માટે વપરાતો હતો. એને કારણે વિદ્યાર્થીઓમાં ગુસ્સો એવો ફાટ્યો કે ભડકેલી આગ સામાજિક દંગલોની સાથોસાથ રાજકારણ ક્ષેત્રે પણ મોટી સુનામી લઈ આવી. શેખ હસીનાએ ન માત્ર રાષ્ટ્રપતિપદેથી રાજીનામુ આપવું પડ્યું, તેમણે દેશ છોડીને ભાગવું પડ્યું! તેઓ ભારત પાસે શરણ માગતાં આવ્યાં અને ભારતે આપ્યું પણ ખરું.
બંગલાદેશમાં ફાટી નીકળેલી સામાજિક અને રાજકીય આગનું દેખીતું કારણ કેટલું સાચું કે ખોટું એ એક વિશ્લેષકની નજરે ન જુઓ ત્યાં સુધી સમજાય એમ નથી.
હિન્દુવિરોધી પ્રવૃત્તિઓથી ભડકે બળી રહેલું બંગલાદેશ.
ઇતિહાસના પડખે
આપણે જાણીએ છીએ કે ૧૯૪૭માં દેશને આઝાદી મળી ત્યારે સાથોસાથ વિભાજનનો ઘૃણાસ્પદ માર પણ આપણે ખાવો પડ્યો હતો. સ્વીકારીએ કે ન સ્વીકારીએ છતાં વિભાજન સાથે સંકળાયેલી વાસ્તવિકતા એ છે કે એ ધર્મના આધારે થયેલું વિભાજન હતું. મુસ્લિમોએ અલગ દેશની માગણી કરી અને પરિણામે બન્યું ભારત અને પાકિસ્તાન. આ નવો જન્મેલો દેશ પાકિસ્તાન એ સમયે ભૌગોલિક દૃષ્ટિએ બે ભાગમાં વહેંચાયેલો હતો. એક વેસ્ટ પાકિસ્તાન જે અત્યારે અસ્તિત્વ ટકાવી રાખવા માટે ડચકાં ખાઈ રહ્યો છે. બીજો હતો ઈસ્ટ પાકિસ્તાન, જે ૧૯૭૦-’૭૧માં મુસ્લિમો જ મુસ્લિમો પર જુલમ કરી રહ્યા હોવાની કડવી વાસ્તવિકતા વચ્ચે જીવન બચાવી લેવા માટે ડચકાં ખાઈ રહ્યો હતો.
ભારતે પહેલી વાર ઉદારતા દેખાડી ૧૯૪૭માં અને મુસ્લિમોને પોતાનો અલગ દેશ કરી આપ્યો. ત્યાર બાદ એક બાપની ફરજ હોય એ રીતે બીજી વાર પણ ઉદારતા દેખાડી ૧૯૭૧માં. જ્યારે ઈસ્ટ પાકિસ્તાનને વેસ્ટ પાકિસ્તાનની હેવાનિયતમાંથી છોડાવવાના પ્રયાસરૂપે યુદ્ધ કર્યું. ભારતની તાકાત અને બહાદુરી સામે વેસ્ટ પાકિસ્તાનની આર્મ્ડ ફોર્સ ઘૂંટણિયે પડી - સૉરી-સૉરી કહેતાં યુદ્ધવિરામ માટે આજીજી કરવા માંડી. ભારતે ફરી ત્રીજી વાર ઉદારતા દેખાડી અને પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ કરીને ભારતીય સેનાએ જેટલા પાકિસ્તાની સૈનિકોને બંદી બનાવ્યા હતા તેમને કોઈ પણ શરત વિના છોડી મૂક્યા. એટલું જ નહીં, બહાદુર ભારતીય સૈનિકોએ યુદ્ધ દરમ્યાન પાકિસ્તાનની જેટલી જમીન જીતી લીધી હતી એ કોઈ પણ શરત વિના પાછી આપી દીધી. આ રીતે ભારતની ઉદારી અને રહેમ-ઓ-કરમથી જન્મ થયો એક ત્રીજા નવા દેશનો જેનું નામ રાખવામાં આવ્યું બંગલાદેશ.
જન્મથી હમણાં સુધી
૧૯૭૧થી આજ સુધી બંગલાદેશનું રાજકારણ બે-ત્રણ મુખ્ય બાબતોથી પ્રભાવિત રહ્યું છે. એક ૭૧ની આઝાદી. બીજું, આર્મીનો રાજકારણમાં પ્રભાવ. ત્રીજું ભ્રષ્ટાચાર અને ચોથું આંતરરાષ્ટ્રીય તાકાતોનું પ્રભુત્વ.
બંગલાદેશમાં આજસુધી જેટલી પણ પૉલિટિકલ પાર્ટી બની છે એના નામી-અનામી, નાના-મોટા નેતાઓએ આઝાદીના સમયની વાતો કરતા રહીને પોતાના રાજકીય રોટલા શેક્યા છે. પેલું હિન્દી ફિલ્મ ‘રાજનીતિ’માં મનોજ બાજપાઈ કહે છેને કે ‘રાજનીતિ મેં મુર્દોં કો દફનાયા નહીં જાતા... તાકી ઝરૂરત પડને પર વો બોલે!’ બસ એવું જ કંઈક. બીજું, સરકાર અને હોદ્દેદારોમાં ભ્રષ્ટાચારનું પોતાના લાભ ખાતર સામાન્ય પ્રજાને રંજાડતા રહેવાનું વલણ. એમાંથી આર્મ્ડ ફોર્સ પણ બાકાત નથી. આર્મી સતત આ દેશના મહત્ત્વના નિર્ણયથી લઈને સત્તારૂઢ અને સત્તાપલટો બન્નેમાં મહત્ત્વના ખેલાડી તરીકે સક્રિય રહી છે. આ એક બાબતમાં પાકિસ્તાનમાં છે એવી જ પરિસ્થિતિ બંગલાદેશમાં પણ છે (આખરે તો બન્ને એકબીજાના ભાઈ ખરાને!) અને આ દખલઅંદાજી ત્યાં સુધીની રહી કે ૧૯૭૧માં બંગલાદેશ બન્યું એનાં ચાર જ વર્ષમાં ૧૯૭૫માં દેશના રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાને (શેખ હસીનાના પિતા) પોતે જ લોકશાહીનો અંત લાવી ઑટોક્રસીની શરૂઆત કરી અને ૭ મહિનામાં જ બંગલાદેશ આર્મીની એક ટુકડીએ તેમની હત્યા કરી નાખી અને દેશમાં સ્થપાયું મિલિટરી શાસન. દેશને ફરી જ્યારે લોકશાહી મળી ત્યારે મુજીબુર રહેમાનનાં દીકરી શેખ હસીના જ વડાં પ્રધાન બન્યાં, પણ આ બધાને કારણે દેશને એક મોટો ગેરફાયદો એ થયો કે એક દેશ તરીકે પોતાની પ્રજા માટે જે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ એ આર્થિક, સામાજિક, એજ્યુકેશનલ, ઇન્ડસ્ટ્રિયલ જેવી કોઈ વ્યવસ્થા ઊભી જ ન થઈ.
પરિણામ એ આવ્યું કે પ્રજામાં સતત એક અસંતોષની લાગણી આકાર લેતી રહી, જે ધીરે-ધીરે ફરિયાદમાં પરિણમી અને અપ્રોચ એવો રહ્યો કે ફરિયાદ કરે તેનો અવાજ બંધ કરી દો અથવા જેલમાં બેસાડી દો. શેખ હસીના પોતાના શાસનકાળ દરમ્યાન જાણે એ જ ભુલાવી બેઠાં કે સત્તાપક્ષની સાથે-સાથે વિપક્ષ જેવું પણ કંઈક હોય છે. તેઓ કોઈને સાંભળવા તૈયાર નહોતાં અને જો કોઈ અવાજ મોટો કરે તો જેલમાં પૂરી દેવામાં આવતા. એથી પેલો અસંતોષનો અગ્નિ શાંત થવાને બદલે અંદરોઅંદર વધુ ભડકતો રહ્યો.
નાનો દેશ, ગરીબી અને ભ્રષ્ટાચારનું ઊંચું પ્રમાણ. મોટા ભાગની દરેક સરકારનું દેશને આર્થિક દૃષ્ટિથી લઈને રોજગારીની તકો જેવા મૂળભૂત કાર્યક્રમો બાબતે ઉદાસી વલણ. એને કારણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહાકાય કહી શકાય એવા બધા દેશોએ બંગલાદેશમાં પોતાનો સ્વાર્થ અને ફાયદો શોધવા માંડ્યો. આર્થિક મદદની જરૂર તો કાયમ હોય જ. નાના બાળકને લૉલીપૉપ દેખાડીને કામ કરાવી લેવાની સ્ટ્રૅટેજી અમેરિકા, ચાઇના, પાકિસ્તાન કે ઈરાન જેવા દેશો વર્ષોથી આ દેશમાં કરતા રહ્યા.
બંગલાદેશના કેટલાક ટાપુઓ પર અમેરિકાની નજર.
જિયાપૉલિટિક્લ સેટબૅક
બ્રિટિશર્સ માત્ર ભારત પર જ રાજ કરીને ગયા હતા એવું નહોતું. બીજા વિશ્વયુદ્ધ પછી એશિયા ખંડના ઘણા દેશો હતા જે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા હતા. આપણી આસપાસની વાત કરીએ તો પાકિસ્તાન, બંગલાદેશ, શ્રીલંકા; પણ આંતરરાષ્ટ્રીય રાજકારણની દૃષ્ટિએ આ બધામાં એક મોટો પૉલિટિકલ સેટબૅક જોવા મળે છે. આ બધા પાડોશી દેશોની સરખામણીએ એકમાત્ર ભારત જ એવો દેશ છે જે આટલાં વર્ષો સુધી લોકશાહી ટકાવી શક્યો અને ધીરે-ધીરે વિકાસ કરતો રહ્યો. જ્યારે પાકિસ્તાન, બંગલાદેશ કે શ્રીલંકાની પરિસ્થિતિ જોઈએ તો ખ્યાલ આવે કે આ વર્ષો દરમ્યાન તેઓ મૂળભૂત ડેવલપમેન્ટ કે સ્વતંત્રતા મેળવી શક્યા નહીં. ભણતર, રોજગારી, ઉત્પાદન, ખેતી, આર્થિક ક્ષેત્ર વગેરે જેવાં પગલાં કે વિકાસનાં પગથિયાં છે જે મજબૂત બનાવવામાં નહીં આવે તો કોઈ પણ દેશ ટકી ન શકે. બંગલાદેશમાં પણ આ મુશ્કેલી વર્ષોથી રહી છે.
રિઝર્વેશન ક્વોટાની લડાઈ હિન્દુ જેનોસાઇડમાં કઈ રીતે પરિવર્તિત થઈ
વાસ્તવમાં આ સમસ્યા વેસ્ટ પાકિસ્તાન અને ઈસ્ટ પાકિસ્તાન હતું ત્યારથી રહી છે. હાલમાં માત્ર બંગલાદેશની વાત કરીએ તો ૧૯૭૧માં વેસ્ટ પાકિસ્તાન આર્મી દ્વારા જેનોસાઇડનું ઘૃણાસ્પદ કૃત્ય આચરવામાં આવ્યું હતું અને ત્યારે એમાં માત્ર હિન્દુઓ જ હતા એવું નહોતું. મૂળ આશય હતો બંગાળી ઇન્ટેલેક્ચ્યુઅલ્સને ખતમ કરવાનો, પછી એ હિન્દુ હોય કે મુસ્લિમ. કારણ કે બંગાળી ઇન્ટેલેક્ચ્યુઅલ લીડર્સ એવા હતા જેઓ ઈસ્ટ પાકિસ્તાનમાં લીડરશિપ માટેનો સારો વિકલ્પ બની શકે એમ હતા. જો એમ થાય તો વેસ્ટ પાકિસ્તાન અને એની આર્મીનો પ્રભાવ નબળો પડે. હવે થયું એવું કે શેખ હસીનાના પિતા ૧૯૭૧ની વિદ્રોહ ચળવળના મોટા લીડર હતા. તેમણે એક સેક્યુલર દેશની વિભાવના સાથે વિરોધ શરૂ કર્યો હતો. તેમની ‘સેક્યુલરિઝમ’ની વ્યાખ્યામાં (એ સમયે) હિન્દુ-મુસ્લિમ બન્ને આવતા હતા, પરંતુ સેક્યુલરિઝમના એ વિકલ્પ પર ઇસ્લામિક એક્સ્ટ્રીમિઝમની આઇડિયોલૉજી સતત હાવી થતી રહી અને બંગાળી ઇન્ટેલેક્ચ્યુઅલ્સને ખતમ કરવાના આશયથી શરૂ થયેલો એ આતંક ધીરે-ધીરે માત્ર હિન્દુઓ માટેનો થઈને રહી ગયો.
૧૯૭૧થી જ બંગલાદેશ અને પાકિસ્તાન બન્ને દેશોમાં હિન્દુઓ સાથે અમાનવીય વ્યવહારથી લઈને જેનોસાઇડ સુધીની પ્રક્રિયા થતી રહી. એની પાછળનાં કારણોમાં એક તો મુસ્લિમ દેશમાં હિન્દુઓની વસ્તી જ ન રહેવી જોઈએ એવી ઇસ્લામિક આઇડિયોલૉજી. બીજું, જેટલા હિન્દુઓ હતા તેઓમાંના મોટા ભાગના ભણેલા-ગણેલા, ધંધા-વેપારમાં સ્થાયી હતા, એથી સ્વાભાવિક છે કે આર્થિક દૃષ્ટિએ પણ તેઓ સધ્ધર હતા. આ બાબતો એવી હતી જે બાકીની મૅજોરિટી અભણ અને ગરીબ પ્રજામાં ઇન્ફિરિયારિટી કૉમ્પ્લેક્સ ઊભો કરતી હતી. વળી ભણેલા-ગણેલા, હોશિયાર અને સધ્ધર લોકો સરકારને ઇન્ફ્લુઅન્સ કરશે એવો ડર તેમને સતાવી રહ્યો હતો.
તો પ્રશ્ન થાય કે બંગલાદેશમાં આ રીતે બે છેવાડાનાં સામાજિક અંતર સર્જાયાં કઈ રીતે? એક ઇલાઇટ ક્લાસ અને બીજો ગરીબ વર્ગ. વાસ્તવમાં પાકિસ્તાન બન્યું ત્યારથી જ ઈસ્ટ પાકિસ્તાન મૂલતઃ બંગાળમાંથી છૂટું પડ્યું હતું એથી ત્યાં મહદંશની પ્રજાની રોજિંદી ભાષા અને બોલી બંગાળી હતી, જ્યારે વેસ્ટ પાકિસ્તાનમાં ઉર્દૂનું સામ્રાજ્ય વધ્યું. હવે વેસ્ટ પાકિસ્તાનને એ મંજૂર નહોતું કે ઈસ્ટ પાકિસ્તાનમાં ઉર્દૂ નહીં, પણ બંગાળી ભાષાનું પ્રભુત્વ રહે. એથી તેમણે સૌથી પહેલાં બંગાળી ઇન્ટેલેક્ચ્યુઅલ્સ પર બળજબરી શરૂ કરી, જેમાં ઈસ્ટ પાકિસ્તાનનો એક વર્ગ એવો હતો જે વેસ્ટ પાકિસ્તાન જેવી જ વિચારશરણી ધરાવતો હતો. એવા સ્પેસિફિક વર્ગ માટે જ એ સમયે શબ્દ પ્રચલિત થયો હતો ‘રઝાકાર્સ!’ આ જુલમ ધીરે-ધીરે ભાષા પરથી હટીને ભાષા જ્યાંથી જન્મી છે ત્યાં એટલે કે બંગાળી હિન્દુઓ પર શરૂ થઈ ગયો.
પણ આ બધી હકીકતનું હમણાં શું? તો રિઝર્વેશનના વિરોધમાં ભડકેલી આગ હિન્દુ જેનોસાઇડમાં કઈ રીતે પરિવર્તિત થઈ એનું સાચું સ્વરૂપ આ ભડકેલી આગના વર્તમાન સ્વરૂપ પરથી મળે છે. દાખલા તરીકે, શેખ મુજીબુરનું એ ઘર જે મ્યુઝિયમ તરીકે આકાર લઈ ચૂક્યું હતું, બંગલાદેશની આઝાદીનાં અનેક મૉન્યુમેન્ટ્સ હતાં એ વર્ષો પછી હમણાંનાં હુલ્લડોમાં તોડી પાડવામાં આવ્યાં. ત્યાર બાદ પાકિસ્તાન આર્મીના સરેન્ડરની, ભારતની જીતની અને બંગલાદેશના જન્મની કહાણી કહેતાં જે સ્ટૅચ્યુ બનાવવામાં આવ્યાં હતાં એ પણ તોડી પાડવામાં આવ્યાં. આ બધું જ કંઈક ઇશારો એ તરફ કરી રહ્યું છે કે આ તોફાનો ખરેખર રઝાકાર્સ, પ્રો-પાકિસ્તાન વિચારધારા ધરાવનારા અને બાહરી શક્તિઓ દ્વારા સ્પૉન્સર્ડ હોય. શું ખરેખર એ લોકોની કે પાકિસ્તાનની એટલી તાકાત કે આર્થિક પરિસ્થિતિ છે કે બંગલાદેશમાં આવાં તોફાન દ્વારા અસ્થિરતાનો માહોલ સર્જી શકે?
હવે આ સમય પહેલાંનો થોડો આગળનો ભૂતકાળ યાદ કરાવીએ. આ એ જ અમેરિકા છે અને એ જ બાઇડન છે જેમણે થોડા સમય પહેલાં બંગલાદેશ પર એમ કહેતાં સેન્શન્સ નાખ્યાં હતાં કે બંગલાદેશમાં લોકશાહીનું હનન થઈ રહ્યું છે. અર્થાત્, અમેરિકાને શેખ હસીનાના નેતૃત્વ સામે પહેલેથી જ વાંધો હતો, પરંતુ યુનુસ તેમનો માનીતો લીડર હોવાથી કોઈ વાંધો નહોતો. આ જ અમેરિકાએ યુનુસને અવૉર્ડ્સ પણ આપ્યા અને યુનુસે અમેરિકામાં રહીને અમેરિકા માટે કામ પણ કર્યું. ૨૦૦૯માં પ્રેસિડેન્શિયલ મેડલ ઑફ ફ્રીડમ અને ૨૦૧૦માં કૉન્ગ્રેસનલ ગોલ્ડ મેડલ. આ બધું ઇશારો તો કંઈક ત્યાં સુધી કરી રહ્યું છે કે બંગલાદેશમાં હુલ્લડ કરાવીને સત્તાપલટાનો મોટો દાવ પણ અમેરિકા જ ખેલ્યું છે અને યુનુસના રૂપમાં પોતાની કઠપૂતળીને બેસાડી દીધી છે.
સંભાવનાઓનું આ બજાર માત્ર બાઇડન અને યુનુસ મળવાને કારણે કે અમેરિકાએ પહેરાવેલા અવૉર્ડ્સને કારણે જ ગરમ નથી. એ સિવાયનું પણ કારણ છે અને એના છેડા ક્યાંક અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન સાથે જોડાયેલા છે. ક્લિન્ટન જ્યારે ગવર્નર હતા ત્યારે યુનુસની ગ્રામીણ બૅન્કથી અત્યંત પ્રભાવિત હતા. ત્યાર બાદ ક્લિન્ટન રાષ્ટ્રપતિ બન્યા ત્યારે યુનુસે ક્લિન્ટન સાથે અને ક્લિન્ટને યુનુસ સાથે આ સબંધ ઑર વધુ ગહેરો કર્યો.
