તેમનો અવાજ બેસી જતાં ડૉક્ટરે તેમને બોલવાની મનાઈ ફરમાવી અને નાટક ફરી અટકી ગયું એટલે નાછૂટકે વિપુલ-ઇમ્તિયાઝની વાત માનીને હું કાકાજી બન્યો, પણ મને ખબર હતી કે મારે મારો કૉમેડી ચહેરો છુપાવવાનો છે અને મેં એ કર્યું
જે જીવ્યું એ લખ્યું
જુઓ આ છે, કાકાજી સંજય ગોરડિયા.
પહેલાં હોમી વાડિયા આવ્યો, એ પછી અભિનયસમ્રાટ એવા આપણા ઉપેન્દ્ર ત્રિવેદી આવ્યા, પણ તેમનો અવાજ બેસી જતાં ડૉક્ટરે તેમને બોલવાની મનાઈ ફરમાવી અને નાટક ફરી અટકી ગયું એટલે નાછૂટકે વિપુલ-ઇમ્તિયાઝની વાત માનીને હું કાકાજી બન્યો, પણ મને ખબર હતી કે મારે મારો કૉમેડી ચહેરો છુપાવવાનો છે અને મેં એ કર્યું
‘કૌસ્તુભ, જો ઉપેન્દ્રભાઈ આ રોલ કરે તો મજા પડી જાય...’
ઉપેન્દ્રભાઈ એટલે અભિનયસમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી. ‘છેલ છબીલો ગુજરાતી’ નાટકનાં ગ્રૅન્ડ રિહર્સલ્સના પહેલા જ દિવસે હોમી વાડિયાને રિપ્લેસ કર્યા પછી વિપુલ મહેતા અને ઇમ્તિયાઝ પટેલે મને એ નાટકનો કાકાજીવાળો લીડ રોલ કરવાનું સૂચન કર્યું અને હું તેમના પર ગુસ્સે થઈ ગયો. મેં તેમને ખાતરી આપી કે આપણે નાટક બંધ નથી કરતા એટલે તમે એ ટેન્શન છોડો. હું લીડમાં સારો ઍક્ટર લઈ આવીશ અને એ પછી મને ઉપેન્દ્રભાઈ મનમાં આવ્યા અને અમે ઉપેન્દ્રભાઈને વાત કરી. એ સમયે ઉપેન્દ્રભાઈ અમદાવાદ રહેતા. તેમની પૉલિટિકલ કરીઅર ઑલરેડી શરૂ થઈ ગઈ હતી અને તેમણે નાટકો કરવાનું સાવ ઓછું કરી નાખ્યું હતું, પણ અમે ઉપેન્દ્રભાઈને નાટકની વાત કરી અને તેમણે હા પાડી. એટલું જ નહીં, બીજા દિવસે સવારે ફ્લાઇટમાં તેઓ મુંબઈ આવી ગયા અને નાટકનો ધમધમાટ ફરી શરૂ થયો.
અમે જ્યારે ગ્રૅન્ડ રિહર્સલ્સ માટે ઑડિટોરિયમ બુક કરતા હતા એ સમયે અમને ઘાટકોપરનું ભૂરીબેન ઑડિટોરિયમ બે દિવસ માટે જ મળ્યું હતું એટલે અમે બાકીના ચાર દિવસ માટુંગાના મૈસૂર અસોસિએશનના ઑડિટોરિયમમાં ગ્રૅન્ડ રિહર્સલ્સ કરવાના હતા. અમદાવાદથી ઉપેન્દ્રભાઈ આવ્યા એ દિવસથી અમારી પાસે મૈસૂર અસોસિએશન હતું એટલે અમે ત્યાં જ રિહર્સલ્સ શરૂ કર્યાં.
પંદર દિવસમાં નાટક ઓપન કરવાનું હતું એટલે અમારે દિવસ-રાત કામ કરવું પડે એમ હતું. ઉપેન્દ્રભાઈ સવારથી આવી જાય અને રિહર્સલ્સમાં લાગી પડે. એક બાજુએ તેમનાં કપડાંનું માપ પણ લેવાતું હોય, બીજી બાજુ તેમનાં ચંપલનું માપ લેવાતું હોય.
