Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > રૂંવાડાં ઊભાં કરી દે, બોલતી બંધ કરે એવો દસ્તાવેજ સંગ્રહ

રૂંવાડાં ઊભાં કરી દે, બોલતી બંધ કરે એવો દસ્તાવેજ સંગ્રહ

Published : 19 October, 2022 03:36 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

પત્રકાર અવિરુક સેને લખેલી ‘આરુષી’ વાંચનારો ખરેખર દેશની પોલીસ વિશે વિચાર કરતો થઈ જાય અને મંથન કરતો થઈ જાય કે એ ટીનેજર છોકરીનું મર્ડર જો તેના પેરન્ટ્સે નથી કર્યું તો પછી આરોપી છે કોણ?

પત્રકાર અવિરુક સેને લખેલી ‘આરુષી’

બુક ટૉક

પત્રકાર અવિરુક સેને લખેલી ‘આરુષી’


અનબિલીવેબલ અને ખરા અર્થમાં શૉકિંગ કહેવાય એવી જ એ ઘટના હતી. એક વહેલી સવારે નોએડાની જલવાયુ વિહાર સોસાયટીમાંથી આરુષી તલવારની લાશ મળે છે અને હત્યાની તપાસ શરૂ થાય છે. યુપી પોલીસ એક જ ઝાટકે એવા તારણ પર પહોંચે છે કે ઘરમાં કામ કરતા હેમરાજ નામના નોકરે બદઇરાદે આરુષી પર હાથ મૂક્યો પણ આરુષી તાબે ન થઈ એટલે હેમરાજ હત્યા કરીને નાસી છૂટ્યો. બે કલાકમાં આ થિયરી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જ વહેતી કરવામાં આવે છે અને હેમરાજની શોધ શરૂ થાય છે. ચોવીસ કલાક પછી આ જ પોલીસને, એ જ બિલ્ડિંગની ટેરેસ પરથી હેમરાજની લાશ મળે છે એટલે નવી થિયરી સામે આવે છે. ૧૪ વર્ષની આરુષી અને ૪૦ વર્ષની હેમરાજ વચ્ચે અફેર હતું. બનાવની રાતે આરુષી અને હેમરાજને કઢંગી હાલતમાં ડૉક્ટર પેરન્ટ્સ જોઈ ગયા એટલે તેમની હત્યા કરવામાં આવી અને થિયરી એવી ઊભી કરી કે દેખીતી રીતે હેમરાજ પર આરોપ આવે. પોલીસ હવે આરુષીના પપ્પા ડૉ. રાજેશ તલવાર અને મમ્મી ડૉ. નૂપુર તલવારની અરેસ્ટ કરે છે અને ફરીથી ન્યુઝ ચૅનલો પર દેકારો મચી જાય છે. રાજેશ-નૂપુરનું છૂટવું, ફરી પકડવાનું, ફરી છૂટવું અને ફરી પકડાઈને તેમના પર હત્યાના આરોપ સાથે કેસ ચાલવો. આ કેસની સજા ભોગવતી વખતે પણ રાજેશ-નૂપુર એક જ વાત કહે છે કે અમે અમારી દીકરીની હત્યા નથી કરી અને એ પછી પણ અમે જેલ ભોગવી!


ભારતના છેલ્લા બે દશકનો સૌથી ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ એવા આ આરુષી-હેમરાજ ડબલ મર્ડર કેસ પર જાણીતા પત્રકાર અવિરુક સેને ‘આરુષી’ નામની ડૉક્યુ-નૉવેલ લખી છે, જે રૂંવાડાં ઊભાં કરી દે છે અને વાંચ્યા પછી ખરા અર્થમાં બોલતી બંધ કરી દે છે. ‘આરુષી’ માટે અવિરુક સેને રીતસર દોડધામ કરી હતી. ઑલમોસ્ટ દસ હજાર ડૉક્યુમેન્ટ અને બસોથી વધારે લોકોને મળીને તૈયારી થયેલી આ ડૉક્યુ-ડ્રામા માટે દેશના જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઈ ઑલરેડી એવું સ્ટેટમેન્ટ કરી ચૂક્યા છે કે આ પુસ્તકને ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમના અભ્યાસક્રમમાં સામેલ કરવું જોઈએ. ગર્વની વાત એ છે કે આ આખા પુસ્તકમાં ક્યાંય અવિરુક સેને વ્યક્તિગત રીતે કોઈનું સ્ટૅન્ડ લીધું નથી અને એ પછી પણ તમારી આંખ સામે દરેકેદરેક વાસ્તવિક પાત્રોનું જજમેન્ટ ચાલતું રહે છે.



