અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે જેમણે વાજપેયીજી સાથે પ્રત્યક્ષ સંબંધ બાંધ્યો છે એવાં વ્યક્તિત્વો પાસેથી તેમનો ફર્સ્ટ હૅન્ડ અનુભવ જાણીએ
સ્પેશ્યલ સ્ટોરી
રમેશભાઈ મહેતા (વાઇટ શર્ટમાં) અટલ બિહારી વાજપેયી સાથે
દેશદાઝ એવી કે ભલભલામાં દેશભક્તિનો જુવાળ જગાવી દે, જેમનાં કાવ્યો પથ્થરોમાં પણ જીવ રેડી દે અને જેમનાં બુદ્ધિચાતુર્ય અને વાક્પટુતા ભલભલાની બોલતી બંધ કરી દે એવા અને વિરોધ પક્ષના નેતાઓ પણ જેમનાં વખાણ કરતાં થાકતા ન હોય એવું અદ્ભુત વ્યક્તિત્વ હતા ભારતરત્ન અટલ બિહારી વાજપેયી. આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે જેમણે વાજપેયીજી સાથે પ્રત્યક્ષ સંબંધ બાંધ્યો છે એવાં વ્યક્તિત્વો પાસેથી તેમનો ફર્સ્ટ હૅન્ડ અનુભવ જાણીએ
ત્રણ વખત દેશના વડા પ્રધાન બન્યા એમાંથી એક વાર તો માત્ર તેર દિવસ માટે વડા પ્રધાન તરીકે રહેલા દેશના સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક એટલે અટલ બિહારી વાજપેયી. કવિ તરીકે ભલભલા સૂતેલાને જગાડી દે એવા અને નેતા હોવા છતાં મૂલ્યો સાથે રાજકારણમાં છેડછાડ ન થાય એટલી સભાનતા તેમણે રાખી છે. યસ, જેમના વ્યક્તિત્વ વિશે શબ્દોમાં વર્ણન ન કરી શકાય એવી પ્રતિભા અને જેમનો વટ તેમની સત્તાને આભારી નહોતો. ગ્વાલિયરમાં ૨૫ ડિસેમ્બરે જન્મેલા અટલ બિહારી વાજપેયીનો આજના દિવસે ૨૦૧૪માં સ્વર્ગવાસ થયો હતો. વાજપેયીજી વિશે તમે ખૂબ વાંચ્યું હશે, સાંભળ્યું હશે પરંતુ આજે આ મહાન નેતા, કવિ, રાષ્ટ્રભક્ત અને અફલાતૂન વક્તા સાથે સમય વિતાવી ચૂકેલા અને નજીકથી આ વિરલ વ્યક્તિત્વનો અનુભવ મેળવનારા કેટલાક નસીબવંતાઓ પાસેથી જાણીએ તેમના જીવનના ફર્સ્ટ હૅન્ડ અનુભવો.
ADVERTISEMENT
અટલજીના આવા ચાહક નહીં મળે
જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના વાઇસ ચૅરમૅન અને બીજેપી મુંબઈના કોષાધ્યક્ષ કિરીટ ભણસાલીને તમે અટલ બિહારી વાજપેયીના સૌથી મોટા ચાહક કહી શકો, જેને સાંભળવા માટે એક પણ જાહેરસભા મિસ ન થાય એનું પૂરતું ધ્યાન રાખનારા કિરીટભાઈ પોતાને આવા મહાન કક્ષાના નેતા સાથે કામ કરવાનો મોકો મળ્યો એ બદલ પોતાને ભાગ્યશાળી માને છે. કિરીટભાઈ કહે છે, ‘રાજકારણમાં મારો રસ જ અટલજીને આભારી છે. તેમના નામ પ્રમાણેના ગુણો તેમનામાં હતા, જે તેમની દરેક સ્પીચમાં વરતાતું. તેમના ઇરાદા જેટલા મક્કમ હતા એટલી તેમનામાં સૌમ્યતા હતી. હું તો તેમને જોવા-મળવાની તક દેખાય એટલે ભગવાન મળ્યા હોય એટલો ખુશ થતો. એક પ્રસંગ તમને કહું. ૧૯૭૭માં જ લગભગ ઝવેરી બજારમાં તેમની એક સભા જેવું હતું. ભારતીય જનતા પાર્ટીના ફૉર્મેશન પછી આ લગભગ પહેલી જ જાહેર સભા હોવાથી ભીડ ખૂબ જામી હતી. વાજપેયીજીનો આવવાનો સમય સાડાદસ વાગ્યાનો હતો એને બદલે તેઓ કોઈક કારણોસર બે વાગે આવ્યા, પણ પબ્લિક હલી નહોતી. અમુક લોકો ચા-પાણી નાસ્તા માટે ઊભા થયા હતા પરંતુ હું મારી ફ્રન્ટ લાઇનની જગ્યા જતી રહે એ બીકથી સવારે સાડાનવ વાગ્યાથી સભા પતી નહીં ત્યાં સુધી એ જ સીટ પર ભૂખ્યો-તરસ્યો બેસી રહ્યો હતો.’
કિરીટભાઈને વાજપેયીજીને હેલિપૅડ ઍરપોર્ટ પર પિકઅપ કરવા જવાનો અવસર પણ મળી ચૂક્યો છે. તેઓ કહે છે, ‘એ મારા જીવનનો પહેલો પ્રસંગ હતો જ્યારે હું તેમની સામે ઊભો હતો. તેમણે મારી પીઠ પર ધબ્બો મારીને મારી ઓળખ પૂછી હતી. જોકે એ પછી ૧૯૯૫માં મહાલક્ષ્મી રેસકોર્સમાં પાર્ટીનું મહાઅધિવેશન યોજાયું હતું. ત્યારે પાર્ટીના નેતાઓએ ફાઇવ સ્ટારમાં નહીં પણ રેસકોર્સમાં જ બનાવવામાં આવેલા ટેન્ટમાં રહેવું એવું નક્કી કરવામાં આવ્યું હતું. એ આયોજન વખતે કાર્યકર્તા તરીકે અટલજી સાથે પ્રત્યક્ષ રીતે કામ કરવાનો અવસર મળ્યો. તેમને કામ કરતા જોવાની નજીકથી આવી તક મળી એ મારા જીવનનો સૌથી ધન્ય દિવસ હતો.’
અહીં ઉલ્લેખનીય છે કે કિરીટભાઈને અટલબિહારી વાજપેયીજીનાં ઘણાં ભાષણો કડકડાટ યાદ છે. તેઓ એ જ લહેકા સથે એને રીકૉલ કરી શકે છે. એક બહુ જ સરસ ભાષણ વખતે અટલજીએ કહેલી વાતો યાદ કરતાં કિરીટભાઈ કહે છે, ‘પોતાના આદર્શો સાથે બાંધછોડ નહીં કરવાની નીતિને કારણે વિશ્વાસ મત જીતી ન શક્યા અને તેર દિવસમાં વડા પ્રધાનપદેથી રાજીનામુ આપવું પડ્યું. એના પછી તેઓ પહેલી વાર મુંબઈ આવેલા અને શિવાજી પાર્કમાં ભાષણ હતું. અરે, તમે કલ્પના ન કરી શકો એટલા લોકો. કોઈ પણ રાજનેતાની સભામાં આટલી વિશાળ સંખ્યામાં લોકો પહેલી વાર ભેગા થયા હશે. એ વખતે એ સ્પીચમાં તેમણે કહેલું, ‘મુઝે સમજ નહીં આ રહા કિ મૈં ઇસ્તિફા દેકે આયા હૂં ક્યા શપથ સમારોહમેં. ઐસા નહીં થા કે દિલ્હી મેં સરકાર નહીં બચા સકતા થા. ઐસા નહીં થા કી સાંસદ બિકાઉ નહીં થે. ઇસ બાર ખરીદનેવાલા કોઈ નહીં થા. તોડજોડ કી સરકાર બનાકર રાજનીતિ મેં રહના નહીં ચાહતે થે. હું આજે એક વોટથી હાર્યો છું તો એમાં મહારાષ્ટ્ર પણ એટલું જ જવાબદાર છે. જો તમે થોડોક પુરુષાર્થ દેખાડ્યો હોત તો આજે આ દિવસ ન આવ્યો હોત. આટલું કહીને થોડોક પોઝ લીધા પછી તેઓ વાતને આગળ વધારતાં કહે છે, વાંધો નહીં. આજે શિવરાિત્રનો મહાપર્વ છે. છત્રપતિ શિવાજી મહારાજની છત્રછાયામાં, હિંદુ હૃદયસમ્રાટ બાલાસાહેબ ઠાકરેની ઉપસ્થિતિમાં હું અટલ બિહારી વાજપેયી વચન આપું છું કે તમારી આશા-આકાંક્ષાઓ પર ખરો ઊતરવાનો પ્રયાસ કરીશ અને એમાં જો હું નિષ્ફળ ગયો તો ફરીથી તમારી પાસે વોટ માગવા નહીં આવું. આવી ખુમારી તેમના શબ્દોમાં હતી. એક જુદા જ પ્રકારની સત્યનિષ્ઠા તેમની વાણીમાં ઝરતી હતી. એટલે જ તો તેમની એક પણ વાતને તમે પડકારી ન શકો. દેશ પ્રત્યેનો પ્રેમ અકલ્પનીય હતો. મા ભારતીની સેવામાં તેમણે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું.’
અટલજીનો ૨૦૧૪માં આજની તારીખે દેહાંત થયો ત્યારે કિરીટભાઈ ભારતની પણ બહાર હતા. જોકે આ સમાચાર મળતાં જ ખાસ અટલજીનાં અંતિમ દર્શન કરવાના હેતુથી તેઓ વિદેશથી તાબડતોબ પાછા ફર્યા હતા. દિલ્હી પહોંચ્યા અને ત્યાં ગેટ પાસ વિના એન્ટ્રી નહોતી મળતી ત્યારે બીજેપીના એક અગ્રણી નેતાએ અટલજીનાં અંતિમ દર્શન જે સ્થળે રાખવામાં આવ્યાં હતાં ત્યાં કિરીટભાઈની વ્યવસ્થા કરી હતી. કિરીટભાઈ કહે છે, ‘અટલજીનું વ્યક્તિત્વ એવું હતું કે દુશ્મન પણ દોસ્ત બની જાય. મને બરાબર યાદ છે કે એક ક્રિકેટ ટુર્નામેન્ટ વખતે ભારતીય ટીમ પાકિસ્તાન મૅચ રમવા ગઈ હતી અને એમાં આપણે ત્યાંથી દસ હજાર વીઝા ક્રિકેટ જોવા જવા માટે અપ્રૂવ કરવામાં આવ્યા હતા. એ સમયે મારી પાકિસ્તાનની વિઝિટ વખતે મેં લોકોની વાણીમાં, તેમના વ્યવહારમાં અટલજી પ્રત્યે અનર્ગળ પ્રેમ જોયો છે. એક જુદી જ કક્ષાના મહામાનવ હતા અટલજી.’
કિરીટ ભણસાલી (હાથમાં ફાઈલ સાથે) મુંબઈ હેિલપૅડ પર વાજપેયીજીને મળ્યા ત્યારે
વાજપેયીને જમાડવાનો લહાવો
અત્યારે પાર્લામાં ગુલમહોર રોડ પર રહેતા આરએસએસના પ્રખર સ્વયંસેવક રમેશભાઈ મહેતાના ઘરે ઘણા મોટા-મોટા નેતાઓ આવી ચૂક્યા છે. આરએસએસના એ સમયના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસ અમારે ત્યાં આવતા અને ત્યારે તેમને મળવા માટે ઘણા મોટા-મોટા નેતાઓની પણ અવરજવર રહેતી એમ જણાવીને રમેશભાઈ મહેતા કહે છે, ‘પહેલી વાર અટલબિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી સાથે અમારા ઘરે બાળાસાહેબને મળવા આવ્યા હતા. ત્યારે તેમનું જમવાનું પણ અમારા જ ઘરે હતું. બહુ જ સરળ વ્યક્તિત્વ. એક અતિશય અપ્રોચેબલ વ્યક્તિ હતા અટલજી.
તેમની બૌદ્ધિકતા, તેમનું ચાતુર્ય અને તેમનો વિનોદ એ બધું જ કાબિલેદાદ હતું. મને એક પ્રસંગ યાદ છે કે તેમણે એક વાર પૃથ્વી થિયેટરમાં કોઈ નાટક જોવું હતું એટલે તેમણે મને પહેલેથી જ કહી રાખેલું કે ટિકિટ લાવી રાખજો. બધા બેઠા હતા ત્યારે મારાથી અનાયાસ જ તેમને મોટેથી કહેવાઈ ગયું કે અટલજી, આપકી ટિકટ આ ગઈ હૈ. એટલે તરત જ તેમણે મને કહ્યું કે અરે ધીરે બોલીએ, સરસંઘચાલક કે સામને મત બોલિએ. વંદે માતરમ્ ગીતને સો વર્ષ થયાં ત્યારે એનું વિવિધ ભાષામાં ટ્રાન્સલેશન કરવામાં આવ્યું હતું. એમાં ગુજરાતી અનુવાદ મારાં પત્ની. ડૉ. કીર્તિદાએ કરેલો. એનું લોકાર્પણ અટલજીએ કર્યું હતું. એમ કહું કે ૧૯૭૮થી અટલજી નિયમિત અમારા ઘેર આવતા. એક વાર તેમનું મુંબઈમાં ભાષણ હતું શિવાજી પાર્કમાં અને કોઈ પણ જાતની પ્રાયર નોટિસ વિના આગલા દિવસે શિવાજી પાર્કમાં ભાષણની પરવાનગી ન આપી. હવે તેઓ અહીં આવે ત્યારે તેમના ભાષણની જગ્યા નિશ્ચિત કરવાથી લઈને તમામ વ્યવસ્થા કરવાની જવાબદારી મારી હતી. તાબડતોબ એક દિવસમાં વરલીમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં ભાષણ રાખ્યું. લોકો નવા વેન્યુમાં વગર કોઈ જાહેરાતે પહોંચી ગયા. તેમનું આવું ફૅન-ફૉલોઇંગ હતું. બીજો એક બહુ જ મજેદાર પ્રસંગ યાદ આવે છે. અમે બંગલા દેશની માન્યતા માટે મુંબઈથી દિલ્હી ગયેલા. દિલ્હી ઍરપાર્ટ પર અટલજી લેવા આવ્યા હતા. એ દિવસે પહેલી ઑગસ્ટ હતી. લોકમાન્ય ટિળકની પુણ્યતિથિ. ત્યારે ટિળકજીના જીવનને આવરીને દસ મિનિટની સ્પીચથી કાર્યકર્તાઓને મોટિવેટ કર્યા અને પછી જવાનો સમય થયો એટલે પૂછ્યું, આતા કુઠે જાયચા? એ સાંભળીને અમે બધા જે હસ્યા કે વાત ન પૂછો. તેમનો રમૂજી સ્વભાવ અને છતાં તેમના વ્યક્તિત્વની ગંભીરતા, ગજબનું કૉમ્બિનેશન હતું.’