પોલોની રમતમાં સ્પીડમાં દોડી શકે અને ઊંચી છલાંગ મારી શકે એવા પગના મસલ્સ ધરાવતી એક આખી નવી જ નસલ આર્જેન્ટિનાના પ્રાણીનિષ્ણાતોએ પેદા કરી છે
પ્યુરેઝા નામની ઘોડીના જનીનનો યુઝ કરીને આવી પાંચ ઘોડીઓ પેદા થઈ છે જે પોલો જગતમાં તરખાટ મચાવી શકે એવી સંભાવના છે.
પોલોની રમતમાં સ્પીડમાં દોડી શકે અને ઊંચી છલાંગ મારી શકે એવા પગના મસલ્સ ધરાવતી એક આખી નવી જ નસલ આર્જેન્ટિનાના પ્રાણીનિષ્ણાતોએ પેદા કરી છે. અનેક પુરસ્કાર જીતી લાવેલી આ દેશની માનીતી ‘પોલો પ્યુરેઝા’ નામની લેજન્ડરી ઘોડીના જનીન વાપરીને વૈજ્ઞાનિકોએ પાંચ ઘોડી પેદા કરી છે. એવો દાવો થઈ રહ્યો છે કે સ્પીડ, ચપળતા અને પોલોની ગેમમાં જોઈતી હોશિયારી આ પ્યુરેઝા ઘોડીના વંશજોમાં ઠાંસી-ઠાંસીને ભરી હશે
જ્ઞાન અને એમાંય જીવ વિજ્ઞાન ખરેખર એક અત્યંત રહસ્યમય વિશ્વ છે જ્યાં અનેકોનેક શક્યતાઓ હજીયે વણઊકલી રહી છે. અને એ દરેક શક્યતા એવી છે કે જ્યારે કોઈ પણ વૈજ્ઞાનિક એમાં ઊંડા ઊતરે અને કંઈક નવું સંશોધન કરે ત્યારે પહેલી નજરે આપણી આંખો વિશ્વાસ સુધ્ધાં નથી કરી શકતી. જુઓને હમણાં થોડા જ દિવસો પહેલાં આર્જેન્ટિનાના વૈજ્ઞાનિકોએ કરેલી એક એવી શોધ જાણવા મળી કે આપણી સમજશક્તિ ચકરાવે ચડી જાય.
ADVERTISEMENT
આપણે જાણીએ છીએ કે આર્જેન્ટિનામાં વસતા ૭૦ ટકા કરતાં વધુ લોકોમાં બે સ્પોર્ટ્સ માટે પાગલપનની હદ સુધીની દીવાનગી છે, એક ફુટબૉલ અને બીજી પોલો. અને આ દીવાનગી ત્યાં સુધીની છે કે આખાય આર્જેન્ટિનામાં તમે ગમે ત્યારે ગમે તે દિવસે પોલો ગેમ રમાતી હોય એ તો માણી જ શકો, પણ ‘આર્જેન્ટિના પોલો દિવસ’ તરીકે આ રમતનો રમતોત્સવ પણ ઊજવે છે. જોકે એક વાત અહીં તમને યાદ કરાવી દઈએ, પોલો ગેમ વાસ્તવમાં મૂળ આર્જેન્ટિનાની નથી. તો ક્યાંની છે જાણો છો? જી હા, તમારી ધારણા સાચી જ છે, એ મૂળ ભારતમાં રમાતી રમત હતી. તો આર્જેન્ટિનાએ શું નવી શોધ કરી એ વિશે જાણીએ એ પહેલાં આ પોલો રમતના ઇતિહાસ વિશે થોડી વાતો કરી લઈએ જેથી આપણે જે વાત કરવાના છીએ એ જાણવાની વધુ મજા પડે.
નવી પેદા થયેલી ઘોડીઓનું નિરીક્ષણ કરી રહેલાં સાયન્ટિસ્ટ.
