અને એ માટે કામ લાગી છે ટેક્નૉલૉજી. આમ જોઈએ તો પર્વતો જેવા છે એવા જ રળિયામણા લાગે છે, પણ જો પર્વતો પર લીલોતરી છવાયેલી હોય તો એનું સૌંદર્ય ઑર ખીલી ઊઠે છે. જ્યાં-ત્યાં એમ જ વનસ્પતિ ઊગી નીકળે એને બદલે ડ્રોન દ્વારા ગુજરાતના ડુંગરાને લીલાછમ બનાવવા માટે..
ડુંગર પર શરૂ થઈ હરિયાળી ક્રાન્તિ
આ વર્ષે ચોમાસાની ઋતુમાં ગુજરાત પર મેઘરાજાની અમીદૃષ્ટિ રહી છે. નદી, નાળાં, વોકળામાં પાણીની ખાસ્સી આવક થઈ છે. નાના-મોટા ચેક-ડૅમ છલકાયા છે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે ત્યારે આજકાલ જુદા-જુદા મનગમતા રોપા લઈ જઈને એને ઘરઆંગણે વાવવા માટે લોકોએ નર્સરીમાં દોડાદોડ કરી મૂકી છે. આ એક સારી બાબત છે ત્યારે ગુજરાતમાં ડુંગરો પર પણ વૃક્ષ ઉગાડવાનું અભિયાન ડ્રોનની મદદથી છેડાયું છે. હા, ડ્રોનની મદદથી એટલા માટે, કેમ કે ગુજરાતમાં સહ્યાદ્રિ અને અરવલ્લીની ગિરિમાળાઓ સહિત કંઈકેટલીયે ગિરિમાળાઓ આવેલી છે. ગુજરાતના અસંખ્ય જિલ્લાઓમાં નાના-મોટા ડુંગર આવેલા છે. આ પૈકી ઘણા ડુંગરો અનટચ્ડ છે અને કેટલાય એવા ડુંગર છે ત્યાં જવા માટે પગદંડી કે રસ્તો નથી. આવા દુર્ગમ ડુંગરો પર માણસ જઈ શકે એમ ન હોવાથી ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા ડ્રોનની મદદથી વૃક્ષારોપણ અભિયાન પુરજોશમાં હાથ ધરાયું છે અને ડુંગરોને વધુ લીલાછમ બનાવવા ડ્રોનથી એરિયલ સીડિંગ કરવામાં આવ્યું છે. જે ડુંગર પર માણસો પહોંચી શકતા નથી ત્યાં ડ્રોન પહોંચ્યું છે અને ડ્રોન ટેક્નૉલૉજીના ઉપયોગથી પ્રકૃતિના વરદાન સમા ડુંગરો પર સીડ્સ બૉલના વાવેતરથી વધુ નવપલ્લવિત કરવાનો નવતર પ્રયોગ ગુજરાતમાં પહેલી વાર હાથ ધરાયો છે.
ADVERTISEMENT
ગુજરાતના બનાસકાંઠામાં અંબાજીના ડુંગર, પંચમહાલમાં પાવાગઢના ડુંગર, ડાંગમાં સુબીર, શિંગાણા સહિતની રેન્જમાં આવેલા ડુંગરો ઉપરાંત કચ્છ સહિત જુદા-જુદા જિલ્લાઓમાં આવેલા ડુંગરો પર જ્યાં કોઈ માણસ પહોંચી શકતો નથી એવા દુર્ગમ ડુંગરોને હરિયાળા બનાવવા માટે ચોમાસાની આ મોસમની શરૂઆતમાં જ ડ્રોનની મદદથી ખાખરો, ગરમાળો, કરંજ, કણજી, કડાયો, કરમદા, દેશી બાવળ, વાંસ, બોર, સીતાફળ, ખાટી આંબલી સહિતનાં અલગ-અલગ વૃક્ષોની જાતોનાં સીડ્સ બૉલ બનાવી વાવેતર કરાયું છે. ગુજરાતના ડુંગરો પર ડ્રોન ટેક્નૉલૉજીની મદદથી અંદાજે ૧૦૦૦ હેક્ટરમાં વાવેતર કરાયું છે ત્યારે આવો જાણીએ એની રસપ્રદ બાબતો.
જ્યાં આદ્યશક્તિનો વાસ છે અને ૫૧ શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે એ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીની પવિત્ર અને આધ્યાત્મિક ભૂમિ પર અરવલ્લીના ડુંગરો પર ડ્રોન ટેક્નૉલૉજીની મદદથી સીડિંગ બૉલ નાખીને વાવેતર કરાયું છે. તાજેતરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અંબાજી તથા એની આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં જ્યાં કુદરતી રીતે બીજ નથી પહોંચતાં અને ધીરે-ધીરે વનસ્પતિનું આવરણ ઓછુ થતું જાય છે એવા ૧૦૦થી ૨૦૦ હેક્ટર વિસ્તારમાં ડ્રોન ટેક્નૉલૉજીની મદદથી સીડ બૉલ અને સીડ વાવેતરનો પ્રારંભ કરાવ્યો હતો. અંબાજીના ડુંગરો પર ડ્રોનની મદદથી થયેલા વાવેતર વિશે વાત કરતાં બનાસકાંઠા જિલ્લાના વન વિભાગના ડીસીએફ પરેશ ચૌધરી કહે છે કે ‘પહેલી વાર ડ્રોનની મદદથી બનાસકાંઠામાં અંબાજી અને આસપાસના ડુંગરો પર સીડનું વાવેતર કરીને ૧૦૦ હેક્ટર વિસ્તાર કવર કર્યો છે. અમે બે રીતે ડ્રોનની મદદથી બીજ રોપ્યાં છે, જેમાં એક તો સીડ બૉલ બનાવીને અને બીજું સીધાં જ બીજ નાખીને વાવેતર કર્યું છે. અમે પ્રતિ હેક્ટર એક હજાર જેટલાં સીડ બૉલ નાખ્યાં છે, જ્યારે સીડ બૉલ બનાવ્યા વગરનાં ૧૫થી ૨૦ કિલો સીડ નાખ્યાં છે. એક હેક્ટરમાં ડ્રોનની ત્રણ ઉડાનમાં અમે સીડ બૉલ નાખ્યા હતા. આ રીતે અંદાજે સાડાત્રણસો જેટલી ઉડાન ડ્રોનની થઈ હતી. આ ઉપરાંત સીડ ડિસ્પોઝલ માટે ડ્રોનની ઉડાન અલગ હતી. ડ્રોનમાં ટૅન્ક ભરાવીને એમાં પાંચ કિલો સીડ નાખીને એક ઉડાન સીડ બૉલની અને બીજી સીડ બૉલ વગરના સીડની ઉડાન કરાવીને ડુંગરો પર વાવેતર કરવામાં આવ્યું છે.’
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અંબાજીના ડુંગર પર ડ્રોનની મદદથી સીડ્સ બૉલથી વાવેતરનો પ્રારંભ કરાવ્યો.
આની પાછળનો હેતુ સ્પષ્ટ કરતાં તેમણે વધુમાં કહ્યું હતું કે ‘આની પાછળનો હેતુ એ હતો કે સામાન્ય રીતે આપણે ખાડા ખોદીને રોપાથી વાવેતર કરીએ છીએ, પરંતુ ડુંગરો પર ઘણી જગ્યાએ પથરાળ એરિયા હોય તો ત્યાં માણસ જઈ શકતા નથી. જ્યાં સુધી પગદંડી કે પગકેડી હોય તો માણસ જઈ શકે છે, પણ એવું કંઈ ન હોય તો માણસ જઈ શકતા નથી, પણ આવી જગ્યાએ ડ્રોન જઈ શકે છે અને ડ્રોનની મદદથી વાવેતર કરી શકાય છે. આવા પથરાળ ડુંગરો પર સારાં સીડ નાખો તો કુદરતી રીતે સીડ પોતાની મેળે ઊગી નીકળતાં હોય છે. એટલે ડુંગરાળ વિસ્તારોમાં ડ્રોનની મદદથી ખાખરો, ગરમાળો, બોર, ખેર, કણજી સહિતનાં સીડ નાખીને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આંબ કરવાથી આગામી સમયમાં ડુંગરો પર વૃક્ષો ઊગશે અને લીલોતરી છવાતી જશે.’
ડાંગ નૉર્થમાં ડ્રોનની મદદથી સીડનું વાવેતર કરવા માટેની તૈયારી.
કાળકા મા જ્યાં હાજરાહજૂર છે એ પાવાગઢ ડુંગર પર આવેલા કાળકા માના મંદિર પર ધ્વજા ચડાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય પહેલાં આવ્યા હતા. એ સમયે તેમણે એક ટકોર કરી હતી અને એ ટકોર બાદ ત્યાં હરિયાળી થઈ છે. એટલું જ નહીં, પાવાગઢના ડુંગરની આસપાસના ડુંગરો પર ગોધરા વન વિભાગે ડ્રોનની મદદથી એરિયલ સીડિંગ કરીને પાવાગઢની આસપાસના ડુંગરોને વધુ રળિયામણા બનાવવાની પહેલ કરી છે. આ મુદ્દે હાલોલ રેન્જ ફૉરેસ્ટ ઑફિસર સતીશ બારિયા કહે છે, ‘પાવાગઢમાં પ્રથમ વાર ડુંગર પર ડ્રોનની મદદથી સીડિંગ થયું છે. આવું કરવા પાછળનું કારણ એ છે કે પાવાગઢના અમુક ડુંગર એવા છે કે ત્યાં વૃક્ષો ઉછેરવા માટે માણસ નથી જઈ શકતા એટલે ડ્રોનની મદદથી બીજનો છંટકાવ કર્યો છે, જેથી બોડા ડુંગર હરિયાળા બને. ઍક્ચ્યુઅલી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાવાગઢ મંદિરે ધ્વજા ચડાવવા આવ્યા હતા એ સમયે તેમણે કહ્યું હતું કે ‘બોડા ડુંગર દેખાય છે એમાં વૃક્ષાચ્છાદિત કરવા માટે પ્રયત્ન કરો.’ આંબ કહીને તેમણે વન વિભાગનું ધ્યાન દોર્યું અને મંડળી સાથે વન વિભાગે કામગીરી શરૂ કરી હતી. પાવાગઢના ડુંગરો પર અંદાજે ૪૦ હેક્ટર વિસ્તારમાં તેમ જ માંચીની તળેટીમાં ૫૫૦ કિલો જેટલાં સીડ બૉલનો છંટકાવ કર્યો છે. અહીં ખાટી આંબલી, ગોરસ આંબલી, ખાખરો, ખેર, ગરમાળો, આંબળા, કરમદા, વાંસ, દેશી બાવળ, કણજ જેવાં વૃક્ષોનાં બીજના બૉલ બનાવીને ડ્રોનની મદદથી ડુંગરો પર નાખવામાં આવ્યા છે. દુર્ગમ ડુંગરો પર જ્યાં વ્યક્તિ નથી પહોંચી શકતી ત્યાં વૃક્ષઉછેર માટે ડ્રોન સિસ્ટમ ટેક્નૉલૉજી ઉપયોગી બની છે.’
ચોમાસાની આ ઋતુમાં ભરપૂર માત્રામાં વરસાદ પડતાં ડાંગમાં તો ડુંગરોએ લીલી ચાદર ઓઢી લીધી છે. આંબ પણ ડાંગ એની લીલોતરી માટે જાણીતો છે. પ્રકૃતિએ અહીં ખોબલે-ખોબલે અખૂટ સૌંદર્ય વેર્યું છે અને સહેલાણીઓ એને માણવા માટે રોજેરોજ આવી રહ્યા છે ત્યારે ડાંગમાં પણ ડુંગરો પર ડ્રોન સિસ્ટમથી સીડ્સ નાખીને એટલા માટે વાવેતર કરવામાં આવી રહ્યું છે, કેમ કે અહીં વન વિસ્તારની ગીચતા વધારવી છે ત્યારે સહ્યાદ્રિની ગિરિમાળાઓમાં આવેલા પૂર્ણા અભયારણ્ય વન વિસ્તારમાં આવેલા ડુંગરો પર સિડ્સ બૉલથી વાવેતર કરીને વનમાં ગીચતા કરવા વિશે વાત કરતાં ડાંગ નૉર્થના ડીસીએફ દિનેશ રબારી કહે છે, ‘ડાંગમાં નૉર્થ અને સાઉથ એમ બન્ને વિસ્તારમાં ડ્રોનની મદદથી સીડિંગ થયું છે. ડાંગમાં ફૉરેસ્ટ સારું છે, પણ ઘણી જગ્યાએ પહાડી વિસ્તારોમાં વાવેતર ઓછું હોય અને ત્યાં માણસો જઈ શકે એમ ન હોય ત્યાં ડ્રોનની મદદથી સીડ્સ નાખીને વાવેતરનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઍક્ચ્યુઅલી ડુંગર પર જે જગ્યા ઇનએક્સેસેબલ હોય, પણ ત્યાં જમીન સારી હોય તો ત્યાં સીડ નાખીએ તો ગ્રોથ થાય. ગ્રીન કવર મૅક્સિમમ વધે એવો પ્રયાસ છે. આ એક ઇનોવેટિવ અપ્રોચ છે, જેના દ્વારા વૃક્ષો વધે એવો પ્રયત્ન થયો છે. આ નવી ડ્રોન ટેક્નૉલૉજીનો એક્સ્પીરિયન્સ કરવો જોઈએ, જેથી ખબર પડે અને કદાચ રિઝલ્ટ સારું મળી જાય.’
નૉર્થ ડાંગમાં સુબીર, શિંગણા, પીપલાઈદેવી અને લવચાલી રેન્જમાં આવેલા ડુંગરો પર ડ્રોનની મદદથી ૪૦ હેક્ટરમાં બહેડા, ખાટી આંબલી, કરંજ, સેવન, કુસુમ, સીતાફળ, કાંટસ બામ્બુ અને કડાયો જેવાં વૃક્ષોનાં બીજનું વાવેતર કરાયું છે.
પાવાગઢના ડુંગર પર નવપલ્લવિત થયું નવલખી તળાવ
પાવાગઢના ડુંગર પર ૮૦૦ મીટરની હાઇટ પર વન વિભાગના સંનિષ્ઠ પ્રયાસને પગલે નવલખી તળાવ નવપલ્લવિત થયું છે, જેને કારણે પહાડ પરનાં વૃક્ષોને ભેજ મળવા સાથે ડુંગર પર જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ માટે પીવાના પાણીનો પ્રબંધ થયો છે.
હાલોલના રેન્જ ફૉરેસ્ટ ઑફિસર સતીશ બારિયા કહે છે, ‘વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી મંદિરે ધ્વજા ચડાવવા આવ્યા હતા એ વખતે મંદિરની પાછળના ભાગે નવલખી કોઠાર સાડાઆઠસો મીટરની હાઇટ પર છે ત્યાં તળાવ બનાવ્યું હતું અને રોપા વાવ્યા હતા. આ જગ્યાએ પહેલાં ૧૨થી ૧૫ મીટરનો સિમેન્ટનો પાળો હતો અને અહીં ૧૦થી ૧૫ હેક્ટર જેટલી વિશાળ જગ્યા હતી, પણ એમાં માટી ભરાઈ ગઈ હતી એટલે વરસાદ પડે તો પાણી નીકળી જતું હતું. આ વરસાદનું પાણી વહી ન જાય એ માટે વિચાર કરીને ત્યાં તળાવ બનાવ્યું, જેથી ત્યાં વરસાદનું પાણી ભેગું થઈ શકે. આ જગ્યાએ ૧૧૦ મીટરનો પાળો બનાવીને સવાચાર મીટર તળાવ ઊંડું કર્યું છે, જેથી એમાં બેથી અઢી લાખ ક્યુસેક પાણીનો સંગ્રહ થઈ શકે. આજે આ તળાવ ફુલ ભરાયેલું છે અને છોડવા રોપ્યા હતા એ મોટા થઈ ગયા છે.’
પાવાગઢમાં હવે ત્રણ તળાવની વાત કરતાં તેઓ કહે છે, ‘આ તળાવ મંદિરથી નીચેના ભાગમાં આવેલું છે. પાવાગઢમાં છાસિયા અને દૂધિયા તળાવ છે અને હવે વધુ એક તળાવ ઉમેરાયું છે. આ તળાવથી વૃક્ષોને ભેજ મળી રહ્યો છે. લેપર્ડ, શાહુડી, જરખ, જંગલી બિલાડી જેવાં પ્રાણીઓ તેમ જ સરિસૃપનાં પ્રાણીઓ અને પક્ષીઓને પીવા માટે પાણી મળી રહ્યું છે.’
ગુજરાતના બનાસકાંઠામાં અંબાજીના ડુંગરો, પંચમહાલમાં પાવાગઢના ડુંગરો, ડાંગમાં સુબીર, શિંગાણાની રેન્જ તેમ જ કચ્છમાં આવેલા ડુંગરો પર જ્યાં કોઈ માણસ પહોંચી શકતો નથી એવા દુર્ગમ ડુંગરોને હરિયાળા બનાવવા માટે ચોમાસાની આ મોસમની શરૂઆતમાં જ વન વિભાગ દ્વારા ડ્રોનની મદદથી ખાખરો, ગરમાળો, કરંજ, કણજી, કડાયો, કરમદા, દેશી બાવળ, વાંસ, બોર, સીતાફળ, ખાટી આંબલીનાં બીજના બૉલ્સ બનાવીને ડ્રોનથી વેર્યા છે.
ડુંગરો પર ઘણી જગ્યાએ પથરાળ એરિયા હોય તો ત્યાં માણસ જઈ શકતા નથી. જ્યાં સુધી પગદંડી કે પગકેડી હોય તો માણસ જઈ શકે છે, પણ એવું કંઈ ન હોય તો માણસ જઈ શકતા નથી, પણ આવી જગ્યાએ ડ્રોન જઈ શકે છે અને ડ્રોનની મદદથી વાવેતર કરી શકાય છે. આવા પથરાળ ડુંગરો પર સારાં સીડ નાખો તો કુદરતી રીતે સીડ પોતાની મેળે ઊગી નીકળતાં હોય છે.
- પરેશ ચૌધરી
ઍક્ચ્યુઅલી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાવાગઢ મંદિરે ધ્વજા ચડાવવા આવ્યા હતા એ સમયે તેમણે કહ્યું હતું કે ‘બોડા ડુંગર દેખાય છે એમાં વૃક્ષાચ્છાદિત કરવા માટે પ્રયત્ન કરો.’ આંબ કહીને તેમણે વન વિભાગનું ધ્યાન દોર્યું અને મંડળી સાથે વન વિભાગે કામગીરી શરૂ કરી હતી.
-સતીશ બારિયા

