૧૦ વર્ષની વયે ઇન્ટરનૅશનલ માસ્ટર ઑફ ચેસનો ખિતાબ મેળવનારા અને વિશ્વ ચેસ ચૅમ્પિયનશિપમાં રનર-અપ બનીને દેશનું નામ રોશન કરનારા ૧૮ વર્ષના ગ્રૅન્ડ માસ્ટર પ્રજ્ઞાનાનંદના જીવનમાં બહેન વૈશાલી અને મમ્મી નાગલક્ષ્મી કેમ મહત્ત્વનાં છે એ જાણીએ
બહેન વૈશાલી સાથે પ્રજ્ઞાનાનંદ
હાલમાં માત્ર બે જ વાતો ચર્ચામાં અને ખબરોમાં છે. એક ચંદ્રયાન-૩ અને બીજી ચેસની વર્લ્ડ ચૅમ્પિયનશિપનો ભારતીય સિતારો પ્રજ્ઞાનાનંદ.
હવે પ્રજ્ઞાનાનંદ કોણ છે એ વાત આપણા કોઈથી અજાણી નથી. આ તેજસ્વી તારલાનું પૂરું નામ રમેશબાબુ પ્રજ્ઞાનાનંદ, પરંતુ હવે તો બધા તેને ‘પ્રજ્ઞા’ના હુલામણા નામથી જ ઓળખતા થઈ ગયા છે. ૧૦ ઑગસ્ટ ૨૦૦૫ની સાલમાં ચેન્નઈમાં જન્મેલો પ્રજ્ઞાનાનંદ માત્ર ૧૮ વર્ષનો છે, પણ આટલી નાની વયે આજે તે વિશ્વનો ૨૯મા ક્રમાંકનો વર્લ્ડ ચેસ ચૅમ્પિયન છે. રમેશબાબુ અને નાગાલક્ષ્મીની ઘરે પ્રજ્ઞાનાનંદ જન્મ્યો ત્યારે મા-બાપે કદાચ વિચાર્યું પણ નહીં હોય કે અમારો દીકરો માત્ર ૧૦ વર્ષની આયુમાં ઇન્ટરનૅશનલ માસ્ટર ઑફ ચેસનો ખિતાબ મેળવશે.
હમણાં પ્રજ્ઞાનાનંદે એક જબરદસ્ત ઇતિહાસ રચ્યો. તેણે ચેસ ચૅમ્પિયનશિપ - FIDE વિશ્વકપમાં મૅગ્નસ કાર્લસનને એટલી જબરદસ્ત ફાઇટ આપી કે સતત બે રમત ટાઇ થઈ અને આખરે ગેમ ત્રીજા દિવસે ટાઇબ્રેકર લેવલ સુધી પહોંચી ગઈ. ભલે પ્રજ્ઞાનાનંદ ટાઇબ્રેકરમાં કાર્લસનને હરાવી ન શક્યો, પણ આપણા બધાનાં દિલ તેણે જરૂર જીતી લીધાં અને તેથી જ વિચાર્યું કે ચેસ-પ્લેયર પ્રજ્ઞાનાનંદને તો હવે બધા જાણે છે; પણ આજે આપણે એ પ્રજ્ઞાનાનંદને મળવું છે જે બહેનનો અત્યંત લાડકો, અંતર્મુખી, શરમાળ ભાઈ છે અને એક એવો દીકરો છે જેની મા તેને જેટલો પ્રેમ કરે છે એનાથીયે વધુ પ્રેમ તે માને કરે છે. જો પ્રજ્ઞાનાનંદ તેના પિતા અને બહેનનો લાડકો હોય તો મા પ્રજ્ઞાનાનંદને લાડકી છે એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય.
રમત કેવી રહી એ જરૂરી નથી, રમત હાર્યો કે જીત્યો એ પણ જરૂરી નથી. ચેસપ્લેયર પ્રજ્ઞાનાનંદ માટે જરૂરી એ છે કે રમત પૂરી થયા પછી તેણે ચેસના હૉલની બહાર દોડી જવું હોય અને તેની મા જ્યાં બેસીને રાહ જોઈ રહી હોય ત્યાં જઈને તેના સાડીના પલ્લુમાં શરણ લઈ લેવું હોય. વિશ્વ આખાનું છત્ર માની સાડીના પલ્લુમાં મહેસૂસ કરતો પ્રજ્ઞાનાનંદ કહે છે, ‘મારી મા માટે હું હાર્યો કે જીત્યો એનું કોઈ મહત્ત્વ નથી. દરેક ગેમ પછી જ્યારે હું તેની સાડીના પાલવ પાસે પહોંચી જાઉં છું ત્યારે ક્યારેય તેણે મને પૂછ્યું નથી કે કેટલી ચાલની ગેમ હતી? હું હાર્યો કે જીત્યો? મારા દિમાગમાં શું ચાલી રહ્યું હતું? મારે કેવી સ્ટ્રગલ કરવી પડી? કશું જ નહીં. તેણે તો બસ મને ગળે વળગાડી લઈને વહાલ કરવું હોય છે.’
મારી મમ્મી સાવ લો-પ્રોફાઇલ રહીને હૉલના પરિસરમાં કોઈક ખૂણે શાંતિથી બેઠી હોય અને મારા આવવાની રાહ જોતી હોય એમ જણાવીને પ્રજ્ઞાનાનંદ રહે છે, ‘હું દોડતો તેની પાસે પહોંચું અને તેની સાડીના પલ્લુમાં છુપાઈ જાઉં. તેના માટે વર્લ્ડ ચૅમ્પિયન બનું કે ન બનું એ બાબત કોઈ મહત્ત્વની નથી. હા, મારી દરેક સ્પર્ધામાં, દરેક ચેસ-ટૂરમાં તે મારી સાથે હોય જ, કારણ કે મને તે મારી સાથે જોઈએ જ છે!’
ADVERTISEMENT
પપ્પા રમેશબાબુ
દીકરો આવું કહે છે ત્યારે બીજો વિચાર આપણને એ આવે કે માનું શું કહેવું હશે? આટલા જિનીયસ દીકરાની મા કેવી હશે? બે શબ્દોમાં કહીએ? ડાઉન ટુ અર્થ! સાવ ભોળી, સાવ નિખાલસ અને સાવ નિર્મળ સ્વભાવનાં નાગલક્ષ્મી કહે છે, ‘મારો પ્રજ્ઞા ઇડલી-વડાં અને રસમ ખાય છે. તેને રોજ એ જ નાસ્તો ખાવા જોઈએ છે. કોઈ પણ દેશમાં કે કોઈ પણ શહેરમાં હોય, પ્રજ્ઞાનો નાસ્તો આ જ હોય છે. જમવામાં રસમ-રાઇસ તેના ફેવરિટ છે. હું કાયમ તેની સાથે હોઉં છું એનું એક કારણ એ પણ છે કે મારા પ્રજ્ઞાને ઇડલી-વડાં અને રસમ-રાઇસ મારા હાથના બનાવેલાં ભાવે છે.’
મમ્મી નાગલક્ષ્મી
આટલી નિખાલસ વાતો કરતાં નાગલક્ષ્મી અને રમેશબાબુ પાસે જ્યારે આપણે પ્રજ્ઞાનાનંદના બાળપણ વિશે જાણીએ તો કેટલીક બાબતો તો એવી જાણવા મળે કે ખરેખર હસવું આવે તો કેટલીક બાબતો માટે લાગે કે પ્રજ્ઞાનાનંદ જો હમણાં સામે હોય તો તેને બાથમાં ભરીને ઊંચકી લઈએ. તે ચેસ તેની મોટી બહેનને જોઈને રમતાં શીખ્યો હતો.
આ વાત હવે બધા જાણે છે, પણ તેની બહેન વૈશાલી જે વાસ્તવમાં તો પ્રજ્ઞાનું ઇન્સ્પિરેશન છે તે કઈ રીતે રમતાં શીખી હતી? તમે નહીં માનો પણ વૈશાલીના ભાગે ચેસ રમતાં શીખવાનું એક આદત છોડાવવાના વિકલ્પ તરીકે આવ્યું હતું. વાત કંઈક એવી હતી કે પ્રજ્ઞાનાનંદની મોટી બહેન વૈશાલી બાળપણમાં ટીવી પર આવતી pogo (કાર્ટૂન) ચૅનલ ખૂબ જોતી હતી. તે મા-બાપને લાગ્યું કે આટલી નાની ઉંમરે દીકરી આટલું બધું ટીવી જુએ એ તો ખૂબ નુકસાનકારક છે. તો હવે કરવું શું? ઘરની નજીકના જ વિસ્તારમાં ડ્રૉઇંગ અને ચેસના ક્લાસિસ ચાલે છે. એમાં વૈશાલીને મૂકી દઈએ તો કદાચ તેની આ આદત સુધારી શકાય. pogo છોડાવવા માટે ક્લાસિસમાં જતી વૈશાલીને ચેસ રમતી જોઈને અઢી વર્ષના તેના નાના ભાઈને દીદી સાથે ચેસ રમવાની ઇચ્છા થઈ અને વૈશાલી પણ માત્ર રમત ખાતર નાના ભાઈ સાથે રમવા બેસી જતી હતી. ત્યારથી પ્રજ્ઞાનાનંદને ચેસમાં એવો રસ જામ્યો કે તેણે બહેન જે ક્લાસિસમાં જતી હતી ત્યાં જઈને ચેસ શીખવાની શરૂઆત કરી. વૈશાલી ચેસમાં ખૂબ ચપળ હતી અને પ્રજ્ઞા નાનપણથી જ ચેસમાં ખૂબ તેજ હતો. જોકે નવાઈની વાત એ છે કે ઘરની પરિસ્થિતિ જોતાં તેના પેરન્ટ્સ નહોતા ઇચ્છતા કે પ્રજ્ઞાનાનંદ ચેસમાં કરીઅર બનાવે. આર્થિક રીતે હાથ તંગ હોય ત્યાં બે-બે સંતાનોને સ્પોર્ટ્સમાં રસ કેળવવા માટે સપોર્ટ કરવાનું શરૂમાં પેરન્ટ્સને અઘરું લાગવા લાગ્યું હતું.
ત્યાર પછીની કહાણી તો આપણને બધાને ખબર જ છે! પછી તો જાણે રેકૉર્ડ સર્જાતા ગયા. માત્ર અઢી વર્ષની ઉંમરે તેણે ચેસ રમવાનું શરૂ કર્યું હતું અને પાંચમા વર્ષે તો તેણે સ્ટેટ ચૅમ્પિયનશિપ જીતી લીધી. સાતમા વર્ષે એશિયન ચૅમ્પિયનશિપમાં ભાગ લઈને એ સ્પર્ધા પણ પ્રજ્ઞાનાનંદ જીતી આવ્યો. ત્યાર પછીના તેના બધા રેકૉર્ડ્સ તો હમણાં આપણે અનેક ન્યુઝ-ચૅનલ્સ અને અખબારોમાં સાંભળી-વાંચી જ ચૂક્યા છીએ. જે નથી ખબર એ હકીકતો એ છે કે પ્રજ્ઞાનાનંદ અને તેનાં મા-બાપે દીકરાને ચેસની રમતમાં આ લેવલ સુધી પહોંચાડવા માટે શરૂઆતનાં બે વર્ષ જબરદસ્ત મહેનત કરી હતી. દીકરો જ નહીં, જાણે તેના પિતા પણ આ બે વર્ષ માટે બધું ભૂલી ગયા હતા. લક્ષ્ય માત્ર એક જ હતું કે ગમે ત્યાંથી અને કોઈ પણ વ્યવસ્થા કરીને દીકરા પ્રજ્ઞાનાનંદને ચેસની રમતનો રાજવી બનાવવો છે.
બન્યું પણ એવું જ. પ્રજ્ઞાનાનંદ હમણાં સુધીમાં ૩૫ દેશોમાં ચેસ ટુર્નામેન્ટ્સ રમી ચૂક્યો છે. અર્થાત્, ૧૮ વર્ષનો આ છોકરો એકમાત્ર ચેસ રમવા માટે હમણાં સુધીમાં ભારત સિવાય ૩૫ દેશોમાં ફરી ચૂક્યો છે. આપણને બધાને થતું હશે કે માત્ર ૧૦ વર્ષની વયે વર્લ્ડ ચેસમાસ્તરનો ખિતાબ મેળવવો અને માત્ર ૧૮ વર્ષની વયે, જ્યારે આપણે બધા તો હજી કદાચ કાર કે બાઇક ચલાવતાં શીખતા હોઈએ એ ઉંમરે વર્લ્ડ ચૅમ્પિયન તરીકે નામના મેળવવી. એટલે પ્રજ્ઞાનાનંદ કેટલો જબરદસ્ત, નસીબદાર અને સ્ટાર છોકરો હશે, ખરુંને?
જોકે ચેસની રમત કંઈ એમ ચપટી વગાડતાંમાં નથી રમાતી. પ્રજ્ઞાનાનંદે પોતાના મનની મૂંઝવણ વિશે બહુ સરળતાથી વાત કરેલી, ‘કોઈ પણ રમત રમતી વખતે ટેન્શન નહીં લેવાનું, પર્ફોર્મન્સ પ્રેશર નહીં લેવાનું જેવી અનેક સલાહો દરેક વ્યક્તિ આપતી હોય છે; પરંતુ જ્યારે આવું કહેનાર વ્યક્તિ પોતે એ પરિસ્થિતિમાં આવે ત્યારે તેને ખબર પડે છે કે વાસ્તવિકતા શું હોય છે. હું પ્રયત્નપૂર્વક એ બાબત માટે સજાગ રહું છું કે મારે ટેન્શન નથી લેવાનું તો પણ અનેક વાર ટેન્શન હાવી થઈ જ જતું હોય છે. હું અનેક વાર અત્યંત દબાણમાં આવી જાઉં છું અને મને સમજાતું નથી કે ટેન્શન હૅન્ડલ કઈ રીતે કરવું?’
આટલા ખુલ્લા મને આટલી મોટી વાત કરતો પ્રજ્ઞાનાનંદ એનું સૉલ્યુશન કેટલી સરળતાથી અને કેટલું જબરદસ્ત આપે છે. તે કહે છે, ‘મને એટલું હવે સમજાઈ ચૂક્યું છે કે ટેન્શન એ બીજું કંઈ નથી પણ દિમાગ વિચારોનો પ્રવાહ એટલી બધી ઝડપે, એટલા બધા પ્રમાણમાં મોકલે છે કે ક્યારેક તમે એ હૅન્ડલ કરી શકવાની ક્ષમતામાં નથી હોતા અને જ્યારે આવી સિચુએશન હોય એને આપણે ટેન્શન કહીએ છીએ. આથી હવે મને જ્યારે પણ આવું કંઈક થાય છે ત્યારે હું સમજી જાઉં છું કે દિમાગે વિચારોનો પ્રવાહ વધારી દીધો છે એટલે મારે શાંત રહેવાની જરૂર છે. બસ, ટેન્શન ગાયબ થઈ જાય છે. આ છે પ્રજ્ઞાનાનંદ! સ્વભાવે અત્યંત શરમાળ અને અંતર્મુખી આ છોકરો તેની માના હાથની જ રસોઈ મન અને પેટ ભરીને ખાય છે, પણ રમતમાં તે જરાય શરમાળ નથી. પછી ભલે સામે વિશ્વનાથન આનંદ હોય કે કાર્લસન કે પછી સગી બહેન વૈશાલી.