પોલો અને ભારત
વાત છે લગભગ ૧૮મી સદીની. જ્યારે ફિરંગીઓ અને બ્રિટિશર્સ વ્યાપાર અર્થે ભારતના પ્રવાસે આવવા માંડ્યા ત્યારે આપણને ખબર છે કે ભારતમાં રાજા રજવાડાંઓનું શાસન હતું. અનેક અલગ-અલગ રાજ્યો અને પ્રદેશોના અલગ-અલગ રાજવીઓ હતા. સોનાની ચિડિયા કહેવાતા ભારતમાં વેપારી તરીકે આવેલા એ ફિરંગી અને બ્રિટિશર્સ ધીરે-ધીરે દેશમાં જ સ્થાયી થવાનો નિર્ણય કરવા માંડ્યા. પહેલાં મહેમાન તરીકે ત્યાર બાદ જુલ્મી શાસક તરીકે તેમણે ભારત પર લાંબા સમય સુધી રાજ કર્યું. હવે આ સમય દરમિયાન તેમણે જોયું કે ભારતના રાજવીઓ પાસે અનેક હાથી, ઘોડા, ગાય, ભેંસ વગેરે પ્રાણીઓ હતાં જેમાં દુધાળાં પ્રાણીઓ રાજવી અને તેની પ્રજાને પોષણ પૂરું પાડતાં અને હાથી-ઘોડા જેવાં પ્રાણીઓ સૈન્યબળ પૂરું પાડતાં. પરંતુ આ સિવાય પણ આ પ્રાણીઓનો બીજો ઉપયોગ થતો જેમાં ખાસ કરીને ઘોડાઓનો. ભારતના લગભગ દરેક રાજા પાસે કેટલાક ઘોડાઓ એવા હતા જેમને એક અલગ જ પ્રકારની ટ્રેઇનિંગ આપવામાં આવતી હતી.
આ ટ્રેઇનિંગ એટલે એક રમત માટેની ટ્રેઇનિંગ. એ માટે ઘોડાઓને ચપળ, ચતુર અને સ્ફુર્તિલા બનાવવામાં આવતા હતા. વાત કંઈક એવી છે કે લગભગ દરેક રાજ્યના રાજવી પાસે આવા કેટલાક ઘોડાઓ અને એની સાથે એવા જ ચપળ અને સ્ફુર્તિલા ઘોડેસવારો હતા. જેમની જોડી વડે એક ટીમ બનતી હતી. આ ટીમમાં ઘણી વાર ઘોડેસવાર તરીકે રાજવી પોતે પણ સામેલ થતા. ત્યાર બાદ એક પ્રદેશના રાજવી કોઈ બીજા રાજ્ય કે પ્રદેશના રાજવી સાથે ભેગા મળી એ ઘોડાઓ અને ઘોડેસવારોની ટીમ સાથે એક રમત રમતા. આ રમત એટલે પોલો, જેમાં દરેક ઘોડેસવારના હાથમાં એક લાંબી લાકડી હોય જેના છેવાડે એક નાની આડી લાકડી દ્વારા T આકાર બનાવવામાં આવ્યો હોય. એક મોટા મેદાનમાં ઘોડેસવારોની બે ટીમ ઊતરે અને એક દડાને એ લાકડી દ્વારા ધકેલતાં-ધકેલતાં છેક ગોલપોસ્ટ સુધી લઈ જાય. આજના ફુટબૉલ કે હૉકીની રમતમાં જે રીતે ખેલાડીઓ બૉલને ગોલપોસ્ટ સુધી પહોંચાડવા માટે રમે છે. કંઈક એ જ રીતની આ રમત છે. ભારતમાં આ રમત રાજાશાહી રમત તરીકે મશહૂર હતી જેને આજે પણ ‘અ જેન્ટલમેન્સ ગેમ’ તરીકે ઓળખવામાં આવે છે. એ સમયના રાજવીઓના મહેમાન તરીકે અનેક ફિરંગી અને બ્રિટિશર્સ પણ આ રમતનો લહાવો લેવા માટે આવતા હતા. તેમને આ રમત અત્યંત ગમી ગઈ અને તેમણે એ પોતાના દેશ સુધી લઈ જવાનું નક્કી કર્યું.
આર્જેન્ટિના અને પોલો
આજે આર્જેન્ટિનામાં આ રમત જે રીતે લોકપ્રિય છે એ જોતાં આ રમત મૂળ આર્જેન્ટિનાની નહીં હોય એ માનવું મુશ્કેલ જણાય એમ છે પણ પોલો અને આર્જેન્ટિના સાથેના ઇતિહાસની વાત કંઈક એવી છે કે ૧૯મી સદી દરમિયાન કેટલાક અંગ્રેજ મૂળ ભારતની આ પોલો ગેમ આર્જેન્ટિના સુધી લઈ ગયા. ભારતમાં શીખેલી આ રમત તેમણે આર્જેન્ટિનામાં પણ રમવાનું શરૂ કર્યું અને ત્યાંના રહેવાસીઓને આ નવી રમત એટલી ગમી ગઈ કે એ સમયે આખાય આર્જેન્ટિનાના યુવાનો ખૂબ ઝડપથી આ રમત શીખવા અને રમવા માંડ્યા.
આખરે ૧૮૭૫ની સાલમાં પહેલી વાર આર્જેન્ટિનામાં પોલોની એક મૅચ રમાઈ. બ્રિટિશર્સને આ રમત ખૂબ ગમતી હતી અને તેમની સાથે રમવા માટે તેમને વિરોધી ટીમની જરૂર હતી. આથી પહેલી વાર આર્જેન્ટિનાના બ્યુનસ આયર્સમાં (જે આજે પણ આર્જેન્ટિનાનો સૌથી વધુ ગીચ અને સૌથી વધુ માલેતુજારોવાળો વિસ્તાર ગણાય છે) બ્રિટિશર્સ સાથે રમવા માટે એક આર્જેન્ટિનાની ટીમને તૈયાર કરવામાં આવી. અને ૧૮૭૫માં રમાઈ પહેલી પોલો મૅચ. ધીરે-ધીરે આ રમતની આખાય દેશમાં લોકપ્રિયતા એટલી વધવા માંડી કે ૧૯૨૧ની સાલ આવતા સુધીમાં તો એક પોલો ક્લબની રચના કરવી પડી. આ ક્લબનું નામ રાખવામાં આવ્યું, ફેડરેશન આર્જેન્ટિના દે પોલો! ધીરે-ધીરે યુવાનોમાં આ ખેલ માટેનું આકર્ષણ ઓર વધવા માંડ્યું અને આખાય યુરોપમાં જ્યારે પોલો મૅચિસ થતી ત્યારે એ યુરોપીય ટુર્નામેન્ટમાં આર્જેન્ટિનાની સ્થાનિક ટીમોને આમંત્રણ અપાવા માંડ્યું.
ખેલનું ગાંડપણ કહો કે દીવાનગી, આખાય દેશમાં એટલી વધવા માંડી કે ખેલાડીઓ પર હવે આવી દરેક ટુર્નામેન્ટ જીતી લાવવા માટે જબરદસ્ત પ્રેશર બનવા માંડ્યું હતું. મહિનાઓ સુધી ઍટ્લાન્ટિક મહાસાગરમાં હોડીઓ દ્વારા વિહાર કરીને રમવા જવું અને ટુર્નામેન્ટ જીત્યા વિના પાછા આવવું એ ઍન્ટાર્ટિકના પોલો દીવાનાઓને મંજૂર નહોતું. પછી તો આર્જેન્ટિનાના પોલો પ્લેયર્સ એટલા કુશળ ખેલાડી બની ગયા કે આખાય યુરોપમાં લોકો તેમની ઘોડેસવારી અને ચપળતા જોઈને અભિભૂત થઈ જતા.
આ છે પોલો નામની આ ઘોડાઓ અને ઘોડેસવારો દ્વારા રમાતી રમત સાથે સંકળાયેલો ભારત અને આર્જેન્ટિનાનો ઇતિહાસ. તો હવે એ વાત કરીએ કે પોલો છે એ રમત છે; એમાં વિજ્ઞાન, શોધ અને એમાંય જીવવિજ્ઞાનની વાત ક્યાંથી આવી? તો વાત કંઈક એવી છે કે પોલોની દીવાનગીવાળા આ દેશના કેટલાક વિજ્ઞાનીઓએ જીવવિજ્ઞાનમાં આનુવંશિક શોધખોળ અને એક્સપરિમેન્ટ દ્વારા ઘોડાની એક નવી પ્રજાતિ તૈયાર કરી છે. આ શોધ કે એક્સપરિમેન્ટનો મૂળ ઉદ્દેશ્ય એ હતો કે પોલોની રમત રમવા માટે ઘોડાઓની એક એવી પ્રજાતિ બનાવવામાં આવે જે વધુ સ્માર્ટ હોય, જબરદસ્ત ચપળ ખેલાડી હોય અને આ નવી પ્રજાતિના ઘોડા પોલોની રમતને એક અલગ જ ઊંચાઈના સ્તરે લઈ જઈ શકે.
પોલો પ્યુરેઝાનાં આનુવંશિક સંતાનો
વાત કંઈક એવી છે કે આર્જેન્ટિનાની એક અત્યંત માનીતી અને અનેકો પુરસ્કાર જીતી ચૂકેલી ઘોડી છે, જેને અ લોકો ‘પોલો પ્યુરેઝા’ના નામથી ઓળખે છે. આ ઘોડી પોલો રમતની લેજન્ડરી ઘોડી છે એમ કહીએ તો ખોટું નથી. એ આ રમતમાં અનેક પુરસ્કારો જીતી છે, વિજેતા બની છે, ઉપનામો મેળવ્યાં છે. ‘પ્યુરેઝા’નો અર્થ થાય પ્યૉર અથવા પવિત્ર. પોલોની રમત રમતી આ ઘોડી એટલી જબરદસ્ત અને મહામૂલી છે કે લોકો એને પ્યુરેઝા તરીકે ગણાવે છે. આર્જેન્ટિનાના વિજ્ઞાનિકોએ આ ઘોડીના જીન્સ એટલે કે DNA લઈને એને ઘોડાના શુક્રાણુઓ સાથે આર્ટિફિશ્યલી મૅચ કે મેટિંગ કરાવી એમાંથી ઘોડાઓની એક આખેઆખી નવી નસલ બનાવવાનું નક્કી કર્યું એટલું જ નહીં, વૈજ્ઞાનિકોએ પોલો પ્યુરેઝાના એ જીન્સને વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ દ્વારા કાટછાંટ કરીને કંઈક એ રીતે બનાવ્યા કે એના દ્વારા જન્મનારા ઘોડાઓમાં સ્પીડ, ચપળતા અને હોશિયારી પોલો પ્યુરેઝાની જ આવે. આ વિજ્ઞાનિકોનો લક્ષ્યાંક એ હતો કે આ રીતે જન્મનાર ઘોડો કે ઘોડી પોલો પ્યુરેઝા જેવી લેજન્ડ કરતાં પણ વધુ સક્ષમ અને વધુ સફળ બને.
ગયા વર્ષના ઑક્ટોબર-નવેમ્બરમાં આ રીતે તૈયાર થયેલા પોલો પ્યુરેઝાનાં સંતાન એવા કેટલાક ઘોડાઓનો જન્મ થયો હતો. આવી અકલ્પનીય સફળતા બાદ આર્જેન્ટિનાના આ વિજ્ઞાનિકોએ આ નવી નસલને આર્જેન્ટિના અસોસિએશન ઑફ પોલો હૉર્સ બ્રીડર્સ હૉલ ઑફ ફેમમાં સામેલ કરી. આખાય વિશ્વમાં આજ પહેલાં ઘોડાઓ પર આવાં કોઈ સંશોધન કે એક્સપરિમેન્ટ થયાં નહોતાં, જેનું શ્રેય આર્જેન્ટિનાની જ એક બાયોટેક ફર્મ ‘ખેરોન’ અને એની ટીમને નામે જાય છે. આનુવંશિક સંશોધન માટે જ જાણીતી એવી CRISPER-Cas9 ટેક્નિકનો ઉપયોગ કરી તેમણે આ વધુ સ્માર્ટ અને વધુ ઝડપી એવી નવી પ્રજાતિ વિકસાવી. ખેરોનના સહસંસ્થાપક અને વૈજ્ઞાનિક એવા ગૅબ્રિયલ વીચેરા આ વિશે વાત કરતાં કહે છે કે અમે આ નવી નસલના જન્મ પહેલાં જ એમના જિનોમ ડિઝાઇન કરી નાખ્યા હતા. આ માટે તેમણે જિનેટિક સીઝર ટેક્નિકનો ઉપયોગ કરી પોલો પ્યુરેઝાના જિનોમમાં કેટલાક સટીક બદલાવ કર્યા. એનાં બીજમાંથી તેમણે એવાં તત્ત્વો કે આનુવંશિકતાના ગુણો શોધ્યા જે એ ઘોડીને લેજન્ડ બનાવતા હતા. ત્યાર બાદ તેમણે એ છૂટાં પાડેલાં બીજનું પાંચ અલગ-અલગ ચૅમ્પિયન કે લેજન્ડરી ઘોડાઓના શુક્રાણુઓ સાથે મિલન કરાવ્યું જેથી એના દ્વારા જન્મ લેનારા ઘોડાને પ્યુરેઝાની ગતિ અને ચપળતા મળે અને લેજન્ડરી ઘોડાઓના બાકીના ગુણો જેમના તેમ જળવાયેલા રહે.
ખેરોન બાયોટેકના ગૅબ્રિયલ કહે છે કે આવા જન્મેલા ઘોડાઓની આંતરિક સંરચના એમાંય એની માંસપેશીઓ જે ફાઇબરના પોષણથી તૈયાર થઈ એ જબરદસ્ત કાબેલિયત ધરાવતી હતી. શરીર સંકોચવાથી લઈને છલાંગ લગાવવી, ઝડપથી દોડવું આ બધી કાબેલિયત આવા નવા જન્મેલા ઘોડાઓમાં જબરદસ્ત જોવા મળી. અમારી આ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કે શોધ કૃત્રિમ આવિષ્કાર નથી. અમે પ્રાકૃતિક અનુક્રમ અને એ જ પદ્ધતિ અપનાવી જે પદ્ધતિ પ્રકૃતિએ ઘોડાઓને આપી છે. બસ, ફરક માત્ર એટલો છે કે અમે એ બીજમાં જિનોમ પદ્ધતિ દ્વારા કોઈક ઘોડીના એ ગુણો વધુ ઉમેરી રહ્યા છીએ જેનો જન્મ લેનાર અશ્વને ફાયદો થાય.
જિનોમ સંશોધન હજી અનેક શક્યતાઓ ખોલશે
ગૅબ્રિયલ વીચેરા ઘોડાઓ પર થયેલા આ સફળ સંશોધન બાદ હવે સૂઅરો (પિગ) પર આ જ થિયરી દ્વારા નવું સંશોધન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે અમારું આ સંશોધન જો સફળ રહ્યું તો ભવિષ્યમાં સૂઅરોનાં અંગ મનુષ્યોમાં પણ પ્રત્યારોપણ કરી શકાશે એટલું જ નહીં, તેઓ ગાયો પર પણ આ પરીક્ષણ કરવા જઈ રહ્યા છે જેને કારણે ગાયોને વધુ પ્રોટીન મળે અને એમને શરીર પર નાના વાળ ઊગે જેથી એ ગરમીને હાલ કરતાં વધુ સારી રીતે સહન કરી શકે.
ક્યારેક લાગે છે કે વિજ્ઞાન અને એમાંય જીવવિજ્ઞાન ખરેખર જ આપણી કલ્પનાઓ કે સમજની બહારનું વિશ્વ છે. એતેમાં રહેલી સંભાવનાઓ અને શક્યતાઓ એટલી વિશાળ છે કે આવતી કાલે કદાચ ફરી આપણી સામે કોઈ એવી બાબત હકીકત થઈને પ્રસ્તુત થશે કે જેના વિશે આપણે વિચાર્યું પણ નહીં હોય કે ક્યારેય કલ્પના સુધ્ધાં નહીં કરી હોય.

