ઇન્ટરનેટ પર આજકાલ ખૂબ વિડિયો ફરે છે, જેમાં કહેવાયું છે કે રોઝમૅરી વૉટરથી વાળનો ગ્રોથ બહુ સારો થાય છે. આજે જાણીએ આ દાવા માટે રિસર્ચ અને નિષ્ણાતો શું કહે છે એ
હેર કૅર
રોઝમૅરી વૉટર
વાળ ખરવાની સમસ્યા તમને છે?
દસ જણને આ સવાલ પૂછો તો કદાચ આઠ જણનો જવાબ ‘હા’માં આવશે. એટલે જ હેરગ્રોથ વધારવાનો દાવો કરતી કોઈ પણ ચીજની વાત થાય ત્યારે સૌના કાન સરવા થઈ જાય છે. છેલ્લા કેટલાક સમયથી હેર પ્રોડક્ટસની જાહેરાતો જોઈએ તો એમાં રોઝમૅરી ઑઇલનો ઉપયોગ વધ્યો છે એ સ્પષ્ટ જોઈ શકાય છે. ઘરેલુ નુસખા તરીકે રોઝમૅરી વૉટર વાપરવાની સલાહ પણ સોશ્યલ મીડિયા પર ફરતી રીલ્સમાં બહુ જોવા મળી છે. આ દાવાઓ સંપૂર્ણ ખોટા પણ નથી અને સંપૂર્ણ સાચા પણ નથી એવું જણાવતાં ટ્રાઇકોલૉજિસ્ટ ડૉ. રેખા યાદવ કહે છે, ‘રોઝમૅરી વૉટર વાપરવામાં કોઈ નુકસાન નથી, એનાથી ફાયદો જરૂર થાય છે, પરંતુ જે રીતે એનું માર્કેટિંગ કરવામાં આવ્યું છે એટલું ચમત્કારિક ઇન્ગ્રેડિયન્ટ પણ નથી એ યાદ રાખવું જોઈએ.’
ADVERTISEMENT
રિસર્ચ શું કહે છે?
રોઝમૅરી એ હર્બ છે જે સ્કૅલ્પની હેલ્થ સુધારે છે એવું અમેરિકામાં ઉંદરો પર થયેલા અભ્યાસમાં જોવા મળ્યું છે. રિસર્ચરોનું કહેવું છે કે ઉંદરો પર રોઝમૅરી વૉટરનો પ્રયોગ નિયમિત કરવાથી હેર ફૉલિક્સની હેલ્થ સુધરે છે. આ હર્બ ટેસ્ટોસ્ટેરોનમાંથી વાળનાં છિદ્રોને બ્લૉક કરવાનું કામ કરતા હૉર્મોન રિસેપ્ટર પેદા કરવાની પ્રક્રિયાને અવરોધે છે. પુરુષ હૉર્મોન્સ વધવાને કારણે સ્ત્રીઓમાં જોવા મળતી ટાલ તેમ જ વાળ ખરવાની સમસ્યામાં રોઝમૅરી ખૂબ કામનું હર્બ હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
કેવી રીતે વપરાય?
રોઝમૅરી ઑઇલ તો અનેક બ્રૅન્ડ્સનાં શૅમ્પૂ અને કન્ડિશનરમાં જોવા મળે જ છે, પણ જો એનો કુદરતી ફૉર્મમાં ઉપયોગ કરવો હોય તો રોઝમૅરી વૉટર ઘરે બનાવીને એનાથી સ્કૅલ્પ પર મસાજ કરવામાં આવે છે. મસાજ કરવાથી હર્બ સ્કૅલ્પમાં ઊંડે ઊતરે છે અને ફૉલિકલ્સમાં જો કોઈ બ્લૉકેજ હોય તો દૂર કરવામાં સહાયરૂપ થાય છે. ઇન ફૅક્ટ, કોઈ પણ હર્બની સાથે સ્કૅલ્પને મસાજ કરવામાં આવે તો એનાથી ફૉલિકલ્સને ફાયદો થાય છે.
ઘરે બનાવો રોઝમૅરી વૉટર
રોઝમૅરીમાંથી હેર ટૉનિક બનાવવાનું સહેલું છે અને એમાં બીજા કોઈ જ કેમિકલ્સ ન હોવાની ધરપત પણ મેળવી શકાય છે. ઘરે રોઝમૅરી વૉટર બનાવવા માટે બે ગ્લાસ પાણી લો. એમાં ડ્રાય રોઝમૅરીની પાંદડીઓ નાખીને લગભગ પંદરેક મિનિટ એને ઉકાળો. એ પછી પચીસેક મિનિટ સુધી એ પાણીને એમ જ ઠરવા દો. એનાથી હર્બનો અર્ક પાણીમાં ઊતરશે. આ પાણીને ગાળીને સ્પ્રે બૉટલમાં ભરી લો. એમાં ફુદીનાના અર્કનાં ચારથી પાંચ ટીપાં નાખીને બરાબર હલાવો. વાળ ધોયા પછી આ પાણીનો સ્પ્રે વાળના સ્કૅલ્પમાં કરો અને આંગળીઓથી મસાજ કરીને એને ઊંડે ઊતરવા દો. હોમમેડ રોઝમૅરી વૉટરને જો ફ્રિજમાં સ્ટોર કરવામાં આવે તો એકથી બે વીક સુધી સારું રહે છે. નિષ્ણાતોનું કહેવું છે કે એનાથી ઇન્સ્ટન્ટ ફાયદો નથી થતો, પરંતુ લાંબા ગાળે લગભગ એક-બે મહિના નિયમિત પ્રયોગ કરવાથી ફાયદો જોવા મળે છે.
આ પણ વાંચો : પાર્ટી મેકઅપમાં મસ્ટ છે હાઇલાઇટર અને બ્રૉન્ઝર
ચમત્કારની અપેક્ષા ન રાખો
આગળ કહ્યું એમ, રોઝમૅરી એ વાળ માટે સારું હર્બ છે, પરંતુ એનાથી ઇન્સ્ટન્ટ અને મૅજિકલ રિઝલ્ટ મળશે એવું માનવું નહીં એમ જણાવતાં ટ્રાઇકોલૉજિસ્ટ ડૉ. રેખા યાદવ કહે છે, ‘હેરફૉલ થતા હોય તો એનાં અનેક કારણો હોઈ શકે છે એટલે રોઝમૅરી વૉટર લગાવવાથી બધું બરાબર થઈ જશે એવું માની ન લેવું. વચ્ચે અન્યન ઑઇલનો વાયરો ચાલ્યો હતો. આમ, જાહેરાતોમાં તો કોઈ એક ઇન્ગ્રેડિયન્ટને હીરો બનાવીને પ્રમોટ કરવામાં આવે એ સ્વાભાવિક છે, પણ જ્યાં સુધી તમે તમારા વાળ કેમ ખરે છે, એની પાછળનાં કારણો શું છે કે એનું સાચું નિદાન નહીં કરો ત્યાં સુધી બહારથી આવી જાતજાતની ચીજોની ઍપ્લિકેશનથી લાંબા ગાળે ફાયદો નહીં થાય. કઈ ડેફિશ્યન્સીને કારણે વાળ ખરે છે એ સમજીને એનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી ટેમ્પરરી થોડો ફાયદો જોવા મળી શકે છે.’
હેરફૉલ થતા હોય તો એનાં અનેક કારણો હોઈ શકે છે એટલે રોઝમૅરી વૉટર લગાવવાથી બધું બરાબર થઈ જશે એવું માની ન લેવું. કઈ ડેફિશ્યન્સીને કારણે વાળ ખરે છે એ સમજીને એનું નિરાકરણ જરૂરી છે ડૉ. રેખા યાદવ, ટ્રાઇકોલૉજિસ્ટ