અભિનેતા તરીકે અનુપમ ખેરની કોઈ સ્પેશ્યલ ઇમેજ નથી. પાંચસોથી વધુ ફિલ્મોમાં કામ કરનાર અનુપમ ખેરે પિતા, મિત્ર, વિલન, કૉમેડિયન અને બીજાં અનેક પાત્રોને સહજતાથી નિભાવ્યાં છે.
વો જબ યાદ આએ
અનુપમ ખેર
ક્યાંક વાંચ્યું હતું કે ‘Acting is a lie that tells the truth.’ એક અભિનેતા પોતાના અભિનયના સહારે અસત્યને પણ સત્ય માનવા માટે મજબૂર કરે છે. દર્શકોને ખબર હોય છે કે પડદા પર થતો પ્રેમ, ઈર્ષ્યા, ઘૃણા, હિંસા અને બીજા મનોભાવ નકલી છે; પરંતુ એ એટલી સહજ રીતે ભજવાય છે કે એના પ્રભાવમાં આવીને આપણે રોમૅન્સ, રોમાંચ, ડર, નફરત જેવા અનેક આવેગને પ્રત્યક્ષ અનુભવીએ છીએ.
સફળ અને સક્ષમ અભિનેતા એ છે જે કોઈ પણ ઇમેજમાં બંધાયા વિના વિવિધ પ્રકારનાં પાત્રોને ઉચિત ન્યાય આપી શકે. એવા એક કલાકારનું નામ છે અનુપમ ખેર. બૉલીવુડમાં જ્યાં ટૅલન્ટ કરતાં હેરસ્ટાઇલને વધુ મહત્ત્વ અપાતું હતું એ સમયે તેમણે પોતાની પહેલી ફિલ્મ ‘સારાંશ’થી જ એક અલગ સ્થાન બનાવ્યું. અભિનેતા તરીકે અનુપમ ખેરની કોઈ સ્પેશ્યલ ઇમેજ નથી. પાંચસોથી વધુ ફિલ્મોમાં કામ કરનાર અનુપમ ખેરે પિતા, મિત્ર, વિલન, કૉમેડિયન અને બીજાં અનેક પાત્રોને સહજતાથી નિભાવ્યાં છે.
ADVERTISEMENT
અનુપમ ખેર માને છે કે સારા અભિનેતા બનવા માટે સતત મહેનત કરવી પડે છે. ડગલે ને પગલે તમને નિષ્ફળતા મળતી રહે છે, પરંતુ દરેક નિષ્ફળતા સફળતાની સીડીના એક-એક પગથિયાની ગરજ સારે છે. ૧૯૫૩માં તેમનો પરિવાર કાશ્મીરથી શિમલા આવ્યો હતો. નાનપણનો એક કિસ્સો શૅર કરતાં અનુપમ ખેર કહે છે, ‘શિમલામાં સેવોય હોટેલનાં સમોસા અને કૉફી વખણાય. પ્રમાણમાં મોંઘી એવી આ હોટેલમાં કોઈ ખાસ પ્રસંગ હોય ત્યારે જ જવાનું થાય. ભણવામાં હું સામાન્ય વિદ્યાર્થી. માંડ-માંડ પાસ થાઉં. નવમા ધોરણમાં હું નાપાસ થયો. ઘેર આવ્યો ત્યારે ખબર હતી કે આજે મેથીપાક મળશે. પિતાજીની ઇચ્છા હતી કે હું ભણીગણીને સારી સરકારી નોકરી કરું. તેઓ સાંજે ઘેર આવ્યા, પણ કશું બોલ્યા નહીં. હું સૂનમૂન બેઠો હતો એટલે કહે, ‘તૈયાર થઈ જા, સેવોયમાં સમોસા ખાવા જઈએ.’ હોટેલમાં બેઠા હતા એટલે કહે, ‘તને નવાઈ લાગે છેને કે નાપાસ થયો છું તો પણ પાર્ટી કરવા કેમ લઈ આવ્યા? આજે તારી પહેલી નિષ્ફળતાની ઉજવણી કરવાની છે, કારણ કે દરેક નિષ્ફળતા આપણને કશુંક શીખવાડે છે.’
અનુપમ ખેરને ફિલ્મો જોવાનો શોખ. દિલીપકુમાર તેમના પ્રિય અભિનેતા. તેમનામાં આત્મવિશ્વાસ હતો કે એક સારા અભિનેતા બનવાની પોતાનામાં ક્ષમતા છે. ફિલ્મો તો દૂરની વાત હતી, પણ સપનું હતું કે નાટકોમાં કામ કરવા મળે તો મજા આવી જાય. BA પાસ કર્યું એટલે પિતા કહે, હવે સરકારી નોકરીમાં જોડાઈ જા. પણ અનુપમ ખેરની ઇચ્છા જુદી જ હતી. એ દિવસોની વાત કરતાં તે કહે છે, ‘એક દિવસ ન્યુઝપેપરમાં જાહેરાત આવી કે ચંડીગઢમાં Department of people’s theatreનો અભ્યાસક્રમ શરૂ થાય છે. જો સિલેક્ટ થઈએ તો ૨૦૦ રૂપિયાનું સ્ટાઇપેન્ડ અને એક વર્ષનો ડિપ્લોમા કોર્સ ફ્રીમાં કરવા મળે. મેં નક્કી કર્યું, મારે જવું જોઈએ. એક વાતની ખબર હતી કે પિતાજી રજા નહીં આપે એટલે બહાનું કાઢ્યું કે મિત્રો સાથે પિકનિકમાં જાઉં છું. ચંડીગઢ ચાર કલાક દૂર. આવવા-જવાનો, ખાવાપીવાનો ખર્ચો થાય પણ પૈસા નહોતા. એટલે નછૂટકે આજ સુધી નહોતું કર્યું એવું કામ કર્યું.
માતાજી રોજ ઘરના મંદિરમાં પાઈ-પૈસો ચડાવે. એના લગભગ ૧૦૦ રૂપિયા જમા થયા હતા. છાનોમાનો એ લઈને હું ચંડીગઢ પહોંચ્યો. અનેક યુવકો ઑડિશન માટે આવ્યા હતા. દરેકે પાંચ મિનિટની એક સ્કિટ રજૂ કરવાની હતી. ખબર પડી કે દરેક પુરુષપાત્ર ભજવવાના હતા. જો તમારે સફળ થવું હોય તો દુનિયાથી કંઈક અલગ કરવું પડે. તો જ તમારી નોંધ લેવાય. મેં નક્કી કર્યું કે હું સ્ત્રીપાત્ર ભજવીશ. કાનમાં બુટ્ટીઓ પહેરી એક સંસ્કૃત નાટકની ‘બસંતસેના’નું પાત્ર મેં ભજવ્યું. સૌ મારી મજાક ઉડાવતા હતા. સાંજે ઘરે પહોંચ્યો તો ઘરમાં ધમાલ હતી. માતાજીએ પૈસાની ચોરીની ફરિયાદ કરી એટલે પોલીસ બધાની પૂછતાછ કરતી હતી. મને જોઈ મા બોલી, ‘તેં તો નથી લીધાને?’ મેં કહ્યું, ‘ના-ના, મને આ વાતની હમણાં જ ખબર પડી.’
બે અઠવાડિયાં પછી પિતાજીએ કડકાઈથી પૂછ્યું, ‘એ દિવસે તું પિકનિકમાં ગયો હતો કે બીજે ક્યાંય? સાચું કહે.’ હવે ખોટું બોલાય એવું નહોતું એટલે મેં હકીકત જણાવી. મા કહે, ‘પૈસા ક્યાંથી લાવ્યો?’ સત્ય જાણતાં જ તેમણે લાફો માર્યો. જોકે પિતાજી ગુસ્સામાં હોવા છતાં ચૂપ હતા. મેં કહ્યું, ‘માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. કોઈ દિવસ ચોરી નહીં કરું. મારે નાટકમાં કામ નથી કરવું. હું તમારી ઇચ્છા પ્રમાણે સરકારી નોકરી કરીશ.’ પિતાજી કહે, ‘અરે બસ કર. ચૂપ હો જા. તેરા સિલેક્શન હો ગયા હૈ.’ માતાજી હજી ગુસ્સામાં હતી, ‘પર મેરા સૌ રૂપિયા તો ગયા ના?’ પિતા કહે, ‘ચૂપ કર, ઉસે ૨૦૦ રૂપિયા મિલનેવાલા હૈ, તેરા પૈસા વાપસ દે દેગા.’
અનુપમ ખેરની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કઈ રીતે શરૂ થઈ એ કિસ્સો પણ એટલો જ રોચક છે. ‘મને કોઈએ કહ્યું કે મુંબઈમાં મારી ઓળખાણ છે, તને ત્યાં નોકરી અપાવશે. ૧૯૮૧માં હું ૩૭ રૂપિયા લઈ મુંબઈ આવ્યો. જે માણસ મને નોકરી આપવાનો હતો તે સ્ટેશને આવ્યો જ નહીં. એક ઓળખીતાએ કહ્યું કે ૧૦ દિવસ મારા ઘરે રહેવાની સગવડ કરી આપું, પણ ત્યાર બાદ બીજું ઠેકાણું જોઈ લેજે. મેં ખૂબ સંઘર્ષ કર્યો છે. રસ્તા પર, રેલવે-સ્ટેશન પર સૂતો છું. નાની ઉંમરે ટાલિયો થઈ ગયો. લોકો કહે, રાઇટર બની જા, અસિસ્ટન્ટ ડિરેક્ટર બની જા. પણ મારે અભિનેતા બનવું હતું. નાટકોમાં નાનાં-મોટાં, જે મળે એવાં પાત્રો ભજવ્યાં છે. મારામાં એક ઝનૂન હતું. બાંદરાની એક ચાલમાં હું એક ધોબણના ઘરમાં ભાડેથી રહેતો હતો. કિચનમાં તે ચાદરનો પડદો બનાવીને તેનાં ત્રણ બાળકો સાથે સૂતી અને એક નાની રૂમમાં અમે પાંચ ભાડૂઆત રહેતા. પંખો પણ નહોતો. તેમ છતાં મારો જુસ્સો બુલંદ હતો, કારણ મારું ઍડ્રેસ હતું; અનુપમ ખેર, ૨|૧૫, ખેરવાડી, ખેર રોડ, બાંદરા ઈસ્ટ.
‘બે વર્ષની રઝળપાટ બાદ ૧૯૮૩માં મને ‘સારાંશ’માં રોલ મળ્યો. ૬ મહિના આ પાત્રની તૈયારીમાં હું અનેક વૃદ્ધાશ્રમમાં જઈને તેમની ખાસિયત, બોલચાલનો અભ્યાસ કરતો હતો. શૂટિંગ શરૂ થવાના ૧૦ દિવસ પહેલાં મને મહેશ ભટ્ટનો ફોન આવ્યો (એ દિવસોમાં ગલીમાં આવેલી કરિયાણાની દુકાનના ફોન પરથી વાતચીત થતી), ‘રાજશ્રી ફિલ્મ્સવાળા કહે છે કે નવા અભિનેતાને બદલે સંજીવકુમારને લેવાનું નક્કી કર્યું છે. તો તું બીજા વૃદ્ધનો રોલ (જે પ્રમાણમાં ઘણો નાનો હતો એ) કર.’
આ સાંભળી મારી ધીરજ ખૂટી ગઈ. મનમાં થયું, Enough is enough. આ શહેરને મારી કદર નથી. જેના પર ખૂબ માન હતું એવા મહેશ ભટ્ટ આવું કરે એની કલ્પના નહોતી. હવે હું અહીં રહેવા માગતો નથી. મેં મારો સામાન પૅક કર્યો અને નક્કી કર્યું કે આજે જ મુંબઈને અલવિદા કહી દઉં. ટૅક્સી પકડી સ્ટેશને જવા નીકળ્યો. દિલ્હી, શિમલા ક્યાં જવું એ નક્કી નહોતું. હું ધૂંધવાયેલો હતો. રસ્તામાં મને મારા દાદાજીની વાત યાદ આવી. ‘If you want to be equal with somebody, don’t expect anything from that person.’ જ્યારે વ્યક્તિ પાસેથી તમને કોઈ અપેક્ષા ન હોય ત્યારે તમે તેના સમકક્ષ છો. મને થયું, મુંબઈ છોડતાં પહેલાં ભટ્ટસા’બને મારે એ જણાવવું જોઈએ કે તેમના માટે હું શું ધારું છું.
‘ટૅક્સી તેમના ઘર તરફ લેવડાવી. લિફ્ટ ચાલતી નહોતી એટલે ૬ માળ ચડીને ફ્લૅટની ડોરબેલ બજાવી. મને જોઈ કહે, ‘વાહ, What a spirit? કેટલી ખેલદિલીથી તેં પરિસ્થિતિ સ્વીકારી લીધી. બીજા વૃદ્ધનો રોલ નાનો છે, પણ આપણે એને ડેવલપ કરીને મોટો બનાવીશું.’ હું રોષ, પીડા, અવહેલનાથી ધ્રૂજતો હતો. મેં તેમને બારી પાસે લઈ જઈ નીચે ઊભેલી ટૅક્સી દેખાડી કહ્યું, ‘આ ટૅક્સીમાં મારો સામાન છે. હું શહેર છોડી જાઉં છું, પણ જતાં પહેલાં તમને જણાવી દઉં કે You are biggest fraud. આપ સબસે બડે ઝૂઠે હૈં. આપ સચ કે ઉપર ફિલ્મ બના રહે હો, પર આપ કભી સચ્ચી ફિલ્મ બના નહીં સકતે. મૈં બ્રાહ્મણ હૂં. આપકો શ્રાપ દેતા હૂં.’ આટલું કહી હું ત્યાંથી નીકળી ગયો.
‘હું નીચે ગયો. જોયું તો મહેશ ભટ્ટ મને બારીમાંથી બૂમ મારીને કહેતા હતા, ‘ઉપર આવ, ઉપર આવ.’ હું ત્યાં જ ઊભો રહ્યો. તેમનો માણસ નીચે આવ્યો. મને કહે, ‘સા’બને રોકને કો કહા હૈ.’ તેમણે રાજશ્રીવાળાને ફોન કર્યો. કહે, ‘હમણાં મેં જે સીન જોયો એ એટલો જબરદસ્ત હતો કે હવે અનુપમ ખેર જ આ રોલ કરશે.’
૨૮ વર્ષની ઉંમરે ૬૫ વર્ષના વૃદ્ધનો રોલ અદ્ભુત રીતે ભજવીને અનુપમ ખેરે સૌને ચોંકાવી દીધા. ‘સારાંશ’ની રિલીઝ બાદ તેમણે ૫૭ ફિલ્મો સાઇન કરી. આવી અભૂતપૂર્વ સફળતા પછીની તેમની જિંદગીના ઉતારચડાવની વાતો આવતા રવિવારે.