Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અમેરિકનોની મનગમતી ગેમમાં ગુજરાતી યુવતીએ મેદાન માર્યું

અમેરિકનોની મનગમતી ગેમમાં ગુજરાતી યુવતીએ મેદાન માર્યું

Published : 25 February, 2023 11:11 AM | IST | Mumbai
Darshini Vashi

ભારતમાં પિકલબૉલનું નામ હજી અજાણ્યુ ંછે પરંતુ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત એવી આ ગેમમાં સાન્તાક્રુઝની મેહા શાહ ‘ઇન્ડિયા પિકલબૉલ ઓપન ૨૦૨૩’માં ગોલ્ડ મેડલ જીતી લાવી છે. આ રમત માટે આગળ વધવામાં તેના સંઘર્ષની વાતો અને તેને મળેલી સફળતાનું સીક્રેટ જાણીએ

અમેરિકનોની મનગમતી ગેમમાં ગુજરાતી યુવતીએ મેદાન માર્યું

Anniversary special

અમેરિકનોની મનગમતી ગેમમાં ગુજરાતી યુવતીએ મેદાન માર્યું



આજે ઘણી એવી ગેમ્સ છે જેની જાણકારી લોકોને નહીં હોય અને ભારત સુધી એ પહોંચી પણ મોડી હોય. એવી જ એક સ્પોર્ટ્સ છે પિકલબૉલ. હા, પિકલબૉલ રમત મૂળ તો યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની દેન છે અને લગભગ પાંચ-સાત વર્ષ પહેલાં જ એનું ભારતમાં આગમન થયું છે. જોકે એક ગુજરાતી યુવતીએ આ ગેમને માત્ર આત્મસાત્ જ નથી કરી, પરંતુ નૅશનલ લેવલ પર રમીને ગોલ્ડ મેડલ જીતવા સુધીની સફર પણ પાર પાડી દીધી છે. ૨૧ વર્ષની યુવતી મેહા પરેશ શાહના જીવનમાં પિકલબૉલ કેવી રીતે આવી અને તેણે કઈ રીતે એમાં સફળતાનાં શિખરો સર કર્યાં એ વિશે જાણીએ. 


સ્પોર્ટ‍્સ માટેનું આકર્ષણ
સાન્તાક્રુઝમાં રહેતી મેહા શાહ સ્કૂલમાં અગાઉ જિમ્નેસ્ટિકમાં હતી, પણ અભ્યાસ પર ફોકસ વધારવા તેણે એના પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. મેહા કહે છે, ‘નાનપણથી જ મને સ્પોર્ટ‍્સ પ્રત્યે એક અલગ લેવલનું અટ્રૅક્શન રહ્યું છે. દસ વર્ષ નૅશનલ લેવલનાં જિમ્નેસ્ટિક કરેલાં છે, પણ ત્યાર બાદ હું નવમા ધોરણમાં આવી એટલે બોર્ડની ચિંતાને કારણે ભણવા પર વધારે ફોકસ કર્યું. હા, એ પહેલાં લગભગ દરેક પ્રકારના સ્પોર્ટ્સમાં હું જાતને અજમાવી ચૂકી છું. ક્રિકેટ, ફુટબૉલ, કિક બૉલ, ટેબલ ટેનિસ એમ બધું જ રમતી. એમાં અનાયાસ મારા ધ્યાનમાં પિકલબૉલ આવી. એ રમવાની શરૂઆત કરી તો લાગ્યું કે બસ, હું તો આના માટે જ બની છું. પછી તો ઊંધું વાળીને આમાં જ આગળ વધવું છે એ માટેની મહેનતમાં લાગી ગઈ.’ 
પિકલબૉલ શું છે?



સામાન્ય રીતે પિકલ એટલે અથાણું એવો ભાવાર્થ આપણે કાઢીએ તો અહીં પણ શું અથાણા સાથે એનું કનેક્શન છે? આ રમૂજનો જવાબ આપતાં મેહા કહે છે, ‘પિકલબૉલ આપણા દેશમાં ધીમા પગે પગપસારો કરી રહી છે. જો આ સ્પોર્ટ‍્સ પર વધુ ધ્યાન આપવામાં આવે તો આવનારાં પાંચ વર્ષમાં આ સ્પોર્ટ‍્સ દેશમાં ક્રિકેટ અને ફુટબૉલ જેટલી રમાતી થઈ જશે. મૂળમાં આ અમેરિકન ગેમ પૉપ્યુલરિટી મેળવી રહી છે. પિકલબૉલ લૉન ટેનિસનું સ્મૉલર વર્ઝન છે, જ્યારે ટેબલ ટેનિસનું બિગર વર્ઝન છે. એને ઇન્ડોર અને આઉટડોર એમ બન્ને રીતે રમી શકાય છે. એની કોર્ટ લૉન ટેનિસ જેવી જ હોય છે, પણ થોડી નાની. એના બૅટ અને બૉલ ટેબલ ટેનિસનાં જેવાં જ એકદમ ફ્લૅટ હોય છે અને કોઈ નેટ લગાડેલી હોતી નથી. બૉલ પણ થોડો અલગ હોય છે. આમાં પૉઇન્ટ સિસ્ટમથી જીતવાનું હોય છે. ખાસ કરીને વૃદ્ધ લોકો અને નાનાં બાળકોને રમવા માટે આ સ્પોર્ટ‍્સની રચના થઈ હતી. એને બદલે એ બધાની પ્રિય ગેમ બની ગઈ છે.’


રૅર ટ્રેઇનિંગ


સૌથી પહેલાં આ સ્પોર્ટ‍્સ મુંબઈના ખાર જિમખાનામાં શરૂ થઈ હતી. પ્રોફેશનલી કૅડબરીની ઇન્ટરનૅશનલ પેરન્ટ કંપની મોન્ડેલાઇઝ વિભાગમાં કામ કરતી મેહા કહે છે, ‘ખાર જિમખાનામાં મારા ઘણા ફ્રેન્ડ્સ છે જેઓ ત્યાંના મેમ્બર છે. એટલે હું પણ ત્યાં જતી હતી. મારા ઘણા ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ રમતા. તેમને એમાં એટલી મજા આવવા માંડી કે તેમણે પ્રોફેશનલી પિકલબૉલ રમવાનું શરૂ કર્યું હતું. જોકે ત્યાં હું મેમ્બર નહોતી એટલે તેમની જેમ મને રમતાં નહોતું આવડતું. આ વાત પાંચ વર્ષ પહેલાંની છે. પછી ધીમે-ધીમે સાન્તાક્રુઝ અને ખાર એરિયામાં પિકલબૉલની કોર્ટ બનવાની શરૂ થઈ ગઈ હતી. એક વર્ષ પહેલાં ‘બાલ્કન-જી-બારી’ નામના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં પિકલબૉલની કોર્ટ શરૂ થઈ અને જાણે મને જૅકપૉટ લાગ્યો હોય એમ મેં તરત એ જૉઇન કર્યું. જોકે અહીં બેઝિક જ શીખવતા હતા અને મારે એમાં ઍડ્વાન્સ શીખવું હતું એટલે હું જુહુની ઋતંભરા કૉલેજ આગળ આવેલી કોર્ટમાં પ્રૅક્ટિસ કરવા જતી. દરરોજ સવારે સાડાપાંચથી નવ વાગ્યા સુધી હું અહીં પિકલબૉલની પ્રૅક્ટિસ કરતી.’

મેહા ખાર જિમખાનાની પ્રીમિયર લીગ, ગ્લોબલ સ્પોર્ટ્સની પ્રીમિયર લીગ, બાલ્કન-જી-બારીની પ્રીમિયર લીગમાં રમી ચૂકી છે. તે કહે છે, ‘ઘણી બધી ઇન્ટર-ક્લબ મૅચ રમ્યા બાદ મને નૅશનલ લેવલ પર રમવાની તક મળી અને એમાં હું લેડીઝ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને લાવી. મેં નૅશનલ લેવલ પર સિંગલ, વુમન્સ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ (વન મેલ અને વન વુમન) એમ ત્રણમાં ઍપ્લાય કર્યું હતું. એ ત્રણેત્રણમાં હું ક્વૉલિફાય થઈને રમી. મિક્સ્ડ ડબલ્સ નેપાલની સામે હતી, પણ એમાં હું એક પૉઇન્ટથી હારી ગઈ હતી. જોકે વુમન્સ ડબલ્સમાં ઓપન કૅટેગરીમાં હું જીતી ગઈ હતી અને હું ઇન્ડિયા પિકલબૉલ ઓપન ૨૦૨૩માં ગોલ્ડ મેડલ મેળવી શકી.’
આસાન નહોતું

મારી વાત કરું મને પિકલબૉલ રમવું હતું, એમાં આગળ આવવું હતું; પણ મારી પાસે શરૂઆતમાં ખાર જિમખાનાની મેમ્બરશિપ નહોતી જેને લીધે પ્રોફેશનલ રમવા મળતું નહોતું એમ જણાવીને મેહા કહે છે, ‘મારે બીજી જગ્યાએ પિકલબૉલ સ્પોર્ટ‍્સ શરૂ ન થાય અને એ રમવા માટેની કોર્ટ ન બને 
ત્યાં સુધી રાહ જોવાની હતી. ઘણી વાર એવી જગ્યા પણ હું શોધી કાઢતી જ્યાં હું રમી શકું, પણ રમું તોય કોની સાથે? કોઈને આ સ્પોર્ટ‍્સ વિશે એ સમયે જાણ પણ નહોતી અને સદનસીબે કોઈ મળી પણ જતું તો કોચ નહોતા મળતા. જોકે હું હાર માની નહીં અને રમવાનું છોડ્યું નહીં. આખરે નસીબે સાથ આપ્યો અને જુહુમાં રમવા અને શીખવા મળ્યું. જોકે પછી પણ સ્ટ્રગલ ચાલુ જ રહી હતી. હું રોજ ખૂબ વહેલી સવારે એટલે કે 

લગભગ અંધારું હોય ત્યારે પિકલબૉલની પ્રૅક્ટિસ કરવા ઘરેથી જુહુના કૉર્નર સુધી ટ્રાવેલ કરતી. ત્રણેક કલાકની પ્રૅક્ટિસ બાદ હું ઘરે આવીને કૉલેજ જતી. સાથે-સાથે મારી ઇન્ટર્નશિપ પણ ચાલતી હતી. જોકે જ્યારે હાથમાં ગોલ્ડ મેડલ આવ્યો ત્યારે હું બધી સ્ટ્રગલ ભૂલી ગઈ. હું ઇચ્છું છું કે આ સ્પોર્ટ‍્સને આપણા દેશમાં પ્રોત્સાહન મળે જેથી દરેક વયના લોકો એને માણી શકે. છેલ્લે લાસ્ટ બટ નૉટ ધ લીસ્ટ મારી ફૅમિલીના સપોર્ટ વગર આ બધું અશક્ય હતું. જો તેમણે મને પ્રોત્સાહન ન આપ્યું હોત તેમ જ પરમિશન ન આપી હોત તો હું આજે આ જગ્યા સુધી ક્યારેય પહોંચી ન શકત.’

 

મમ્મી પણ રમવા માંડી
મમ્મીએ મને તેની રોલમૉડલ બનાવી એ શું કોઈ મેડલથી ઓછી વાત છે એમ જણાવતાં મેહા કહે છે, ‘પિકલબૉલ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ફન સ્પોર્ટ‍્સ છે. મને પિકલબૉલ રમતી જોઈને મારી મમ્મી ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી. તેણે પણ એ રમવાની શરૂઆત કરી દીધી છે અને બાકાયદા એનું કોચિંગ લઈ રહી છે. આ સ્પોર્ટ‍્સમાં જોડાયા પછી તેને ખૂબ જ મજા આવે છે અને એનર્જીમાં વધારો થયો હોવાનું અનુભવે છે. આ સ્પોર્ટ‍્સ એવી છે કે એ રમતી વખતે ભાગવાનું પણ હોય અને ન પણ ભાગવાનું હોય. એમાં મૂવમેન્ટ હોય છે, પણ એવી હોય છે કે દરેક ઉંમરના લોકોને રમવાનું ફાવે.’

વૉટ નેક્સ્ટ?
ગ્રાફિક ડિઝાઇનિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલી મેહા શાહનો નેક્સ્ટ ટાર્ગેટ સિંગલ પિકલબૉલમાં ગોલ્ડ મેડલ જીતવાનો છે. એમાં તેણે ઘણી પ્રૅક્ટિસ કરવી પડશે, કેમ કે એક જ વ્યક્તિએ એમાં આખા કોર્ટને કવર કરવાની રહે છે. તે કહે છે, ‘ત્યાર બાદ મારો ટાર્ગેટ ઇન્ટરનૅશનલ લેવલ પર રમવાનો છે. એ માટે ખૂબ જ તૈયારી કરવા પડશે અને ઘણીબધી મૅચ રમવી પડશે. નૅશનલ સ્તરે રૅન્ક લાવવો પડશે જેના આધારે મારી ઇન્ટરનૅશનલમાં પસંદગી થશે.’

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2023 11:11 AM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK