આદિવાસીઓની પેટા જ્ઞાતિ એવી પઢાર કમ્યુનિટીનો આ રાસ બેઠો રાસ છે. રાસની કોરિયોગ્રાફીમાં પાણીમાં ચાલતી હોડી જેવાં સ્ટેપ્સ હોય છે તો સાથોસાથ દરિયાઈ લહેરને પણ કોરિયોગ્રાફીમાં સામેલ કરવામાં આવી છે
ધીના ધીન ધા
પઢાર રાસ
મણિયારો રાસ પછી હવે આપણે વાત કરવી છે પઢાર રાસની. આ બધા રાસની વાત આપણે એટલા માટે કરીએ છીએ કે મોટા ભાગના લોકોનું માનવું એવું જ છે કે ગરબા અને રાસ એકસમાન હોય અને એ જ માનસિકતા વચ્ચે એ લોકો નવરાત્રિમાં ગરબા અને રાસ કરીને જાણે કે જંગ જીતી ગયા હોય એવું માનતા રહે છે. પણ ના, એવું નથી. આપણા ગરબા અને રાસમાં પણ એટલું વૈવિધ્ય છે કે તમે કલ્પના પણ ન કરી હોય. અલગ-અલગ કમ્યુનિટીના પોતાના પણ રાસ અને ગરબા છે તો અલગ-અલગ કામધંધા સાથે જોડાયેલા લોકોએ પણ પોતાના રાસગરબાનું સર્જન કર્યું હતું. પઢાર રાસ પણ એ જ પ્રકારનો એક રાસ છે જે સામાન્ય રીતે આદિવાસી કમ્યુનિટી દ્વારા કરવામાં આવે છે. કહે છે કે ગુજરાતમાં પાંચ પ્રકારની પેટા જ્ઞાતિના આદિવાસીઓ રહે છે, જેમાં પઢાર આદિવાસીનો આ રાસ છે. આ જે પઢાર કમ્યુનિટીના આદિવાસીઓ છે તે મોટા ભાગે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત અમદાવાદ જિલ્લાનાં ૧૪ જેટલાં ગામોમાં પથરાયેલા છે.