પપ્પા-મમ્મી છે નિર્દોષ | ઇન્વેસ્ટિગેશન અને મળેલા પ્રૂફના આધારે અવિરુક સેન કહે છે કે પોલીસ અને પછી સીબીઆઇએ માત્ર પોતાની થિયરી સાચી પુરવાર કરવાના હેતુથી જ આરુષીનાં મમ્મી-પપ્પાને આરોપી સાબિત કર્યાં છે. અવિરુક કહે છે, ‘પોલીસ સામે પાંચ શંકાસ્પદ હતાં અને એ પાંચમાંથી બે રાજેશ તલવાર-નૂપુર તલવાર હતાં, જે પોલીસની સામે જ હતાં. આરુષી-હેમરાજ કેસને ન્યુઝ ચૅનલોએ દેશનો એવો પ્રાઇમ કેસ બનાવી દીધો હતો કે પોલીસ-સીબીઆઇએ કોઈ એક જજમેન્ટ પર પહોંચવું જરૂરી હતું. બસ, પોલીસે સામે હતાં એ બેને આરોપી જાહેર કરી આખી થિયરી એ મુજબ ઊભી કરી દીધી.


અવિરુક જ નહીં, આ કેસ પર કામ કરનારા દેશના જાણીતા પત્રકારો માને છે કે સૌથી મોટી બેદરકારી આ કેસમાં જો કોઈએ વર્તી હોય તો એ પોલીસ. કેસના ઇન્વેસ્ટિગેશનની શરૂઆત જ પોલીસે એવી લાઇટલી કરી કે જાણે પાંચ કિલો બટેટાની ચોરી થઈ હોય.

પહેલાં ફિલ્મ અને હવે વેબ-સિરીઝ | ‘આરુષી’ પરથી ઑલરેડી મેઘના ગુલઝારે ‘તલવાર’ નામની ફિલ્મ બનાવી હતી, જે સુપરહિટ રહી હતી. આ જ ફિલ્મથી મેઘનાની કરીઅરની સેકન્ડ ઇનિંગ શરૂ થઈ અને તે સુપરહિટ ડિરેક્ટરના લિસ્ટમાં સામેલ થઈ. મજાની વાત એ છે કે સક્સેસફુલ ફિલ્મ પછી હવે ‘આરુષી’ પરથી એ જ મેઘના ગુલઝાર વેબ-સિરીઝનું પ્લાનિંગ પણ કરે છે. નૅચરલી ફિલ્મ કરતાં પણ વેબ-સિરીઝ વધારે ડીટેલ સાથે અને વધારે ઇન્ટેન્સિટી સાથે બનશે એ નક્કી છે. ‘આરુષી’ પર જ ‘દિલ્હી ક્રાઇમ’ની સેકન્ડ સીઝન બનાવવાની પણ વાત શરૂ થઈ હતી પણ પ્રોડક્શન હાઉસ સાથે રાઇટ્સની બાબતમાં શરતો માન્ય નહીં રહેતાં વાત આગળ વધી નહીં.


સ્ટોરી શૉર્ટકટ

‘આરુષી’માં અવિરુક સેને એક પણ કાલ્પનિક વાત કરી નથી અને જ્યાં પણ તર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યાં તેણે સ્પષ્ટતા સાથે કહ્યું છે કે લૉજિક સાથે કહી શકાય કે આવું બન્યું હોઈ શકે છે. પુરાવા, સ્ટેટમેન્ટ અને વ્યક્તિગત મુલાકાતના આધારે ‘આરુષી’ લખવામાં આવી છે.

૨૦૦૭ની ૧૬ માર્ચે આરુષીની લાશ ઘરમાંથી મળી. પોલીસે હેમરાજને શોધવાનો આદેશ આપ્યો અને આ આદેશ સાથે જ પુરવાર થયું કે પોલીસ બહુ બેદરકારીથી વર્તી રહી છે. મુખ્ય પ્રધાન માયાવતીની જાહેરસભામાં જવાની ઉતાવળમાં પોલીસે તલવાર ફૅમિલી જે બિલ્ડિંગમાં રહેતું હતું એની ઉપર જ આવેલી ટેરેસ સુધી જવાની તસ્દી લીધી નહીં અને બીજા દિવસે હેમરાજની લાશ એ ટેરેસ પરથી મળી. ફરીથી થિયરી બદલી યુપી પોલીસે એક વીક પછી આરુષીના પપ્પા રાજેશ તલવારની અરેસ્ટ કરી અને અહીંથી પોલીસ, તલવાર ફૅમિલી અને એ પછી સીબીઆઇ એમ ત્રણ વચ્ચે આખા કેસની ખેંચતાણ શરૂ થઈ. 

‘આરુષી’ સંપૂર્ણપણે સચ્ચાઈને આંખ સામે રાખીને લખવામાં આવી છે અને એ પછી પણ એમાં રહેલું નાટ્યતત્ત્વ અને વાર્તાસત્ત્વ ક્યાંય છૂટતું નથી, જે લેખકની સૌથી મોટી સફળતા છે. ‘આરુષી’ ડૉક્યુ-ડ્રામા હોવા છતાં પણ ભારતની શ્રેષ્ઠ રોમાચંક થ્રિલર-નૉવેલને ટક્કર મારે એ સ્તર પર લખાઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

19 October, 2022 03:36 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK