આ તારણ લેખક હર્બર્ટ ફેન્સ્ટરહાઇમને મળ્યા પછી તેણે દુનિયાની આંખો ખોલતી બુક ‘ડોન્ટ સે યસ વેન યુ વૉન્ટ ટુ સે નો’ લખી અને એમ છતાં આજે પણ દસમાંથી આઠ વ્યક્તિ આ જ ભૂલ કરીને પોતાની લાઇફનો ત્રીસ ટકા હિસ્સો ખોટી જગ્યાએ વેડફે છે!
બુક ટૉક
‘ડોન્ટ સે યસ વેન યુ વૉન્ટ ટુ સે નો અને હર્બર્ટ ફેન્સ્ટરહાઇમ
તમને ન ગમતું કામ સોંપવામાં આવ્યું છે અને તમારે એ નથી કરવું પણ તમને કામ સોંપનારી વ્યક્તિ તમારી બૉસ છે, તમારા સિનિયર છે. તમને એવું છે કે તમે એ કામ નહીં કરો તો એ વ્યક્તિ મનમાં ખટાશ રાખશે. આ જ માન્યતા વચ્ચે તમે એ કામ કરવાની હા પાડી કામ પર મચી પડો છો પણ વાત તો પેલી છે જ, તમને એ કામ નથી ગમતું.
આ એક ઉદાહરણ છે અને આવાં ચારસો ઉદાહરણ પ્રોફેસર હર્બર્ટ ફેન્સ્ટરહાઇમને મળ્યાં, જેના આધારે તેમણે સર્વે કરવાનું શરૂ કર્યું અને એ સર્વે પરથી તેમણે જાહેર કર્યું કે માણસ પોતાની જિંદગીનો ત્રીસ ટકા હિસ્સો માત્ર અને માત્ર ના નહીં કહી શકવાને કારણે ખોટી જગ્યાએ ખર્ચી નાખે છે અને પછી જીવનના અંતિમ પડાવમાં અફસોસ કરે છે! જોકે તારણથી વાત નહોતી અટકતી એટલે ના પાડવાની શ્રેષ્ઠ કળા કઈ એ સમજાવતી બુક ‘ડોન્ટ સે યસ વેન યુ વૉન્ટ ટુ સે નો’ હર્બર્ટ ફેન્સ્ટરહાઇમે લખી, જે આજે પણ વર્લ્ડની બેસ્ટસેલર બુક રહી છે. સિત્તેરના દશકમાં પબ્લિશ થયેલી આ બુક લખ્યા પછી પણ હર્બર્ટને સૌથી મોટો અફસોસ જો કોઈ રહ્યો હોય તો એ કે લોકો બુક વાંચતા હતા પણ જીવનમાં એનો અમલ નહોતા કરતા. ૨૦૧૧માં હર્બર્ટનો દેહાંત થયો પણ એ પહેલાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેણે આ જ વાત કહેલી. હર્બર્ટે કહ્યું હતું, ‘શરમ બહુ ખરાબ છે અને આજે પણ આપણી પ્રાયોરિટીમાં આપણે નહીં, સામેની વ્યક્તિ જ રહે છે. ઍગ્રી કે માણસ ઇમોશનલ છે, પણ જો તમે બધા સાથે ઇમોશનલ હો તો ન ચાલે. આ પુસ્તક એ સમજાવે છે કે બેચાર લોકોને છોડીને તમે જગત આખા સાથે એવી રીતે ન રહી શકો કે ના બોલવી અઘરી પડે. ના કહેવાની પણ એક કળા છે અને એ કળાનો ઉપયોગ હોશિયાર કે ટૅલન્ટેડ વ્યક્તિને સૌથી વધારે આવડવો જોઈએ.’
આ પણ વાંચો: તારાચંદ બડજાત્યાએ અમિતાભ બચ્ચનની સામે જોવાની તસ્દી પણ નહોતી લીધી!
અફસોસ નંબર બે શું? | હર્બર્ટ ફેન્સ્ટરહાઇમની આ બુકને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો, દુનિયાની બેતાલીસ ભાષાઓમાં એનું ટ્રાન્સલેશન થયું તો હજારો આવૃત્તિઓની કરોડો કૉપી વેચાઈ. આ જ બુકને બેઝ બનાવીને અઢળક લોકોએ પોતપોતાના વર્ઝન સાથે આ જ વિષયને રજૂ પણ કર્યો પણ હર્બર્ટને બીજી એક વાતનો અફસોસ આજીવન રહ્યો.
આ બુક પરથી હર્બર્ટ ફેન્સ્ટરહાઇમે એક આખો એવો પ્રોગ્રામ તૈયાર કર્યો જે કૉર્પોરેટ કંપનીની પ્રોડક્ટિવિટી વધારવામાં હેલ્પફુલ થાય એમ હતો. આ પ્રોગ્રામ સાથે હર્બર્ટ અમેરિકા અને જર્મનીની ચાલીસથી વધારે કંપનીઓને મળ્યો પણ એક પણ કંપનીએ એ પ્રોગ્રામ પોતાની કંપનીના એમ્પ્લૉઈઝ માટે ખરીદ્યો નહીં. હર્બર્ટે કહ્યું હતું, ‘એવું થવાનું કારણ પણ કદાચ એ જ હતું કે કોઈ ઇચ્છતું નહોતું કે તેમને ના પાડવામાં આવે! માનવીય સ્વભાવની આ બહુ કરુણ અવસ્થા કહેવાય. પહેલાંના સમયમાં જે ગુલામી પ્રથા હતી એ પણ એવી જ હતી કે તેમને ના પાડવામાં ન આવે, આજે પણ એ અકબંધ છે. હા, એનું રૂપ બદલાયું છે એવું કહી શકાય.’
ક્યારેય કોઈ વિરોધ નહીં | જૂજ બુક ન્યુ યૉર્ક ટાઇમ્સની બેસ્ટસેલર બુકના લિસ્ટમાં છ મહિનાથી વધારે રહી છે પણ હર્બર્ટ ફેન્સ્ટરહાઇમે લખેલી બુક સવા વર્ષ સુધી સતત નંબર વન પર રહી હતી. લોકોને બુક સીધી જ અસર કરતી હતી અને એ જ કારણ હતું કે હર્બર્ટની બુકનો આધાર લઈ અઢળક લોકોએ પોતાની વાત રજૂ કરી, જેની સામે પ્રોફેસરે ક્યારેય કોઈ વિરોધ નોંધાવ્યો નહીં, જે તેમની મહાનતા દર્શાવતી હતી.
હર્બર્ટે કહ્યું હતું, ‘મારી વાત માત્ર એટલી જ હતી કે લોકોને ખબર પડે કે ના પણ પાડવી જોઈએ. એ વાત કોના દ્વારા લોકો સુધી પહોંચે છે એ મહત્ત્વનું છે જ નહીં.’
‘ડોન્ટ સે યસ વેન યુ વૉન્ટ ટુ સે નો’નું ઑફિશ્યલ સેલ સૌથી વધારે અમેરિકા, જર્મની, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ચાઇના અને જપાન જેવા દેશોમાં થયું છે જ્યાં પ્રોડક્ટિવિટીનું મહત્ત્વ સૌથી વધારે છે.
સ્ટોરી શૉર્ટકટ
‘ડોન્ટ સે યસ વેન યુ વૉન્ટ ટુ સે નો’ કહે છે કે ના પાડવી એ પણ એક કળા છે. ક્યાં હા કહેવી એની તમને જેમ ખબર હોવી જોઈએ એટલી જ સાચી રીતે તમને એ પણ ખબર હોવી જોઈએ કે ક્યાં અને ક્યારે ના કહેવી. ઑફિસ અને સિનિયર્સને સમય આવ્યે ના પાડતાં શીખવું પડે એટલું જ નહીં, જરૂરી હોય ત્યારે જૉઇન્ટ ફૅમિલીમાં રહેતા હોઈએ એવા સમયે પણ જરૂરી લાગે ત્યાં
ના કહેતાં શીખવું જોઈએ. હર્બર્ટના કહેવા મુજબ આપણે નાનપણથી એવું શિક્ષણ આપીએ છીએ કે ક્યારેય ના કહેવી જ નહીં, જે ખોટું છે.
ના કહેતાં પણ બાળકને શીખવવું જોઈએ અને તેને એ સમજણ પણ આપવી જોઈએ કે ક્યાં અને કેવા સંજોગોમાં સ્પષ્ટ રીતે ના કહી દેવી. ‘ડોન્ટ સે યસ વેન યુ વૉન્ટ ટુ સે નો’માં ના કહેવાના ફાયદાઓ અને એના લાભોની વાત કહેવામાં આવી છે. ના કહેવાનો સૌથી મોટો ફાયદો જો કોઈ હોય તો એ સમયની બચત છે.