નિરંતર સફળતા જ મળે એ શક્ય નથી, પરંતુ એનો અર્થ એવો નથી કે તમારે પ્રયત્ન કરવાનું બંધ કરી દેવું. નિષ્ફળતા એવા અનુભવ કરાવે જે જીવનના ઘડતરમાં પાયાના પથ્થરનું કામ કરે.
વો જબ યાદ આએ
અનુપમ ખેર
નિરંતર સફળતા જ મળે એ શક્ય નથી, પરંતુ એનો અર્થ એવો નથી કે તમારે પ્રયત્ન કરવાનું બંધ કરી દેવું. નિષ્ફળતા એવા અનુભવ કરાવે જે જીવનના ઘડતરમાં પાયાના પથ્થરનું કામ કરે. એક અભિનેતા તરીકે અનુપમ ખેર સતત સફળ નહીં રહ્યા હોય પરંતુ એ પ્રક્રિયામાં તેમના જીવનમાં ઘણા પ્રસંગો એવા બન્યા જેમાંથી તેમને અનેક પાઠ ભણવા મળ્યા. તેમના ઇન્ટરવ્યુ વાંચતાં કે સાંભળતાં મને એવો અહેસાસ થયો કે કોઈ મોટિવેશનલ સ્પીકર સાથે મુલાકાત થઈ રહી છે. તેમની વાતોમાં સચ્ચાઈ અને નિખાલસતાનો રણકો સંભળાય. સત્ય એક એવો દીવો છે જે પહાડ પર મૂકો તો એની રોશની જરૂર ઓછી જાય પરંતુ દૂરથી પણ એ દીવો તમને દેખાય. એટલે જ તેમના જીવનના પ્રસંગો રસપ્રદ અને પ્રેરણાદાયક છે.
એક ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે, ‘હું ચેન્નઈમાં ‘આખરી રાસ્તા’ના શૂટિંગ માટે ગયો હતો. એ સમયે નવી-નવી સફળતા મળી હતી. પરિણામે મગજનો પારો ચડેલો હતો. મેકઅપ રૂમમાં AC ચાલતું નહોતું એટલે મેં મૅનેજરને ખખડાવી નાખ્યો. તે ચૂપચાપ સાંભળી રહ્યો હતો. મેં પૂછ્યું, ‘મારો સીન કોની સામે છે?’ જવાબ મળ્યો, ‘અમિતાભ બચ્ચન સાથે.’ આ પહેલાં મારી તેમની સાથે મુલાકાત નહોતી થઈ. મેં કહ્યું, ‘એ આવશે તો તમારી બરાબર ખબર લેશે.’ જવાબ મળ્યો, ‘સર તો ક્યારના આવી ગયા છે.’
ADVERTISEMENT
હું થોડો ચમક્યો. મેં પૂછ્યું, ‘ક્યાં છે?’ પેલાએ આંગળી ચીંધી. જોયું તો રૂમના છેવાડે મૂછ, દાઢી, વિગ, કોટ પહેરી, કંબલ ઓઢી બચ્ચનસા’બ એક પુસ્તક વાંચતાં બેઠા હતા. મેં પાસે જઈ નમસ્તે કરતાં કહ્યું, ‘હલો સર.’ તો બોલ્યા, ‘બૈઠો, બૈઠો. મૈંને આપકી ‘સારાંશ’ દેખી હૈ. બહુત અચ્છી ફિલ્મ હૈ.’ આટલું કહી તે પુસ્તક વાંચવા લાગ્યા. માનવામાં ન આવે કે ગ્રેટ અમિતાભ બચ્ચન મને આટલું માન આપે છે.
આગળ શું બોલવું એની મથામણ કરતાં મેં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો, ‘સર, AC કામ નહીં કર રહા હૈ. આપ ઇતના હેવી ડ્રેસ ઔર મેકઅપ કરકે બૈઠે હૈં, આપકો ગર્મી નહીં લગતી?’
તેમણે મારી સામે જોયું. જાણે કહેતા ન હોય કે તું શું કહેવા માગે છે? કહે, ‘અનુપમ, ગર્મી કે બારે મેં સોચતા હૂં તો ગર્મી લગતી હૈ, નહીં સોચતા તો નહીં લગતી.’ એ દિવસે મને આટલું મોટું જ્ઞાન સહજતાથી મળ્યું.’