અચ્છા એથીય થોડા પાછળ જઈએ તો અમેરિકાને બંગલાદેશ સાથે પહેલેથી સારા સબંધ હતા એવું નથી. એથી સાવ ઊલટું, અમેરિકાને બંગલાદેશ દિઠ્ઠુંય ગમતું નહોતું. ૧૯૭૧માં જ્યારે બંગલાદેશ પાકિસ્તાનથી અલગ થઈ રહ્યું હતું ત્યારે અમેરિકાને પાકિસ્તાન સાથે દોસ્તીના સંબંધ હતા એટલે એણે બંગલાદેશને આઝાદીની લડાઈ લડતાં રોકવાનો પ્રયત્ન કર્યો અને સાથે જ ભારત પર દબાણ પણ નાખ્યું કે એ બંગલાદેશને મદદ ન કરે. એટલું જ નહીં, ૧૯૭૨-’૭૩ સુધી તો અમેરિકા બંગલાદેશને એક સ્વતંત્ર દેશ તરીકે સ્વીકારવા પણ તૈયાર નહોતું.
આટલી વાત પછી ફરી ક્લિન્ટન-મોહમ્મદ યુનુસ પર આવીએ. બંગલાદેશના અસ્તિત્વમાં આવ્યા બાદ આટલાં વર્ષોમાં માત્ર એક જ અમેરિકન રાષ્ટ્રપતિ બંગલાદેશની મુલાકાતે આવ્યા છે અને એ હતા બિલ ક્લિન્ટન. જોકે એ સમયે શેખ હસીના સાથે મોહમ્મદ યુનુસ પણ ક્લિન્ટનને કંપની આપી રહ્યા હતા. ત્યાર બાદ અમેરિકાના કોઈ પદાધિકારી બંગલાદેશ નથી આવ્યા કે બંગલાદેશના કોઈ નેતા અમેરિકા નથી ગયા.
રાજકારણ અહીંથી શરૂ થાય છે
આજ પહેલાં અમેરિકાના સંબંધ બંગલાદેશ સાથે સારા નથી જ રહ્યા. ઇન ફૅક્ટ વૉશિંગ્ટનના પ્રાયોરિટી-લિસ્ટમાં પણ ક્યાંય બંગલાદેશ કે ઢાકા આજ સુધી નહોતું તો પછી રાતોરાત એવું તે શું બદલાઈ ગયું કે અમેરિકાને અચાનક એમાં રસ જાગ્યો? વાત કંઈક એવી છે કે યુક્રેનવાળા આખા બખડજંતર બાદ રશિયાને આંતરરાષ્ટ્રીય પ્લૅટફૉર્મ પર એકલું પાડી દેવામાં ઘણા અંશે સફળ રહ્યા એવું અમેરિકાને લાગે છે. હવે અમેરિકાના નાકમાં દમ કરી શકે એવો બીજો કોઈ દેશ હોય તો એ છે ચાઇના અને ભારત. કારણ કે ભારત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એ જોતાં એણે ગમે એ રીતે રોકાવું પડે એવું અમેરિકાને લાગવા માંડ્યું છે, પણ એકંદરે આપણી સાથે સારા સંબંધ હોવાથી સીધાં પગલાં અમેરિકા લઈ શકે એમ નથી. હવે ચાઇનાને ટ્રેડ વૉર, સોશ્યલ વૉર, ઇકૉનૉમિક વૉર કે ફિઝિકલ વૉર કોઈ પણ દૃષ્ટિએ ઘૂંટણિયે લાવવું હોય તો એ માટેની તમામ સ્ટ્રૅટેજીમાં સૌથી મહત્ત્વની કોઈ ઍસેટ હોય તો એ છે ઇન્ડિયન ઓશન! અને બંગલાદેશ પાસે ઇન્ડિયન ઓશનની ૫૮૦ કિલોમીટર લાંબી કોસ્ટલ લાઇન છે, એટલું જ નહીં, એની પાસે ૧૫૦ જેટલા આઇલૅન્ડ્સ પણ છે અને જ્યૉગ્રાફિકલી ઢાકા ચાઇનાની ખૂબ નજીક છે. આ બધું કોઈ ધારણાને આધારે નથી કહી રહ્યા. બંગલાદેશ પર આટલાં વર્ષો રાજ કરી ચૂકેલાં શેખ હસીનાનું કહેવું છે કે અમેરિકા વર્ષોથી બંગલાદેશના આઇલૅન્ડ પર કબજો મેળવવા માગે છે, કારણ કે એને મિલિટરી બેઝ બનાવવો છે.
એથી વિશેષ આ સંભાવનાઓની સાબિતી બીજી કઈ હોઈ શકે કે મોહમ્મદ યુનુસે બંગલાદેશના કૅરટેકર તરીકે કાર્યભાર સંભાળ્યો કે તરત અમેરિકન ડેલિગેટ બંગલાદેશની મુલાકાતે આવ્યું. એટલું જ નહીં, ડેલિગેટ પાછું ગયું એ પહેલાં ૨૦૦ મિલ્યન ડૉલરની બંગલાદેશને મદદની પણ જાહેરાત કરતું ગયું! આજ પહેલાં અમેરિકા તરફથી સંબંધ કે મદદના નામે એક કાણો રૂપિયોય બંગલાદેશને મળ્યો નહોતો ત્યાં અમેરિકાના ડેલિગેટની રાતોરાત વિઝિટ નક્કી થઈ ગઈ અને ૨૦૦ મિલ્યન ડૉલરની મદદ પણ જાહેર થઈ ગઈ. બીજી મજાની વાત જુઓ, અમેરિકાએ શેખ હસીના પર આક્ષેપ કર્યા કે તેઓ લોકશાહીનું હનન કરી રહ્યાં છે. યુનુસને બાઇડન મળ્યા પછી પોસ્ટ અને સ્ટેટમેન્ટ્સમાં એ બધું જ કહે છે કે લોકશાહીની વૅલ્યુઝ મેળવીશું, લોકોથી લોકો સુધીનું મજબૂત બૉન્ડિંગ મેળવીશું, પરંતુ ચૂંટણીનું શું? યુનુસ કે બાઇડન બેમાંથી કોઈ ચૂંટણી વિશે એકેય શબ્દ નથી બોલતા. શા માટે? કારણ કે હંગામી લીડર અને કૅરટેકર તરીકે આરૂઢ થયેલા યુનુસને ઢાકામાં હવે પોતાની પર્મનેન્ટ ખુરસી દેખાય છે અને અમેરિકાને યુનુસમાં પર્મનેન્ટ પપેટ!
હજી આથીય વધુ મોટી વાત જુઓ. જે બંગલાદેશ પાકિસ્તાનના ત્રાસથી છૂટવા ભારતની મદદ લઈ આઝાદી માટે લડ્યો હતો એ જ બંગલાદેશનો કૅરટેકર
નૉન-ઇલેક્ટેડ લીડર ન્યુ યૉર્કમાં (અમેરિકાની ધરતી પર) પાકિસ્તાનના વડા પ્રધાનને મળ્યો. મજાની વાત એ કે ‘ખાવાનાં ઠેકાણાં નથી અને ફૅશન કરવી છે મોંઘામૂલી!’ યુનુસનું કહેવું છે કે બંગલાદેશની પાકિસ્તાન સાથે ન્યુક્લિયર ટ્રીટી થવી જોઈએ. અર્થાત્, જરૂર જણાય ત્યારે બંગલાદેશ પણ પાકિસ્તાનનાં ન્યુક્લિયર વેપન્સ વાપરી શકે. અમેરિકાને ચાઇનાનું નાક દબાવવા માટે બંગલાદેશી કઠપૂતળીની જરૂર છે, તો પાકિસ્તાન માટે બંગલાદેશ ભારત વિરુદ્ધના કાવતરાનો સહુલિયતભર્યો માર્ગ છે.
હજી બીજી એક વાત, બંગલાદેશના સર્જન પછી આજસુધી ક્યારેય મોહમ્મદઅલી જિન્નાહનો જન્મોત્સવ કે મૃત્યુતિથિની નોંધ સુધ્ધાં એ દેશમાં લેવાઈ નથી, પણ આ વર્ષે? ઢાકામાં મોહમ્મદઅલી જિન્નાહની ડેથ-ઍનિવર્સરી પણ ઊજવવામાં આવી. આટલું ઓછું હોય એમ, આ જ મોહમ્મદ યુનુસ ઇસ્લામિક રેડિકલ ગ્રુપ હિફાઝત-એ-ઇસ્લામના લીડર મામુનુલ હકને પણ ઉમળકાભેર મળ્યા, લાંબી-લાંબી મીટિંગ કરી (આ ગ્રુપ ભારત વિરોધી નિવેદનો કરવા માટે જાણીતું છે).
ભારત પર બોજ આવશે?
૧૯૭૧માં જ્યારે ભારત ભલાઈ કરવાના અભરખા સાથે ઈસ્ટ પાકિસ્તાનની મદદે પહોંચ્યું હતું ત્યારે પોસ્ટવૉર આર્થિક-સામાજિક રીતે એક મોટી ચુનૌતીનો સામનો કરવો પડ્યો હતો, રેફ્યુજી ક્રાઇસિસ! આજે ફરી એવી પરિસ્થિતિ છે કે ભારત પર રેફ્યુજીનો એક મોટો બોજ સર્જાઈ શકે. તમે નહીં માનો, પણ જો ભારત પર હવે આ બોજ આવ્યો તો સામાજિક અસમાનતાનો મોટો ભય ઊભો થશે. સાથે જ જો બંગલાદેશી રેફ્યુજી ક્રાઇસિસના ૧૯૭૧ના આંકડાને સૂચકઆંક તરીકે ગણીએ તો હાલના સમયે ભારત પર પ્રતિ વર્ષ ૭૦૦ મિલ્યન ડૉલર કરતાં વધુનો બોજ ઊભો થશે. બીજું, બંગાળ જ્યાં હવે હિન્દુઓની વસ્તી માયનૉરિટીમાં જઈ રહી છે ત્યાં અને બાકીનાં પાડોશી રાજ્યોમાં રોહિંગ્યા મુસ્લિમોની વસ્તી એટલી ઝડપે વધશે કે આજે જે હાલત બંગલાદેશની છે એ થોડાં વર્ષોમાં બંગાળ કે આસપાસનાં રાજ્યોમાં પણ થઈ શકે.
બહુ ઓછી શક્યતા છે કે ૧૯૭૧માં જે જનરલ રેફ્યુજી ક્રાઇસિસ સર્જાઈ હતી એવી ક્રાઇસિસ હવે જોવા મળે, પરંતુ માયનૉરિટી એટલે કે બંગલાદેશમાં પીડિત હિન્દુઓને દેશમાં શરણ આપવા માટેના વિકલ્પ માટે કદાચ સરકારે વિચારવું પડે અને જો એમ બને તો સરકારે સૌથી પહેલાં દેશને એ બે કાયદા માટે સમજાવવું પડશે જેને હમણાં સુધી સમાજનો એક ચોક્કસ વર્ગ ‘હિન્દુ એક્સ્ટ્રીમિસ્ટ લૉ’ કે ‘મુસ્લિમ વિરોધી કાયદા’ તરીકે સાબિત કરતો રહ્યો છે, કારણ કે બંગલાદેશના કિસ્સામાં મુસ્લિમ પ્રતાડિત હોવાનો કોઈ પ્રશ્ન જ નથી. પરિસ્થિતિ હિન્દુઓની દયનીય છે અને એ લોકોને મદદની જરૂર છે એ નિર્વિવાદ સત્ય છે.
સામાજિક અસહિષ્ણુતા અને આર્થિક ફટકો
ચાર મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલો આ ભડકો કેમેય કરીને હજીય શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હેવાનિયતની હદ પાર કરી ચૂકેલા બંગલાદેશીઓ ન માત્ર મંદિરો તોડી રહ્યાં છે, માયનૉરિટીમાં જીવતા હિન્દુઓની કત્લેઆમ પણ કરી રહ્યા છે. હિન્દુઓ પોતાનો જીવ બચાવી ક્યાંય ભાગી પણ ન શકે એવી દયનીય હાલતમાં બંગલાદેશમાં ફસાયેલા છે. અહેસાન ફરામોશ દેશની નગુણી પ્રજા એ પણ ભૂલી ગઈ છે કે એ ભારત જ હતું જેણે તેમને અલગ દેશનું અસ્તિત્વ અપાવ્યું હતું અને એ જ ભારત વિરુદ્ધ હમણાં જબરદસ્ત નારાબાજી અને પ્રદર્શન કરી રહ્યા છે. ભારત સાથે એક તરફ દોસ્તીના સંબંધ જાળવી રાખવાનું કહેતા મોહમ્મદ યુનુસ બીજી તરફ ચારેકોર ડ્રોન પણ સ્થિત કરી રહ્યા છે.
આ બધા સાથે બંગલાદેશને પોતાને એ પણ ખ્યાલ નથી કે એનું પોતાનું જ કેટલું નુકસાન થઈ રહ્યું છે. ટેક્સટાઇલ ક્ષેત્રે માતબર ઇન્ડસ્ટ્રી ધરાવતા બંગલાદેશનું ૮૦ ટકા પ્રોડક્શન એક્સપોર્ટ થાય છે. હાલમાં એનું બધું જ એક્સપોર્ટ ઠપ પડ્યું છે જેને કારણે મેક્રોઇકૉનૉમિક સ્ટૅબિલિટી જોખમાય એવી પરિસ્થિતિ છે. ચિત્તાગોંગ બંગલાદેશનું પોર્ટ સિટી જ નહીં, બિઝનેસ હબ પણ છે જે હમણાં સંપૂર્ણપણે બંધ છે. કારણ કે પ્રજા દંગા-ફસાદમાં બિઝી છે. અંદાજે ૭૦૦ જેટલી ગાર્મેન્ટ ફૅક્ટરી ધરાવતા ચિત્તાગોંગમાં મોટા ભાગના બિઝનેસમેન માયનૉરિટી વસ્તીવાળા હિન્દુ છે, પણ બંગલાદેશને તો હમણાં બિઝનેસ નહીં, માયનૉરિટીને મારવામાં રસ છે. બીજી તરફ દેશની કૅપિટલ ઢાકામાં લેબર ક્રાઇસિસથી લઈને પૉલિટિકલ દંગાઓ હવે સામાજિક ભડકાનું રૂપ લઈને બેઠા છે. આ બધા નુકસાનની ભરપાઈ બંગલાદેશ કેવી રીતે કરશે અને કેટલાં વર્ષે કરશે, કરી પણ શકશે કે નહીં એ એક મોટો પ્રશ્ન છે. એક મોટી સંભાવના એ છે કે વિશ્વના અનેક દેશોને બંગલાદેશ આ નુકસાન ભરપાઈ કરી શકે એમાં રસ જ ન હોય. ગરીબ વધુ ગરીબ બને, ભિખારી બને અને કાયમ અમારે દરવાજે ભીખનો કટોરો લઈને ઊભો રહે તો જ તેની પાસે ધાર્યું કામ કરાવી શકીશું! શક્યતા ખરી કે કોઈકની આવી મન્શા પણ હમણાં પૂર્ણ થઈ રહી હોય.
મોહમ્મદ યુનુસ ખરેખર કૅરટેકર કે કઠપૂતળી?
એક સમયે બંગલાદેશનો ગુનેગાર જેને જેલવાસની સજા ફરમાવવામાં આવી હતી તે આજે હવે ઇન્ટરિમ લીડર તરીકે દેશ સંભાળી રહ્યો છે. મોહમ્મદ યુનુસ ખરેખર કૅરટેકર તરીકે ઇન્ટરિમ લીડર છે કે ભવિષ્યમાં એ જ કાયમી લીડર તરીકે સત્તા પચાવી પાડશે?
૨૦૦૬માં માઇક્રો ફાઇનૅન્સ ક્ષેત્રે નોંધનીય કાર્ય કરવા બદલ યુનુસને નોબેલ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. ૧૯૮૩માં તેમણે ગ્રામીણ બૅન્કની સ્થાપના કરીને પોતાની જાતિના ગરીબ લોકોને લોન આપવાની શરૂઆત કરી હતી. તત્કાલીન વડાં પ્રધાન શેખ હસીના અનેક વાર નિવેદનોમાં કહેતાં રહ્યાં કે મોહમ્મદ યુનુસ વાસ્તવમાં ગરીબોની મદદ કરનારા નહીં, તેમનું લોહી ચૂસનારા છે. સમાજસેવાનું કાર્ય કરતા યુનુસને ૨૦૦૭માં અચાનક રાજકારણમાં રસ જાગ્યો અને શરૂ થઈ ૨૦૨૪ સુધી અનેક ઘટનાઓની એક લાંબી સાંકળ, જેના છેડા ક્યાંક હાલની પરિસ્થિતિ સાથે જોડાયેલા છે.
બંગલાદેશમાં ચૂંટણીનો સમય નજીક આવતાં યુનુસે પોતાની એક પૉલિટિકલ પાર્ટી સ્થાપી, રાજકારણમાં સક્રિય ભાગ લીધોે, પરંતુ પરિણામ ફરી શેખ હસીનાના પક્ષે આવ્યું. ત્યાર બાદ ૨૦૧૧માં બંગલાદેશની સરકારને હસ્તક સેન્ટ્રલ બૅન્ક યુનુસને ગ્રામીણ બૅન્કના મૅનેજિંગ ડિરેક્ટરના પદ પરથી હટાવી દે છે, કારણ કે તે રિટાયરમેન્ટની મેન્ડેટરી ઉંમર પાર કરી ચૂક્યા છે. એ ઘટના પછી યુનુસના કિસ્સામાં બંગલાદેશનું રાજકારણ જબરદસ્ત ગરમી પકડે છે. યુનુસના આટલા વર્ષનાં કારસ્તાન એક પછી એક બહાર આવવાનું શરૂ થાય છે. પહેલાં ફૂડ સેફ્ટીના નામે ચલાવેલી ગોબાચારી વિરુદ્ધ બદનક્ષીનો દાવો. ત્યાર બાદ વર્ષો સુધી કરેલી ટૅક્સની ચોરી બાબતે અનેક કેસ. આ બધું તો ખરું, સાથે ૨૦૨૪ના જાન્યુઆરીમાં બંગલાદેશની કોર્ટે યુનુસને લેબર લૉ વાયોલેશન માટે ૬ મહિનાની સજાનો પણ આદેશ ફરમાવ્યો. એ સિવાય હુલ્લડ પહેલાંના સમયની વાત કરીએ તો યુનુસ પર અંદાજે ૧૦૦ કરતાં વધુ ગુનાઓ માટે આરોપ ઘડવામાં આવ્યા હતા.
બંગલાદેશની ઢાકા યુનિવર્સિટીમાં ભણેલા યુનુસ સ્કૉલરશિપ પર ઇકૉનૉમિક્સ ભણવા માટે અમેરિકા ગયા. ૧૯૬૯માં અમેરિકાથી PhDની ડિગ્રી મેળવી ચૂકેલા મોહમ્મદ યુનુસને સમજવા માટે તેમનો ભૂતકાળ જોવો પડે. યુનાઇટેડ નેશન્સની જનરલ ઍસેમ્બલી મીટિંગને દરકિનાર કરી અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન યુનુસને મળવા પહોંચી ગયા, એટલું જ નહીં, ગરમાહટપૂર્વક ભેટી પડતાં તેમણે કહ્યું કે ‘અમેરિકાનો પૂરેપૂરો સપોર્ટ મોહમ્મદ યુનુસને અને બંગલાદેશને મળશે.’