Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > ઑલ આઇઝ ઑન રફાહ : ગાઝા અને ઇઝરાયલ યુદ્ધ વકરી રહ્યું છે

ઑલ આઇઝ ઑન રફાહ : ગાઝા અને ઇઝરાયલ યુદ્ધ વકરી રહ્યું છે

02 June, 2024 12:27 PM IST | Mumbai
Raj Goswami

વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની ગાઝામાં ઇઝરાયલની ઝુંબેશ સમાપ્ત કરવાની અને યુદ્ધ પછીના શાસનની યોજના અંગે પ્રશ્નો ઊભા કરે છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ક્રૉસલાઇન

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ત્ઝાચી હાનેગબીએ જણાવ્યું હતું કે દેશની યુદ્ધ કૅબિનેટે ૨૦૨૪ને યુદ્ધના વર્ષ તરીકે ઘોષિત કર્યું છે. એનો અર્થ એ થયો કે રફાહ ઑપરેશન સંઘર્ષનો અંત નહીં હોય. એ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની ગાઝામાં ઇઝરાયલની ઝુંબેશ સમાપ્ત કરવાની અને યુદ્ધ પછીના શાસનની યોજના અંગે પ્રશ્નો ઊભા કરે છે


 



લગભગ નવ મહિનાથી ચાલી રહેલું ઇઝરાયલ અને ગાઝા વચ્ચેનું યુદ્ધ અટકવાને બદલે વધુ તીવ્ર થઈ રહ્યું છે. એવું લાગે છે કે બધું જ નષ્ટ થઈ જશે. ગાઝાના રફાહ શહેર પર ઇઝરાયલી હુમલાઓ તીવ્ર બની રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય ટીકાઓ અને વિરોધ વચ્ચે ઇઝરાયલે દાદાગીરી સાથે કહ્યું છે કે હમાસ સામેનું યુદ્ધ હજી એક વર્ષ સુધી ચાલુ રહેશે.


નવ મહિના પહેલાં હમાસને ખતમ કરવાના ઉદ્દેશથી ઇઝરાયલે ગાઝામાં કરેલા આક્રમણનું કુલ પરિણામ એ આવ્યું છે કે ન તો હમાસનો ખાતમો થયો છે કે ન તો એના કબજામાં રહેલા ઇઝરાયલી નાગરિકોને મુક્ત કરી શકાયા છે. એને બદલે અસંખ્ય નિર્દોષ લોકો એમાં હોમાઈ રહ્યા છે.

નરસંહારની ઘટના


ગયા અઠવાડિયે રફાહમાં એક શરણાર્થી શિબિર પર ઇઝરાયલી હવાઈ હુમલામાં બાળકો સહિત ઓછામાં ઓછા ૪૫ લોકો માર્યા ગયા હતા. આંતરરાષ્ટ્રીય અદાલતે ઇઝરાયલને રફાહમાં એની લશ્કરી કાર્યવાહી બંધ કરવાનો આદેશ આપ્યાના થોડા દિવસ બાદ નરસંહારની આ ઘટના બની હતી. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય આક્રોશ પેદા કર્યો છે. આ ઘટના પછી ઇઝરાયલ વિશ્વમાં વધુ એકલું પડી ગયું છે. એના કેટલાક નજીકના સાથીઓ જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સે પણ નાગરિકોનાં મૃત્યુ પર આક્રોશ વ્યક્ત કર્યો છે.

ઇઝરાયલનો દાવો

રવિવારે થયેલા હુમલાને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ દુઃખદ ભૂલ ગણાવી હતી. પહેલાં હમાસે તેલ અ​વિવ વિસ્તારમાં રૉકેટ છોડ્યાં હતાં. એના થોડા કલાકો પછી ઇઝરાયલે મોડી રાત્રે રફાહ પર હુમલો કરીને જવાબ આપ્યો. ઇઝરાયલનો દાવો હતો કે ગાઝા પર આક્રમણના પગલે હમાસના કાર્યકરો રફાહમાં છુપાઈ ગયા છે.

ઇઝરાયલી સેનાએ અગાઉ કહ્યું હતું કે એણે નાગરિકોનાં મોતની તપાસ શરૂ કરી છે. ગાઝાના આરોગ્ય મંત્રાલય અનુસાર રવિવારના આ સૌથી ઘાતક હુમલા પછી પૅલેસ્ટીનમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા ૩૬,૦૦૦થી વધુ થઈ ગઈ છે.

સોમવારે ઇઝરાયલની સંસદને સંબોધતાં નેતન્યાહુએ કહ્યું હતું કે ‘નિર્દોષ નાગરિકોને નુકસાન ન પહોંચાડવાના અમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં ગઈ કાલે રાત્રે એક દુઃખદ ભૂલ થઈ હતી. અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ અને ક્યાં ચૂક થઈ એનો નિષ્કર્ષ કાઢીશું.’

હમાસની શરતો

હુમલા બાદ હમાસે આ યુદ્ધ રોકવા માટે મધ્યસ્થી કરી રહેલાઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તે હવે યુદ્ધવિરામ અથવા કેદીઓની આપ-લે માટે વાટાઘાટો કરશે નહીં. હમાસને ઇજિપ્ત અથવા કતારમાં વાટાઘાટો ફરી શરૂ કરવા અંગે મધ્યસ્થીઓ તરફથી કોઈ સત્તાવાર સંદેશો મળ્યો નથી.

હમાસના વરિષ્ઠ અધિકારી ઓસામા હમદાને સોમવારે બૈરુતમાં એક

પત્રકાર-પરિષદમાં જણાવ્યું હતું કે અમે ઇઝરાયલી બંધકોને મુક્ત કરીશું નહીં અને અમારી શરતો પર છોડીશું. હમદાને જણાવ્યું હતું કે કાયમી યુદ્ધવિરામ સહિત સમજૂતી સુધી પહોંચવા માટે હમાસની શરતોમાં કોઈ ફેરફાર થશે નહીં.

ઑલ આઇઝ ઑન રાફા

ઇઝરાયલની કાર્યવાહી પછી હુમલાના દર્દનાક ફોટોગ્રાફ્સ સામે આવ્યા હતા. આ ફોટો આવ્યા આવ્યા બાદ વિશ્વભરમાં સોશ્યલ મીડિયા પર ‘ઑલ આઇઝ ઑન રાફા’ સાથે એક તસવીર ટ્રેન્ડ થવા લાગી હતી. આ તસવીરમાં અગણિત તાબૂત બતાવવામાં આવ્યાં હતાં, જેના પર ‘ઑલ આઇઝ ઑન રાફા’ લખેલું હતું.

હકીકતમાં આ તસવીર દ્વારા વિશ્વભરના લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ રફાહની દુર્દશાને અવગણે નહીં, કારણ કે ગાઝા પર હુમલા થયા પછી ૧૫ લાખ લોકોએ રફાહમાં આશ્રય લીધો છે. સોશ્યલ મીડિયા પર લાખો લોકોએ આ તસવીર શૅર કરી હતી. આમાં ઘણી હસ્તીઓનાં નામ સામેલ છે.

ભારતની ઘણી સેલિબ્રિટીઝે પણ આ તસવીર શૅર કરી હતી. એમાં પ્રિયંકા ચોપડા, વરુણ ધવન, આલિયા ભટ્ટ, સમન્થા રૂથ પ્રભુ, તૃપ્તિ ડિમરી અને રિચા ચઢ્ઢાનો સમાવેશ થાય છે. અભિનેતા પ્રકાશ રાજે પણ ટ્વિટર પર આ વીડિયો શૅર કર્યો છે.

ઇઝરાયલનું નિવેદન

ભારતમાં ઇઝરાયલી દૂતાવાસે પણ આ અંગે નિવેદન બહાર પાડ્યું છે. દૂતાવાસે લખ્યું છે કે આ અભિયાન ચલાવનારાઓને હમાસે બંધક બનાવેલા ઇઝરાયલીઓ દેખાતા નથી. દૂતાવાસે એક પોસ્ટમાં કહ્યું હતું કે ‘તમારી આંખો હમાસ દ્વારા બંદી બનાવવામાં આવેલા ૧૨૫ ઇઝરાયલી પુરુષો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને જોઈ શકતી નથી. આ કારણથી જ સંઘર્ષ શરૂ થયો હતો. ટિપ્પણીઓ કરતાં પહેલાં લોકોએ સંપૂર્ણ વાત જાણવી જોઈએ. આ બંધકો જ્યાં સુધી ઘરે પાછા નહીં આવે ત્યાં સુધી અમે પગ વાળીને બેસવાના નથી.’

એવું નથી કે આ હુમલો અચાનક થયો છે. આ મહિનાની શરૂઆતમાં બંધકોની મુક્તિ અંગે હમાસ સાથે યુદ્ધવિરામની સમજૂતી થવાની ધારણા હતી, પરંતુ ઇઝરાયલના યુદ્ધ પ્રધાનમંડળના વધુ ક્રાન્તિકારી સભ્યો રફાહમાં હુમલાઓ આગળ વધારવા માગતા હતા. તેમણે એવી દલીલ કરી હતી કે ગાઝામાં હજી પણ જીવતા બંધકોને પાછા લાવવા કરતાં હમાસનો નાશ કરવો વધુ મહત્ત્વપૂર્ણ છે. ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ત્ઝાચી હાનેગબીએ જણાવ્યું હતું કે દેશની યુદ્ધ કૅબિનેટ દ્વારા ૨૦૨૪ને યુદ્ધના વર્ષ તરીકે ઘોષિત કર્યું છે. એનો અર્થ એ થયો કે રફાહ ઑપરેશન સંઘર્ષનો અંત નહીં હોય. એ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની ગાઝામાં ઇઝરાયલની ઝુંબેશ સમાપ્ત કરવાની અને યુદ્ધ પછીના શાસનની યોજના અંગે પ્રશ્નો ઊભા કરે છે.

ઇઝરાયલે મહિના પહેલાં રફાહ પર હુમલાની યોજના બનાવી હતી. ઇઝરાયલી સેનાએ મેના પહેલા સપ્તાહમાં રફાહમાં લગભગ દસ લાખ લોકોને તેમનાં ઘર છોડવાનો આદેશ આપ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અમેરિકાએ વારંવાર કહ્યું છે કે જ્યાં સુધી શરણાર્થીઓને બહાર કાઢવાની યોજના તૈયાર કરવામાં ન આવે ત્યાં સુધી તે રફાહમાં ઇઝરાયલી હુમલાને ટેકો આપશે નહીં.

ઘણા મહિનાઓથી ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ ભારપૂર્વક કહેતા હતા કે જ્યાં સુધી રફાહમાં હમાસ સામે મોટા પાયે ઑપરેશન નહીં થાય ત્યાં સુધી યુદ્ધ જીતી નહીં શકાય. હવે હુમલા પછી તેઓ એક તરફ નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યાની ભૂલનો સ્વીકાર કરે છે અને બીજી તરફ એવું પણ કહે છે કે આ યુદ્ધ હજી એક વર્ષ સુધી ચાલતું રહેશે.

આંતરરાષ્ટ્રીય આઘાત-પ્રત્યાઘાત

ઇઝરાયલ-પૅલેસ્ટીનનો સંઘર્ષ સ્થાનિક મુદ્દો રહ્યો નથી. એના આંતરરાષ્ટ્રીય

આઘાત-પ્રત્યાઘાત પડી રહ્યા છે. ગાઝામાં ચાલી રહેલી હિંસા વચ્ચે બ્રાઝિલે ઇઝરાયલને મોટો ફટકો આપ્યો છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ઇઝરાયલમાંના પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા છે. તાજેતરના મહિનાઓમાં બન્ને દેશો વચ્ચે તનાવ વધ્યો છે.

સાઉદી અરેબિયાએ કહ્યું છે કે ઇઝરાયલે પૅલેસ્ટીનના અસ્તિત્વને સ્વીકારવું જ પડશે. સાઉદી અરેબિયાના વિદેશમંત્રી ફૈઝલ બિન ફરહાને મંગળવારે કહ્યું હતું કે પૅલેસ્ટીન વિના ઇઝરાયલનું અસ્તિત્વ શક્ય નથી. સાઉદી અરેબિયાના આ નિવેદનને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. રફાહમાં હુમલા બાદ ઘણા દેશોમાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે અને ઇઝરાયલ વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે.

આ યુદ્ધ સમાપ્ત કરવાની રણનીતિના ભાગરૂપે સ્પેન, નૉર્વે અને આયરલૅન્ડે પૅલેસ્ટીનને સત્તાવાર રીતે એક રાજ્ય તરીકે માન્યતા આપી છે. આ દેશોને આશા છે કે સાથે મળીને લેવામાં આવેલા આ પગલાથી અન્ય યુરોપિયન દેશોને પણ અસર થશે. ત્રણેય દેશોનું માનવું છે કે રાજદ્વારી સ્તરે લેવામાં આવેલા આ પગલાથી ગાઝામાં યુદ્ધવિરામ અને હમાસમાંથી બંધકોને મુક્ત કરવામાં મદદ મળી શકે છે.

ઇઝરાયલે ત્રણેય દેશો પર આતંકવાદને પોષવાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે ઇઝરાયલ અને સ્પેન વચ્ચે તનાવ વધ્યો છે. ઇઝરાયલે આયરલૅન્ડ, નૉર્વે અને સ્પેનમાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવ્યા છે. ઇઝરાયલે તેલ અ​વિવમાં હાજર આ દેશોના રાજદૂતોને પણ ઠપકો આપ્યો છે.

ઇઝરાયલ પર રાજદ્વારી દબાણ

ઘણા રાજદ્વારીઓને શંકા છે કે ઇઝરાયલ સ્પેન, આયરલૅન્ડ અને નૉર્વે પર આટલો ગુસ્સો એટલા માટે બતાવી રહ્યું છે જેથી અન્ય દેશો પણ આવું ન કરે. સ્લોવેનિયા, માલ્ટા અને બેલ્જિયમે તાજેતરના મહિનાઓમાં સંકેત આપ્યો છે કે તેઓ પણ પૅલેસ્ટીનને માન્યતા આપી શકે છે; પરંતુ જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ બેલ્જિયમની સરકાર શાંત થતી જાય છે.

ત્રણેય દેશોના આ પગલાથી ઇઝરાયલ પર રાજદ્વારી દબાણ વધ્યું છે. અગાઉ બે આંતરરાષ્ટ્રીય અદાલતોએ ઇઝરાયલી સૈન્યને દક્ષિણ ગાઝામાં એની કામગીરી બંધ કરવા કહ્યું હતું. આંતરરાષ્ટ્રીય અદાલતોએ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર યુદ્ધ-અપરાધનો આરોપ લગાવ્યો છે. કેટલાક પશ્ચિમી દેશો પૅલેસ્ટિનિયન પ્રદેશમાં ઇઝરાયલી વસાહતો પર પ્રતિબંધ મૂકવા આગળ આવ્યા છે.

અત્યાર સુધીમાં ૧૩૯ દેશોએ પૅલેસ્ટીનને એક રાજ્ય તરીકે માન્યતા આપી છે. ૨૦૨૪ની ૧૦ મેએ યુએન જનરલ ઍસેમ્બલીના ૧૯૩ સભ્યોમાંથી ૧૪૩ સભ્યોએ પૅલેસ્ટીનને સંપૂર્ણ સભ્યપદ આપવાની તરફેણમાં મતદાન કર્યું હતું. પૅલેસ્ટીનને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે.

એમાં આરબ લીગ અને ઇસ્લામિક સહકાર સંગઠનનો સમાવેશ થાય છે. કેટલાક યુરોપિયન દેશોએ પૅલેસ્ટીનને પહેલેથી જ માન્યતા આપી દીધી છે. એમાં હંગેરી, પોલૅન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા, બલ્ગેરિયા અને ચેક રિપબ્લિકના ભૂતપૂર્વ સોવિયેત પ્રજાસત્તાકનો સમાવેશ થાય છે.

આ દેશોએ ૧૯૮૮માં પૅલેસ્ટીનને માન્યતા આપી હતી, પરંતુ કેટલાક અન્ય યુરોપિયન દેશો અને યુનાઇટેડ સ્ટેટ્સે કહ્યું છે કે તેઓ પૅલેસ્ટીનને મધ્યપૂર્વના સંઘર્ષના લાંબા ગાળાના રાજકીય ઉકેલના ભાગરૂપે જ માન્યતા આપશે.

ઇઝરાયલના આંતરરાષ્ટ્રીય ખ્યા​તિપ્રાપ્ત લેખક યુવાલ નોઆ હરારીએ સમાધાનનાં બે પગલાં સૂચવતાં કહ્યું છે કે ‘જે લોકોનો જીવ ગયો છે એ પાછો નથી આવવાનો અને લોકોની અંગત પીડા પણ ક્યારેય દૂર નહીં થાય, પરંતુ આંતરરાષ્ટ્રીય સમુદાયે આગળ આવીને ઇઝરાયલી બંધકોને હમાસના કબજામાંથી મુક્ત કરાવવા જોઈએ અને ગાઝાને હમાસના નિયંત્રણમાંથી બહાર કાઢીને એને પુન: બેઠું કરવું જોઈએ જેથી આ લડાઈ આગળ ન વધે.’

જોકે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આવાં પગલાં લેવાય એવી સંભાવનાઓ ઓછી દેખાય છે. ટૂંકમાં, ખૂન-ખરાબા હજી ચાલુ રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2024 12:27 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK