Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આરકે ફિલ્મ્સમાંથી નર્ગિસની વિદાય બાદ રાજ કપૂર દરેક ફિલ્મમાં તેણે સાકાર કરેલી નાયિકાની શોધ કરવાનો પ્રયત્ન કરતા

આરકે ફિલ્મ્સમાંથી નર્ગિસની વિદાય બાદ રાજ કપૂર દરેક ફિલ્મમાં તેણે સાકાર કરેલી નાયિકાની શોધ કરવાનો પ્રયત્ન કરતા

Published : 21 January, 2023 12:59 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

આર. કે.ની નાયિકા તરીકે નર્ગિસનું જે એક આદર્શ ચિત્ર વર્ષાનુવર્ષ આપણા હૃદયમાં ક્યાંક જતન કરીને રાખ્યું હશે

આરકે ફિલ્મ્સમાંથી નર્ગિસની વિદાય બાદ રાજ કપૂર દરેક ફિલ્મમાં તેણે સાકાર કરેલી નાયિકાની શોધ કરવાનો પ્રયત્ન કરતા

વો જબ યાદ આએ

આરકે ફિલ્મ્સમાંથી નર્ગિસની વિદાય બાદ રાજ કપૂર દરેક ફિલ્મમાં તેણે સાકાર કરેલી નાયિકાની શોધ કરવાનો પ્રયત્ન કરતા


‘રામ તેરી ગંગા મૈલી’નું અવલોકન કરતાં મોટા ભાગના વિવેચકોએ ટીકા કરતાં લખ્યું હતું કે પોતાની ફિલ્મોની સફળતા માટે રાજ કપૂર હિરોઇન પાસે ભરપૂર દેહપ્રદર્શન કરાવે છે. તેમનો એ પણ આક્ષેપ હતો કે સરકારમાં ઊંચા સ્થાને બેઠેલા લોકો સાથેના મીઠા સંબંધોને કારણે સેન્સર બોર્ડ આવાં દૃશ્યો પ્રત્યે આંખ આડા કાન કરે છે, જેના કારણે તેમની ફિલ્મ કોઈ પણ જાતની કાપકૂપ વિના પાસ થઈ જાય છે અને બૉક્સ-ઑફિસ પર હિટ થાય છે.


‘સત્યમ શિવમ સુંદરમ’ અને ‘રામ તેરી ગંગા મૈલી’માં સેન્સર બોર્ડની મહેરબાનીથી એ સમયે ‘બોલ્ડ’ કહેવાતાં દૃશ્યો કોઈ પણ જાતની કાપકૂપ વિના પાસ થઈ ગયાં એ હકીકતનો ઇનકાર ન થઈ શકે. આ પહેલાં આવાં બિન્દાસ સ્નાન દૃશ્યો અને સ્તનપાનનાં દૃશ્યો હિન્દી ફિલ્મોમાં કદી આવ્યાં નહોતાં. એ હિસાબે વિવેચકોના આક્ષેપમાં દમ હતો એમ કહી શકાય.  આ આરોપોમાં સત્ય કેટલું હતું અને એનાં કારણો શું હતાં એનું  તર્કબદ્ધ વિશ્લેષણ કરતાં પત્રકાર ઇસાક મુજાવર લખે છે, ‘૧૯૪૮ની સાલમાં ‘આગ’થી આર. કે. ફિલ્મ્સની પ્રવૃત્તિ શરૂ થઈ. કેવળ રાજ કપૂર પૂરતો જ વિચાર કરવાનો હોય તો ૧૯૮૫માં ‘રામ તેરી ગંગા મૈલી’થી તેની આ પ્રવૃત્તિ પૂરી થઈ. લગભગ ત્રણ વર્ષ બાદ બે જૂન, ૧૯૮૮માં તેમની અંતિમ વિદાય થઈ. એ દરમ્યાન તેમણે ‘હિના’નું સપનું જોયું પણ સાકાર ન થયું. આમ ‘આગ’થી ‘રામ તેરી ગંગા મૈલી’ સુધીની સાડત્રીસ વર્ષની રાજ કપૂરની પ્રવૃત્તિનું સિંહાવલોકન કરવું હોય તો એનું ત્રણ પર્વમાં વિભાજન કરવું પડે. 
પહેલું પર્વ એટલે આર. કે.માં નર્ગિસ સાથેની તેમની ફિલ્મો. બીજું પર્વ એટલે નર્ગિસ પછીની હિરોઇનો પદ્મિની અને વૈજયંતીમાલા સાથેની તેમની ફિલ્મો. અને ત્રીજું પર્વ એટલે આર. કે.ની ત્યાર બાદની ફિલ્મો, જેમાં રાજ કપૂરે પડદા પાછળ કામ કર્યું. 
૧૯૫૬માં ‘જાગતે રહો’ પછી નર્ગિસ રાજ કપૂરનો સંબંધ પૂરો થયો. ત્યારે લોકોએ કહ્યું, ‘રાજ કપૂરના જીવનમાંથી અને આર. કે.ની ફિલ્મોમાંથી નાયિકા ગઈ.’ પણ ના, નર્ગિસ સાથે કેવળ આર. કે.ની નાયિકા નહીં, આર. કે. ફિલ્મ્સની પ્રતિષ્ઠા અને પવિત્રતા પણ ગઈ. ‘આવારા’માં (સ્વિમિંગ સૂટ) અને ‘આહ’માં (સ્નાન દૃશ્ય) નર્ગિસના દેહપ્રદર્શનમાં રાજ કપૂરે સ્ત્રીત્વની મર્યાદા નહોતી ઓળંગી. નર્ગિસ હતી ત્યાં સુધી તેમનાં પ્રણયદૃશ્યોમાં એક પવિત્રતા હતી. નર્ગિસની  વિદાય બાદ પદ્મિનીના આગમન સાથે સ્ત્રીત્વની મર્યાદા ઓળંગાઈ ગઈ.



‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’ની પદ્મિની એટલે આર. કે. ના અધ:પતનની શરૂઆત. તેને લીધે નાયિકા કરતાં તેના શરીરના ગોળાકારોને જ રાજ કપૂરની ફિલ્મોમાં વધુ મહત્ત્વ આપવાની શરૂઆત થઈ. નાયિકાના શરીરના જુદા-જુદા અવયવોનું દરેક ઍન્ગલથી દર્શન થાય એ રીતે આ પહેલાંની  ફિલ્મોમાં રાજ કપૂરે ક્યારેય કૅમેરા ગોઠવ્યો નહોતો. ‘સંગમ’માં આ જ પરિસ્થિતિ કાયમ રહી. વૈજયંતીમાલા પર આ પહેલાં કદી ફિલ્માંકન ન થયું હોય એવાં ‘બોલ્ડ’ દૃશ્યો રાજ કપૂરે શૂટ કર્યાં. 
ત્યાર બાદ નાયિકાના શરીરના દરેક અવયવનું જુદા-જુદા ઍન્ગલથી દર્શન કરાવવું એ રાજ કપૂરની આદત બની ગઈ. ‘મેરા નામ જોકર’માં સિમ્મીને લગભગ અનાવૃત કરીને આર. કે.ની નાયિકાનું વસ્ત્રાહરણ કર્યું તો પદ્મિનીનાં ઉઘાડાં ઉરોજોનું દર્શન કરાવીને આર. કે.ની નાયિકાને  નિર્લજ્જતાના એક સ્તર સુધી નીચે ઉતારી દીધી.


એક વાત નોંધવા જેવી છે. નર્ગિસ સાથે રાજ કપૂરનો જે માનસિક મનમેળ હતો એવો સૂર-મેળ બીજી કોઈ હિરોઇન સાથે ન થઈ શક્યો. એટલા માટે જ હીરો તરીકે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા રાજ કપૂરે પદ્મિની અને વૈજયંતીમાલાના શરીરના ગોળાકારોને વધુ મહત્ત્વ આપવાનું શરૂ કર્યું હોય એમ માનવું ખોટું નહીં ગણાય. ‘મેરા નામ જોકર’ બાદ રાજ કપૂરની ભૂમિકા કેવળ પડદા પાછળની જ રહી. એ સાથે જ આર. કે.ની નાયિકા વધુ વિકૃત થવા લાગી. એમ કહી શકાય કે રાજ કપૂરે નાયિકાઓના દેહનું સીધેસીધું બજાર ભર્યું.

‘બૉબી’થી ‘રામ તેરી ગંગા મૈલી’ સુધીની ફિલ્મોનું સૂક્ષ્મ અવલોકન કરીએ તો એક બાબત ધ્યાનમાં આવશે કે આર. કે.ની નાયિકા તરીકે નર્ગિસનું જે એક આદર્શ ચિત્ર વર્ષાનુવર્ષ આપણા હૃદયમાં ક્યાંક જતન કરીને રાખ્યું હશે એ ચિત્ર વિરલ કરીને રાજ કપૂરે આ દરેક ફિલ્મમાં નર્ગિસની એ નાયિકાને એકદમ કલંકિત કરી નાખી છે.


અહીં હું જાણીજોઈને નર્ગિસનો, આર. કે.ની નાયિકાનો ઉલ્લેખ કરું છું; કારણ કે એ પછીની ફિલ્મોમાં પદ્મિની કે વૈજયંતીમાલા તેના જેવી છાપ ઊપસાવી ન શક્યાં. આને લીધે નાયક તરીકે અસ્ત પામ્યા બાદ કોઈ પણ ફિલ્મના નિર્માણ વખતે રાજ કપૂર એ ફિલ્મમાં ક્યાંક ને ક્યાંક નર્ગિસે સાકાર કરેલી નાયિકાની જ શોધ કરવાનો પ્રયત્ન કરતા રહ્યા.

‘બૉબી’માં ડિમ્પલે  સાકાર કરેલી બૉબી યાદ કરો. ડિમ્પલની આ બૉબીમાં ‘આગ’ અને ‘આવારા’માં નર્ગિસે સાકાર કરેલી નાયિકાની જ શોધ રાજ કપૂરે કરી હતી. અનેક દૃશ્યોમાં ‘આવારા’ની રીટાનો (નર્ગિસનો) ગેટઅપ રાજ કપૂરે ડિમ્પલને આપ્યો હતો. પણ ડિમ્પલની ‘બૉબી’ને આપેલો નર્ગિસની રીટાનો ગેટઅપ એટલે નર્ગિસની એ રીટાનું એક વિકૃત રૂપ હતું. નર્ગિસ આર. કે.ની કોઈ પણ ફિલ્મમાં જેટલી ઉઘાડી નહીં થઈ હોય એટલી ડિમ્પલને રાજ કપૂરે આ ફિલ્મમાં ઉઘાડી કરી હતી. ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’થી રાજ કપૂરે નાયિકાના શરીર સાથે રમત શરૂ કરી, પણ તેનું વસ્ત્રાહરણ કરવા સુધી તે ક્યારેય નીચો ઊતર્યો નહોતો. તેના આખા શરીર પર કપડાં રાખીને જ તેના શરીર સાથે રમતો હતો. પરંતુ ‘મેરા નામ જોકર’થી આ રમતમાં તેણે સમતુલા ગુમાવી અને સિમ્મીના શરીર પરનાં કપડાં પર હાથ નાખીને તેનું વસ્ત્રાહરણ કર્યું. ‘બૉબી’માં ડિમ્પલની સાથે અરુણા ઈરાનીના શરીરનુંયે પ્રદર્શન તેણે કર્યું. આ બંનેનું તો હજી સમજી શકાય પણ ‘મેરા નામ જોકર’માં તો સોનિયા સહાની રિશી કપૂરની મા બની હતી. એનો વિચાર કર્યા વિના રાજ કપૂરે એક દૃશ્યમાં તેની છાતી પરનો પાલવ સરકાવીને તેનાં ઉન્નત સ્તનો પર કૅમેરા ફોકસ કર્યો. એક માનું આવું દર્શન એટલે માતૃત્વની શુદ્ધ વિડંબના હતી. પણ આવું કરતી વખતે તેના મનમાં શું રમતું હશે એની કલ્પના જ કરવી રહી. છેવટના સમયમાં રાજ કપૂર વધુ અને વધુ આવી લાલચોમાં રમતો રહ્યો અને તેની ફિલ્મોમાં આ વિકૃતિઓ વધતી ગઈ.’

ઇસાક મુજાવર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક સિનિયર પત્રકાર હતા. તેમના અને બીજા  વિવેચકોના મંતવ્ય  સાથે  સંપૂર્ણ કે આંશિક રીતે સંમત થવું કે ન થવું એ દરેકનો અંગત મત હોઈ શકે. અહીં આપણે ન્યાયાધીશની ભૂમિકા ભજવવાની જરૂર નથી. જેમ-જેમ સમય બદલાતો જાય છે તેમ નગ્નતાની પરિભાષા બદલાતી જાય છે. ગઈ કાલે જે અશ્લીલ ગણાતું હતું એ આજે સહજ ગણાય છે. આવતી કાલે સહજતાની વ્યાખ્યા બદલાઈ જશે એ શંકા વિનાની વાત છે. સુરૈયા એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘એક ફિલ્મમાં મારો પાલવ સરકી ગયો એ દૃશ્ય પર સેન્સર બોર્ડે કાતર ફેરવી હતી.’ ફિલ્મ ‘મિસ્ટર ઍન્ડ મિસિસ 55’માં અબ્રાર અલવીનો એક સંવાદ હતો, જેમાં હીરો ગુરુ દત્ત હિરોઇન મધુબાલાને કહે છે, ‘હું તારા ગળાડૂબ પ્રેમમાં    છું.’ ગુરુ દત્તે અબ્રારને કહ્યું, ‘સેન્સર આવા ખુલ્લેઆમ એકરાર પર કદાચ વાંધો લેશે.’ અબ્રાર અલવીએ ફેરફાર કરીને નવો સંવાદ લખ્યો. ‘તું મને બહુ ગમે છે.’ ગુરુ દત્તે સંતોષપૂર્વક કહ્યું. ‘હં.. હવે વાંધો નહીં આવે.’

આજની ફિલ્મો અને  ખાસ કરીને ઓટીટી પ્લૅટફૉર્મ પર આવતી ફિલ્મોનાં દૃશ્યો સાથે જો રાજ કપૂરની ફિલ્મોનાં ‘બોલ્ડ’ દૃશ્યોની સરખામણી કરીએ તો એમ લાગે કે એ સમયે આટલો બધો ઊહાપોહ કરનાર વિવેચકો સાવ બાલિશ હતા. એક વાત દરેક ફિલ્મમેકર જાણે છે, Sex always sells. કોઈ પણ કાળખંડમાં પ્રેક્ષકોને રીઝવવા સેક્સ અનિવાર્ય છે. એને પર્યાપ્ત માત્રામાં સબળ વાર્તા અને કર્ણપ્રિય સંગીત સાથે પીરસવામાં આવે તો ફિલ્મ નિષ્ફળ જવાની સંભાવના નહીંવત્ છે.   
રાજ કપૂર આ ફૉર્મ્યુલાનું સંમિશ્રણ કરવામાં માહેર હતા એટલું જ નહીં, વિવેચકોની ટીકાના જવાબમાં ગળે ઊતરી જાય એવો ખુલાસો આપવાની તેમની કાબેલિયતને કારણે જ દુશ્મનો પણ તેમને સલામ કરતા. એ વાત આવતા શનિવારે.

Whatsapp-channel Whatsapp-channel

21 January, 2023 12:59 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK