સમય આવી ગયો હતો કે આર. કે. ફિલ્મ્સ એક કમર્શિયલ હિટ ફિલ્મ બનાવે. રાજ કપૂર એક એવા વિષયની શોધમાં હતા જેમાં સામાજિક સંદેશ હોય, જેને મનોરંજનના પૅકેટમાં વીંટાળીને દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવે.
વો જબ યાદ આએ
રશિયન ફિલ્મ કલાકારો સાથે રાજ કપૂર.
‘બરસાત’ અને ‘આવારા’ બાદ ‘આહ’ અને ‘બૂટ પૉલિશ’ની બૉક્સ-ઑફિસ પરની નિષ્ફળતા રાજ કપૂર માટે મોટો આઘાત હતો. એક અભિનેતા અને નિર્માતા-નિર્દેશક તરીકે રાજ કપૂરની વિશ્વસનીયતા જોખમમાં હતી. સમય આવી ગયો હતો કે આર. કે. ફિલ્મ્સ એક કમર્શિયલ હિટ ફિલ્મ બનાવે. રાજ કપૂર એક એવા વિષયની શોધમાં હતા જેમાં સામાજિક સંદેશ હોય, જેને મનોરંજનના પૅકેટમાં વીંટાળીને દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવે.
ફરી એક વાર કે. એ. અબ્બાસ એક એવી સ્ટોરી લઈને આવ્યા જે રાજ કપૂરને પસંદ આવી. આમ ‘શ્રી ૪૨૦’ની શરૂઆત થઈ. ફિલ્મને જબરદસ્ત સફળતા મળી. ‘આવારા’ના રાજ કપૂરના પાત્રનું એક્સટેન્શન ‘શ્રી ૪૨૦’માં સફળતાપૂર્વક કરવામાં આવ્યું. હકીકતમાં રાજ કપૂરનું કૅરૅક્ટર ચાર્લી ચૅપ્લિનના ‘Little Tramp’ના પાત્ર પર આધારિત હતું. એક ઈમાનદાર યુવાન ગામથી આવીને મુંબઈ શહેરની લોભામણી પરિસ્થિતિઓનો શિકાર બની જાય છે એની વાત ફિલ્મમાં લોકપ્રિય ગીતો સાથે હળવાશથી કહેવાઈ છે. ફરી એક વાર શંકર-જયકિશને સાબિત કર્યું કે તેમના સંગીતનો કરિશ્મા બરકરાર છે.
ફિલ્મમાં એક ગીત હતું ‘રમૈયા વસ્તાવૈયા’. આ તેલુગુ શબ્દો હતા. એનો અર્થ થાય, ‘ભગવાન શ્રી રામ, તમે જરૂર આવશો.’ મુખડાના આ બે શબ્દો સિવાય પૂરું ગીત હિન્દીમાં હતું. બન્યું એવું કે તેલુગુમાં ડબ કરેલી ‘આહ’ હિટ ગઈ. (હિન્દી ફિલ્મ ફ્લૉપ હતી.) તેલુગુ પ્રેક્ષકો પ્રત્યે પોતાનો અહોભાવ વ્યક્ત કરતાં રાજ કપૂરે આ બે શબ્દો ગીતમાં ઉમેરવાનું સૂચન શૈલેન્દ્રને કર્યું હતું.
ફિલ્મનું એક ગીત હતું ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ’. આ ગીતના એક દૃશ્યમાં રાજ કપૂરનાં બાળકો રણધીર, રીતુ અને ઋષિ કપૂરની ઝલક દેખાય છે. આ ગીત વિશે વાત કરતાં ઋષિ કપૂર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘આ દૃશ્યમાં વરસાદ પડતો હોય છે. હું શૂટિંગ વખતે સહકાર નહોતો આપતો. સૌ મનાવવાના પ્રયત્નો કરતા હતા, પણ વાત બનતી નહોતી. એટલામાં નર્ગિસે મને એક ચૉકલેટ ઑફર કરી અને હું મૂડમાં આવી ગયો. તમે કહી શકો કે બે વર્ષની ઉંમરથી હું લાંચ લેવાનું શીખી ગયો હતો.’
આ ફિલ્મની સફળતા બાદ રાજ કપૂર અને નર્ગિસની લોકપ્રિયતા ચરમસીમા પર પહોંચી. દેશ-વિદેશ, જ્યાં-જ્યાં આ ફિલ્મ રિલીઝ થઈ ત્યાં દર્શકો ગાંડા થઈ ગયા. ૧૯૫૫માં રિલીઝ થયેલી આ ફિલ્મે ભારતમાં અધધધ ચાર કરોડનો (આજના લગભગ ૩૭૫ કરોડ) અને પરદેશમાં બે કરોડનો (આજના લગભગ ૧૮૫ કરોડ) બિઝનેસ કર્યો. સોવિયેટ યુનિયનમાં (એ સમયનું રશિયા ‘યુનિયન ઑફ સોવિયેટ સોશ્યલિસ્ટ રિપબ્લિક’ U.S.S.R. કહેવાતું. એમાં કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, યુક્રેન અને બીજા અનેક પ્રાંતો હતા જે બાદમાં છૂટા પડીને અલગ દેશ બન્યા) જવાહરલાલ નેહરુ બાદ રાજ કપૂર અને નર્ગિસની જોડી સૌથી વધુ લોકપ્રિય હતી. બંનેનો એવો ક્રેઝ હતો કે તેમને જોવા રસ્તા પર બેસુમાર ભીડ જામતી.
૧૯૫૯માં રાજ કપૂર ઇન્ડિયન ફિલ્મ ડેલિગેશન લઈને મૉસ્કો ગયા. એ પહેલાં રસ્તામાં તહેરાનમાં (ઈરાન) ફિલ્મનું પ્રીમિયર અટેન્ડ કર્યું. એ પ્રસંગે યુનિવર્સિટી ઑફ તહેરાન તરફથી રાજ કપૂરને ‘ડૉક્ટરેટ ઑફ સિનેમૅટોગ્રાફી’ની ઑનરરી ડિગ્રી એનાયત કરવામાં આવી. એ પ્રસંગને યાદ કરતાં રાજ કપૂર કહે છે, ‘હું તો મૅટ્રિક ફેલ છું. યુનિવર્સિટીનું ફંક્શન કેવું હોય એની મને ખબર જ નહોતી. જ્યારે મેં કાળો કોટ પહેરીને ડિગ્રી લીધી ત્યારે મને લાગ્યું કે હું પ્રોફેસર બની ગયો છું.’
‘આવારા’ અને ‘શ્રી ૪૨૦’ની સફળતા એવી હતી કે ઇજિપ્ત, મિડલ ઈસ્ટ, ઇઝરાયલ, રશિયા અને બીજા અનેક દેશોમાં ‘આવારા હૂં’, ‘ઇચક દાના બીચક દાના’ અને ‘મેરા જૂતા હૈ જાપાની’ જે-તે દેશના રાષ્ટ્રગીત કરતાં પણ વધુ લોકપ્રિય હતાં. ઇઝરાયલના લોકપ્રિય સિંગર નઈમ રજૂઆનના સ્વરમાં, ગીતની મૂળ ધૂનને બરકરાર રાખીને હિબ્રૂ ભાષામાં રેકૉર્ડ થયેલું ‘ઇચક દાના’ આજે પણ લોકપ્રિય છે. આ ઉપરાંત દુનિયાની અનેક ભાષામાં આ ગીતો ટ્રાન્સલેટ થયાં. આ ગીતોનું લોકોને એટલું ઘેલું લાગ્યું કે લોકગીત જેમ આ ગીતો ગવાતાં.
મને યાદ છે કે ૨૦૦૭માં અમે કૅનેડામાં વૅનકુવરથી વિક્ટોરિયા નજીક એક આઇલૅન્ડમાં જગપ્રસિદ્ધ ‘ફ્લાવર ગાર્ડન’ જોવા ગયા હતા. દુનિયાભરનાં રંગબેરંગી ફૂલોથી સુશોભિત આ ગાર્ડન એટલો વિશાળ છે કે તમે થાકી જાઓ. ત્યાંનું વાતાવરણ એટલું રંગીન હતું કે મિત્રો સાથે ચાલતાં-ચાલતાં મેં એક ગીતની શરૂઆત કરી. ‘ઐ ફૂલોં કી રાની, બહારોં કી મલિકા, તેરા મુસ્કુરાના, ગઝબ હો ગયા.’ થોડે દૂર અમારી આગળ ત્રણ વિદેશી યુવતીઓ ચાલતી હતી. ગીતની શરૂઆત થતાં જ તેઓ લયમાં કમર હલાવીને નાચવા લાગી. અમે સૌએ તાળી પાડી. એટલે અમારી નજીક આવીને તેમણે શરૂ કર્યું, ‘મેરા જૂતા હૈ જાપાની’. બે યુવતી ઈરાનથી અને એક જૉર્ડનથી આવી હતી. લગભગ અડધો કલાક અમે સાથે મળીને હિન્દી ગીતો ગાયાં. તેમની સાથે વાતો કરતાં જાણવા મળ્યું કે રાજ કપૂર ઉપરાંત શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર અને ત્યાર બાદ રાજેશ ખન્નાની ફિલ્મો ત્યાં લોકપ્રિય છે, પરંતુ રાજ કપૂર ‘ઑલ ટાઇમ ફેવરિટ’ છે.
વર્ષો પહેલાં કૉલમનિસ્ટ બહેરામ કૉન્ટ્રૅક્ટર લખે છે કે ‘સાઉથ ટર્કીના ટોરસ માઉન્ટનમાં હાડકાં ગળી જાય એવો શિયાળો હતો. હું જે નાના ગામમાં હતો એ પૂરું ગામ મને રાજ કપૂર અને ‘આવારા હૂં’ની સાથે ‘આઇડેન્ટિફાઇ’ કરતું. વસંત ઋતુ આવી અને લગ્નની મોસમ શરૂ થઈ. એ પ્રસંગે મોટા ભાગનાં બૅન્ડ ‘આવારા હૂં’ની ધૂન વગાડતાં. એ ધૂન પર જાનૈયાઓ નાચતા-ગાતા દુલ્હનને દુલ્હાના ઘરે લઈ જતા. એ દૃશ્ય અભૂતપૂર્વ હતું.’
રાજ કપૂર અને નર્ગિસની જોડીને વિદેશમાં મોટા ભાગના લોકો પતિ-પત્ની તરીકે જ ઓળખતા. મૉસ્કોની મુલાકાત દરમ્યાન એક કિસ્સાની વાત કરતાં નર્ગિસ કહે છે, ફિલ્મ ‘આવારા’નું પ્રીમિયર થયું એ પછી હોટેલમાં એક વયસ્ક માણસ આવ્યો. ભાંગી-તૂટી અંગ્રેજી ભાષામાં તેણે કહ્યું કે હું ૭૫ વર્ષનો છું, હું લશ્કરમાં હતો; વિશ્વયુદ્ધમાં મેં મારો પૂરો પરિવાર ગુમાવ્યો, પરંતુ મન મક્કમ રાખીને હું જીવું છું; કદી આંખમાં આંસુ નથી આવવા દીધાં, પરંતુ આજે તમારી ફિલ્મ જોતો હતો ત્યારે મારું હૃદય ભરાઈ આવ્યું અને આંસુ છલકી આવ્યાં. તેણે અમને આશીર્વાદ આપ્યા. અમે તેમને ‘દાદાજી’ કહીને સંબોધન કર્યું એ તેમને ખૂબ ગમ્યું.’
એક કપલ અમને મળવા આવ્યું. તેમના પ્રથમ બાળકનો જન્મ થવાનો હતો. સ્ત્રીએ કહ્યું, ‘અમે નક્કી કર્યું છે કે જો પુત્રનો જન્મ થશે તો તેનું નામ રાજ રાખીશું અને જો પુત્રીનો જન્મ થશે તો રીટા.’
સોવિયેટ યુનિયનમાં લોકો મને ‘આવારા’ના મારા પાત્રના નામે ઓળખે છે.’
એ દિવસોમાં રાજ કપૂર-નર્ગિસની જોડી અવારનવાર વિદેશમાં ફિલ્મના રિલીઝ ફંક્શન પર જતી. બંને ભારતીય ફિલ્મ ડેલિગેશનના મુખ્ય સભ્ય હતાં જે વિદેશના ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતું. ૧૯૫૪ની મૉસ્કોની ટૂર બાદ પાછા ફરતા જીનિવામાં આ ડેલિગેશન ચાર્લી ચૅપ્લિનને મળ્યું. રાજ કપૂરની આ મહાન કલાકાર સાથેની પહેલી મુલાકાત હતી. જાણે-અજાણે રાજ કપૂરે પોતાની જાતને ચાર્લી ચૅપ્લિનના ઢાંચામાં ઢાળવાની કોશિશ કરી હતી એટલે રાજ કપૂર માટે આ મુલાકાત અવિસ્મરણીય બની ગઈ.
૧૯૫૬ની મૉસ્કો મુલાકાત યાદ કરતાં નર્ગિસ ‘ફિલ્મફેર’ના (૨૧ ડિસેમ્બર ૧૯૫૬) ઇન્ટરવ્યુમાં કહે છે, ‘એમ કહેવાય છે કે The first impresions are the most effective. જોકે અમારી બીજી મુલાકાત સમયે અમને લાગ્યું કે પહેલાં કરતાં પણ વધુ પ્રેમ અમને મળ્યો. ભલે સીઝન ઠંડીની હતી, પણ લોકોના હૃદયમાં ઘણી ઉષ્મા હતી. ‘શ્રી ૪૨૦’ને ‘આવારા’ કરતાં પણ વધારે ઉમળકો મળ્યો. અમે જ્યાં જઈએ ત્યાં ‘આવારા હૂં’ ગીતથી અમારું સ્વાગત કરવામાં આવતું. હવે તેઓ ‘મેરા જૂતા હૈ જાપાની’ શીખવાનો પ્રયત્ન કરતા હતા. ‘ઇચક દાના, બીચક દાના’ એટલું લોકપ્રિય થયું કે ત્યાંની સ્કૂલમાં આ ગીત શીખવતા હતા. એ જ ધૂન પર રશિયન શબ્દોવાળું ગીત ઘર-ઘરમાં ગવાતું હતું.’
લેનિનગ્રાડમાં રાજ કપૂર અને નર્ગિસના માનમાં એક પપેટ શોનું આયોજન કરવામાં આવ્યું. આ શોની ખાસિયત એ હતી કે બંને પપેટ આબેહૂબ રાજ કપૂર અને નર્ગિસ જેવાં હતાં. કાર્યક્રમ બાદ બંનેને આ પપેટ ભેટ આપવામાં આવ્યાં. એ ટૂરમાં રાજ કપૂરે રેડિયો અને ટેલિવિઝન પર હિન્દી અને રશિયન ગીતો ગાઈને શ્રોતાઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ બંને ટૂરમાં રાજ કપૂરની સોવિયેટ યુનિયનના ટોચના કલાકારો સાથે મિત્રતા થઈ. આ કલાકારો મુંબઈમાં આર. કે. સ્ટુડિયોની મુલાકાતે આવતા.
રાજ કપૂર અને નર્ગિસ આ ગાળામાં એકમેકની એટલા નજીક આવી ગયાં હતાં કે વાસ્તવિકતા ભૂલીને બંને એકમેકના સહવાસમાં વધુ ને વધુ સમય કેમ ગાળી શકે એના પ્રયત્નોમાં રહેતાં. નર્ગિસે આર. કે સિવાયની ફિલ્મોમાં કામ કરવાનું લગભગ બંધ કરી દીધું હતું. બંનેની મિત્ર અભિનેત્રી શમ્મી ‘ફિલ્મફેર’ને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘રાજ દિલથી ઇચ્છે કે દરેક ફિલ્મમાં નર્ગિસ જ તેની હિરોઇન હોય. તેણે મને કહેલું કે અમે બંને એકમેકને સારી રીતે સમજીએ છીએ. તેના તરફની મારી લાગણીઓ હું લોકોને બરાબર રીતે સમજાવી નથી શકતો. ના, એ પ્રેમ નથી, પરંતુ તે મને અત્યંત પ્રિય છે એનો ઇનકાર નથી કરતો.’
નર્ગિસ આ જ લાગણીઓનો પડઘો પાડતાં ‘ફિલ્મફેર’ને આપેલા ઇન્ટરવ્યુમાં કહે છે, ‘કાશ, લોકો અમારા બંને વચ્ચેના સંબંધને સમજી શકે. એક એવો સંબંધ જે બે ઘનિષ્ઠ મિત્રો વચ્ચે હોય. લોકો અમને જે પ્રેમ આપે છે એ જોઈને હું ગદ્ગદ થઈ જાઉ છું. ‘શ્રી ૪૨૦’ના આઉટડોર શૂટિંગ માટે અમે ઊટી ગયા હતા. અમારો રાતવાસો ટ્રાવેલર્સ બંગલોમાં હતો. વહેલી સવારે અમે મુંબઈ આવવા નીકળ્યા ત્યારે જોયું કે નજીકનાં ગામડાંઓમાંથી સેંકડો ગામવાસીઓ અમને મળવા આવ્યા હતા. અમને ખૂબ નવાઈ લાગી કે ગામડાંઓમાં થિયેટર ન હોય તો પણ આ લોકો અમને ઓળખી ગયા? એક માણસ હિન્દી જાણતો હતો. તેણે કહ્યું કે અહીં ઘણાં ટૂરિંગ થિયેટર્સ છે, અમે રાજ કપૂર અને નર્ગિસનાં દર્શન માટે આવ્યા છીએ. જ્યારે અમુક પ્રશંસકોએ અમારા ચરણસ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે હું ભાવુક બની ગઈ.’
પ્રેમમાં એક અવસ્થા એવી આવે છે કે દિલ પર કાબૂ રહેતો નથી. પ્રેમમાં જેટલું વ્યક્તિનું મહત્ત્વ છે એટલો જ અભિવ્યક્તિનો મહિમા હોય છે. પ્રેમ વાચાની સાથે ત્વચા માટે પણ ઝંખે છે. એક વ્યક્તિમાં એટલું બધું ખાલીપણું ઘર કરી જાય છે કે તે બીજી વ્યક્તિના અસ્તિત્વથી સતત છલકાતી હોય છે. નર્ગિસ અને રાજ કપૂર સતત એકમેક માટે ઝૂરતાં હતાં અને સંજોગો સામે ઝૂઝતાં હતાં. એ બંનેની ‘દાસ્તાન–એ-મહોબ્બત’ની શરૂઆતના રોમૅન્ટિક કિસ્સાઓ આવતા રવિવારે.