Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આંબેડકરના નૅરેટિવમાં સરકાર ઘેરાઈ ગઈ કૉન્ગ્રેસ ફ્રન્ટફુટ પર, BJP બૅકફુટ પર

આંબેડકરના નૅરેટિવમાં સરકાર ઘેરાઈ ગઈ કૉન્ગ્રેસ ફ્રન્ટફુટ પર, BJP બૅકફુટ પર

Published : 22 December, 2024 03:42 PM | Modified : 22 December, 2024 04:01 PM | IST | Mumbai
Raj Goswami

ખુદ વડા પ્રધાને ટ‍્વિટર પર કૉન્ગ્રેસ પર વળતો હુમલો કર્યો હતો (અને અમિત શાહનો બચાવ કર્યો હતો). અમિત શાહે પણ ઉતાવળે એક પત્રકાર-પરિષદ બોલાવીને આરોપ મૂક્યો હતો કે કૉન્ગ્રેસે તેમના ભાષણના વિડિયોને એડિટ કરીને એક ક્લિપ સોશ્યલ મીડિયા પર ચલાવી હતી

ફાઈલ તસવીર

ક્રૉસલાઇન

ફાઈલ તસવીર


ભારતીય જનતા પાર્ટી (BJP) વિરોધ પક્ષોના બંધારણ અને બાબાસાહેબ આંબેડકરને લગતા નૅરેટિવમાં ખરાબ રીતે ઘેરાઈ ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં પણ BJPને ધારી બેઠકો ન મળી એનું એક કારણ એ હતું કે INDIA ગઠબંધને પછાત અને વંચિત મતદારો સમક્ષ ‘BJP બંધારણ દૂર કરવા માગે છે’ એવો નારો ચલાવ્યો હતો. એ વખતે પણ કૉન્ગ્રેસના નેતાઓ હાથમાં બંધારણની પુસ્તિકા લહેરાવતા હતા.


સંસદના શિયાળુ સત્રમાં પણ એવો જ માહોલ ઊભો કરવામાં વિપક્ષ સફળ રહ્યો છે. એક તો બંધારણ પર બે દિવસની ચર્ચામાં તેમણે દેશની ઘટનાઓ અને સરકારની કાર્યનીતિનો ઉલ્લેખ કરીને આરોપ મૂક્યો હતો કે BJP બંધારણને નેવે મૂકીને બાબાસાહેબનાં મૂલ્યોની વિરુદ્ધ કામ કરી રહી છે અને એનો મૂળ હેતુ મનુસ્મૃતિ લાગુ કરવાનો છે.



વડા પ્રધાન સહિત BJPના નેતાઓ અને પ્રધાનોએ બખૂબી એનો જવાબ આપ્યો પણ ખરો, પરંતુ મંગળવારે ગૃહપ્રધાન અમિત શાહ ચર્ચાના જવાબમાં એવું બોલ્યા કે ‘આજકાલ આંબેડકરનું નામ લેવું એક ફૅશન બની ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર... જો આટલી વાર ભગવાનનું નામ લેતા હોત તો સાત જન્મ માટે સ્વર્ગ મળ્યું હોત.’


ગૃહપ્રધાનના આ એક બયાન પર સંસદમાં અને સંસદ બહાર હંગામો થઈ ગયો છે. વિપક્ષોએ આ બયાનને ઝડપી લીધું છે અને આ સરકાર બંધારણ અને આંબેડકરવિરોધી છે એવું નૅરેટિવ ઔર તેજ કરી દીધું છે. આ એક મુદ્દા પર તમામ વિપક્ષો એક થઈ ગયા છે અને સત્તાધારી BJP બચાવની ભૂમિકામાં આવી ગઈ છે. અદાણી અને EVM મુદ્દાઓ પર સંસદમાં એમની વચ્ચે વધતા મતભેદો પછી વિપક્ષી દળોએ આખરે એકસાથે ભેગા થવા માટે એક મુદ્દો શોધી કાઢ્યો છે.

ગુરુવારે ૧૯ ડિસેમ્બરે પણ સંસદમાં હોબાળો ચાલુ રહ્યો હતો. INDIA છાવણી અને NDA બન્નેના સભ્યોએ સામસામે વિરોધ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેમણે આંબેડકરનું અપમાન કર્યું છે. સંસદ બહાર દેખાવો વખતે ધક્કામુક્કીમાં BJPના બે સંસદસભ્યો ઘાયલ થયા હતા. એમાં પણ રાહુલ ગાંધી પર ધક્કામુક્કીનો આરોપ મુકાયો છે અને BJP તરફથી પોલીસ-ફરિયાદ થઈ છે. કૉન્ગ્રેસે આક્ષેપ કર્યો છે કે અમિત શાહના બયાન પરથી ધ્યાન ભટકાવવા માટે BJPએ નાટક ઊભું કર્યું છે. કૉન્ગ્રેસ આ મુદ્દો છોડવાના મૂડમાં નથી.


પોતાની વિશેષાધિકાર નોટિસમાં કૉન્ગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે અમિત શાહની ટિપ્પણી તદ્દન અપમાનજનક છે. અગાઉ બુધવારે ઓ’બ્રાયન દ્વારા અમિત શાહની ટિપ્પણી સામે એક અલગ વિશેષાધિકાર નોટિસ રજૂ કરવામાં આવી હતી. ગુરુવારે સંસદીય સત્રની શરૂઆત પહેલાં એક પત્રકાર-પરિષદમાં કૉન્ગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતેએ નવો આરોપ મૂક્યો હતો કે ટ‍્વિટરે કૉન્ગ્રેસના સંસદસભ્યો, નેતાઓ અને અન્ય વિપક્ષી સભ્યોને ઈ-મેઇલ દ્વારા જાણ કરી હતી કે અમિત શાહનો વિડિયો હટાવી લેવામાં આવે. તેમણે પત્રકારોને કથિત ઈ-મેઇલની મુદ્રિત નકલ પણ પ્રદર્શિત કરી હતી.

મોટા ભાગે એવું બનતું હોય છે કે BJP આક્રમક મુદ્રામાં હોય છે અને કૉન્ગ્રેસ સફાઈના મૂડમાં, પરંતુ આ વખતે પહેલી વાર ભૂમિકાઓ બદલાઈ ગઈ છે. ગૃહપ્રધાનની ટિપ્પણી બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે દેશ બંધારણના નિર્માતાનું અપમાન સહન નહીં કરે અને ગૃહપ્રધાને માફી માગવી જોઈએ. ખડગે અને રાહુલ વડા પ્રધાનને તેમના સંસદ કાર્યાલયમાં પણ મળવા ગયા હતા.

સંસદમાં સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ અને કાયદાપ્રધાન અર્જુન મેઘવાલ સહિત BJPના ઘણા પ્રધાનો અને સંસદસભ્યોએ વિપક્ષના આરોપોને નકારી કાઢ્યા હતા. બીજી બાજુ કૉન્ગ્રેસ, તૃણમૂલ કૉન્ગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP), શિવસેના (UBT) સહિત અનેક વિપક્ષી દળોએ આ મુદ્દે BJPને ઘેરી છે. વિપક્ષના કાર્યકરોએ કેટલાંય શહેરોમાં વિરોધ-પ્રદર્શન પણ કર્યાં હતાં. એના જવાબમાં BJPએ પોતાના પ્રવક્તાઓની ફોજને ટીવી અને સોશ્યલ મીડિયા પર ઉતારી દીધી છે.

ત્યાં સુધી કે વડા પ્રધાન જે રાજકીય વિવાદો પર ક્યારેય મોં ખોલતા નથી તેમને પણ આ નૅરેટિવની ગંભીરતા સમજાઈ હતી અને ટ‍્વિટર પર એક લાંબા થ્રેડ મારફત તેમણે કૉન્ગ્રેસ પર વળતો હુમલો કર્યો હતો (અને અમિત શાહનો બચાવ કર્યો હતો). ખુદ અમિત શાહે પણ ઉતાવળે એક પત્રકાર-પરિષદ બોલાવીને આરોપ મૂક્યો હતો કે કૉન્ગ્રેસે તેમના ભાષણના વિડિયોને એડિટ કરીને એક ક્લિપ સોશ્યલ મીડિયા પર ચલાવી હતી.

આની પાછળ BJPનો એ જ ડર છે જેને કારણે એને લોકસભામાં મોટું નુકસાન સહન કરવું પડ્યું. BJPને ડર છે કે જો વિપક્ષી દળો ફરીથી એવું નૅરેટિવ બનાવવામાં સફળ થાય કે BJP બંધારણવિરોધી, આંબેડકરવિરોધી અને દલિતવિરોધી છે તો પાર્ટીને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં દલિતોના મતો પર અસર પડી શકે છે અને આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં એ મુદ્દો બની શકે છે.

AAPએ એટલે જ આ મુદ્દો ઝડપી લીધો છે. એના નેતા અરવિંદ કેજરીવાલ ધરણાં કરવા માટે BJP કાર્યાલયની બહાર પહોંચી ગયા હતા. કેજરીવાલે દિલ્હીની ચૂંટણીમાં પણ આ મુદ્દાને એક મુદ્દો બનાવવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેઓ ઘરે-ઘરે જઈને BJPનો પર્દાફાશ કરશે.

હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીઓ પછી બૅકફુટ પર આવેલી કૉન્ગ્રેસ અને વિપક્ષે આંબેડકરના વિવાદ પર ફરી એક વાર સરકારને ઘેરી લીધી છે. વિપક્ષ માટે આ એક સોના જેવી તક છે જેમાં એ BJP અને સંઘ દલિતવિરોધી, પછાત અને આદિવાસીવિરોધી હોવાના આરોપોને સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય એવું લાગે છે.

ટ્રમ્પની વ્યાપારી બંદૂક ભારત પર તકાઈ

અમેરિકાના ટોચના ત્રણ વેપારી સહયોગી દેશો મેક્સિકો, ચીન અને કૅનેડા પર ટૅરિફ વધારવાની ધમકી આપ્યાના અઠવાડિયા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ડોનલ્ડ ટ્રમ્પે મંગળવારે ભારત પર બંદૂક તાકી છે. ભારતની ઊંચી ટૅરિફની ટીકા કરીને તેમણે ચેતવણી આપી કે વૉશિંગ્ટન ભારતીય ઉત્પાદનો પર વળતો કર લાદશે.

ભારતને દોસ્ત ગણાવતાં ન થાકતા ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ‘રેસિપ્રોકલ. જો તેઓ અમારા પર કર લાદતા હોય તો અમે તેમના પર સમાન કર લગાવીશું. તેઓ અમારા પર લગભગ તમામ કેસોમાં કર લાદતા હોય છે અને અમે તેમના પર કર લાદતા નથી.’

ટ્રમ્પે કહ્યું છે કે ‘રેસિપ્રોકલ શબ્દ મહત્ત્વનો છે, કારણ કે જો કોઈ અમને ચાર્જ કરી રહ્યું છે - ભારત - તો અમારે પોતાના વિશે વાત કરવાની જરૂર નથી. જો ભારત અમને ૧૦૦ ટકા ચાર્જ કરે છે તો શું અમારે તેમને કંઈ પણ ચાર્જ ન કરવો જોઈએ? તેઓ અમને સાઇકલ મોકલે છે અને અમે તેમને સાઇકલ પણ મોકલીએ છીએ. તેઓ અમને ૧૦૦-૨૦૦ ટકા ચાર્જ કરે છે.’

ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળમાં ભારતને ટૅરિફ કિંગ ગણાવ્યું હતું. આવી સ્થિતિમાં તેમનું તાજેતરનું નિવેદન સૂચક છે કે તેમના બીજા કાર્યકાળમાં પણ બન્ને દેશો વચ્ચેના વ્યાવસાયિક સંબંધોમાં નવા પડકારો ઊભા થઈ શકે છે. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત જેવા દેશો અમેરિકન ઉત્પાદનો પર ખૂબ ઊંચી ટૅરિફ લાદે છે જે તેમને ભારતમાં સ્પર્ધા કરવા માટે અસમર્થ બનાવે છે, ભારત સ્વદેશી ઉત્પાદકોને બચાવવા માટે આવું કરી રહ્યું છે. ટ્રમ્પના આ અભિગમની સીધી અસર ભારત સાથેના વેપાર પર પડી શકે છે.

અમેરિકા ભારતનો સૌથી મોટો વેપાર સહયોગી છે. ૨૦૨૪માં તેમનો દ્વિપક્ષીય વેપાર લગભગ ૧૨૦ અબજ ડૉલર સુધી પહોંચ્યો છે, જે ચીન સાથેના ભારતના વેપારને સહેજ વટાવી ગયો છે. જોકે ચીનથી વિપરીત ભારત અમેરિકા સાથે અનુકૂળ વેપાર સંબંધ ધરાવે છે અને એ વિદેશી હૂંડિયામણનો મહત્ત્વપૂર્ણ સ્રોત છે.

જો ટ્રમ્પ ચીની ઉત્પાદનો પર ટૅરિફ વધારશે તો અમેરિકન બજારમાં ભારતીય નિકાસકારો માટે નવી તકો ખૂલી શકે છે. ટ્રમ્પના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ભારતે કેટલીક ગોઠવણો સાથે એની વેપારનીતિઓને પણ સંતુલિત કરવી પડશે.  

વન નેશન, વન ઇલેક્શન બિલ જૉઇન્ટ પાર્લમેન્ટરી કમિટીમાં ગયું

વન નેશન, વન ઇલેક્શન’ ખરડાનો લોકસભામાં રકાસ થયો છે? વિપક્ષના આકરા વાંધા વચ્ચે આ વિવાદાસ્પદ ખરડાને મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો એ પછી મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે બિલને જરૂરી મત ન મળતાં સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યું છે, જ્યાં બિલ હવે અનિયતકાળ સુધી ડબ્બામાં પડી રહેશે. સચ્ચાઈ શું છે?

વાસ્તવમાં બિલને રજૂ કરવું કે નહીં એના પર ગૃહમાં મતદાન થયું હતું. ૨૬૯ સભ્યોએ એની રજૂઆતની તરફેણ કરી હતી અને ૧૯૮ સભ્યોએ વિરોધ કર્યો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંસદીય બાબતોના પ્રધાન અર્જુન રામ મેઘવાલે ગૃહને જણાવ્યું હતું કે સરકાર ખરડાને સંસદની સંયુક્ત સમિતિને વિગતવાર વિચારણા માટે મોકલવા તૈયાર છે. કેટલાક વિપક્ષી સંસદસભ્યોએ બિલ રજૂ કરવાના વિરોધમાં નોટિસો આપી હતી.

જોકે વિપક્ષના સંસદસભ્યોએ દાવો કર્યો હતો કે બિલની રજૂઆતના તબક્કે મતદાન દર્શાવે છે કે BJP પાસે બંધારણીય સુધારા પસાર કરવા માટે જરૂરી બે-તૃતીયાંશ બહુમતી નથી. નિયમો અનુસાર બંધારણમાં આ સુધારા માટે લોકસભાને મંજૂરી આપવા હાજર સભ્યો અને મતદાનના બે-તૃતીયાંશ સમર્થનની જરૂર પડે છે.

કૉન્ગ્રેસે દાવો કર્યો હતો કે બંધારણીય સુધારા બિલ રજૂ કરવા માટે ૪૬૧ સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. જો આ બિલ પસાર કરવા માટેના મત હોત તો એવો અર્થ થાય કે ૪૬૧માંથી ૩૦૭ મત તરફેણમાં પડવા જોઈએ, પરંતુ માત્ર ૨૬૯ મત મળ્યા હતા જેને કારણે કૉન્ગ્રેસે કહ્યું હતું કે આ બિલને સમર્થન નથી.

લોકસભાના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ પી.ડી.ટી. આચરીએ ‘ધી ઇન્ડિયન એક્સપ્રેસ’ને જણાવ્યું હતું કે બંધારણીય સુધારા બિલ રજૂ કરવા માટે વિશેષ બહુમતીની એટલે કે ગૃહના કુલ સભ્યપદના ૫૦ ટકાથી વધુની બહુમતી અને ગૃહમાં ઉપસ્થિત બે-તૃતીયાંશ સભ્યોની બહુમતી અને મતદાનની જરૂર નથી. સંસદીય નિયમો કહે છે કે બિલ, ભલે એ બંધારણીય સુધારા બિલ હોય, એને રજૂ કરવાના તબક્કે અથવા પસંદગી અથવા સંયુક્ત સમિતિને મોકલવામાં આવે ત્યારે વિશેષ બહુમતીની જરૂર હોતી નથી. પછીના તબક્કામાં જ વિશેષ બહુમતીની જરૂર પડે છે.

વિપક્ષે બિલને સંયુક્ત સંસદીય સમિતિમાં મોકલવાની માગણી કરી હતી. દરમ્યાન, સરકારે પણ આ માગણીને સમર્થન આપતાં કહ્યું છે કે તમામ સ્તરે ચર્ચા જરૂરી છે એટલે આ બિલ જૉઇન્ટ પાર્લમેન્ટરી કમિટી (JPC)ને મોકલવામાં આવશે.

અગાઉ ૪૭ રાજકીય પક્ષોએ ‘વન નેશન, વન ઇલેક્શન’ના પ્રસ્તાવ પર રામનાથ કોવિંદ સમિતિને પોતાનાં મંતવ્યો આપ્યાં હતાં. ૩૨ પક્ષોએ બિલનું સમર્થન કર્યું હતું, જ્યારે ૧૫ પક્ષોએ એનો વિરોધ કર્યો હતો. લોકસભામાં વિપક્ષના ૨૦૫ સંસદસભ્યો છે એટલે કે INDIA ગઠબંધનના સમર્થન વિના બંધારણીય સુધારા બિલ પસાર કરવું મુશ્કેલ છે.

સંયુક્ત સંસદીય સમિતિની રચના ગૃહની સંખ્યાના આધારે કરવામાં આવે છે. સૌથી મોટા પક્ષ તરીકે BJPને સમિતિની અધ્યક્ષતા મળશે અને એના ઘણા સભ્યો એમાં સામેલ થશે. સમિતિમાં સર્વસંમતિ સધાયા પછી જો આ બિલ સંસદનાં બન્ને ગૃહોમાં પસાર થાય છે તો એ ૨૦૩૪ની સાલમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની એકસાથે ચૂંટણીનો માર્ગ મોકળો કરશે. 

Whatsapp-channel Whatsapp-channel

22 December, 2024 04:01 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK