જન્મથી શ્રવણશક્તિની ક્ષતિ ધરાવતા બોરીવલીના ૨૯ વર્ષના અમન શાપરિયાએ શારીરિક અક્ષમતાઓ સામે ઝઝૂમી ફોટોગ્રાફી, ચૉકલેટ-મેકિંગ, ડાન્સિંગ જેવાં વિવિધ ક્ષેત્રમાં ઝંપલાવવાની હિંમત કરી
આઇ કૅન
અમન શાપરિયા
જન્મથી શ્રવણશક્તિની ક્ષતિ ધરાવતા બોરીવલીના ૨૯ વર્ષના અમન શાપરિયાએ શારીરિક અક્ષમતાઓ સામે ઝઝૂમી ફોટોગ્રાફી, ચૉકલેટ-મેકિંગ, ડાન્સિંગ જેવાં વિવિધ ક્ષેત્રમાં ઝંપલાવવાની હિંમત કરી. સામાન્ય વ્યક્તિની જેમ પોતે પણ સક્ષમ હોવાનું પુરવાર કરી બતાવનારા આ યુવાનની સંઘર્ષમય સફર વિશે જાણીએ
કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી. આ ઉક્તિને સાચા અર્થમાં જીવી બતાવનારા બોરીવલીના ૨૯ વર્ષના અમન શાપરિયાની આજે આપણે વાત કરવાના છીએ. જન્મથી શ્રવણશક્તિની તીવ્ર ક્ષતિ ધરાવતા આ યુવાને અનેક પડકારોનો સામનો કરી અસાધારણ સફળતા મેળવી છે. શારીરિક અક્ષમતાઓની વચ્ચે મારગ કાઢી ફોટોગ્રાફી, ચૉકલેટ-મેકિંગ, ડાન્સિંગ જેવા ફીલ્ડમાં ઝંપલાવનારા અમન અને તેના પેરન્ટ્સની મહેનત કેવો રંગ લાવી જોઈ લો.
ADVERTISEMENT
નૉર્મલ જ છે
સૌથી પહેલાં તો ડિસેબિલિટી એટલે ઇનેબિલિટી, આ પૂર્વગ્રહમાંથી આપણે બહાર નીકળવાની જરૂર છે. વાતની શરૂઆત કરતાં અમનનાં મમ્મી નીપા શાપરિયા કહે છે, ‘સામાન્ય રીતે સાંભળી ન શકતાં બાળકોને સ્પિચ થેરપી લીધા પછી પણ બોલવામાં તકલીફ થતી હોય છે તેથી મોટા ભાગના પેરન્ટ્સ હોપ ખોઈ બેસે છે. અમન છ મહિનાનો હતો ત્યારે અમને ખબર પડી કે તે સાંભળી નથી શકતો. અમે સંકલ્પ કર્યો કે તેને નૉર્મલ બાળકની જેમ જ ઉછેરવો છે. નસીબજોગે થેરપી ઘણી કારગત નીવડી. થેરપિસ્ટનું કહેવું હતું કે નૉર્મલ વિદ્યાર્થીઓની સ્કૂલમાં અભ્યાસ કરવાથી તેનો સારો ગ્રોથ થશે. બોરીવલીસ્થિત જે. બી. ખોત સ્કૂલમાં ઍડ્મિશન માટે ગયા તો ના પાડી દીધી. એની પાછળ સખત મહેનત કરી પોએમ બોલતાં શીખવી ફરીથી પ્રિન્સિપાલ પાસે લઈ ગયા. શિક્ષકોએ ઘણો સપોર્ટ કર્યો. અમન બરાબર બોલતો નહીં, પણ ભણી શકતો. ફૅન્સી ડ્રેસ કૉમ્પિટિશન અને સ્પોર્ટ્સમાં હંમેશાં પ્રાઇઝ લઈ આવે. બે વર્ષની ઉંમરે તેને સ્વિમિંગ શીખવા લઈ ગયાં ત્યારે કોચે ના પાડી કે સાંભળતો નથી તો કેવી રીતે સમજશે. પ્રેસિડન્ટ પાસે જઈ રીતસરની બાખડી કે બધા મારા દીકરાને જાકારો આપશે તો એ જીવનમાં આગળ કઈ રીતે વધશે? તેને સામાન્ય બાળકની જેમ જીવવાનો અધિકાર છે. ચાર વર્ષની ઉંમરમાં મંડપેશ્વર સિવિક ફેડરેશન જિમખાનામાં તે અંધેરીથી બોરીવલી સુધીનાં બાળકોની સ્વિમિંગ સ્પર્ધામાં સેકન્ડ આવ્યો.’
અમન સામાન્ય બાળક છે અને સમાજમાં એવી રીતે જ સ્વીકૃત થાય એવા તમામ પ્રયાસો ચાલુ રાખ્યા. અમારા ત્રણેયની સંઘર્ષમય સફર જેમ-જેમ આગળ વધતી ગઈ નવી ચૅલેન્જિસ આવતી ગઈ. નીપાબહેન કહે છે, ‘જુદા-જુદા ક્ષેત્રમાં આગળ વધારવાના હેતુથી મૉડલિંગના ઑડિશન માટે લઈ ગયા. ક્લોધિંગ બ્રૅન્ડ માટે મૉડલિંગ કરવાની તક મળ્યા બાદ શામક દાવરની ઇન્સ્ટિટ્યૂટમાં ડાન્સ શીખવાડવા લઈ ગઈ. તેને સલામતીનો એહસાસ થાય તેથી મેં પણ ક્લાસ જૉઇન કર્યા. વિવિધ ઍક્ટિવિટીની સાથે-સાથે તેનો અભ્યાસ ચાલતો રહ્યો. બારમા ધોરણ સુધી વાંધો ન આવ્યો. બધિરતાના કારણે એક કરતાં વધુ ભાષા શીખવામાં મુશ્કેલી નડતાં ફર્સ્ટ યર બીએમએસ પછી ભણવાનું છૂટી ગયું. મારી તબિયત લથડવા લાગતાં દીકરાને આગળ ભણાવવાનો મોહ છોડી ડાયમન્ડ માર્કેટમાં નોકરીએ બેસાડી દીધો.’
ઇન્ડિપેન્ડન્ટ બન્યો
અમને પૈસાની જરૂર નહોતી છતાં નોકરી કરવા મોકલ્યો, કારણ કે બધાં માતા-પિતા ઇચ્છતાં હોય કે સંતાન પગભર થાય એમ જણાવતાં તેઓ કહે છે, ‘આપણા સમાજમાં આજે પણ માનસિકતા બદલાઈ નથી. દિવ્યાંગ હોવાના લીધે તેને પગાર ઘણો ઓછો મળતો. અમન નોકરીએ જતો હતો, પરંતુ અમે અનુભવ્યું કે તેનું મન નથી લાગતું તેથી મુકાવી દીધી. નાનપણથી ક્રીએટિવ વર્કમાં તેનો ઇન્ટરેસ્ટ રહ્યો હતો અને ઑબ્ઝર્વ પણ કરતો. ઘણાં વર્ષ પહેલાં હું ચૉકલેટ્સ બનાવતી હતી એ તેના ધ્યાનમાં હતું. ઘરમાં બેઠાં-બેઠાં ચૉકલેટ્સ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. અલગ-અલગ ઓકેઝન માટે કસ્ટમાઇઝ્ડ ચૉકલેટ બનાવવાનો આઇડિયા તેનો પોતાનો જ છે. ચૉકલેટ બૉક્સ ક્રીએશન સ્ટાર્ટઅપમાં પોતાની ઇમૅજિનેશન પ્રમાણે બર્થ-ડે, બેબી શાવર, નામકરણ, વેડિંગ ગૂડીઝ, કૉર્પોરેટ ગૂડીઝ માટે ચૉકલેટ બનાવવા લાગ્યો. વાઇટ ચૉકલેટ કોકોનટ બાર, સ્ટ્રૉબેરી હૅન્ડરોલ ટ્રફલ, રાજભોગ ટ્રફલ, સ્ટિકી સી સૉલ્ટ કૅરૅમલ, ઇન્સ્ટન્ટ ફ્લોરેનાઇટ, ફરેરો રોશર, મિક્સ ડ્રાયફ્રૂટ્સ, જેલી ફ્લેવર વગેરે અઢળક વરાઇટી બનાવે છે.’
આ પણ વાંચો : શુગર સ્ક્રબ કે સૉલ્ટ સ્ક્રબ?
પૅશનેટ પણ છે
શરૂઆતમાં ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ ચૉકલેટ્સના ઑર્ડર આપતા. ધીમે-ધીમે બહારથી પણ ઑર્ડર મળવા લાગ્યા. સ્પિચમાં ક્લૅરિટી નથી. ‘અ’ ની જગ્યાએ ‘ક’ બોલે. અક્ષરમાં ગોટાળા થતા હોવાથી મોટા ભાગના ઑર્ડર વૉટ્સઍપ પરથી લેવાનું રાખ્યું છે. જોકે પેરન્ટ્સનો નંબર શૅર કરવામાં આવે છે. ચૉકલેટ્સ બનાવવાની સાથે અમન ફોટોગ્રાફી પણ કરે છે. ફોટોગ્રાફી અને ડાન્સિંગ તેનું પૅશન છે. લૅન્ડસ્કેપ, મૉન્યુમેન્ટ્સ અને નેચરની ફોટોગ્રાફી કરવી ગમે. મુંબઈથી લોનાવલા એકલો ડ્રાઇવ કરીને જઈ શકે છે. માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. બધિર બાળકનો જન્મ થતાં નીપાબહેને પોતાની કારકિર્દી છોડી સમસ્ત જીવન સંતાન પાછળ વિતાવ્યું. અમનના પપ્પા કેતનભાઈ ઇન્ટીરિયર ડિઝાઇનર છે.
ભારત ઉપરાંત સિંગાપોર, હૉન્ગકૉન્ગ, દુબઈ, થાઇલૅન્ડ વગેરે સ્થળોએ ફરી આવેલા અમનને દરેક દેશની કરન્સી વિશે જાણકારી છે. વિદેશ ફરવા જવાનું હોય ત્યારે આઇટિનરી જાતે બનાવે. હાલમાં તે એક સીએ ફર્મમાં જાય છે. તેના પપ્પા કહે છે, ‘અમન ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષા સમજી શકે છે. અત્યારે તો અમે છીએ, પણ આવકની ગણતરી અને સંપત્તિનું કૅલ્ક્યુલેશન કરતાં ન આવડે તો ભવિષ્યમાં શું એવો વિચાર કરી તેને સીએની ઑફિસમાં મોકલવાનું સ્ટાર્ટ કર્યું. અહીં પણ તેણે પોતાની અપાર શક્તિનો પરચો બતાવી અસાધારણ સફળતા મેળવી છે. સિનિયર પાસેથી તે ઑડિટ કરતાં શીખી રહ્યો છે. હવે અમે તેનાં લગ્ન કરાવવા માટે થનગની રહ્યાં છીએ અને છોકરી જોવાનું સ્ટાર્ટ કરી દીધું છે.’
આ પણ વાંચો : મમ્મી બન્યા પછી ફિટ રહેવું હોય તો ત્રણ વીકમાં રૂટીનમાં આવી જજો
બૉલીવુડ પ્રેમ
ડાન્સની વાત નીકળતાં જ અમન જોશમાં આવી જાય છે. હું અમિતાભ બચ્ચન અને સલમાન ખાનનો જબરો ચાહક છું એવું ઉત્સાહ સાથે જણાવતાં કહે છે, ‘બૉલીવુડ મ્યુઝિક મને અટ્રૅક્ટ કરે છે. ડાન્સ માટે સૉન્ગના શબ્દો સમજવાની મને જરૂર નથી લાગતી. મ્યુઝિક વાગે એટલે રિધમ પર સ્ટેપ બેસાડી દઉં. ફેશ્યલ એક્સપ્રેશન પણ મસ્ત આપું. ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાનો ગાંડો શોખ છે. ફૉલોઅર્સ વધે તો એમાંથી પણ આવકનું સાધન ઊભું થાય તેથી ઘણીબધી રીલ્સ બનાવું છું.’