પહેલો દિવસ, બીજો દિવસ અને બીજા દિવસની સાંજે નવો જ પ્રૉબ્લેમ અમારી સામે આવ્યો. સવારથી સાંજ સુધી રિહર્સલ્સ કરતાં-કરતાં ઉપેન્દ્રભાઈનો અવાજ બેસી ગયો. બીજા દિવસે સવારે પણ અવાજમાં કોઈ ફરક પડ્યો નહીં. અવાજ ગળામાંથી બહાર જ ન આવે એટલે અમે તેમને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે બધાં ચેકઅપ કર્યાં અને ચેકઅપ પછી મેડિસિન લખી આપતાં કહ્યું, ‘તમારે એક વીક સુધી બિલકુલ બોલવાનું નથી... બિલકુલ એટલે બિલકુલ બોલવાનું નહીં...’
હવે, હવે શું કરવું?
જો એક વીક ઉપેન્દ્રભાઈ બોલી શકવાના ન હોય તો રિહર્સલ્સ થાય જ નહીં અને એવા સમયે અમારી પાસે એક જ રસ્તો બાકી રહેતો હતો. શો મસ્ટ ગો ઑન. ઉપેન્દ્રભાઈને છોડીને આગળ વધો. પરસેવો છૂટી જાય અને ધબકારા ઘટી જાય એવો એ સમયગાળો હતો. હોમી વાડિયાના કૉસ્ચ્યુમ રેડી થઈ ગયા હતા. ઉપેન્દ્રભાઈનાં કપડાં પણ રેડી, સેટ રેડી, બીજા બધા આર્ટિસ્ટ રેડી. મ્યુઝિકથી માંડીને બધું તૈયાર. ટૂંકમાં કહું તો, કન્યા તૈયાર, જાનૈયા તૈયાર, વરઘોડો તૈયાર અને વરરાજા જ નહીં. બે વીક પહેલાં જ મેં તમને કહ્યું હતું કે આ નાટક દરેક તબક્કે બંધ થતું અટક્યું છે. ઉપેન્દ્રભાઈનો અવાજ બેસી ગયો એ સમયે પણ મારા પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદીએ મને એ જ કહ્યું કે આપણે આ નાટક બંધ કરી દઈએ, પણ હું માન્યો નહીં. મને હજી કોઈ તોડ જોઈતો હતો, અંદરથી મને થતું હતું કે હાર માનવી નથી, સંજોગો સામે ઝૂકવું નથી. ઍટ લીસ્ટ, છેલ્લી ઘડી સુધી પ્રયાસ તો કરી જ લેવા છે અને એ પ્રયાસનું પરિણામ જ ‘છેલ છબીલો ગુજરાતી’ છે.
ઉપેન્દ્રભાઈ નાટક નહીં કરી શકે એ જાણ્યા પછી વિપુલ અને ઇમ્તિયાઝ ફરી વાર મારી પાસે આવ્યા.
‘સંજયભાઈ, માનો અમારી વાત, તમે રોલ કરી લો...’
‘હા પણ...’ આ વખતે મારા અવાજમાં બહુ તાકાત નહોતી, ‘હું ફૉરેસ્ટ ઑફિસર કેવી રીતે લાગું?’
‘બંદૂકમાં ગોળી નથી એની મને ખબર છે, તમને ખબર છે, પણ ઑડિયન્સને ક્યાં ખબર છે...’ ઇમ્તિયાઝે કહ્યું, ‘એવું હોય તો
આપણે કૅરૅક્ટર બદલી નાખીએ, કાકાજી વેપારી છે એવું કરી નાખીએ...’
આ તર્ક સાંભળીને હું સહેજ નરમ પડ્યો. થોડી વધુ વાતો થઈ અને પછી મેં કહ્યું, ‘ચાલો, હું કરવા રેડી છું, પણ... પણ મારી એક શરત છે. હું મારા લુકમાં ધરમૂળથી ફેરફાર કરીશ.’
ઍક્ચ્યુઅલી આ જે કૅરૅક્ટર હતું એ હું દર વખતે કરતો હતો એવું કૉમેડી કૅરૅક્ટર નહોતું, એ બહુ અલગ પાત્ર હતું અને એટલે જ મારે મારો કૉમિક ચહેરો ઢાંકવાનો હતો. ઇમ્તિયાઝ અને વિપુલને મેં કહ્યું કે હું મારી પસંદગીની વિગ અને મૂછ લગાવીશ. મેં વિગ-મૂછનો ઑર્ડર કર્યો. તારીખની દૃષ્ટિએ તમને આખી વાત સમજાવું તો જે દિવસે અમને ખબર પડી કે ઉપેન્દ્રભાઈ નાટક નહીં કરી શકે એ દિવસ હતો ૨૭મી તારીખ અને શનિવાર. બીજા દિવસે એટલે કે ૨૮મી તારીખ અને રવિવારે મારો ‘પપ્પુ પાસ થઈ ગયો’ નાટકનો શો ઇન્દોરમાં.
શનિવારે મુંબઈમાં મારી બધી તૈયારી પૂરી કરીને હું ઇન્દોર ગયો અને ઇન્દોરથી શો પતાવીને સોમવારે સવારે ફ્લાઇટમાં મુંબઈ આવ્યો.
ઍરપોર્ટથી સીધો ઘરે અને ઘરેથી ફ્રેશ થઈ સીધો રિહર્સલ્સમાં. મારી પાસે સોમથી શનિનો સમય હતો. આ ૬ દિવસમાં મારે નાટક આખું કમ્પ્લીટ કરવાનું હતું. અગાઉ તમને કહ્યું હતું એમ, જ્યારે હું નાટકમાં રોલ કરતો નહોતો ત્યારે પણ રિહર્સલ્સ દરમ્યાન હું ત્યાં જ હોઉં એટલે નાટક મને મોઢે થઈ ગયું હોય, પણ આ જે સમયગાળો હતો એમાં હું ઍક્ટિંગમાં ઍક્ટિવ થઈ ગયો હતો અને મારું ‘પપ્પુ પાસ થઈ ગયો’ નાટક ચાલતું હતું એટલે નૅચરલી હું ‘છેલ છબીલો ગુજરાતી’નાં રિહર્સલ્સમાં અનિયમિત હતો, પણ હા, મોટા ભાગના ડાયલૉગ્સ મને યાદ હતા, તો નાટકની ફ્લેવર તો મને ખબર જ હતી એટલે બહુ ઓછી તકલીફ પડી. આજે ઇમ્તિયાઝની ગેરહાજરીમાં મારે એક વાત કહેવી છે કે તેણે ખૂબ સરસ નાટક લખ્યું હતું.
ત્રણ-ચાર વખત નાટક બંધ કરવાનું કહેવામાં આવ્યા પછી પણ હું આગળ વધતો રહ્યો અને ફાઇનલી નાટક રેડી થયું. શુક્રવારે અમે ઝીરો શો કર્યો અને નાટક બધાને ખૂબ ગમ્યું. અલબત્ત, એમાં નાનું-મોટું રિપેરિંગ હતું, જે અમે શનિવારના દિવસે કર્યું અને આવી ગયો નાટક ઓપન કરવાનો દિવસ રવિવાર. મારા પ્રોડક્શનનું ચાળીસમું નાટક ‘છેલ છબીલો ગુજરાતી’ ચવાણમાં ઓપન થયું.
૨૦૦૭, ચોથી ફેબ્રુઆરી અને સમય સાંજે પોણાઆઠ.
નાટક સુપરહિટ અને મને સૌથી મોટો હાશકારો થયો. મારી પર્સનાલિટીથી સાવ વિપરીત રોલ જે મારા માટે એક જવાબદારી સમાન હતો. મને ખબર હતી કે બહાર બધા મારી મજાક ઉડાડે છે, જાતજાતની કમેન્ટ કરે છે, પણ હું રિહર્સલ્સમાં બિઝી હતો એટલે એ બધા પર બહુ ધ્યાન આપતો નહોતો, પણ હા, એ વાતો મારા સુધી ચોક્કસ પહોંચતી હતી. એમ છતાં એ સમયે મેં એક જ વાત પર ધ્યાન આપ્યું હતું કે મારે કોઈ પણ ભોગે, કોઈ પણ હિસાબે નાટકને હિટ કરવું છે અને એ હું કરી શક્યો. આજે, આટલા વખતે હું એક વાત તમને કહીશ કે મેં અત્યાર સુધી કરેલાં તમામ નાટકોમાં જો મારે ટૉપ પાંચ નાટકોનાં નામ આપવાનાં આવે તો એ પાંચ નાટકોમાં ‘છેલ છબીલો ગુજરાતી’નું નામ આવે જ આવે.
આ જ નાટકની અને એ પછી અમે શરૂ કરેલા નવા નાટકની વાતો સાથે મળીશું આપણે હવે આવતા સોમવારે, પણ એ પહેલાં એક નાનકડી સલાહ, માસ્કની ભલે સરકારે ના પાડી, પણ બને તો પહેરજો. કોરોના તો ઠીક, પૉલ્યુશનથી પણ રાહત મળશે.