અનુપમ ખેરના પિતા તેમના સૌથી મોટા ફૅન હતા. તેમના પહેલા નાટકથી માંડીને આખરી ફિલ્મ તેમણે એ જ ઉત્કંઠા અને અભિમાનથી જોઈ. તે હમેશાં કહેતા, ‘મેરા બેટા કમાલ કા ઍક્ટર હૈ.’ ૮૪ વર્ષની ઉંમરે પણ રોજના પાંચછ કિલોમીટર વૉક કરતા. અનુપમ ખેર તેમને યાદ કરતાં કહે છે, ‘તે મારા ભાઈ સાથે રહેતા હતા. એક દિવસ તેનો ફોન આવ્યો. જઈને જોયું તો એકદમ નબળા થઈ ગયા હતા. તેમને અજબ રોગ થયો હતો. ખોરાકને ઝેર માને અને પાણીને ઍસિડ. ખાવાપીવાનું છોડી દીધું. બોલવાનું છોડી દીધું. મને જોઈને નૉટી સ્માઇલ આપ્યું. કાગળ મગાવીને લખવાનું શરૂ કર્યું. થોડું લખીને મારી તરફ કાગળ ફેંક્યો. મેં જોયું તો એમાં કેવળ આડીઅવળી લાઇન હતી. તે કશુંક કહેવા માગતા હતા પણ વાક્યો લખી ન શક્યા. મારી સામે જોયા કરે કે હું શું જવાબ આપું છું. તેમને નિરાશ નહોતા કરવા એટલે મેં કહ્યું, ‘પાપા, આપ સહી કહ રહે હો.’
આ સાંભળી તે નિરાશ થઈ ગયા. મને પાસે બોલાવી કાનમાં માંડ-માંડ સંભળાય એમ બોલ્યા, ‘Live Life.’ મેં આંખમાં આંસુ સાથે કહ્યું, ‘ઑફકોર્સ પાપા.’ મેં નક્કી કર્યું કે તેમના મૃત્યુનો શોક નહીં મનાવું, ઉજવણી કરીશ. તેમની સ્મૃતિ સભામાં મેં મ્યુઝિશ્યન્સ બોલાવ્યા. તેમને ગમતાં ગીતો ગાયાં. સૌને રંગબેરંગી કપડાં પહેરવાની સૂચના આપી હતી. તેમના જીવનની અનેક પૉઝિટિવ અને ફની સ્ટોરીઝ લોકો સાથે શૅર કરી.’
અનુપમ ખેરનાં માતાજીની સેન્સ ઑફ હ્યુમરમાં થોડો ઍરોગન્સ હતો. કોઈએ કહ્યું કે અનુપમ ખેર નસીબદાર છે કે મોટા કલાકારો સાથે કામ કરવાનો મોકો મળ્યો. તેમણે કહ્યું, ‘એ લોકો પણ ખુશનસીબ હતા કે તેમને અનુપમ સાથે કામ કરવા મળ્યું.’ તેમની સાથેની પહેલી મુલાકાતમાં મહેશ ભટ્ટે કહ્યું, ‘આપકે બેટે કો સ્ટાર બના દિયા.’ તો ફટ દઈને જવાબ મળ્યો, ‘ઉસમેં કુછ દમ હોગા તબ તો બનાયા, વરના કિસી ઐરેગૈરે કો કહાં બના સકતે હૈં.’
પિતાના મૃત્યુ બાદ અનુપમ ખેરે માતાને પૂછ્યું, ‘જીવનમાં કોઈ ઇચ્છા બાકી રહી છે?’ જવાબ મળ્યો, ‘મારે શિમલામાં એક ઘર જોઈએ છે.’ પુત્રે કહ્યું, ‘આપણે તો હવે ત્યાં રહેતાં નથી. ઘરનું શું કરીશું?’ માએ કહ્યું, ‘હું ૫૯ વર્ષ ભાડાના ઘરમાં રહી છું. હમેશા સોચતી થી કિ અપના એક ઘર હોના ચાહિએ.’ તરત અનુપમ ખેરે શિમલામાં એક ઘર લીધું જ્યાં માતા ઇચ્છા થાય ત્યારે જઈ શકે.
અનુપમ ખેર માને છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમના જીવનનો એક હિસ્સો છે, જીવન નથી. એટલા માટે જ એક જાગરૂક નાગરિક તરીકે કોઈની પણ શેહશરમ રાખ્યા વિના પોતાના અભિપ્રાય વ્યક્ત કરવા માટે તે જાણીતા છે. એક સમયના મિત્ર નસીરુદ્દીન શાહે જ્યારે તેમના રાષ્ટ્રવાદી રવૈયા વિશે એલફેલ કમેન્ટ કરી ત્યારે તેમણે શબ્દો ચોર્યા વિના શાલીનતાથી જવાબ આપ્યો હતો, ‘છાશ લેવા જવું અને દોણી સંતાડવી એના કરતાં ‘મન કી બાત’ છડેચોક કહી દેવી.’
આવું માનતા અનુપમ ખેરના બે કિસ્સા યાદ આવે છે.
થોડાં વર્ષો પહેલાં આ દેશમાં ‘અસહિષ્ણુતા (Intolerance) ખૂબ વધી ગઈ છે એવી ચર્ચા થતી હતી. ચાર હજાર શ્રોતાની એક સભા, જેનું લાઇવ ટેલિકાસ્ટ થતું હતું, એમાં સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ ગાંગુલીએ એક ચોંકાવનારી વાત કરી, ‘અફઝલ ગુરુને ફાંસી અપાઈ એ બહુ ખોટું થયું.’ હાજર રહેલા બીજા વક્તા અનુપમ ખેરે સ્ટેજ પરથી આ વાતને રદિયો આપતાં કહ્યું, ‘એક રિટાયર્ડ જજ થઈને દેશની ન્યાય પ્રક્રિયા સામે તમે સવાલ કરો એ શરમની વાત છે. તમે લોકોને શું સંદેશ આપવા માગો છો? જે વ્યક્તિએ પાર્લમેન્ટ પર હુમલો કરાવ્યો અને જેને બચાવ કરવાનો પૂરો મોકો આપ્યા બાદ સજા થઈ એ વાતને તમે અયોગ્ય ઠરાવો ત્યારે હું ડિપ્લોમૅટિક ન થઈ શકું.’
એ સમયે એવી જ એક જાહેર ડિબેટ હતી જેમાં વિષય હતો ‘Freedom Of Speech’. એ દિવસોમાં તોફાની તત્ત્વો ખુલ્લેઆમ દેશવિરોધી નારા લગાવતા. જ્યારે સરકાર તેમની ધરપકડ કરતી ત્યારે વિરોધપક્ષો આરોપ લગાવતા કે આ દેશમાં અભિવ્યક્તિની આઝાદી નથી. એ ડિબેટના એક વક્તા તરીકે વક્તવ્ય શરૂ કરતાં પહેલાંના સંબોધનમાં અનુપમ ખેરે એક ભૂંડી ગાળ બોલીને શ્રોતાઓને ચોંકાવી દીધા. પછી કહ્યું, ‘જો તમને આ અજુગતું લાગ્યું હોય તો હું એનો બચાવ ન કરી શકું કે મને ગમે તે બોલવાની આઝાદી છે. જે ભાષા બોલવાથી સમાજ અને દેશનું નુકસાન થાય એને વ્યક્ત કરવાની કોઈને છૂટ નથી.’
અનુપમ ખેર પર વિવેચકોનો આરોપ છે કે તેઓ નરેન્દ્ર મોદીના ચમચા છે. એના જવાબમાં તે કહે છે, ‘હા, હું તેમનો ચમચો છું. એમ તો હું દિલીપકુમાર અને અમિતાભ બચ્ચનનો પણ ચમચો છું. કોઈના માટે અહોભાવ અને આદર હોવો એને જો ચમચાગીરી કહેવાય તો મને આ આરોપ મંજૂર છે. ટીકાખોરોને એમ લાગતું હશે કે અમે આવું કહીશું એટલે અનુપમ બચાવની મુદ્રામાં આવી જશે પરંતુ હું હસીને એનો સ્વીકાર કરું છું, કારણ કે હું અભિનેતા તો છું જ પણ એ પહેલાં આ દેશનો જાગૃત નાગરિક છું.’
હિન્દી મીડિયમમાં ભણેલા, કિશોરાવસ્થામાં તોતડાપણાનો ભોગ બનેલા, યુવાનીની શરૂઆતમાં જ ટાલિયા થઈ જનાર અને ત્યાર બાદ નાની ઉંમરે ફેશ્યલ પૅરૅલિસિસનો હુમલો આવ્યા બાદ પણ અનુપમ ખેર આજે સફળતાની ટોચ પર છે. એટલે જ તેમની આત્મકથાનું નામ છે ‘કુછ ભી હો સકતા હૈ.’ ૨૦૦૪માં પદ્મશ્રી અને ૨૦૧૬માં પદ્મભૂષણ અવૉર્ડથી સન્માનિત થયેલા આ કલાકારનો એક જ મંત્ર છે કે મારી હરીફાઈ બીજા કોઈ સાથે નહીં, મારી જાત સાથે છે. ૮ ફિલ્મફેર અવૉર્ડ, બે નૅશનલ અવૉર્ડ અને ૩ ઇન્ટરનૅશનલ અવૉર્ડ વિજેતા અનુપમ ખેર જેવા સક્ષમ કલાકાર પાસેથી દર્શકોને સતત ઉત્તમ અભિનયની અપેક્ષા રહેશે.