‘મૉડલ શૈલજા સિંઘલ તમારી ઑફિસે આવી હતી?’
પ્રતીકાત્મક તસવીર
‘મૉડલ શૈલજા સિંઘલ તમારી ઑફિસે આવી હતી?’
સબ-ઇન્સ્પેક્ટર વર્દે મિલન કુમારને પૂછી રહ્યા હતા.
મિલન કુમાર અંદરથી તો થોડો ડરી ગયો હતો, પરંતુ તેણે ચહેરા પર સ્પષ્ટતા જાળવવાની કોશિશ કરતાં કહ્યું, ‘મારી ઑફિસે રોજ કેટલીયે મૉડલ અને અભિનેત્રીઓ આવતી હોય છે એટલે મને યાદ નથી.’
તેના એ જવાબથી વર્દેને ગુસ્સો આવી ગયો. તેણે કહ્યું, ‘મારા આ સવાલનો જવાબ માત્ર ‘હા’ કે ‘ના’માં આપો : ‘મૉડલ શૈલજા સિંઘલ થોડી વાર પહેલાં તમારી ઑફિસમાં આવી હતી કે નહીં?’
‘હું હમણાં જ તપાસ કરાવું છું.” ગૂંચવાયેલા મિલન કુમારે સ્થિતિને સમજવાની કોશિશ કરતા કહ્યું.
‘તમને અહીં તમારી ઑફિસમાં યાદ ન આવતું હોય તો આપણે જુહુ પોલીસ સ્ટેશન જઈએ. ત્યાં તમારી યાદશક્તિ કદાચ તેજ બની જશે,’ વર્દેએ પોલીસની ઓરિજિનલ ભાષાનો ઉપયોગ કરતાં કહ્યું. તે ઊભો થતાં-થતાં બોલ્યો : ‘ચાલો જુહુ પોલીસ સ્ટેશન. શૈલજા સિંઘલ મિસિંગ કેસમાં તમારું નિવેદન લેવાનું છે.’
મિલન કુમાર તતપપ થઈ ગયો. હવે તેના ચહેરા પર ભયની લાગણી ઊભરી આવી.
તેણે કહ્યું, ‘સર, તમે બેસો, પ્લીઝ. આપણે શાંતિથી વાત કરીએ.’
‘આપણે પોલીસ સ્ટેશનમાં એકદમ શાંતિથી બેસીને મોડી રાત સુધી કે આખી રાત વાતો કરીશું. ત્યાં સાથે મારું કામ પણ થતું રહેશે!’ વર્દેએ ચહેરા પર સ્મિત સાથે કહ્યું. જોકે તેનો ચહેરો જ હસતો હતો. અંદરથી તો તે પણ ભયંકર હદે તનાવ અનુભવી રહ્યો હતો.
વર્દેના ચહેરા પર સ્મિત હતું, પણ તેના શબ્દોથી મિલન કુમાર થથરી ગયો. ભૂતકાળમાં તેના પર અન્ડરવર્લ્ડના પૈસાથી ફિલ્મ બનાવવાનો આરોપ મુકાયો હતો એ વખતે આ જ રીતે તેને પોલીસે નિવેદન લખાવવા માટે બોલાવ્યો હતો અને પછી તેની ધરપકડ કરી લીધી હતી!
તેણે કહ્યું, ‘સર, મને યાદ આવ્યું. શૈલજા નામની એક છોકરી આજે મારી ઑફિસમાં આવી હતી ખરી.’
‘અરે વાહ! જુહુ પોલીસ સ્ટેશનનું નામ પડતાં જ તમને યાદ આવવા માંડ્યું!’ વર્દેએ કટાક્ષભર્યા અવાજે કહીને બીજો સવાલ કરી લીધો : ‘હવે એ પણ યાદ કરીને કહી દો કે એ છોકરી શા માટે તમારી ઑફિસમાં આવી હતી?’
‘તે મારી નવી ફિલ્મમાં રોલ માગવા માટે મને મળવા આવી હતી.’
‘અરે! તમને તો અચાનક બધું યાદ આવવા લાગ્યું!’ વર્દેના ચહેરા પર સ્મિત ફરકી રહ્યું હતું.
‘સૉરી, સર. એમાં એવું છેને કે ખરેખર તો તમે અચાનક મારી ઑફિસમાં આવ્યા એટલે હું થોડો ગભરાઈ ગયો હતો.’ શું બોલવું એ ન સમજાયું એટલે મિલન કુમારે મનમાં આવ્યા એ શબ્દો કહી દીધા. એ શબ્દોમાં જોકે ઘણી સચ્ચાઈ પણ હતી. તેને સમજાઈ ગયું હતું કે હવે ખોટું બોલવામાં કોઈ સાર નથી.
‘સારું, હવે તમને યાદ આવી જ ગયું છે કે તે છોકરી તમને મળવા આવી હતી અને તમારી ફિલ્મમાં રોલ માગવા આવી હતી તો તમારી તેની સાથે શું-શું વાત થઈ એ પણ કહી દો અને એ છોકરી અહીંથી ક્યાં ગઈ છે એ પણ કહી દો. અને એ છોકરી અહીં આવી હતી કે તેને અહીં લાવવામાં આવી હતી એ પણ કહી જ દો. જે હોય તે સ્પષ્ટ શબ્દોમાં કહેજો નહીં તો પછી તમારે પસ્તાવાનો વારો આવશે,’ વર્દેએ ખુલ્લી ધમકી જ આપી દીધી.
‘નહીં, નહીં, સર. એ છોકરી મને મળવા આવી હતી અને મેં તેને અમારી નવી ફિલ્મ માટે શાહનવાઝની સામે હિરોઇન તરીકે સાઇન કરી છે. આ રહી ઍગ્રીમેન્ટની કૉપી. તે હમણાં જ આ ઍગ્રીમેન્ટ સાઇન કરીને થોડી વાર પહેલાં જ અહીંથી નીકળી.” મિલન કુમારે એગ્રીમેન્ટની કોપી વર્દે તરફ સરકાવતાં કહ્યું.
એ વખતે મિલન કુમારને કલ્પના પણ નહોતી કે એ એગ્રીમેન્ટની કોપી તેને અને શાહનવાઝને કેટલી ભારે પડવાની છે!
lll
‘ખબર ઇન્ડિયા’ ચૅનલ પર શરૂ થયેલી અનાઉન્સમેન્ટને કારણે ઑલરેડી શાહનવાઝ માટે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ ગઈ હતી એના વિશે તેના પર કૉલ્સ આવી રહ્યા હતા અને ઘણા મિત્રો તેને વૉટ્સઍપ પર મેસેજ પણ કરી રહ્યા હતા.
શાહનવાઝ ચોતરફથી ઘેરાઈ ગયો હતો. એક બાજુ ડૉન હૈદરે હાથ ઊંચા કરી દીધા હતા, ચીફ મિનિસ્ટર હરિભાઉએ પણ તેને પડતો મૂકી દીધો હતો અને તેના જેની સાથે ગાઢ સંબંધો હતા એવા - દિલ્હીમાં બેઠેલા પાવરફુલ નેતાઓ પણ એ રીતે વર્તી રહ્યા હતા કે જાણે તેનું અસ્તિત્વ જ ન હોય! સિંહાએ તેની પાસેથી પૈસા પણ પડાવી લીધા અને પછી વિશ્વાસઘાત કરીને શૈલજાનો તેના વિરુદ્ધનો ઇન્ટરવ્યુ ટેલિકાસ્ટ કરવાનું પગલું ભર્યું અને અધૂરામાં પૂરું, મિલન કુમારે તેનો કૉલ ડિસકનેક્ટ કર્યો એટલે તે વિચલિત થઈ ગયો હતો.
અકળાઈ ઊઠેલો શાહનવાઝ વિચારવા લાગ્યો કે અત્યારે કોની મદદ માગી શકાય. હૈદરે તો તેના કોલ રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું એટલે તેણે બીજા કોઈની મદદ લેવી પડે એમ હતી. તેને અચાનક હૈદરની ગૅન્ગમાંથી છૂટો પડેલો અલ્તાફ યાદ આવ્યો. અલ્તાફે ભૂતકાળમાં શાહનવાઝને અનેક વાર કૉલ્સ અને મેસેજિસ કર્યા હતા પણ શાહનવાઝે તેના કૉલ્સ રિસીવ નહોતા કર્યા. તે અલ્તાફને મગતરું સમજતો હતો, પણ અત્યારે તેને અલ્તાફની જરૂર હતી એટલે તેણે પોતાના એક ‘સિક્યૉર’ મોબાઇલ ફોન-નંબરથી નફ્ફટાઈપૂર્વક અલ્તાફને કૉલ કર્યો.
lll
‘આ કામ આજે કોઈ પણ હિસાબે થઈ જવું જોઈએ.’
પૃથ્વીરાજ તેના મિત્ર અને બી ગ્રેડના અભિનેતા પ્રવીણકુમારને કહી રહ્યો હતો.
‘થોડું અઘરું છે,’ પ્રવીણકુમારે અચકાતા અવાજે કહ્યું.
‘પણ અશક્ય નથી,’ પૃથ્વીરાજે ભારપૂર્વક કહ્યું.
‘કોશિશ કરું છું,’ પ્રવીણકુમારનો અવાજ ઢીલો હતો.
‘કોશિશ નહીં, મને રિઝલ્ટ જોઈએ. નહીં તો આજે ને આજે મારો ફ્લેટ ખાલી કરી આપજે અને હું આજે એક પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને જાહેર કરું છું કે તેં મારી સાથે કેવો વિશ્વાસઘાત કર્યો છે!’ પૃથ્વીરાજના અવાજમાં ધમકી ભળી ગઈ.
‘હું કૈંક રસ્તો વિચારું છું.’
‘માત્ર વિચારવાનું નથી, અમલમાં પણ મૂકવાનું છે. આજે જ.’ પૃથ્વીરાજે ધારદાર અવાજે અલ્ટિમેટમ આપી દીધું.
lll
શાહનવાઝનો સામેથી કૉલ આવ્યો એટલે અલ્તાફ આશ્ચર્યચકિત પણ થઈ ગયો અને ખુશ પણ થઈ ગયો. તેણે તરત જ કૉલ રિસીવ કરતાં કહ્યું, ‘બોલો, સર.’
શાહનવાઝે તેને કહ્યું : ‘કિસી કો રાસ્તે સે હટાના હૈ. કિંમત જો તુમ બોલો, ઍડ્વાન્સ તુમ બોલો ઉતના. અભી કે અભી મિલ જાએગા.’
અલ્તાફ ખુશ થઈ ગયો. શાહનવાઝે તેને સામે ચાલીને કૉલ કર્યો એ ખુશી અને આશ્ચર્ય તે પચાવી શકે એ પહેલાં તો શાહનવાઝે તેને આશ્ચર્યનો બીજો ઝટકો આપી દીધો હતો.
અલ્તાફને મોટું આશ્ચર્ય એ વાતનું પણ થયું હતું કે શાહનવાઝ હૈદરનો અંગત મિત્ર હોવા છતાં અને પોતે હૈદરની ગૅન્ગમાંથી નીકળી ગયો હોવા છતાં શાહનવાઝ તેને કૉલ કરી રહ્યો હતો! અને એ વિચારને કારણે બીજી જ ક્ષણે તેના મનમાં શંકા જાગી કે શાહનવાઝ કદાચ તેને ચકાસવા માટે તો કૉલ નથી કરી રહ્યોને?
જોકે તે આગળ કશું વિચારે એ પહેલાં જ શાહનવાઝે તેને કહ્યું, ‘ઝ્યાદા સોચના મત. મૈંને તુમ્હે સોચ સમજ કે હી કૉલ કિયા હૈ. મુઝે હૈદર કી ફેવર નહીં લેની હૈ ઇસી લિએ મૈંને તુમ કો કૉલ કિયા હૈ.’
શાહનવાઝનો કૉલ આવ્યો અને તેણે કોઈની સુપારી આપવાની વાત કરી એટલે અલ્તાફના હૃદયના ધબકારા વધી ગયા હતા. તેણે પોતાના અવાજમાં શક્ય એટલી સ્વસ્થતા જાળવવાની કોશિશ કરતાં કહ્યું, ‘કામ થઈ જશે, સર. નામ બોલો.’
શાહનવાઝે કહ્યું, ‘એક નહીં, બે જણ છે.’
‘તમે માત્ર નામ આપી દો, સર,’ અલ્તાફે આત્મવિશ્વાસભર્યા અવાજે કહ્યું.
શાહનવાઝે કહી દીધું : ‘રશ્મિ માથુર અને વિજય સિંહા. ‘ખબર ઇન્ડિયા’ ચૅનલની મૅનેજિંગ એડિટર અને મૅનેજિંગ ડિરેક્ટર.’
શાહનવાઝે જેની હત્યા કરવા માટે નામ આપ્યાં એ સાંભળીને અલ્તાફ સ્તબ્ધ થઈ ગયો. તેના મનમાં એકસાથે કેટલાય વિચારો ધસમસવા લાગ્યા. ‘ખબર ઇન્ડિયા’ જેવી નામાંકિત ચૅનલના મૅનેજિંગ ડિરેક્ટર અને મૅનેજિંગ એડિટરની હત્યા કરવાના પ્રત્યાઘાતો શું આવી શકે એનો તેને અંદાજ હતો. તે થોડી ક્ષણો માટે ભૂલી ગયો કે શાહનવાઝની સાથેનો કૉલ ચાલુ છે.
તે થોડી વાર માટે નિરુત્તર રહ્યો એટલે શાહનવાઝે અધીરા અવાજે કહ્યું, ‘હલો, હલો, હલો...’ ‘હાં, સર.’ અલ્તાફે ઝબકીને કહ્યું.
શાહનવાઝની ધીરજ ખૂટી રહી હતી. તેણે કહ્યું : ‘તુમ્હારે બસ કી બાત નહીં હૈ તો ના બોલ દો! મેરે પાસ વક્ત નહીં હૈ.”
અલ્તાફની મહત્વાકાંક્ષા અપાર હતી અને એને કારણે જ તેણે હૈદર સાથે છેડો ફાડી નાખ્યો હતો. હૈદરની ગેંગમાંથી છૂટા પડ્યા પછી તેણે પોતાની અલગ ગેંગ બનાવી હતી અને તે હૈદરની હરીફ ગેંગો સાથે મળીને નાનામોટા કામો કરી રહ્યો હતો. લખનઉના ડોન રઘુ માટે પણ તેણે કેટલાક કામ કર્યા હતા. આ બધું કરવાને કારણે તેણે હૈદર સાથે દુશ્મની વહોરી લીધી હતી અને તેના પર મોતનું જોખમ તોળાઈ રહ્યું હતું.
તે થોડીક ક્ષણો માટે અસમંજસમાં મુકાયો, પણ પછી તેણે ત્વરિત નિર્ણય લેતાં કહ્યું : ‘કામ થઈ જશે, સર.’
શાહનવાઝે કહ્યું, ‘પૈસા બોલ.’
અલ્તાફે કહ્યું, ‘તમે કહો એ રકમમાં હું કરી આપીશ, સર.’
શાહનવાઝે તેને કહ્યું, ‘દસ કરોડ રૂપિયા. અને ઓછા પડતા હોય તો પણ હમણાં જ કહી દે.’
અલ્તાફે રોમાંચની લાગણી અનુભવી. તેણે આખી જિંદગીમાં ક્યારેય એકસાથે દસ કરોડ રૂપિયા જોયા નહોતા. અને ઉપરથી શાહનવાઝની નજીક જવાની તક મળતી હતી. તેણે કહ્યું : ‘તમે જે કહો એ મને મંજૂર છે, સર.’
શાહનવાઝે તેને કહ્યું : ‘ઓકે. તો હમણાં તું કહે ત્યાં તને પાંચ કરોડ રૂપિયા મળી જશે અને કામ પતે એટલે બાકીના પાંચ કરોડ રૂપિયા તને તરત જ મળી જશે.’
lll
શૈલજા સિંઘલ ધીમા અવાજે હિન્દી ફિલ્મનું ગીત ગાતાં-ગાતાં બાથરૂમ ભણી જઈ રહી હતી. તે અત્યંત ખુશ હતી. કેટલાંય વર્ષોના સંઘર્ષ પછી તેની જિંદગીમાં અચાનક અકલ્પ્ય વળાંક આવી ગયો હતો. તે સુપરસ્ટાર શાહનવાઝની નવી ફિલ્મમાં હિરોઇન બનવાની હતી અને એ માટે તેને પાંચ કરોડ રૂપિયા મળવાના હતા. એમાંથીય એક કરોડ રૂપિયાનો ચેક તો તેના હાથમાં આવી ગયો હતો!
તેણે બાથરૂમમાં પ્રવેશીને ગીત ગણગણતાં વસ્ત્રો ઉતારવાનું શરૂ કર્યું. તેના શરીર પર માત્ર એક ઉપવસ્ત્ર રહ્યું હતું એ વખતે અચાનક કશોક અવાજ તેના કાને પડ્યો. તે ઉતાવળે શરીર પર ટૉવેલ વીંટાળીને બાથરૂમમાંથી બહાર નીકળી. તેણે ફ્લૅટમાં ચારે બાજુ નજર દોડાવી પણ કશું નજરે પડ્યું નહીં. તેને લાગ્યું કે પોતાને અવાજ સંભળાવાનો ભ્રમ થયો હશે. તે ફરી વાર બાથરૂમમાં જઈને સંપૂર્ણ અનાવૃત થઈને શાવર નીચે ઊભી રહી. ઠંડા પાણીનો આહલાદક અનુભવ કરતાં-કરતાં તે ફરી વાર ગીત ગણગણવા માંડી. થોડી મિનિટ પછી તેણે શાવર બંધ કર્યો અને શરીર લૂછ્યું. એ પછી શરીર પર ટૉવેલ વીંટાળીને તેણે બાથરૂમનો દરવાજો ખોલ્યો. એ સાથે તે ભયથી થથરી ઊઠી!
વધુ આવતા શનિવારે...