Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > વિશ્વમાં ટૉપ થ્રીમાં હશે ભારતનું અર્થતંત્ર

વિશ્વમાં ટૉપ થ્રીમાં હશે ભારતનું અર્થતંત્ર

Published : 24 February, 2023 11:00 AM | Modified : 24 February, 2023 11:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરકારી પૉલિસીઓ બની રહી છે અને ભારતના અર્થતંત્રમાં અત્યારે પણ જે ગ્રોથનો પવન ફૂંકાઈ રહ્યો છે એ જોતાં ભારતનું ભવિષ્ય ઝળહળતું છે એમાં શંકાને કોઈ સ્થાન નથી

ભાવના દોશી

Anniversary Special

ભાવના દોશી


સરકારી પૉલિસીઓ બની રહી છે અને ભારતના અર્થતંત્રમાં અત્યારે પણ જે ગ્રોથનો પવન ફૂંકાઈ રહ્યો છે એ જોતાં ભારતનું ભવિષ્ય ઝળહળતું છે એમાં શંકાને કોઈ સ્થાન નથી એવી સ્પષ્ટતા કરે છે વૈશ્વિક સ્તરે નામના ધરાવતાં અગ્રણી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને અસોચેમ (અસોસિએટેડ ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી) અને સીઆઇઆઇ (કૉન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી) કૉર્પોરેટ ગવર્નન્સ કાઉન્સિલનાં મેમ્બર તરીકે સક્રિય ભાવના દોશી. ભારતીય અર્થતંત્રની અને ફાઇનૅન્સની દિશામાં સફળતાની આંટીઘૂંટીઓ વિશે રશ્મિન શાહે ભાવનાબહેન સાથે કરેલી વાતચીત પ્રસ્તુત છે


આર્થિક દૃષ્ટિએ આપણા દેશના ભવિષ્યને તમારી અનુભવી આંખો કઈ રીતે જુએ છે?



દુનિયાની તુલનાએ ભારતનો ગ્રોથ રિમાર્કેબલ છે. ગ્લોબલી આપણે ગ્રો કરી રહ્યા છીએ એમાં શંકાને સ્થાન નથી. જે પ્રકારની સરકારની નીતિઓ બની છે અને જે પ્રકારના ફ્યુચર પ્રોગ્રામ્સ છે એ જોતાં નાનામાં નાની વ્યક્તિના જીવનમાં પણ પૉઝિટિવ પરિવર્તન આર્થિક રીતે આવે એની સંભાવના ઉજ્જવળ છે. તમે જોશો તો દેખાશે કે સરકાર ડેવલપમેન્ટની દિશામાં ભરપૂર કામ કરી રહી છે. પછી એ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ હોય કે પછી ટૂરિઝમની વાત હોય. ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટની વાત કરું પહેલાં. આજે વિવિધ પ્રકારની સ્કીમ બહાર પાડીને નાનામાં નાની વ્યક્તિને સરકાર વિવિધ લોનયોજનાઓની સહાય દ્વારા પોતાનું મૅન્યુફૅક્ચરિંગનું કામ કરવા માટે પ્રેરી રહી છે. સ્ટાર્ટઅપની દિશામાં જે સક્સેસ-રેટ આપણા દેશનો છે એ અન્ય દેશોની તુલનાએ ઘણો સારો છે. દેખીતી વાત છે કે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ સાથે જ એમ્પ્લૉયમેન્ટની તકો વધે, દેશમાં ફૉરેન એક્સચેન્જની સંભાવના પણ ઊભી થાય. એવી જ રીતે સારા રસ્તાઓ બને. નાના-નાના સેન્ટરમાં ઍરપોર્ટ ઊભું કરવા જેવી બાબતો પણ દેશના ગ્રોથ માટે મહત્ત્વની છે. ટૂરિઝમને સરકાર ખૂબ પ્રાધાન્ય આપી રહી છે એ પણ એની વિવિધ યોજનામાં પ્રતિબિંબિત થાય જ છે. ફિલ્મના શૂટિંગમાં ભારતની જગ્યાઓ અને એની સુંદરતાને પ્રાધાન્ય અપાય એ માટેના પણ સરકાર પ્રયાસો કરી રહી છે. બહુ જ સૂક્ષ્મ સ્તર પર આવી બાબતો ઇકૉનૉમીને પ્રભાવિત કરતી હોય છે.


તો પછી મોંઘવારીનું શું? લોકોની આવક નહીં પણ ખર્ચા વધી રહ્યા છે એ ગ્રોથ છે?

જુઓ, અત્યારે ઇન્ફ્લેશન-રેટ હાઈ છે એ વાતને નકારી ન શકાય. ફુગાવો દેશ માટે સારી સાઇન નથી. જોકે કોવિડનાં બે-અઢી વર્ષ જે રીતે પસાર થયાં છે એ જોતાં થોડોક સમય સરકારને ફુગાવાને કન્ટ્રોલ કરવામાં લાગવાનો છે. સરકારની ટૅક્સ-પૉલિસી જોતાં બહુ જ જલદી ઇન્ફ્લેશન-રેટને કન્ટ્રોલમાં લાવવાનું કામ થશે. સરકારની જીએસટીની આવક રેવન્યુની બાબતમાં બહુ જ મોટો પૉઝિટિવ ચેન્જ લાવી છે. બીજું, આજે આપણે સંપૂર્ણ કનેક્ટેડ વિશ્વમાં જીવીએ છીએ. આપણો દેશ ગ્રોથ કરી રહ્યો હોય, પરંતુ બાકીના દેશોની ઇકૉનૉમી સ્લો-ડાઉન થઈ ગઈ હોય તો એની અસર પણ આપણને પડવાની. આજે યુક્રેન અને રશિયા વચ્ચે એક વર્ષથી યુદ્ધ ચાલતું હોય તો એની અસર પણ આપણા દેશના અર્થતંત્ર પર પડતી હોય. બધું જ ઇન્ટર-કનેક્ટેડ છે. બીજા દેશોની ખરીદશક્તિ ઘટવાને કારણે એક્સપોર્ટને અસર થઈ છે અને આપણા દેશની સ્ટ્રેન્થ વધી હોવા છતાં એનો લાભ આપણે નથી લઈ શક્યા. જોકે બહુ જલદી મોંઘવારીની બાબતમાં પણ નક્કરતા સાથેના બદલાવો આપણને જોવા મળશે. 


પાંચ વર્ષ પછીનું ભારત કેવું હશે?

વિશ્વની ટૉપ ફાઇવ ઇકૉનૉમીમાં ભારત ત્રીજા નંબરે હોય એ ‌સમય બહુ દૂર નથી. ભારત ફાસ્ટ ગ્રોઇંગ ઇકૉનૉમી છે જે વાત ઘણા ફૉરેન ઇન્વેસ્ટરોને પણ સમજાઈ ગઈ છે. જે રીતે G20ને સફળતા મળી રહી છે એ ક્યાંક ને ક્યાંક આપણા ગ્લોબલ સ્ટૅન્ડને ક્લિયર કરે છે. માત્ર ગ્લોબલી જ નહીં, ડોમેસ્ટિકલી પણ ઇકૉનૉમીને બૂસ્ટ કરવાની દિશામાં રિમાર્કેબલ પગલાં લેવાની જાહેરાત આ વખતના બજેટમાં થઈ હતી. જેમ કે દસ હજાર કરોડનું કૅપિટલ એક્સપેન્ડિચર થશે તો એની બહુ જ મોટી અસર ઇકૉનૉમિક ગ્રોથ પર પડશે. બધું જ થશે, પણ શરત એ કે બધું બરાબર ચાલે. આજે આપણા પાડોશી દેશો વચ્ચેના ટેન્શનમાં જો કોઈ યુદ્ધ જેવા અણધાર્યા સંજોગો ઊભા થાય તો પછી વાત જ આખી જુદી છે. 

સ્ટૉક ઇન્વેસ્ટમેન્ટને લઈને વ્યક્તિના રવૈયામાં શું બદલાવ આવવો જોઈએ?
સ્ટૉકમાર્કેટ જેમનું ડે-ટુ-ડે કામ નથી તેમણે માત્ર ને માત્ર ઇન્વેસ્ટમેન્ટની દૃષ્ટિએ જ એમાં પડવું જોઈએ. હું આ ક્ષેત્રમાં બહુ ગૂઢ ઊતરી નથી, પરંતુ મોટા ભાગના એક્સપર્ટ જે કહેતા હોય છે તેમની દૃષ્ટિએ પણ કહીશ કે મહેરબાની કરીને રાતોરાત કરોડપતિ થવાનાં સપનાં સાથે શૅરમાર્કેટનો દરવાજો ન ખટખટાવો. સારું સ્ટૅન્ડ ધરાવતી કંપનીમાં લૉન્ગ ટર્મ ગોલ સાથે ઇન્વેસ્ટ કરો. ફરી કહું છું, ઇન્વેસ્ટ કરો.

ઇનડાયરેક્ટ ટૅક્સ GSTનું સ્ટ્રક્ચર બનતું હતું ત્યારે તમે પણ ઍડ્વાઇઝર તરીકે કોર કમિટીમાં હતાં. ઇનડાયરેક્ટ ટૅક્સમાં સામાન્ય લોકો સાથે અન્યાય થઈ રહ્યો હોય એવું નથી લાગતું? ગરીબ વ્યક્તિ પણ બે રૂપિયાના બિસ્કિટ પર ૧૮ ટકા ટૅક્સ આપે અને અબજોપતિ માટે પણ એ જ નિયમ. આવું કેવું?

ઇનડાયરેક્ટ ટૅક્સનું જે માળખું છે એ સહેજ જટિલ છે. કૉમ્પ્લેક્સ સ્ટ્રક્ચર હોય ત્યારે તમે વ્યક્તિની આર્થિક સ્થિતિ પ્રમાણે વસ્તુઓ પર લાગતા ટૅક્સના સ્લૅબને વધુ છંછેડી ન શકો. આમાં કૉમન પૅરામીટર સાથે જ આગળ વધવું પડે. દુનિયાના દરેક ડેવલપિંગ કન્ટ્રીમાં જ્યારે ઓછી ઇન્કમ ધરાવતા વધુ લોકો હોય ત્યારે સરકારની મેજર આવક ઇનડાયરેક્ટ ટૅક્સથી જ થતી હોય છે. આપણે ત્યાં પહેલાં એટલે કે રિફૉર્મ ચાલુ થયું એ ૧૯૯૧ના અરસામાં સરકારની કુલ આવકમાંથી ૮૦ ટકા જેટલી આવક ઇનડાયરેક્ટ ટૅક્સમાંથી થતી હતી અને ૨૦ ટકા ઇન્કમ ટૅક્સમાંથી આવતી. આજે એ રેશિયો ફિ‌ફ્ટી-ફિફ્ટી પર પહોંચ્યો છે જે સારી નિશાની છે. અત્યારે આપણે ત્યાં ૧૮ ટકા હાઇએસ્ટ જીએસટી છે જે દર પહેલાં પણ આટલો જ હતો. જોકે પહેલાં જુદા-જુદા ટૅક્સને કારણે આંકડો ડિવાઇડ થઈ જતો અથવા તો તમારા ધ્યાનમાં નહોતો આવતો. આજે એ નજરે ચડે છે. આજે મોટા ભાગના યુરોપમાં ઇનડાયરેક્ટ ટૅક્સ વીસ ટકા લેવાય છે. અફકોર્સ, જીવનજરૂરિયાતની અમુક વસ્તુઓ, શાકભાજી વગેરે પર ટૅક્સ ઓછો હોય છે. એ સિસ્ટમ આપણે ત્યાં પણ લાગુ થઈ જ છે. બેશક, હજીયે અમુક એરિયા એવા છે આપણે ત્યાં જેમાં ટૅક્સના પર્સન્ટેજ રિવ્યુ થવા જોઈએ. અત્યારે જે રીતે પ્રોડક્શન વધ્યું છે અને ઇકૉનૉમિક ડેવલપમેન્ટ થયું છે એ જોતાં સરકાર હવે ઍવરેજ જીએસટી રેટ ઘટાડવાનું વિચારી શકે. અત્યારે પાંચ ટકા, ૧૨ ટકા અને ૧૮ ટકાના રેટ છે જીએસટીમાં. એને સરકાર થોડા સમય માટે ૧૨ અને ૧૮ની વચ્ચે લાવીને ૧૫ ટકા જેટલો કરી શકે અને આગળ જતાં એને ૧૨ ટકા સુધી ઓછો કરશે તો પણ સરકારની ઍવરેજ રેવન્યુ ડિસ્ટર્બ થવાની સંભાવના ઓછી છે.

વ્યક્તિએ ફાઇનૅન્શિયલી સફળ થવું હોય તો શું કરવું જોઈએ?
તમારી જે પણ આવક હોય એનું પ્રૉપર મૅનેજમેન્ટ કરતાં તમને આવડવું જોઈએ અને તમારે પૈસો વધારવો છે એ ‌દાનત સાથે જુદી-જુદી રીતે ઇન્વેસ્ટમેન્ટ તથા સેવિંગ્સની દિશામાં વિચારવું જોઈએ. તમારી ઇન્કમનું ડાઇવર્સિફિકેશન કરતાં તમને આવડવું જોઈએ. તમારી પાસે એક અમાઉન્ટ ધારો કે વધે છે તો એનાથી સ્ટૉકમાં, સોનામાં, પ્રૉપર્ટીમાં, સરકારની વિવિધ સેવિંગ્સ સ્કીમમાં એમ મલ્ટિપલ જગ્યાએ તમારો પૈસો જવો જોઈએ. એક જ જગ્યાએ બધું રોકાણ કરો અને એ પૈસો હાથ ન લાગે તો એ યોગ્ય નથી. સાથે જ તમારો પૈસો માત્ર સેવિંગ્સ અકાઉન્ટમાં એક પર્સન્ટેજના વ્યાજ પર જ ગ્રો થતો હોય એ પણ લૉન્ગ ટર્મમાં તમને સારું રિટર્ન નહીં આપે. સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટનું બૅલૅન્સ જરૂરી છે. મારી દૃષ્ટિએ ફાઇનૅન્શિયલ સક્સેસનું સીક્રેટ છે ખર્ચ, બચત અને રોકાણનું સંતુલન. ઓછી આવકમાં પણ તમે જ્યાં છો ત્યાંથી તો આર્થિક રીતે ગ્રો થઈ જ શકો છો. ઓછી આવકમાં પણ તમે જ્યાં છો ત્યાંથી તો આર્થિક રીતે ગ્રો થઈ જ શકો છો. થિન્ક, પ્લાન અને એને ઍક્શનમાં મૂકો આ ત્રણ ફાઇનૅન્શિયલ પ્લાનિંગમાં મહત્ત્વના પર્સનાલિટી ટ્રેટ છે. તમારે એફર્ટ્સ તો લેવા જ પડશે. તમારે જરૂર પડ્યે ખર્ચ પર કાપ પણ મૂકવો જ પડશે. માત્ર વાતો કરવાથી બચત નહીં થાય કે પૈસો ગ્રો નહીં થાય.

અમારે ત્યાં હાઉસ-હેલ્પ માટે એક છોકરો આવે છે તે સવારે વહેલો ઊઠીને પહેલાં છાપાં નાખવા જાય. એમાંથી જે પૈસા મળે એનાથી બચત કરે અને બીજી નોકરીના પૈસાથી તેનું ઘર ચાલે. એટલે વ્યક્તિએ થોડીક વધુ મહેનત કરીને અને આવકના સોર્સને વધારીને પણ બચત માટેની સેલ્ફ યોજના બનાવવી જોઈએ. બીજી એક ખાસ સલાહ સૌને એ આપીશ કે તમારા બધાની પાસે મેડિક્લેમ પૉલિસી તો હોવી જ જોઈએ અને દર મન્થ્લી તમારી આવકમાંથી અમુક રકમ બચત ખાતામાં જાય એવી સ્મૉલ સેવિંગ્સ સ્કીમ પણ હોવી જોઈએ.

સક્સેસ-મંત્ર : ૯
ફાઇનૅન્શિયલ સક્સેસનું સીક્રેટ છે ખર્ચ, બચત અને રોકાણનું સંતુલન. ઓછી આવકમાં પણ તમે જ્યાં છો ત્યાંથી તો આર્થિક રીતે ગ્રો થઈ જ શકો છો. 

Whatsapp-channel Whatsapp-channel

24 February, 2023 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK