તમારું વ્યક્તિત્વ તમારા ગુણોથી પરખાય છે. લોકો તમારી કાબેલિયતથી તમને યાદ રાખે છે, તમારા દેખાવથી નહીં
સોશ્યોલૉજી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
અમારી કૉલેજના એક પ્રોફેસર હંમેશાં એકસરખાં જ કપડાં પહેરીને આવતા. રોજ ઝભ્ભો-પૅન્ટ અને ચંપલ. ઍન્યુઅલ ડે હોય કે ટીચર્સ ડે કે ફન ઍન્ડ ફેર, તેમના લુકમાં કોઈ ફેરફાર નહીં. આપણને સવાલ થાય કે તેમને ક્યારેય સૂટબૂટમાં આવવાનું મન નહીં થતું હોય? સુધા મૂર્તિનો ઍરપોર્ટ પરનો પેલો પ્રસંગ જાણીતો છે. તેમનાં મોંઘા ન દેખાતા એવા ડ્રેસમાં જોઈ યુરોપિયન લેડીએ કમેન્ટ કરી કે ‘ધિસ ક્યુ ઇઝ ફૉર બિઝનેસ ક્લાસ.’ સુધાજીએ કોઈ દલીલ ન કરી પણ પહોંચ્યા પછી ઑડિટોરિયમમાં જ્યારે તેમનો ઇન્ટ્રોડક્શન કરવામાં આવ્યો ત્યારે પ્રેક્ષકમાં બેઠેલી પેલી લેડીનું મોં જોવા જેવું થઈ ગયું.
તમારું વ્યક્તિત્વ તમારા ગુણોથી પરખાય છે. લોકો તમારી કાબેલિયતથી તમને યાદ રાખે છે, તમારા દેખાવથી નહીં. તમારા વિચારો અને વર્તન વચ્ચેની સમાનતા લોકોને આકર્ષે છે. અબ્રાહમ લિંકન કે ગાંધીજી ક્યાં દેખાવે ફોટોગ્રાફિક ફેસ ધરાવતા હતા? સામાન્ય જન તેમના વિચારોને અનુસરતા હતા કારણ કે તેમની વાતો કથાકારના પોથીમાંનાં રીંગણાં જેવી નહોતી. વાણી અને વર્તનમાં એકરૂપતા હતી. એક ધોતિયા-ઉપરણામાં ભાગવતકથા કરતા ડોંગરે મહારાજની વાણીથી લોકોનું જીવન નીતિમય થઈ જતું.
ADVERTISEMENT
બાહ્ય દેખાવ સાવ જરૂરી નથી એવું નથી. જાતને પ્રેઝન્ટેબલ રાખવી આપણા જ હાથમાં છે, પણ એ પ્રથમ જરૂરિયાત નથી. કૉલેજકાળમાં સ્વદેશી માર્કેટની દુકાને પિતા ધંધાનો પહેલો પાઠ ભણાવતા કે એક નૂર આદમી, હજાર નૂર કપડાં. પણ પાછી ટકોરેય કરતા, આ તાકાની જેમ મગજમાંય વ્યવસ્થિત ગડીઓ વળેલી હોવી જોઈએ. આખરે તો એ જ માન અપાવશે. (વૈજ્ઞાનિક ભાષામાં જે ગ્રે મૅટર એ જ દેશી ભાષામાં મગજમાં વળતી ગડીઓ).
યે સૂટ મેરા દેખો, યે બૂટ મેરા દેખો કહી દિલીપકુમાર ‘અટેન્શન’ બોલે ત્યારે પ્રેક્ષકો સૂટબૂટ પર નહીં, તેમની અદા પર આફરીન પોકારી જતા. અંતે તો કલાકારની અદા અને ફિલ્મની સ્ટોરી જ હૃદયને સ્પર્શે છે, કલરફુલ કપડાં નહીં. સાદાં કપડાંમાં રહેતો અમોલ પાલેકર હંમેશાં બૉય-નેક્સ્ટ-ડોર જ લાગ્યો છે. એ જ રીતે જયા ભાદુરી હંમેશાં ગર્લ-નેક્સ્ટ-ડોર જ લાગી છે. છતાં પ્રેક્ષકોનાં દિલ પર બન્ને રાજ કરી ગયાં. ફૅશન ઇન્ડસ્ટ્રીમાં સ્ટાઇલ અને ડિઝાઇનનું ખૂબ મહત્ત્વ હોય છે, છતાં બ્યુટી કૉન્ટેસ્ટના છેલ્લા રાઉન્ડમાં બૌદ્ધિક અને માનસિક ઍટિટ્યુડને લગતા પ્રશ્નો પૂછવામાં આવે જ છે, કારણ કે સમાજને ફક્ત બ્યુયિફુલ કે હૅન્ડસમ પર્સન નહીં પણ એક લાગણીશીલ સામાજિક વ્યક્તિની જરૂર છે. અન્ય વ્યક્તિ સાથેની વાતચીતમાં દેખાતો આપણો અભિગમ, વર્તન, વ્યવહાર, આદર-સન્માન આપણી બૉડી લૅન્ગ્વેજમાં પરખાઈ જાય છે.
- યોગેશ શાહ (યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.)